માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે..પરંતુ આપણે ક્યારેય પિતાને સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરી? તો કે ના કદી નહી, પિતાને આપણે ક્યારેય નથી સમજી શક્યા. ઘરનાં મોભી એવા પિતાનું કેટલુક મહત્વ હોવા છતાં પણ આપણે ક્યારેય એમનુ મહત્વ નથી સમજી શકતા.. કોઇપણ સારી વસ્તુને માતાની ઉપમા આપવામાં આવે છે પરંતુ પિતાને ક્યારેય નથી અપાતી. પણ તમે ક્યારેય વિચાર્યુ છે ખરી કે પિતાએ આપણા માટે કેટ કેટલુ કર્યુ છે. એકવાર તમે શાંતિથી બેસીને વિચારજો તમે નાના હતા ત્યારથી લઇને અત્યાર સુધી તમારા પિતાએ તમારી માટે શું કર્યુ છે તો એનુ તમે લિસ્ટ બનાવશો તો પણ પૂરુ નહી થાય.
કહેવાય છે કે પિતાની સૌથી નજીક એક દિકરી હોય છે. પોતાના સુખ દુખની બધી જ વાતો પિતા પોતાની દિકરીને કહે છે. અને જો પિતા દુખી હોય કે કોઇ ટેન્શનમાં હોય તો દિકરીને એમનુ મોઢું જોઇને જ ખબર પડી જતી હોય છે કે પિતાને આજે જરૂર કોઇ તકલીફ સતાવી રહી છે. પણ આજકાલની જનરેશનની વાત કરીએ તો યંગસ્ટર્સને પોતાના માંથી જ સમય નથી મળતો. પોતાનું કામ, ફ્રેન્ડ્સ, પાર્ટી, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ આ બધામાંથી ટાઇમ મળે તો માતા-પિતા પાસે જશે ને. તમને જ્યારે જે વસ્તુ જોઇએ, ત્યારે તમારા મા-બાપ એ પોતાના શોખ, પોતાની ઇચ્છા ભૂલીને તેમણે તમારી ઇચ્છા પૂરી કરી છે. તો હવે તમારો વારો આવ્યો છે કે તમે એમના માટે કંઇક કરો.
તમે જોબ કરો છો. કોલેજ જાવ છો, બિઝનેસ કરો છો, તો સામાન્ય વાત છે કે તમને દિવસે સમય નહી મળતો હોય. પરંતુ તમે સાંજે ઘરે પાછા આવો છો ત્યારે તમે મોબાઇલમાં ઓછો સમય વિતાવીને તમારા મા-બાપને સમય આપો. તમારા પિતા સાથે વાતચીત કરો, એમને પૂછો કે તમને કાંઇ તકલીફ તો નથી પડી રહી ને, કોઇ ટેન્શન તો નથી સતાવી રહ્યુ ને? તો એ તમારી સાથે બધી વાતો શેર કરશે તો એમનું મન પણ હળવુ થઇ જશે. તમારી માતા રસોડામાં કામ કરતી હોય ત્યારે કામનાં બહાને રસોડામાં જાવ એમની સાથે વાતો કરો. એમને કામમાં મદદ કરો તો એમને સારુ પણ લાગશે. અત્યારે ઘણીવાર એવુ થાય છે કે માતા-પિતા વાત કરતા હોય ત્યારે એમની વાતો સાંભળીને તમને ગુસ્સો આવી જતો હશે. પણ આપણે સમજવાનો પ્રયાસ કરવો જોઇએ કે એ કંઇ પણ કહેતા હશે એ એમના વિચારો પ્રમાણે કહેતા હશે.
તમારો જન્મ થતા જ કાંઇ પણ ખાધા પીધા વગર ભાગદોડ કરનારા, દવા લાવનારા, પૈસાની જોડતોડ કરનારા તમારા પિતા જ હોય છે. નાને થી લઇને અત્યાર સુધી તમારી દરેક ઇચ્છા પૂરી કરનારા તમારા પિતા હોય છે. પહોંચ હોય કે ન હોય પણ સારી કોલેજમાં એડમિશન અપાવી એંજીનિયરીંગ, મેડિકલમાં ભણાવનારા તમારા પિતા હોય છે. ખેંચ ભોગવીને હોસ્ટેલમાં નિયમિત પૈસા મોકલે છે. અને એ જ પૈસા આપણે પાર્ટીમાં વાપરી નાખીએ તો એ કેટલુ યોગ્ય? તમે જો નોટીસ કર્યુ હોય તો પિતાની જ્યારે તબિયત ખરાબ થાય ત્યારે એ તરત હોસ્પિટલ પણ નહી જાય. એમને માંદગીથી તો ડર નથી લાગતો પરંતુ જો ડૉક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો, એનાથી ડર લાગે છે.
જો તમે તમારા માતા-પિતા સાથે સમય ન વિતાવતા હોવ તો હવેથી તમારા ફ્રેન્ડ્સ સાથે થોડો ઓછો સમય વિતાવીને તમારા માતા-પિતા સાથે સમય વિતાવો. એમની સાથે વાતચીત કરો. એટલુ કરશો તો પણ તમારા માતા-પિતા એટલા ખુશ થઇ જશે કે તમને પણ મનમાં આનંદ થશે. તમારો દિવસ કેવો રહ્યો શું થયુ તમામ વાતો શેર કરો. તો તમારુ મન પણ હળવુ થઇ જશે. તમારી માતા તો મનમાં હશે એ કહી જ દેશે પણ તમારા પિતા તમામ વાતો આટલી જલદીથી નહી કહી શકે એટલે પિતા સાથે વધુ વાતચીત કરો અને તેમની સાથે મિત્રો જેવા સંબંધ બનાવો. અંતે દિકરી તો મા-બાપનો શ્વાસ છે તેને લીધા વગર પણ નથી ચાલતુ અને તેને છોડ્યા વગર પણ નથી ચાલતુ. દિકરી જગતના કોઇપણ ખૂણે જશે પણ માતા-પિતાના હ્રદયથી ક્યારેય દૂર નથી જતી.