સમીરના શબ્દ સાંભળતા જ વિભાને ધ્રાસ્કો પડ્યો…

સરિતા અને વિભા બંને બહેનો નાનપણથી જ બહેન કરતા વધારે સહેલીઓની જેમ રહી હતી. સરિતા બે વર્ષ મોટી. વિભા દેખાવે સુંદર પરંતુ સરિતા ભણવામાં ખુબ હોશિયાર. તેમના પપ્પા કહેતા કે મોટીમાં મગજ વધારે છે અને નાની રૂપનો અંબાર. પરંતુ તેમને ચિંતા રહેતી સરિતાના લગ્નની કેમ કે છોકરાઓ તો દેખાવ જોઈને જ લગ્ન કરે છે તેવો ખ્યાલ તેમના મનમાં દ્રઢ હતો. બંને બહેનો નાની હતી ત્યાં સુધી તો આ બાબત વધારે મહત્ત્વ ધરાવતી નહોતી પરંતુ જેમ જેમ બંને મોટી થવા લાગી તેમ તેમ સરિતાએ અનુભવ્યું કે વિભાને સૌ વધારે લાડથી બોલાવતા. તેના મમ્મી પપ્પા તો કોઈ ભેદભાવ ન કરે પરંતુ પડોશી, તેમની બીજી બહેનપણીઓ અને બધા સગા-સંબંધીઓ વિભાને વધારે પસંદ કરે. રૂપાળી, હસમુખી અને ફેશનેબલ વિભા સૌનું મન મોહી લે. સરિતા પોતાના જાડા કાંચના ચશ્મા, તેલ વાળા વાળ અને હંમેશા ભણવાની અને વાંચવાની ચિંતાને લઈને કોઈને સાથે વધારે હળી-ભળી શકતી નહિ.

સરિતા કોલેજમાં આવી અને ત્યાં પણ તે ભણવામાં તો ખુબ આગળ પડતી પરંતુ બહુ મિત્રો બનાવી શકી નહિ. છોકરાઓ તો ઠીક પરંતુ છોકરીઓમાં પણ તેની સાથે વાત કરવાનો કોઈ ઉત્સાહ દેખાતો નહોતો. એવું નહોતું કે તે દેખાવે ખરેખર ખરાબ હતી, પરંતુ તેની સ્ટાઇલ અને સ્વભાવ બંને પોતપોતાની મર્યાદા ધરાવતા હતા. બે વર્ષ બાદ જેવી વિભા કોલેજમાં આવી કે તરત જ બહેનપણીઓ અને છોકરાઓ જાણે મધમાખીની જેમ બણબણતા હોય તેમ લોકોથી ઘેરાઈ વળી. તેની સાથે સાથે સરિતાને પણ થોડી કંપની મળવા લાગી.

ભણતર પૂરું થયું અને સરિતાને બેંકમાં કલાર્કની નોકરી મળી ગઈ. વિભાએ પણ પાછળ પાછળ કોલેજ પુરી કરી અને નોકરી શોધી રહી હતી. થોડા દિવસમાં તેમના ઘરે એક પરિવાર તરફથી લગ્નની વાત આવી. સરિતા મોટી હતી એટલે ઘરના લોકોએ તેને આગળ કરવાની હતી. વિભાએ અને તેની મમ્મીએ સરિતાને થોડી સ્ટાઇલિસ્ટ બનાવવાની કોશિશ કરી પરંતુ જેના સ્વભાવમાં જ ન હોય તેમાં વધારે પરિવર્તન જલ્દી લાવી શકાય નહિ એટલે સરિતામાં પણ કઈ ખાસ ફેરફાર થયો નહિ. માંડ માંડ તેઓએ સરિતાના ચશ્મા હટાવીને તેને લેન્સ પહેરવા સમજાવી. આખરે થોડા દિવસ પછી છોકરા વાળા સરિતાને જોવા ઘરે આવ્યા.

