અત્યારની તણાવભરી અને હેક્ટીક લાઇફમાં માણસ વાતવાત પર ગુસ્સે થઇ જાય છે. અને એમાં પણ એક સ્ત્રી જ્યારે એ ઓફિસ પણ સંભાળતી હોય અને ઘર પણ સંભાળતી હોય ત્યારે તે રીલેક્સ કરતા ટેન્શનમાં વધુ જોવા મળતી હોય છે અને એ ટેન્શન કોઇના પર ગુસ્સો બનીને નીકળે છે. કામ જરૂરી છે પણ તણાવ સાથે કામ કરશો તો કામની ગુણવત્તા બગડશે. કામની ગુણવત્તા તો બગડશે જ પણ સાથે સાથે તમારી હેલ્થને પણ નુક્શાન થશે. તેથી સૌથી મહત્વનું છે કે તમે ઘરની સાથે ઓફીસમાં પણ ધીરજ રાખીને કામ કરો. ઓફીસ એક એવી જગ્યા છે જ્યાં વ્યક્તિ ખૂબ જ વ્યસ્તતામાં સમય વિતાવે છે. ઓફીસનું વાતાવરણ ઘરના વાતાવરણથી તદ્દન વિરોધી હોય છે. અને આવા વાતાવરણમાં વ્યક્તિએ શિષ્ટાચાર સાથે કામ કરવુ પડતુ હોય છે. આવા સમયે કામ કરતી વખતે વ્યક્તિ તણાવમાં આવી જાય છે. કામ કરતા સમયે એવુ પણ થાય છે કે આપણે ધીરજ ખોઇ બેસીએ. ધીરજ ખોતા આપણે ગુમાવવાનું જ હોય છે મેળવતા કાંઇ જ નથી. માણસ પોતાનુ ધૈર્ય ગુમાવે છે ત્યારે ગુસ્સો એની જગ્યા લઇ બેસે છે. જે ઓફીસના સંબંધોને બગાડે છે અને આવી માનસિક્તાના કારણે વ્યક્તિ જે કાંઇ પણ બોલે છે તેને પાછળથી પસ્તાવો થાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ સંબંધ તો બગાડે જ છે સાથે પ્રમોશન જેવી તક પણ ગુમાવી બેસે છે. તેથી એ વધુ સારુ રહેશે કે તમે તમારા બોસ, સહકર્મીઓ સાથે સારા સંબંધો જાળવી રાખો. જેનાથી તમારા સંબંધ તો સચવાશે જ સાથે લોકો તમારા કામને પણ વખાણશે અને તમને કામ કરવાની પણ મજા આવશે. આના માટે એ જાણવુ જરૂરી છે કે તમે કેવી રીતે ધૈર્યતાથી કામ કરશો.
તમે કોઇવાર નોટીસ કર્યુ છે કે જ્યારે તમે રાત્રે પૂરતી ઉંઘ લઇને સવારે ઉઠો ત્યારે તમે પોતાને એકદમ ફ્રેશ ફીલ કરશો. અને જ્યારે ઉંઘ પૂરી ન થઇ હોય ત્યારે તમારો મૂડ નહીં હોય, ચીડચીડાપણુ રહેશે અને નાની નાની વાત પર ગુસ્સે થઇ જશો. આના માટે દિવસભરમાં 6થી 8 કલાકની ઉંઘ થવી ખૂબ જરૂરી છે. જો ઉંઘ પૂરી નહી થાય તો દિવસભર આળસ રહેશે અને કાંઇ કરવાનુ પણ મન નહી થાય. આવી સ્થિતિમાં ઓફીસમાં ધૈર્ય રાખવુ ખૂબ મુશ્કીલ બની જાય છે. બીજી વાત છે કે રોજ નિયમિત એક્સરસાઇઝ કરવાનું રાખો જેથી તમને દિવસભર સ્ફૂર્તિનો અનુભવ થશે. દિવસમાં માત્ર 10 મિનિટ પણ જો તમે નિયમિત વ્યાયામ કરશો તો નિશ્ચિતપણે તમને માનસિક શાંતિ મળશે. દરરોજ સવારે નાસ્તો લેવાનું રાખો, જેનાથી તમે એનર્જેટીક અને આનંદીત મહેસૂસ કરશો. મનોવૈજ્ઞાનિકોનું કહેવુ છે કે સવારના નાસ્તાને યાદશક્તિ અને એકાગ્રતા સાથે સંબંધ છે. દિવસભર તમારો મૂડ પણ સારો રહે છે અને સ્ટ્રેસ પણ ઓછો પડે છે. તમે જાતે જ વિચારજો કે જે દિવસે તમે નાસ્તો નહી કર્યો હોય એ દિવસે તમારુ કામમાં મન નહી લાગે.
તમે ઓફીસ જતા પહેલા મનમાં વિચારો કે ઓફીસમાં ધૈર્ય રાખવાથી શું ફાયદો થશે અને દિવસભર તમારું કામ કેવી રીતે સારુ થઇ શકશે. જો તમે વારંવાર મનમાં આ વાતને યાદ કરશો તો તમને ગુસ્સે થતા પહેલા આ વાત જરૂર યાદ આવશે અને જેથી તમે તમારા ગુસ્સા પર કાબૂ કરી શકશો. તમે ઓફીસ જાવ ત્યારે તમારી સાથે કામ કરનાર તમારા મિત્રોને રોજે ‘હાયહેલો’ જરૂર કરો પછી ભલે એ તમને પસંદ હોય કે પસંદ ન હોય. બધા સાથે વિનમ્રતાથી રહો. તમારો આ પ્રભાવ એમના પર જરૂર પડશે અને તે પણ તમારી સાથે આવો જ વ્યવહાર કરવાનું શરૂ કરી દેશે. જેનાથી ઓફીસનું વાતાવરણ સુખદ અને આનંદીત રહેશે જે કામ કરવા માટે ખૂબ જરૂરી છે. આપણે લોકોને બદલી નથી શકતા પણ એમના પ્રતિ આપણે તો આપણો રવૈયો બદલી શકીએ છીએ ને!! અને એ પણ શીખવા મળે છે કે એમના વ્યવહારની આપણે કેવી પ્રતિક્રિયા આપવી. અને જો એમના વ્યવહારનો જવાબ આપવો હોય તો થોડીવાર વિચારો કે શું એમને જવાબ દેવો જરૂરી છે કે નહી? પહેલા પહેલા તો આવુ સંભવ નહી બને કારણ કે માણસનો સ્વભાવ એવો હોય છે કે કોઇપણ વાત કેમ ન હોય તરત જવાબ આપવાનું મન થઇ જાય છે. પરંતુ ધીમે-ધીમે તમે આ વસ્તુ પર પણ કાબૂ કરી લેશો.
ઓફીસ અથવા તો કામની જગ્યાએ ધૈર્યવાન કઇ રીતે બનવુ એ શીખવુ જરૂરી છે કારણ કે જો ગુસ્સો આવતા જો આપણે એક મિનિટ માટે પણ રોકાઇ જઇએ તો તેનાથી થનારા દુખથી આપણે બચી શકીએ છીએ. એક વાત યાદ રાખી લો કે એક દિવસમાં તમે ધૈર્ય પ્રાપ્ત નહી કરી શકો આના માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. અને જો તમે એકવાર આ અપનાવી લીધુ તો ઓફીસ તમને તમારુ બીજુ ઘર લાગશે. જ્યાં તમે આઝાદીથી કામ કરવાનો આનંદ ઉઠાવી શકશો.