દીપિકા પદુકોણેએ આપી સોશિઅલ મીડિયા માટે અગત્યની ટિપ!

આપણે ત્યાં એવૉર્ડોની કોઈ કમી નથી, એક ઢૂંઢો હઝાર મિલતે હૈં!

મણાં વિજયવાડામાં એક અનોખો એવૉર્ડ કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમ હતો દેશના પ્રથમ સોશિઅલ મીડિયા શિખર પરિષદ અને એવૉર્ડનો. આંધ્રપ્રદેશ સરકારે તેનું આયોજન કર્યું હતું. તેમાં સોશિઅલ મીડિયાના સ્ટારો, ચેનલો, તેમની પાછળ રહેલા પુરુષો અને સ્ત્રીઓ આવેલાં. દીપિકા પદુકોણે અને રાણા દગ્ગુબાટીને અનુક્રમે સોશિઅલ મીડિયા પરનાં સૌથી લોકપ્રિય અભિનેત્રી અને સૌથી સક્રિય દક્ષિણ ભારતીય અભિનેતાનો એવૉર્ડ મળ્યો.આ તબક્કે દીપિકા પદુકોણેએ જે વાત કરી તે સાંભળવા જેવી છે. તેણે કહ્યું કે “હું કંઈ ઑનલાઇન બહુ સક્રિય નથી, આમ છતાં પણ હું દેશભરમાં મોટી સંખ્યામાં ચાહકો ધરાવું છું કારણકે હું જે કંઈ કરું છું તે દિલથી કરું છું. હું સોશિઅલ મીડિયા પર બધું જ મૂકતી નથી, પરંતુ હા, મારા જીવનમાં જે કંઈ અગત્યની ઘટના બને તે જરૂર તેમાં મૂકું છું.” અહીં અટકો. દીપિકાની આ વાત ધ્યાનમાં લેવી છે, ખાસ કરીને સ્ત્રીઓએ.

સોશિઅલ મીડિયા પર સ્ત્રીઓ ઘણીવાર બધું જ મૂકતી હોય છે. પતિ કે પ્રેમી સાથે એકદમ નિકટતા દર્શાવતો ફોટો મૂકે અથવા પોતાના વેસ્ટર્ન સ્ટાઇલના ડ્રેસમાં ફૉટો મૂકે. પછી તેના પર કૉમેન્ટ આવે. ક્યારેક તે પસંદ પડે ક્યારેક ન પણ પડે. તો વળી આ પ્રકારના ફોટો કે પછી સ્ટેટસથી કેટલીક વ્યક્તિઓ તેને ચરિત્રહીન ધારી લે અને સંબંધો માટે પ્રસ્તાવ કરવા લાગે તેવું બને. આથી જ દીપિકાની આ શિખામણ ધ્યાનમાં લેવા જેવી છે કે સોશિઅલ મીડિયા પર બધું જ મૂકવું જરૂરી નથી. તમારા વર્તુળમાં કોઈ તેમ કરતું હોય તો તેને તેમ કરતા રોકો. જો ન રોકાય તો કંઈ નહીં, પરંતુ તમે તેની દેખાદેખીમાં તેવું જ ન કરો.

હવે દીપિકાની એક બીજી મહત્ત્વની વાત આગળ સાંભળીએ. દીપિકાએ એમ પણ કહ્યું કે, “હું દરેક ચીજની પ્રતિક્રિયા આપતી નથી.” આ પણ અગત્યની વાત કહી દીપિકાએ. અને આ વાત માત્ર સ્ત્રીઓએ જ નહીં, પુરુષોએ પણ એટલી જ ધ્યાનમાં લેવા જેવી છે. તમે ઓનલાઇન સ્ટેટસ કે ફોટો મૂકો એટલે તેના પર કૉમેન્ટ આવવાની (અને એટલે તો તમે તે મૂકો છો!). પરંતુ તે કૉમેન્ટ બની શકે કે તમારી ધારણાથી વિપરીત હોય. તમને ચીડવનારી હોય. તમને પજવનારી હોય. તમને સલાહ આપનારી હોય. ટૂંકમાં, તમને તે કૉમેન્ટ પસંદ ન પડે.

આવા સંજોગોમાં શું કરવાનું? જો યોગ્ય લાગે તો તે પ્રતિકૂળ કૉમેન્ટને સ્વીકારો. કહો કે તમારી વાત સાચી છે. જો યોગ્ય ન લાગે તો નમ્રતાથી પોતાનો તર્ક રજૂ કરી અસંમતિ દાખવો. અસંમતિ દાખવવા જેટલો સમય ન હોય તો માત્ર ‘અસંમત’ એટલું લખો. જો તેમ પણ ન કરવું હોય તો સીધી વાત છે, તેના પર કોઈ પ્રતિક્રિયા જ ન આપો. જો કોઈ પજવનારી કૉમેન્ટ સતત કર્યા કરે તો તેને બ્લૉક કરી દો. જો તમને લાગે કે કોઈ વ્યક્તિ તમને ખીજવવા માટે જ તમારી પૉસ્ટ પર કૉમેન્ટ કર્યા કરે છે તો તેને જવાબ આપવાનું છોડી દો. અવગણના એ શ્રેષ્ઠ રસ્તો છે. એ વ્યક્તિ આપોઆપ બંધ થઈ જશે. આ બધું આનંદ માટે છે, દુઃખી થવા માટે નહીં. સોશિઅલ મીડિયા આપણા માટે છે, આપણે સોશિઅલ મીડિયા માટે નથી તે વાત યાદ રાખો.

આમ, દીપિકા પદુકોણેએ ટૂંકાણમાં પણ બહુ ઊંડા મર્મવાળી વાત કહી છે જે તેના ચાહકોએ જ નહીં પરંતુ સોશિઅલ મીડિયાનો ઉપયોગ કરનારા બધાંએ જ હૃદયમાં ઉતારવા જેવી છે અને ખાસ તો, અમલ કરવા જેવી છે.