સપના જોવા માટે કોઈ ઉંમર નથી હોતી એ વાત વિભાબેનને કોઈએ સમજાવી તો નહોતી પરંતુ તેમના જીવનમાં એ કોઈક કારણસર એવી તો ઘૂંટાઈ ગઈ હતી કે તેઓ પંચાવનની ઉંમરે પણ વાસ્તવિકતા કરતા વધારે સપનામાં જીવતા. છ વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થયું ત્યારે વિભાબેન ખૂબ દુઃખી થયેલા. આડોશ પાડોશના લોકોથી પણ વિભાબેનની તકલીફ જોવાતી નહોતી. તેમના પુત્ર અને પુત્રવધુએ ખૂબ સમજાવીને તેમને શોકમાંથી બહાર કાઢેલા. પરંતુ એ શોકનો અંતરાલ પાર થયા પછી તો વિભાબેન એવા બદલાયા કે લોકો તેમને ઓળખી જ ન શકે.
પચાસની પાકી વયે તેઓએ ફિટનેસ સેન્ટર જોઈન કર્યું અને રોજ નિયમિત રીતે ત્યાં ટ્રેનિંગ કરે તેમ જ ટ્રેઈનર દ્વારા અપાયેલી ડાયટને બરાબર ફોલો પણ કરે. બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થવું તો સામાન્ય લોકોના જીવનમાં હોય પરંતુ વિભાબેને તો પોતાના માટે એક ડિઝાઇનર અને બ્યુટીશિયન પણ નક્કી કરી લીધી. એ ડિઝાઇનર અને બ્યુટીશિયન સાથે તેઓ અઠવાડિયે દશ દિવસે ખાસ્સો એવો સમય વિતાવે. એકાદ વર્ષમાં તો વિભાબેનના ચાલ અને દેખાવ બધું જ બદલાઈ ગયું અને મધ્યમ વર્ગની ગૃહિણીમાંથી વિભાબેન મોર્ડન સોસાયટીના આધુનિક મહિલા બની ગયા.
તેમની આ નવી લાઇફસ્ટાઇલ તો ઉડીને લોકોની આંખે વળગવા લાગી પરંતુ વિભાબેન તો ન પોતાના પુત્ર કે પુત્રવધુની વાત પર ધ્યાન દે કે ન કોઈ બીજા ઓળખાણ પિછાણ વાળાની. તેમને તો જાણે નવા જીવનની ચાવી મળી ગઈ હોય તેમ તેઓ દિવસે દિવસે વધારે મોડર્ન, વધારે ફેશનેબલ અને વધારે ખુશ રહેવા લાગ્યા. છેલ્લા ચારેક વર્ષથી વિભાબેનના વિચારો વધારે બદલાયા હતા અને તેઓ પોતાની જ દુનિયામાં મસ્ત રહેવા લાગ્યા હતા. પુત્ર અને પુત્રવધુના પરિવાર અંગે, ઘર અંગે કે મહોલ્લાના લોકો અંગે હવે તેઓ વધારે વાતચીત ન કરતા પરંતુ નવા ખરીદેલા લેપટોપમાં વધારે સમય વિતાવતા. તેમણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા શીખી લીધેલું એટલે હવે તેમનો સમય ઈન્ટરનેટ પર જતો.
