અમેરિકનો પણ પ્રદૂષણના મોટા ઉત્સર્જક

સૌથી વધુ પ્રદૂષણની વાત અને પર્યાવરણને બચાવવાની વાત અમેરિકા કરે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સરેરાશ અમેરિકી વ્યક્તિ વર્ષે 18 ટકા કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્સર્જન કરે છે. જો તમારા કોઈ મિત્રો અમેરિકામાં રહેતા હોય અને ભારતના પ્રદૂષણ વિશે તમને સલાહ આપતા હો અથવા ભારતમાં આવીને પ્રદૂષણની વાત કરતા હોય તો તમે તેમને આ વાત કરી તેમનું મોઢું બંધ કરાવી શકો છો.તમે તેમને કેટલીક સલાહો પણ આપી શકો છો કે તેઓ પોતાની રીતે પર્યાવરણને બચાવવા શું કરી શકે છે. આ સલાહો તમને આ લેખમાંથી મળી રહેશે.

સૌથી પહેલાં તો ટ્રાન્સ્પૉર્ટેશનની વાત. સરેરાશ અમેરિકનના કાર્બન ડાયૉક્સાઇડના ઉત્સર્જનમાં 28 ટકા હિસ્સો ટ્રાન્સપૉર્ટેશન રોકે છે. જો એક વ્યક્તિ દરરોજ કામ કરવા 30 માઇલ રાઉન્ડ ટ્રિપ કરે તો તે વર્ષે 7,800 માઇલ ડ્રાઇવ કરે છે. આથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો સરળ રસ્તો એ છે કે અમેરિકી લોકો સારા ગેસ માઇલેજ વાળી કાર પસંદ કરે. તેનાથી તે કારના આયુષ્યમાં અંદાજે 4,500 ગેલન ગેસ બચાવી શકશે. જો તે પ્રતિ ગેલન 20 માઇલ જતી કારના બદલે 40 માઇલ પ્રતિ ગેલન જતી કાર પસંદ કરે અને જો તે સરેરાશ માત્રામાં ડ્રાઇવ કરે તો તે વર્ષે 4 ટન કાર્બન ડાયૉક્સાઇડ ઉત્સર્જિત થતો બચાવશે.

84 માઇલની રેન્જવાળી ઇલેક્ટ્રિક કાર ચલાવવાથી આ જ કદની ગેસથી ચાલતી કારની સરખામણીમાં ઉત્સર્જનમાં 50 ટકા ઘટાડો થાય છે તેમ વૈજ્ઞાનિકો કહે છે.

આ ઉપરાંત ઘરમાં હિટિંગ અને કૂલિંગનાં ઉપકરણો સરેરાશ 17 ટકા ઉત્સર્જન કરે છે.

પ્રૉગ્રામેબલ થર્મોસ્ટેટ વાપરવાથી વ્યક્તિ 15 ટકા બચાવી શકે છે તેમ વરિષ્ઠ એનર્જી એનાલિસ્ટ જૉન રૉજર્સનું કહેવું છે. તમે પ્રૉગ્રામ કરો, સેટ કરો અને ભૂલી જાવ. તમે જો તેને ચાલુ ને ચાલુ રાખો તે કરતાં આ રીતે કરશો તો ઘણું બધું ઉત્સર્જન અટકાવી શકશો. પ્રૉગ્રામેબલ થર્મોસ્ટેટથી વર્ષે સરેરાશ 180 ડૉલરની બચત થઈ શકે છે.હવા લીક થતી હોય તો તેનાથી પણ છૂટકારો મેળવવો પડે. દરવાજા, બારી અને દીવાલ આસપાસ તિરાડો કે છિદ્રો હોય જેમાંથી હવા લીક થતી હોય તો તેને સીલ કરી દેવી જોઈએ. તેનાથી હીટિંગ કે કૂલિંગની ઊર્જાના નુકસાનમાં 15થી 25 ટકા બચત થશે અને વર્ષે 275 ડૉલર જેટલી બચત પણ થશે. રૉજર્સ કહે છે કે આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી દરેક વ્યક્તિ કાર્બન ઉત્સર્જન પર ઘણી નોંધપાત્ર અસર સર્જી શકે છે. આપણી ગુજરાતીમાં પણ કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય.

આ ઉપરાંત સ્વચ્છ, પુનઃપ્રાપ્ય ઊર્જાનો સ્રોત, પૃથ્વીમાંથી ઉત્પન્ન થતો અને સંગ્રહિત થતો તેવા જીયોથર્મલ એનર્જી તરફ વળવાથી પણ એક વ્યક્તિ એનર્જીના ખર્ચમાં 70 ટકા બચાવી શકે છે. તેનાથી ઇલેક્ટ્રિક બિલમાં 200 અથવા 300 ડૉલરનો ઘટાડો કરી શકાય છે.

જીયોથર્મલ પાવર ઘરને ગરમ કરવા અથવા ઠંડું કરવા પૃથ્વીની અંદર સતત (કન્સિસ્ટન્ટ) તાપમાન વાપરે છે જે પરંપરાગત HVAC પ્રણાલિ કરતાં વધુ અસરકારક, પોષણક્ષમ અને લાંબું ચાલનારી છે.

અમેરિકાના જ્યૉર્જિયામાં ફાયેટ્ટેવિલેનો શહેરી સમાજ પહેલો પૂર્ણ રીતે જીયોથર્મલ એનર્જી વાપરનાર કમ્યૂનિટી બની ગયો છે. તેમાં દરેક ઘરમાં પરંપરાગત HVAC પ્રણાલિના બદલે જીયોથર્મલ હીટ પમ્પથી સજ્જ થશે.

HVAC  ઘરમાં ઊર્જાનો સૌથી વપરાશ કરતું હોય તો તેના બદલે હવે જીયોથર્મલ એનર્જી પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે, તેમ નિષ્ણાતો માને છે. પીનવૂડ ફૉરેસ્ટના પ્રમુખ રોબ પાર્કર કહે છે કે જીયોથર્મલ એનર્જી HVACનો જવાબ છે. પૃથ્વી અને ઊર્જા જે તેમાંથી આવે છે તેનો ઉપયોગ કરીને તમારા ઘરને ઠંડું કરવું નોંધપાત્ર છે. જ્યારે પરંપરાગત પ્રણાલિ માત્ર 12 વર્ષ જ ચાલે છે ત્યારે જીયોથર્મલ પાવર 50 વર્ષ કરતાં વધુ ટકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]