પાલનપુર (બનાસકાંઠા) – એહમદ પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવા માટે કોંગ્રેસને વોટ આપવાની મુસ્લિમોને અપીલ કરતા પોસ્ટરો ગુજરાતના અનેક ભાગોમાં તાજેતરમાં દેખાયા હતા. એનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં ચૂંટણી સભામાં એમના સંબોધનમાં કર્યો હતો.
મોદીએ કહ્યું કે પાકિસ્તાનનું લશ્કરી ગુપ્તચર તંત્ર એહમદ પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવા ઈચ્છે છે.
પીએમ મોદીએ ચૂંટણી રેલીમાં વધુમાં કહ્યું હતું કે, ગુજરાતનું અપમાન કરનાર મણિશંકર ઐયરે પોતાના ઘેર પાકિસ્તાનની નેતાઓ સાથે ગુપ્ત બેઠકો યોજી હતી. એનું કારણ શું હતું? શા માટે પાકિસ્તાનમાં લશ્કરી-ગુપ્તચર તંત્રમાં અગાઉ ઊંચા હોદ્દાઓ પર બેઠેલા કેટલાક લોકોએ એવું નક્કી કર્યું કે એહમદ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બને એ માટે આપણે મદદ કરવી જોઈએ?
એહમદ પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવવા માટે પાકિસ્તાનના લશ્કરના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ સરદાર અર્શદ રફીકે કથિતપણે કરેલી અપીલ વિશે વડાપ્રધાન મોદીએ સવાલ ઉઠાવ્યો છે. એમણે કહ્યું કે, મણિશંકર ઐયર ટોચના કોંગ્રેસી નેતાઓની સાથે પાકિસ્તાની નેતાઓને મળ્યા હતા અને એના બીજા દિવસે એમણે મને નીચ કહ્યો હતો.
પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે એવો આક્ષેપ કરીને પીએમ મોદીએ પાકિસ્તાનના નેતાઓને તાજેતરમાં મળેલા કોંગ્રેસના ટોચના નેતાઓ પાસેથી ખુલાસો માગ્યો છે.
એહમદ પટેલને લગતા પોસ્ટરો સુરતમાં કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં જોવા મળ્યા હતા.
ગુજરાતીમાં લખવામાં આવેલા પોસ્ટરોમાં મુસ્લિમોને અપીલ કરવામાં આવી હતી કે કોંગ્રેસના રાજ્યસભામાંના સદસ્ય એહમદ પટેલને ગુજરાતના ‘વઝીર-એ-આઝમ’ બનાવવા માટે તેઓ ટેકો આપે. પટેલ કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર પણ છે.
એહમદ પટેલનો રદિયો
દરમિયાન, એહમદ પટેલે એવો આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓ વિધાનસભાની ચૂંટણીમાં હારી જવાનો ભાજપનો ડર બતાવે છે. એ લોકોને (ભાજપને) ખબર છે કે ચૂંટણીમાં હાર થવાની છે. હું ક્યારેય સીએમ પદ માટે ઉમેદવાર હતો નહીં અને ક્યારેય બનીશ પણ નહીં.
ગુજરાતમાં બે તબક્કે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. પહેલા તબક્કામાં 9 ડિસેમ્બરે મતદાન સંપન્ન થઈ ગયું છે. હવે 14મીએ બીજા ચરણનું મતદાન થશે. પરિણામ 18 ડિસેમ્બરે જાહેર કરાશે.