થોડા દિવસ પછી વિભાબેન ઘરેથી તૈયાર થઈને સવારે નીકળી જાય તો બપોર પછી મોડેથી પાછા આવે તેવું થવા લાગ્યું. તેઓ ક્યાં જાય છે તેની કોઈને ખબર નહોતી અને કોઈએ પૂછ્યું પણ નહિ. આવું થોડા દિવસ ચાલ્યું એટલે મહોલ્લામાં થતી વાતો વિભાબેનની પુત્રવધુના કાને પડી. કોઈએ તો કહ્યું કે વિભાબેનને કોઈ તેમની ઉંમરના પુરુષ ગાડીથી છોડવા પણ ક્યારેક ક્યારેક આવે છે. તે વાત પણ લોકો અલગ અલગ રીતે મૂલવવા લાગ્યા. મહોલ્લામાં થતી વાતોથી વ્યાકુળ થઈને પુત્રવધૂએ પોતાના પતિને આ વાતની જાણ કરી. પુત્રને પહેલા તો ગુસ્સો આવ્યો પોતાની મમ્મી પર પરંતુ મમ્મી સાથે વાત કેવી રીતે કરવી તે સમજાયું નહિ. શું તેને સીધા જઈને પ્રશ્ન પૂછવો કે આ બધું શું માંડ્યું છે? ક્યાં જાય છે અવારનવાર અને કેમ મોડે પાછા આવે છે? અને તેમને જે વ્યક્તિ છોડવા આવે છે તે કોણ છે? આવી મૂંઝવણ તેમના પુત્રના મનમાં સળવળી રહી હતી અને તેને ઉકેલ મળતો નહોતો કે આ ગુત્થી કેવી રીતે ઉકેલવી.
થોડા દિવસ ગયા. પુત્રની અને પુત્રવધુની અકળામણ વધતી ગઈ. મહોલ્લામાં થતી વાતોએ વધારે વેગ પકડ્યો અને હવે તો અલગ અલગ પ્રકારની અટકળો થવા લાગી. કેટલાક બેબુનિયાદ આક્ષેપ થવા લાગ્યા. ધીમે ધીમે આ વાતો બાદનામીનું રૂપ લેવા લાગી હતી. હવે પુત્રથી ન રહેવાયું અને એને નિર્ણય કર્યો કે આજે તો તે પોતાના મમ્મીને સામે બેસાડીને બધી વાત સાફ સાફ કરી લેશે. તે પોતાના મમ્મીની રાહ જોતો આતુરતાથી બેઠો હતો. તેની પત્ની પણ ઘરે જ હતી અને તેને ચિંતા હતી કે વાત ક્યાંક બગડી ન જાય. ચારેક વાગ્યા તો વિભાબેન ઘરમાં પ્રવેશ્યા.
‘મમ્મી, ક્યાં ગઈ હતી?’ પુત્રએ સ્પષ્ટ સવાલ કર્યો.
‘બહાર ગઈ હતી બેટા. કેમ?’ વિભાબેને જવાબ આપ્યો. ઘણા સમયથી તેઓ આવા જ જવાબ આપતા હતા.
‘બહાર એટલે ક્યાં?’
‘કોઈ કામથી ગઈ હતી. શું થયું?’
‘થયું શું છે તે તો તારે જ કહેવાનું છે. તને ખબર છે બધા લોકો તારા વિષે શું શું વાતો કરે છે? હવે અમારાથી સંભળાતું નથી. તને શું લાગે છે કે તું જે કરે છે તે કોઈને ખબર નથી? સૌ કોઈ તારી પ્રવૃતિઓ પર નજર નથી રાખતા?’ પુત્ર એકસાથે ઘણું બોલી ગયો.
‘ઓહ તેમને ખબર પડી ગઈ? ચાલો સારું થયું. તેઓ ખુશ જ થશે તેવો મને વિશ્વાસ છે.’ વિભાબેને કહ્યું.
‘શેના માટે ખુશ થશે?’ પુત્રએ આશ્ચર્યથી પૂછ્યું.
‘હું જે કરી રહી છું તેના માટે. તેમને તો ખબર પડી જ ગઈ છે ને?’
‘શું કરી રહી છે તું? સ્પષ્ટ બોલ ને. મને તો ખબર નથી ને.’
‘તું તો કહે છે કે સૌને ખબર પડી ગઈ છે. સૌને દેખાય છે વગેરે વગેરે.’
‘મમ્મી, સૌને દેખાય છે મતલબ સૌ પોતપોતાના અનુમાન લગાવે છે. તું પ્લીઝ સ્પષ્ટ વાત કર.’
