કમલેશને મારીને અમિતના ચહેરા પર ડર અને જીતનો મિશ્રભાવ હતો…

‘તારા છોકરાને સમજાવી લેજે, હવે છેલ્લી વાર કહું છું. રોજ રોજ મારા અમિતને હેરાન કરે છે.’ લતાએ તેની પાડોશણ પુષ્પાને ગુસ્સાથી કહ્યું.

લતા અને પુષ્પા એકબીજાથી બે ઘર દૂર રહેતા હતા અને તેમના દીકરા કમલેશ અને અમિત એક જ શાળામાં અને એક જ ક્લાસમાં ભણતા હતા. હજી પ્રાથમિક શાળામાં હતા એટલે વધારે સમજ પડતી નહોતી પરંતુ બાળબુદ્ધિ એટલે ક્યારેક ક્યારેક લડાઈ કરી લે. તેમાં પુષ્પનો પુત્ર કમલેશ જબરો હતો અને શરીરમાં પણ મજબૂત એટલે દર વખતે અમિતને ઢીબી નાખે.

આજે પણ એવું જ થયેલું. કમલેશે અમિતની નવી બોલપેન છીનવી લીધેલી અને અમિતે પાછી માંગી ત્યારે લડાઈ કરીને તેને બોલપેન મારી દીધેલી. સદ્ભાગ્યે આંખ બચી ગયેલી પરંતુ ગાલ પર મોટું નિશાન થઇ ગયેલું. આ ઘટનાથી લતાને ખુબ ડર લાગી ગયો અને આજે તો કેમેય કરીને આ સમસ્યાનું હંમેશને માટે સમાધાન કરી લેવાની ઈચ્છાથી તે પુષ્પા સાથે લડવા ચાલી ગયેલી.

‘લતા, મારી વાત તો સંભાળ. મને ખબર છે બંને બાળકો વચ્ચે આજે લડાઈ થઇ છે પરંતુ તેમાં આપણે મોટેરાઓએ લડવાની જરૂર નથી.’ પુષ્પાએ લતાને શાંત પાડવાની કોશિશ કરતા કહ્યું.

‘હું તારી સાથે લડવા નથી આવી. મારા દીકરાની આંખ માંડ માંડ બચી છે. તું અમિતને સમજાવતી કેમ નથી? આંખ ફૂટી ગઈ હોત તો? તેનો હાથ બહુ ચાલે છે.’ લતાનો ગુસ્સો હજી શાંત થયો નહોતો.

‘છોકરું છે, કેમ સમજાવું તેને? હું તો વારેવારે કહું છું કે કોઈ સાથે લડાઈ ન કરે પણ બાળકોને કેટલું સમજમાં આવે?’ પુષ્પાએ વાતને નિયંત્રણમાં લાવતા કહ્યું.

‘આજે તો જવા દઉં છું પણ હવે પછી જો મારા છોકરાને કોઈપણ રીતે હેરાન કર્યો છે તો મારાથી ખરાબ કોઈ નહિ થાય યાદ રાખી લેજે.’ લતાએ ગુસ્સામાં આંગળી લગભગ પુષ્પાની આંખમાં જ ભરાવી દીધી અને પછી છણકો કરીને પોતાના ઘરે ચાલી ગઈ.


ઘરે આવીને તેણે અમિતને પોતાની પાસે બોલાવ્યો અને ગાલ પર થયેલા ઘસરકા પર ટ્યુબ લગાવી. પોતાના દીકરાને ખોળામાં બેસાડીને તે વ્હાલ કરતી રહી અને ધીમે ધીમે સમજાવવા લાગી.’અમિત, આજે તો તારી આંખ બચી ગઈ. જો તું આંધળો થઇ ગયો હોત ને તો પછી તો તને કમલેશ જ નહિ પણ બીજા છોકરા પણ હેરાન કરત. તું સામનો નહિ કરે ને તો લોકો તને રોજ મારશે.’ લતા ધીમે ધીમે પોતાના પુત્રને સમજાવતી ગઈ અને અમિતના મનમાં વાત બેસતી ગઈ કે જો તેણે પોતે સુરક્ષિત રહેવું હશે તો માર ખાવાને બદલે માર મારવો પડશે.બીજી બાજુ પુષ્પાએ પોતાના પુત્ર કમલેશને બોલાવીને સમજાવવાની કોશિશ કરી. ‘જો બેટા, તું જે રીતે લડાઈ કરે છે અને બીજાને મારે છે તે સારું નથી. તને ખબર છે આ રીતે તો આખી સ્કૂલમાં બધા એવું જ કહેશે કે કમલેશ મારકણો છે. ક્યારેક બીજું કોઈ તોફાન કરશે તો પણ પાછી નામ તારું જ આવશે. ડાહ્યો થઈને રહીશ તો બધા શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ગમીશ. તોફાન કરીશ તો ધીમે ધીમે બધા તારી સાથે બોલવાનું બંધ કરી દેશે.’પુષ્પાની વાત સાંભળીને તેનો પુત્ર કમલેશ પણ પોતાનું મન બનાવી રહ્યો હતો કે તેને લડાઈ કરવાનું એકદમ બંધ કરી દેવું જોઈએ.

