સોશિઅલ મિડિયા પર શરમમાં મૂકવાનો ધંધો

કોઈ કંપનીના કસ્ટમર કેરના પ્રતિનિધિ સાથે માથાકૂટ કરવી એટલે માથું દુઃખાડવું. તેમને કંપની તરફથી જે કહેવામાં આવ્યું હોય તે વાતને જ તેઓ વળગી રહે. ઘણા તો એટલાં શિખાઉ અને અણઘડ હોય છે કે જડની જેમ વાત સાંભળવા જ તૈયાર નથી હોતાં. આવામાં સ્વાભાવિક છે કે તમને ગુસ્સો આવી જાય અને તમે મિજાજ ગુમાવી બેસો.

તો કોઈ વાર તમે પ્રેમિકા કે પત્ની સાથે રેસ્ટોરન્ટમાં ગયાં હો કે મિત્રો સાથે બેઠાં હો ત્યારે ચૂંટણીની ચર્ચા નીકળે (અત્યારે તો બીજા શેની ચર્ચા હોય?!) તો ભાજપ-કૉંગ્રેસના નેતાઓ તો ટીવી ડિબેટ પછી સાથે ચા પીતાં હોય પણ તમારી વચ્ચે એટલી ઉગ્ર ચર્ચા થઈ જાય કે તમે જમવા કે નાસ્તો કરવા ગયાં હો તે પડતું મૂકીને ઝઘડી પડો તેવું બને. પરંતુ સબૂર! આવું કરવા જતાં તમે યૂટ્યૂબ સેલિબ્રિટી બની જઈ શકો છો.

સ્યુ શેફ અને મેલિસ્સા સ્કૉરે તેમના તાજેતરમાં પ્રસિદ્ધ પુસ્તક ‘શેમ નેશન: ધ ગ્લૉબલ એપિડેમિક ઑફ ઑનલાઇન હૅટ’માં લખ્યું છે કે હવે કોઈ પણ તમારી ખરાબ ક્ષણોને (અહીં ખરાબ એટલે હાર્દિક પટેલવાળી કથિત ખરાબ ક્ષણો ન સમજવું) રેકોર્ડ કરી શકે છે અને આ વિડિયો પુરાવો કોઈ પણ એવી કંપનીને વેચી શકે છે જે આવી વ્યક્તિને શરમમાં મૂકે તેવી ક્લિપ ખરીદે છે. આ કંપનીઓ યૂટ્યૂબ એડ સેલ્સ અને ટેલિવિઝન શોમાંથી પૈસા કમાય છે.

આમ, અજાણ્યા લોકોને તમારા ઝઘડામાં રસ પડે તો ચેતી જવું. અને હવે તો મોબાઇલ જ નહીં, કાંડા ઘડિયાળ, પેન, બટન વગેરે અનેક એવા જાસૂસી ઉપકરણો આવે છે જેના દ્વારા વિડિયો રેકોર્ડ થઈ શકે છે.

ઘણી વાર લોકો કોઈ એક ક્ષણે પોતાનો પિત્તો ગુમાવી બેસતા હોય છે અથવા અશિષ્ટ વર્તન કરી બેસતા હોય છે જેના માટે તેમને પછીથી પસ્તાવો પણ થાય છે.

‘ડિક્લેરેસન ઑફ ઇન્ડિપેન્ડન્સ’ સાઇન કરનાર બેન્જામીન રશ નામના ભાઈના કહેવા અનુસાર આ પ્રકારે (વિડિયો વેચીને) શરમમાં મૂકવાની રીત વૈશ્વિક સ્તરે મોત કરતાં પણ ખરાબ સજા મનાય છે. “સો યૂ હેવ બીન પબ્લિકલી શૅમ્ડ” પુસ્તકના લેખક જૉન રૉન્સન પણ કહે છે કે અમેરિકાના ઘણાં શહેરોમાં અપરાધીઓને તો શહેરમાંથી પરેડ કરાવીને (તેમને શરમમાં મૂકવાની) સજા નાબૂદ થઈ ચૂકી છે.

ફેસબુક અને વૉટ્સએપ જેવા સોશિયલ મિડિયામાં શરમ જાણે નેવે મૂકાઈ ગઈ છે. લોકો બિન્દાસ્ત અને ઘણી વાર બેફામ બનીને કૉમેન્ટ કરતા હોય છે. લાઇક, ડિસલાઇક, હાસ્ય, ગુસ્સો જેવા ઇમોજી દ્વારા પ્રતિક્રિયા આપવામાં પણ શરમ નથી રાખતા. બે આંખની શરમ વ્યક્તિગત પ્રતિક્રિયા આપવામાં હજુ પણ નડે છે. જો ફેસબુક પર તમે કોઈ વ્યક્તિ વિશે ખરાબ કે તેને ઉતારી પાડતી કૉમેન્ટ કરી હોય તો તે જ વ્યક્તિ જો રૂબરૂ મળે તો કદાચ તમે તે કૉમેન્ટ વિશે સોરી કહી દેશો કારણકે બે આંખની શરમ નડે છે.

ખબર નહીં કેમ, પણ વ્યક્તિ સામે મળે તો તેને જોઈને ક્યાંક હૃદય પીગળી જાય છે. ગમે તેમ બોલવાની હિંમત નથી થતી. પરંતુ વર્ચ્યુઅલ દુનિયામાં આ વાત નથી થતી.

જોકે ઘણી વાર આ વાત ફાયદારૂપ પણ સાબિત થતી હોય છે. ટ્વિટર અને ફેસબુક પર કંઈ ભળતુંસળતું મૂકાઈ જાય તો લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપે તો કંપનીઓ પાછું ખેંચી લેતી હોય છે. ડવ કંપનીએ અશ્વેત મહિલા તેના સાબુથી શ્વેત બની જતી હોવાની એડ મૂકી તો લોકોએ તેનો ઉગ્ર વિરોધ ઑનલાઇન કર્યો. આનાથી કંપનીને માફી માગવી પડી હતી. અભિનેત્રી રોઝી મેકગૉવને ‘સેક્સ લાઇઝ ઍન્ડ ટેપ્સ’ ખ્યાત નિર્માતા હાર્વે વેઇનસ્ટેઇનની કામલીલાને ઉઘાડી પાડી તે પછી ટ્વિટરે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરતાં સંખ્યાબંધ લોકો તેના સમર્થનમાં આવ્યા અને ‘વીમેન બૉયકૉટ ટ્વિટર’ અભિયાન ચલાવ્યું તેના લીધે ટ્વિટરને સ્પષ્ટતા કરવી પડી હતી.