સારો નિશ્ચય કર્યાનું સુખ…

આપણે સમાજ અને લોકો માટે કંઇક કરવું જોઈએ.‘ એક મિત્રએ બીજાને કહ્યું.

સમાજે આપણે માટે શું કર્યું છે કે આપણે કંઈ કરીએઆખરે તો આ દુનિયા સ્વાર્થની જ સગી છે. કોઈ કોઈનું નથી આ દુનિયામાં. તો પછી શા માટે આપણે પોતાનો સમયધન અને આવડતનો વ્યય એવા લોકો માટે કરીએ, જેમને આપણી કોઈ કદર જ ન હોય?’ બીજા મિત્રએ કહ્યું.

તારી વાત તો સાચી છે. સમાજમાં કેટલાય દુષણો છે. લોકો પણ હંમેશા સારા હોય તેવું બનતું નથી. વળી, જો આપણે કોઈના માટે કંઈ કરીએ તો તેના માટે કોઈ આપણી કદર કરે તે પણ જરૂરી નથી.‘ પહેલો મિત્ર સહમતી દર્શાવતા બોલ્યો.

તો પછી શા માટે આપણે કંઈ કરીએ. રહેવા દેને. મારો મત પૂછે તો હું તો એવું માનું છું કે કંઈ ન કરવું તે પણ લોકો પર એક ઉપકાર જ ગણાય. કોઈને નડીએ નહિ તે પણ મોટી સેવા છે માનવજાતની.‘ બીજા મિત્રએ પોતાનો તર્ક આગળ વધાર્યો.

વાત તો એ પણ ખોટી નથી. એવા એવા લોકો જોયા છે જે બીજાને વગર કારણે હેરાન કરતા હોય છે. તેની સામે આપણે કોઈને કનડીએ નહિ તો પણ ઘણું છે.‘ પહેલા મિત્રએ વધારે તાદાત્મ્યભર્યું નિવેદન કર્યું.

તો ચાલ, આપણે બસ એટલું જ કરીએ સમાજ માટે અને લોકો માટે કે કોઈને નડીએ નહિકોઈના ભાગનું લઈએ નહિ અને કોઈને છેતરીએ નહિ. જયારે સમાજ આપણા માટે કંઈ કરશે કે આપણા ઉપર એવું સમાજનું કોઈ ઋણ ઊભું થશે તો જોઈશું કે આપણે પણ બદલામાં કંઈ કરવું છે કે નહિ.‘ બીજા મિત્રએ પોતાનો નિર્ણય સંભળાવ્યો.

હું તારી વાત સાથે સહમત છું. આપણે કંઈ જ નથી કરવું. જેવા છીએ તેવા રહીએ.‘ પહેલા મિત્રએ એ નિર્ણયને યથાવત સ્વીકાર્યો.


ગુડ.‘ બીજા મિત્રએ તાળી દીધી.

વેરી ગુડ.‘ પહેલા મિત્રએ તાળી લીધી.

બંને મિત્રો સમુદ્રકિનારે રેતીમાં પગ લંબાવીને આકાશમાં ઘેરાતા કેસરિયા રંગો જોતા શાંતિથી બેઠા.

અત્યારે આપણે શું કરીએ છીએ?’ થોડીવાર પછી પહેલા મિત્રએ પૂછ્યું.

સમાજ અને લોકો માટે કઈંક સારું કરી રહ્યા છીએ.‘ બીજા મિત્રએ ઘટસ્ફોટ કર્યો.

એ કેવી રીતે?’ પહેલા મિત્રએ ઉત્સુકતાથી પૂછ્યું.

કોઈનું કંઈ ન છીનવીને. કોઈને જોઈતી વસ્તુમાં ભાગ ન પડાવીને અને શાંતિથી ખુલ્લી હવામાં સંતોષના શ્વાસ ભરીને આપણે ખરેખર જ ખૂબ સારું કામ કરી રહ્યા છીએ.‘ બીજા મિત્રએ ફિલસૂફની છટાથી એક પગ પર બીજો પગ ચડાવતા કહ્યું.