‘અરે બેટા હું એક બિઝનેસ શરુ કરી રહી છું અને તેમાં વિચારું છું કે મહોલ્લાની મહિલાઓને પણ પાર્ટટાઈમ કામ આપું. એક વ્યક્તિ સાથે ઓળખાણ થઇ છે તેની સાથે ઘણા સમયથી હું કામ સમજી રહી છું. તેઓ પોતાનો બિઝનેસ વેચીને અમેરિકા શિફ્ટ થઇ રહ્યા છે તો હું ખરીદું તે પહેલા કામ શીખવા માટે હું તેમની પાસે જતી હોઉં છું. ક્યારેક ક્યારેક તો મને ડ્રોપ પણ કરી જાય છે. હવે ડીલ અલમોસ્ટ ફાઇનલ થઇ ગઈ છે.’ વિભાબેને વિસ્તારથી કહ્યું.
‘શું? તું આ ઉંમરે બિઝનેસ સમજવા અને કામ શીખવા બહાર જતી હતી?’ પુત્રએ આશ્ચર્યથી પૂછ્યું.
‘હા. મેં ઈન્ટરનેટ પર ઘણી રિસર્ચ કરી અને પછી મને ફાવે તેવું કોઈ કામ શોધ્યું. લકીલી મને તે પ્રકારનો બિઝનેસ પણ મળી ગયો. ઓનલાઇન એડ્વર્ટાઇઝ હતી બિઝનેસ સેલ માટે.’ વિભાબેને સમજાવ્યું.
પુત્ર અને પુત્રવધૂને હવે સમજાયું વિભાબેનના સપનાની ઊંડાઈ અને તીવ્રતા ઉંમર સાથે વધતા જતા હતા. તેઓ પોતાનો સમય ઈન્ટરનેટ પર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યિલ મીડિયા પર નહિ પરંતુ કૈંક શીખવા માટે અલગ અલગ વેબસાઈટ પર વિતાવતા હતા જેની જાણ તેઓને કે અન્ય લોકોને નહોતી. તેમને એ વાતનો અહેસાસ થયો કે જયારે કોઈ વ્યક્તિ વિષે આપણે વગર જાણ્યે અનુમાન બનાવી લઈએ છીએ ત્યારે તેના અંગે સચ્ચાઈ જાણવાની કોશિશ જ નથી કરતા. તેવું જ લોકોના મનમાં વિભાબેન અંગે થવા લાગેલું. તેમને ફેશનેબલ જાણીને લોકો એવું માનવા લાગેલા કે આ ઉંમરે હવે વિભાબેન છકી ગયા છે, સોશિયલ મીડિયા અને ફેશનને કારણે તેમનું મગજ બહેર મારી ગયું છે અને તેઓ પોતાની ઉમર અને સામાજિક રીતરિવાજ ભૂલીને અલગ દુનિયામાં જીવવા લાગ્યા છે. જો કે વિભાબેન અલગ દુનિયામાં તો જીવવા લાગેલા પરંતુ એ દુનિયા કઈ હતી તેની કોઈને જાણ નહોતી. તેઓ તો માત્ર અનુમાનના આધારે સચ્ચાઈ નક્કી કરી લેવા તૈયાર બેઠા હતા. વિભાબેન આ વાતથી અજાણ હતા અને એટલે તેઓ પોતાની જિંદગીમાં મશગુલ હતા. તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે લોકો તેમના બદલાયેલા સ્વભાવને કેવી રીતે મૂલવી રહ્યા છે.
આ વાત જાણીને વિભાબેનના પુત્ર અને પુત્રવધૂને ખુબ અફસોસ થયો કે તેઓ લોકોની વાતોમાં આવીને પોતાની મમ્મી માટે કેવું કેવું વિચારી બેઠેલા. તેઓ મોડર્ન થયા પરંતુ તેને પરિણામે તેમના વિચારો સારી દિશામાં જ વળ્યાં હતા અને તેમના સપના વધારે જ ઊંચા થયા હતા.
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)