લોકો હવે સોશિઅલ મિડિયામાં સાતથી વધુ ખાતાં ધરાવવા લાગ્યાં છે!

મે સોશિઅલ મિડિયા પર છો? આવો પ્રશ્ન પૂછવો એ હવે ગાંડામાં ખપવા જેવો છે. એમ પૂછવું પડે કે તમારું ફેસબુક ખાતું કયા નામથી છે? તમારું ટ્વિટર હેન્ડલ કયું છે? ઇન્સ્ટાગ્રામ પર તમે કયા નામથી છો? લિન્ક્ડઇનનું તમારું નામ આપો.

માણસ સામાજિક પ્રાણી છે અને તેને હળવુંભળવું ગમે છે, પરંતુ ટૅક્નૉલૉજીએ તેને આભાસી રીતે હળતોભળતો કરી દીધો છે. આના કારણે ઘણી વાર એવું બને છે કે આપણને કોઈ પડોશી કે સગુંવહાલું મળવા આવ્યું હોય તો તેની સાથે વાત કરવાના બદલે ઘણી વાર આપણે દૂર બેઠેલા મિત્ર સાથે સોશિઅલ મિડિયા પર વાત કરતા હોઈએ છીએ. સોશિઅલ મિડિયા આપણને જોડે છે કે આપણા સંબંધો તોડે છે તેની ચિંતા હવે તો મનોચિકિત્સકો, સમાજશાસ્ત્રીઓથી માંડીને સાધુસંતો કરવા લાગ્યાં છે. સોશિઅલ મિડિયાથી હતાશા આવે છે કે પછી તેનાથી પ્રેરણા મળે છે તે પણ ચર્ચા અને ચિંતનનો  વિષય છે. સોશિઅલ મિડિયામાં લાઇક મળે, સારી કૉમેન્ટ મળે, ફૉલોઅર વધે તો સ્વાભાવિક જ ખુશી થાય, પરંતુ જો લાઇક ન મળે, વિરુદ્ધ કૉમેન્ટ મળે કે ફૉલોઅર ન મળે અથવા ઘટવા લાગે તો નિરાશા થવા લાગે છે.

ઉપરાંત જો આપણા સાથી કે આપણા દુશ્મનને વધુ લાઇક, કૉમેન્ટ મળે કે ફૉલોઅર વધે તો આપણામાં ઈર્ષાનું તત્ત્વ પણ જાગી ઉઠે છે.

આપણે હવે સોશિઅલ મિડિયાના વ્યસની બની ગયા છે? ગ્લૉબલવેબઇન્ડેક્સના વિશ્લેષકોનો ‘જીડબ્લ્યુઆઈ સોશિઅલ’ અહેવાલ એવું કહે છે કે ઓછામાં ઓછા સાત અલગઅલગ સોશિઅલ મિડિયા પર રોજના બે કલાકથી વધુ સમય આપણા જાય છે અને તેથી આપણે તેના વ્યસની આટલા પહેલાં ક્યારેય નહોતાં.

અભ્યાસમાં કહેવાયું છે કે તમામ વયજૂથોમાં ૯૮ ટકા વેબ વપરાશકારો ઓછામાં ઓછું એક સોશિઅલ નેટવર્ક વાપરે છે. પરંતુ તેમના હોય છે ૭.૬ સક્રિય એકાઉન્ટ. યુવાન લોકો (૧૬-૩૪ વર્ષની વયના) સરેરાશ ૮.૭ ખાતાં ધરાવે છે. વૃદ્ધો પણ આ બાબતે કંઈ પાછા પડે તેવા નથી. તેઓ પોતાના પૌત્રો કે દીકરાદીકરી પાસેથી આ શીખી હવે સોશિઅલ મિડિયા પર સક્રિય થવા લાગ્યા છે. વૈશ્વિક રીતે વપરાશ દીઠ સર્વોચ્ચ ખાતાં લેટિન અમેરિકામાં જણાયા જેની સંખ્યા ૮.૮  છે અને એશિયામાં તે પછી ૮.૧ છે. અહેવાલ મુજબ, દરેક વેબ વપરાશકાર દરરોજ સોશિઅલ નેટવર્ક પાછળ ઓછામાં ઓછા સવા બે કલાક ગાળે છે.

વેબ વપરાશકારો હવે સોશિઅલ નેટવર્કનો વપરાશ માત્ર હળવાભળવા પૂરતો જ નહીં, પરંતુ સમાચાર મેળવવા પણ કરવા લાગ્યા છે. તેઓ તેમના મિત્રો સાથે સંપર્કમાં રહેવા પણ તેનો ઉપયોગ કરે છે. ઉપરાંત સોશિઅલ મિડિયા પર વિડિયો જોવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હકીકતે ૫૬ ટકા ફેસબુક વપરાશકારોએ કહ્યું કે ગત મહિને તેમણે ઓછામાં ઓછો એક વિડિયો ઑનલાઇન જોયો હતો. ૧૦માંથી ચાર વપરાશકારોએ ઇન્સ્ટાગ્રામ અથવા સ્નેપ ચેટ પર વિડિયો જોયો હતો. સોશિઅલ નેટવર્ક પર ઓનલાઇન ખરીદીની જ્યાં સુધી વાત છે, અનેક લોકો આ પ્લેટફૉર્મનો ઉપયોગ ઉત્પાદનોને શોધવા માટે કરે છે. ૧૬-૨૪ વર્ષની વયના વપરાશકારો પૈકી ૧૩ ટકાએ કહ્યું કે ‘બાય’ બટનથી તેમને સોશિઅલ મિડિયા પર ખરીદી કરવા પ્રોત્સાહન મળ્યું. આ આંકડો ઉંમર જેમ જેમ વધે તેમ તેમ ઘટે છે. સ્વાભાવિક છે કે પૈસા બચાવવાની ચિંતા ઉંમર વધે તેમ વધે.

સોશિઅલ મિડિયા પર વપરાશકારોનો સમય ગાળવો વધી રહ્યો છે. હવે લગભગ તે ૯૦ ટકા થઈ ગયો છે. મધ્ય પૂર્વ અને આફ્રિકામાં તે સર્વોચ્ચ -૯૭ ટકા છે. યુરોપમાં સૌથી ઓછો ૮૭ ટકા છે. આમાં ફરી એક વાર યુવાનો ૯૫ ટકા સાથે સર્વોચ્ચ સ્થાને છે. જ્યારે ૫૫થી વધુ ઉંમરના લોકો ૭૮ ટકા છે.