આ વાતને ત્રણ મહિના વીતી ગયા. એક દિવસ સાંજે પુષ્પાએ લતાના ઘરનો દરવાજો ખખડાવ્યો.

‘લતા, મારો કમલેશ અહીં આવ્યો છે અમિત સાથે રમવા?’ પુષ્પાએ ચિંતાથી પૂછ્યું.

‘નહિ તો. કેમ શું થયું? ચિંતામાં લાગે છે?’ લતાએ પુષ્પાને વિહ્વળ જોઈને પૂછ્યું.

‘હા, આજે સ્કૂલથી પાછો આવ્યો નથી. સ્કૂલ છૂટ્યાને તો ત્રણ કલાક થઇ ગયા. બધે જ તપાસ કરી લીધી છે પણ કોઈને ખબર નથી.’ પુષ્પા લગભગ રડવા જેવી થઇ ગઈ.

‘અમિત, તે કમલેશને જોયો?’ લતાએ પોતાના પુત્રને અવાજ દઈને પૂછ્યું.

‘ના.’ અંદરથી જ અમિતે જવાબ આપ્યો એટલે પુષ્પા ત્યાંથી જતી રહી અને બીજાના ઘરે શોધવા લાગી.

રાત થવા આવી ત્યારે લતાના ઘરનો દરવાજો પોલીસે ખખડાવ્યો. ‘અમિત છે?’

લતાએ દરવાજો ખોલ્યો. દરવાજે બે પોલીસ ઓફિસર અને બે મહિલા ઓફિસર ઉભા હતા. સાથે પુષ્પા રડતી ઉભી હતી અને તેની આંખો લાલઘૂમ થયેલી હતી.

‘શું થયું? કેમ પોલીસ અહીં?’ લતા ગભરાઈ ગઈ.

‘તમારા છોકરા અમિતને બોલાવો. અમારે તેને પૂછપરછ કરવી પડશે.’ લેડી પોલીસ ઓફિસરે લતાને કહ્યું.

‘પણ શું થયું એ તો કહો?’ લતા હવે ધ્રુજી રહી હતી.

‘અમિતને બોલાવો.’

‘અમિત, અમિત, જલ્દી આવ બહાર.’ લતાનો અવાજ ધ્રૂજતો હતો.

ડરતા ડરતા અમિત બહાર આવ્યો અને પોલીસને જોઈને તેના હાથપગ ઢીલા પડી ગયા.


પોલીસ ઘરમાં આવી અને ડ્રોઈંગ રૂમમાં સોફા પર અમિતને બેસાડીને લેડી ઓફિસરે પૂછપરછ શરુ કરી.બીજા એક પોલીસ ઓફિસરે લતાને કહ્યું, ‘અમે સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે. સ્કૂલની લોબીમાં કમલેશે અમિત સાથે લડાઈ કરી હતી અને અમિતને ધક્કો મારીને પછાડી દીધો હતો. ત્યારબાદ અમિત ભાગીને સિદી ઉપર ચડતા દેખાય છે અને તેની પાછળ પાછળ કમલેશ પણ દોડતો દેખાય છે પરંતુ છત પર ગયા પછીના ફૂટેજ અમારી પાસે નથી. છત પરથી માત્ર અમિત જ પાછો ઉતારતો દેખાય છે, કમલેશના ફૂટેજ ત્યાર પાછી કેમેરામાં આવતા નથી. એટલે અમિતને પૂછીએ તો કોઈ માહિતી મળે.”ઓહ માઇ ગોડ. આજે ફરીથી લડાઈ કરી?’ લતા એ વાત સાંભળીને કંપવા લાગી.’અમિત, બેટા કમલેશે આજે તને પાછું માર્યું?’ લતા તરત જ તેના પુત્ર અમિત પાસે દોડી ગઈ અને તેને પોતાના ખોળામાં બેસાડીને વહાલ કરવા લાગી.

‘તને વાગ્યું? દુખે છે તને?’

‘મમ્મી, કમલેશે મને ધક્કો દીધો હતો. મને ઘૂંટણમાં વાગ્યું છે.’ અમિતે પોતાનો ઘૂંટણ બતાવતા કહ્યું.

‘હું દવા લગાવી આપીશ. કમલેશ ક્યાં ગયો ત્યાર પછી?’

‘મારી પાછળ દોડ્યો હતો એ મારવા. હું છત પર ચડી ગયો તો તે પાછળ પાછળ આવ્યો.’ અમિતે ડરતા ડરતા કહ્યું.

‘પછી શું થયું?’

‘મમ્મી, તે કીધું તું ને કે માર ખાઈશ તો બધા લોકો મને મારશે. મારે માર નથી ખાવો. છત પર પાણીનો ટાંકો ખુલ્લો હતો. મેં કમલેશને તેમાં ધક્કો મારી દીધો અને તેને અંદર પૂરીને ઢાંકણું બંધ કરી દીધું.’ અમિતે કહ્યું. તેના ચેહરા પર ડર અને જીતના મિશ્રભાવ ઉભરી આવ્યા.

‘ઓહ ગોડ. મારો દીકરો…’ પુષ્પા મોટેથી પોક મારીને રડી પડી.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]