છોકરાનું નામ સમીર હતું અને તે રેલવેમાં નોકરી કરતો હતો. માતા-પિતાનો એકનો એક પુત્ર અને દેખાવે ઠીક થાક કહી શકાય તેવો સારો. ઉચ્ચ માધ્યમ વર્ગ કહી શકાય તેવો પરિવાર હતો અને સરિતાના ઘરમાં સૌને તો છોકરો ગમી ગયો હતો. વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન સરિતા ચા લઈને આવી. થોડીવાર સૌની સાથે બેઠી અને વાતચીત થઇ એટલે સમીરના મમ્મીએ સૂચવ્યું કે છોકરો-છોકરી એકલામાં વાતો કરી લે તો સારું. સરિતા અને સમીર બીજા રૂમમાં ગયા અને તેમની વચ્ચે થોડી વાતચીત થઇ. જાણે ઈન્ટરવ્યું લેતો હોય તેમ સમીરે થોડા સવાલો પૂછ્યા અને સરિતાએ તેના જવાબ આપ્યા. તેમની વાતચીત ચાલતી હતી ત્યાં સમીરનું ધ્યાન સરિતા અને વિભાના ફોટા પર પડ્યું એટલે તેણે પૂછ્યું કે એ કોણ છે. પરિવારને ડર હતો કે વિભાને જોઈને સરિતાને કોઈ છોકરો પસંદ નહિ કરે એટલે વિભા પોતાના રૂમમાં જ હતી.

‘હું તેને મળી શકું?’ સમીરે પૂછ્યું.

સરિતા સ્વભાવે સરળ હતી અને તેને ના પાડવાનું કોઈ કારણ ન મળ્યું એટલે તેણે વિભાને પાસેના રૂમમાંથી બોલાવી.

સમીરે તેને જોઈ અને તેની સાથે વાતચીત કરી. લગભગ પંદર મિનિટમાંથી બાર મિનિટ તો સમીરે વિભા સાથે જ વાતચીત કરી. પછી ત્રણેય બેઠક રૂમમાંથી બહાર આવ્યા. વિભાને તેમની સાથે જોઈને સરિતાના મમ્મી પપ્પાને સમજાઈ ગયું કે સમીર જરૂર વિભાને જ પસંદ કરશે.

 

સમીર પોતાના મમ્મી-પપ્પા પાસે જઈને પોતાની જગ્યાએ બેસી ગયો અને સરિતા અને વિભા પણ પોતાના મમ્મી પપ્પા પાસે બેઠા. સમીરે તેની મમ્મીને કાનમાં કઈંક કહ્યું અને તેની મમ્મીએ તેના પપ્પાને કાનમાં વાત કરી. ત્રણેયે એકબીજા સામે જોયું અને એકવાત પર સહમતી થઇ હોય તેમ ડોકું ધુણાવ્યું.

સામે બેઠલા સરિતાના પરિવારમાં પણ એકબીજા સામે નજરો મળી અને તેમની વચ્ચે પણ જાણે મનમાં કોઈ ડર પેઠો હોય અને કહ્યા વિના તેઓને એક વાત સમજાઈ ગઈ હોય તેવા ભાવ સ્પષ્ટ થયા.

‘સમીરે તમારી બંને દીકરી સાથે વાત કરી.’ સમીરની મમ્મીએ ખોંખારો ખાઈને વાત શરુ કરી અને તેને પોતાનો નિર્ણય અમને કહ્યો છે.

વિભાના પગ ધ્રુજવા લાગ્યા હતા અને સરિતાની નજર ઝુકેલી હતી.

‘સમીર માટે અમે સરિતાને જોવા આવેલા પણ સમીરે તમારી નાની દીકરી વિભા સાથે પણ વાતચીત કરી.’ સમીરની મમ્મીએ વાત આગળ ચલાવી. તેના પપ્પા હકારમાં માથું હલાવતા હતા.

સરિતાના પરિવારના હૃદયના ધબકારા વધી ગયા.

‘સમીર વિભા માટે લગ્નનો પ્રસ્તાવ મુકવા માંગે છે.’

આ શબ્દ સાંભળતા જ વિભાને ધ્રાસ્કો પડ્યો.

‘મતલબ કે, સમીરને સરિતા સાથે ગમ્યું અને તેની તરફથી તો હા છે પરંતુ તેનો પ્રસ્તાવ છે કે અમે વિભા માટે સમીરના કઝીન એટલે કે અમારા ભત્રીજાનો પ્રસ્તાવ પણ મૂકીએ. બંને બહેનો આસપાસ રહેશે તો તેમને પણ સારું રહેશે.’ સમીરની મમ્મીએ સસ્પેન્સ ખોલ્યું.

‘ઓહ, એ રીતે..’ સરિતાના પપ્પાએ નિરાંતનો શ્વાસ લીધો.

‘હા અંકલ. મારો કઝીન મારાથી ત્રણ વર્ષ નાનો છે અને તેના માટે પણ અમે છોકરી શોધીએ છીએ. જો વિભા અને પ્રશાંત મળી લે તો જરૂર વાત આગળ વધશે. આઈ મીન જો તમને અને વિભાને વાંધો ન હોય તો.’ સમીરે કહ્યું.

સરિતા અને વિભાએ એકબીજા સામે જોયું અને આંખો આંખોમાં હસી લીધું.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)