જો તમને પૂછવામાં આવે કે ૨૧મી સદીમાં અમેરિકાની એમઆઈટી યુનિવર્સિટીમાંથી બહાર આવેલી નવી ટૅક્નૉલૉજીનું નામ આપો તો બહુ સંભાવના છે કે તમે રૉબૉટિક ચિત્તાનું નામ આપશો, જેને એસોસિએટ પ્રૉફેસર સાંગબાએ કિમના દિશાસૂચન મુજબ એમઆઈટીના મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની બાયોમિમેટિક રૉબૉટિક્સ લેબે બનાવ્યો છે. આ રૉબોટમાં ચપળ ચાર પગ છે, ચિત્તા જેવી ચપળતા છે, તે કૂદી શકે છે અને તેની બાયૉમિમેટિક ડિઝાઇન પણ છે.તેનું કદ કૂતરાના કદ જેટલું જ છે. તે ચિત્તા-૨ તરીકે ઓળખાય છે. તે તેના ચાર કૃત્રિમ પગ વડે ૬.૪ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડી શકે છે, દોડતી વખતે થોડા વળાંક પણ લઈ શકે છે અને ૬૦ સેન્ટીમીટરની ઊંચાઈ સુધી કૂદી પણ શકે છે. રૉબોટ પોતાની મેળે જ નક્કી કરી શકે છે કે જ્યારે કંઈ અડચણ આવે ત્યારે તેના પરથી કૂદી જવું કે તેને ટાળવું.
કિમ હવે ત્રીજી પેઢીનો રૉબોટ બનાવી રહ્યા છે જેને ચિત્તા-૩ નામ અપાયું છે. ચિત્તાની ગતિ અને કૂદવાની ક્ષમતા સુધારવાના બદલે, કિમ ચિત્તાને વ્યાવસાયિક રીતે ટકી શકે તેવો રૉબોટ બનાવવામાં લાગેલા છે. તેમાં વધુ ભાર ઊંચકી શકાય, લાંબા અંતર સુધી ગતિ કરી શકે અને પકડ મજબૂત હોય તેવું કાર્ય ઉમેરવા પર તે ભાર મૂકી રહ્યા છે. ચિત્તા-૩ શરૂઆતમાં જીવલેણ પર્યાવરણ જેમ કે પરમાણુ પ્લાન્ટ કે રાસાયણિક કારખાનામાં ગળતર થાય તેવી સ્થિતિમાં નિરીક્ષણ માટે કામ કરશે. પછી બીજી આફતોમાં કામે લગાડી શકાય તેવી રીતે તેને વિકસાવવામાં આવશે.
કિમ કહે છે, “ચિત્તા-૨ વખતે ઉચ્ચ ગતિ અને કૂદવા પર ભાર હતો પરંતુ તે અન્ય કાર્યો કરી શકે તે રીતે ડિઝાઇન કરાયો નહોતો. ચિત્તા-૩ સાથે અમે ડિઝાઇનમાં ઘણી બધી વ્યવહારુ જરૂરિયાતો મૂકી છે જેથી તે ઑલ રાઉન્ડ પ્લેયર બની શકે. તે ઉચ્ચ ગતિથી ચાલી શકે અને શક્તિશાળી કામો કરી શકે. પરંતુ તે ચોક્કસ પણ હોવાં જોઈએ.
”બાયૉમિમેટિક રૉબૉટિક્સ લેબ ચિત્તાના એક નાના સંસ્કરણ પર પણ કામ કરી રહ્યા છે જેને મિની ચિત્તા કહેવાય છે. તેની ડિઝાઇન રૉબૉટિક્સ સંશોધન અને શિક્ષણ માટે બનાવાઈ છે. અન્ય યોજનાઓમાં ટેલિઑપરેટેડ હ્યુમનૉઇડ રૉબોટનો સમાવેશ થાય છે. આ રૉબૉટને હર્મીસ કહેવાય છે. તે માનવ સંચાલકોને હૅપ્ટિક ફીડબેક આપી શકે છે. દિવ્યાંગો અને વૃદ્ધોને ચાલવામાં અને ખસવામાં તકલીફ હોય છે. આ સમસ્યાઓના સમાધાન માટે ચિત્તા જેવી ઍક્યુએટર ટૅક્નૉલૉજી પણ વિકસાવાઈ રહી છે.
ચિત્તાના અગાઉનાં સંસ્કરણોથી વિરુદ્ધ ચિત્તા-૩ની ડિઝાઇન શુદ્ધ સંશોધનો કરતાં સંભવિત ઉપયોગિતા પરથી પ્રેરિત છે. કિમ અને તેમની ટીમે આપાતકાળની સ્થિતિમાં કામ લાગી શકે તે માટેની જરૂરિયાતોનો અભ્યાસ કર્યો હતો.
કિમ અને તેમની ટીમને આશા છે કે આગામી બેથી ત્રણ વર્ષમાં ચિત્તા-૩ રેડિએશનવાળા પાવર પ્લાન્ટમાં હરીફરી શકશે અને પાંચથી દસ વર્ષમાં તે આવા પાવર પ્લાન્ટમાં જઈને વાયરને કટ કરીને તેમને બહાર કાઢવા જેવા શારીરિક કામો પણ કરી શકશે. ૧૫થી ૨૦ વર્ષમાં તે આગવાળી ઈમારતમાં જઈને લોકોની જિંદગી બચાવવાનું કામ પણ કરી શકશે.
જાપાનની ફુકુશિમા પરમાણુ આફત જેવી પરિસ્થિતિમાં રૉબૉટ કે ડ્રૉન એક માત્ર સલામત પસંદગી આફતને નિવારવા માટે છે. જોકે રૉબોટની સરખામણીએ ડ્રૉનના ફાયદા વધુ છે પરંતુ દરવાજા ખોલવા અને જ્યાં કાટમાળ તૂટી પડ્યો હોય અને ત્યાં ડ્રૉન ઊડી શકે તેમ ન હોય તેવી આફતોની સ્થિતિમાં ડ્રૉન વધુ બળ લગાડી શકતાં નથી. આમ, સરખામણીમાં ચિત્તા-૩ જરૂર પડે માનવ જેવી શક્તિ કલાકો સુધી લગાડી શકે છે. તે કાટમાળ પર ચડી કે તેના પરથી કૂદી શકે છે, તેને બહાર પણ કાઢી શકે છે. ડ્રૉનની સરખામણીએ સાધનો, સ્વિચો, બટનો વગેરેનું નજીકથી નિરીક્ષણ કરવું હોય તો આ રૉબૉટ માટે વધુ સરળ છે. તે તાપમાન માપી શકે છે, રાસાયણિક તત્ત્વો પણ માપી શકે છે, વાલ્વને ખોલી કે બંધ કરી શકે છે.
આમ, આવનારા દિવસોમાં આપત્તિમાં કામ કરનારા લોકો જેમ કે ફાયર ફાઇટરનું કામ ઘણું સરળ થઈ જશે તે નિશ્ચિત છે.