હમ્મ્મ… કોઈની પાસે ભાગ ન પડાવીને.‘ પહેલાએ સમર્થન કર્યું. ‘પણ આપણે શ્વાસ તો લઈએ છીએને?’ મનમાં કંઈંક વિચાર આવતા તેણે પ્રશ્ન કર્યો.

હાતોજીવવા માટે શ્વાસ તો લેવો પડેને?’ બીજાએ મિત્રના સવાલને નાદાન ગણાવીને જવાબ આપ્યો.

પણ આપણે શ્વાસ લઈએ તે તો ભાગ પડાવ્યો કહેવાયને?’ પહેલા મિત્રના મનમાં કોઈ મોટો પ્રશ્ન જાગેલો.

એ કેવી રીતે?’ બીજાએ સામો સવાલ કર્યો.

આપણે હવામાં રહેલો મર્યાદિત ઓક્સિજન લઈએ છીએ અને તેના બદલામાં કાર્બન ડાયોકસાઇડ છોડીએ છીએને?’ પહેલાએ ખુલાસો કર્યો.

શું મતલબ?’

મતલબ એ કે આપણને એવું લાગે છે કે આપણે કંઈ જ ન કરીએ અને શાંતિથી બેઠા રહીએ તો દુનિયાનું કંઈ લેતા કે બગાડતા નથી, પણ જયારે શ્વાસ લઈએ છીએ ત્યારે હવામાંથી ઓક્સિજન લઇ લઈએ છીએ. આ ઓક્સિજન તો સૃષ્ટિ માટે પ્રાણવાયુ છે. આપણે કેમેય કરીને જે ઓક્સિજનનો જથ્થો જીવનભરમાં વાપર્યો હોય તે પાછો ઉમેરી શકતા નથી.‘ પહેલા મિત્રએ પોતાના મનની ગૂંચવણ રજૂ કરી.

હાએ વાત તો સાચી.‘ બીજાનું મન પણ ગૂંચવણમાં પડ્યું.

એ રીતે તો આપણે બીજા લોકોના હકમાં ભાગ પડાવ્યો ગણાય. કંઈ ન કરીને પણ આપણે તો આ ધરતીનાપર્યાવરણના અને સમાજના ઋણી બની ગયા.‘ પહેલાએ પોતાના વિચારનું પ્રતિપાદન કર્યું.


એવું તો મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નહોતું. આપણે તો પાણી પણ વાપરીએ છીએખાવા માટે અનાજ અને બીજી સગવડો પણ ભોગવીએ છીએ. એ બધામાં ક્યાંક તો સૃષ્ટિના સ્ત્રોતોનો ઉપયોગ થયો જ હોય છે.‘ બીજા મિત્રને પોતાના વિચારમાં રહેલી ખામી સમજાઈ.

તો આપણે લોકો માટેસૃષ્ટિ માટે કઈંક કરવું જોઈએ.‘ પહેલાએ કહ્યું.

હાહું સહમત છું. આપણે કઈંક કરવું જોઈએ.‘ બીજાએ સૂચનનો સ્વીકાર કર્યો.

તો ચાલ, કંઈક એવું કરવાનું વિચારીએ જેનાથી સરવાળે આપણે જેટલું લઈએ છીએ તેનાથી વધારે આ સૃષ્ટિમાં ઉમેરીએ.‘ પહેલા મિત્રએ સૂચનને વધારે સ્પષ્ટ કર્યું.

હાકંઈ નહિ તો આપણે જીવવા માટે જેટલો ઉપભોગ કરીએ છીએ તેટલાની તો ભરપાઈ કરીએ. અને હા, તેં તો મારી આંખ ખોલી નાખી. આપણે તો સમાજ અને સૃષ્ટિના કેટલા ઋણી છીએ તે મને હવે સમજાયું.‘ બીજાએ આકાશમાં દૂર ડૂબતા સૂરજને જોતા કહ્યું.

બંને મિત્રો કેટલીય વાર સુધી કંઈ બોલ્યા વિના ક્ષિતિજે પથરાયેલા સંધ્યાના રંગોને જોતા રહ્યા અને તેમના ચેહરા પર એક સારો નિશ્ચય કર્યાનું સુખ છલકાયું.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]