કલાકારોઃ આયુષ્માન ખુરાના, જિતેન્દ્રકુમાર, ગજરાજ રાવ, નીના ગુપ્તા
ડાયરેક્ટરઃ હિતેષ કૈવલ્ય
અવધિઃ આશરે બે કલાક
★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★★
પાંચેક વર્ષ પહેલાં આવેલી શોનાલી બોઝની ‘માર્ગરેટ વિથ અ સ્ટ્રૉ’થી લઈને ‘માય બ્રધર નિખિલ’, શકૂન બત્રાની ‘કપૂર ઍન્ડ સન્સ’, હંસલ મહેતાની ‘અલીગઢ’ કે ગયા વર્ષે આવેલી ‘ઈક લડકી કો દેખા તો ઐસા લગા’ જેવી ફિલ્મોને બાદ કરતાં હિંદી ફિલ્મોમાં મોટે ભાગે સેમ-સેક્સ લવના વિષયને મજાકનો કે ચીપ બનાવીને રજૂ કરવામાં આવે છે. બે વર્ષ પહેલાં દક્ષિણના ડિરેક્ટર આર. પ્રસન્નાની ‘શુભ મંગલ સાવધાન’ માટે રાઈટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળનાર હીતેષ કૈવલ્યએ આ વખતે એટલે કે સિક્વલમાં લેખન ઉપરાંત દિગ્દર્શન પણ સંભાળ્યું છે ને સિક્વલ માટે વિષય પસંદ કર્યો છેઃ ગે કપલનો. જો કે લેખનમાં સાતત્ય જળવાયું નથી અને ઘણી જગ્યાએ ફિલ્મ ઢીલી પડી જાય છે, જો પટકથા પર થોડું વધારે ધ્યાન આપવામાં આવ્યું હોત ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ સીમાચિહ્ન રૂપ ફિલ્મ બનવાનું કૌવત ધરાવે છે.
કાર્તિક (આયુષ્માન ખુરાના) અને અમન (જિતેન્દ્રકુમાર)ને પ્રેમ છે, બન્ને દિલ્હીમાં સાથે રહે છે, સાથે જૉબ કરે છે, સાથે મોજમજા કરે છે. સમસ્યા શરૂ થાય છે અમનની કઝીનનાં લગનથી. અમનનો જૉઈન્ટ પરિવાર અલાહાબાદમાં વસે છે અને એમાં કઝીન ગોગલ (માનવી ગાગરુ)નાં લગન લેવાય છે. એમાં મહાલવા કાર્તિક-અમન ‘વિવાહ સ્પેશિયલ’ ટ્રેનમાં જોડાય છે, જ્યાં અમનના પિતા શંકર ત્રિપાઠી (ગજરાજ રાવ) બન્નેને કિસ કરતાં જોઈ જાય છે. એ પછી વાત અમનની માતા સુનયના ત્રિપાઠી (નીના ગુપ્તા)થી આગળ વધતી વધતી પહેલાં પરિવારને પછી સમાજને ખબર પડે છે અને…
હિતેષ કૈવલ્યના સંવાદમાં અનેક ઠેકાણે કૉમેડીની સાથે સાથે સેમ-સેક્સ લવર્સની વ્યથા રજૂ કરવામાં આવી છે. દાખલા તરીકે અમનના પિતા વિજ્ઞાની છે, એમણે કાળી ફૂલગોબી ડેવેલપ કરી છે (અગેન, આ આખો ટ્રૅક પણ બાલિશ અને ઊપજાવી કાઢેલો લાગે છે.) ઝનૂનપૂર્વક કાર્તિક-અમનને છૂટા પાડવા માગતા સાયન્ટિસ્ટ ફાધરને કાર્તિક કહે છેઃ “હું પણ જોઉં છું દુનિયાનું કયું વિજ્ઞાન નેચરને બદલે છે”. અથવા “અમારા જેવાએ તો રોજ લડાઈ લડવી પડતી હોય છે જીવનમાં, પણ સૌથી અઘરી લડાઈ પરિવાર સાથેની હોય છે”.
(જુઓ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’નું ટ્રેલર)