પરમે વિચાર્યું પણ ન હતું કે તેનો મિત્ર તેને આવી રીતે દગો દેશે

પરમ અને વિમલ બંનેએ એન્જીનીઅરીંગ પૂરું કર્યું અને એક મોટી કંપનીમાં જોડાયા ત્યારથી સાથે નોકરી કરતા. આ સાત વર્ષના સમયમાં બંનેએ અનેક પ્રોજેક્ટ સાથે કરેલા અને તેમને એકબીજા સાથે કામ કરવાની ફાવટ આવી ગઈ હતી. બંને મહેનતુ અને ઉચ્ચ અધિકારીઓમાં સારું સમ્માન ધરાવે. તેમને કામ સોંપ્યું હોય તો થઇ જશે તેવો વિશ્વાસ મેનેજમેન્ટને હતો.

એક દિવસ સવારે ઓફિસમાં પરમે વિમલને સંબોધતા કહ્યું, ‘ભાઈ, કંપનીએ દુબઇના પ્રોજેક્ટ માટે મેનેજરની વેકેન્સી કાઢી છે. અહીંથી જ કોઈને મોકલવા માંગે છે.’

વિમલે પરમના મોબાઈલ પર ખુલેલી કંપનીની વેબસાઈટ જોઈ. દુબઈના નવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે તેઓ ઇન્ડિયા ઓફિસથી એક મેનેજરને મોકલવા માંગતા હતા. ક્વોલિફિકેશન અને અનુભવની લાયકાત વાંચી.

‘આમાં તો આપનો ચાન્સ લાગે તેમ છે.’ વિમલે કહ્યું.

‘હા, એટલે જ તો. એપ્લાઇ કરીએ. નસીબ હશે તો મળી જશે.’ પરમે મોબાઈલ લીધો અને પોતાની ડેસ્ક પર જઈ બેઠો.

દિવસ દરમિયાન પરમ અને વિમલ બંનેએ પોતપોતાની એપ્લિકેશન હેડઓફિસમાં મોકલી આપી. બે-ચાર દિવસમાં કદાચ ઇન્ટરવ્યૂ પણ કરે અને કઈંક પ્રોગ્રેસ થાય. બપોરે બંનેએ લંચ સાથે કર્યું ત્યારે પણ આ પોસ્ટ વિશે વાત થઇ.

‘ભાઈ, એકવાર આ નોકરી મળી જાય ને તો બલ્લે બલ્લે થઇ જાય આપણી તો. એક તો દુબઈમાં ફેમિલી સાથે રહેવાનું, પગાર ત્રણ ગણો અને યુ આર યોર ઓન બોસ.’ વિમલે કહ્યું. તેના અવાજમાં ઉમળકો હતો અને તેની આ પોસ્ટ મેળવવાની તીવ્ર ઈચ્છા છતી થતી હતી.

‘હા, એ તો ખરું. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તેનાથી આપણા બાયોડેટામાં ઇન્ટરનૅશનશલ પ્રોજેક્ટનો થપ્પો પણ લાગી જશે. પછી તો કેરીઅર રોકેટની જેમ આકાશમાં.’ પરમે હવામાં રોકેટ ઉડે તેવી રીતે હાથ ઉડાવતા કહ્યું.

‘લેટ્સ કીપ અવર ફિંગર્સ ક્રોસ.’ વિમલ બોલ્યો અને બંને લંચ પતાવી પોતપોતાના કામે લાગ્યા.

બે દિવસ પછી પરમને ઇન્ટરવ્યૂ માટે કોલ આવ્યો. વિમલનું મોઢું ઉતરી ગયું પણ પોતાને પણ કોલ આવશે તેવી આશા સાથે તેણે પરમને શુભેચ્છાઓ આપી.

પરમે ઇન્ટરવ્યૂ આપ્યું. બધું સારું સારું રહ્યું. હેડઓફિસે કહ્યું કે તેઓ પરમના પરફોર્મન્સ અને એટિટ્યૂડથી ખુશ હતા અને તેનું નામ જરૂર આ પોસ્ટ માટે વિચારવામાં આવશે. પરમે ઇન્ટરવ્યૂ પછી બધી વાત વિમલને કરી. હજી તો બંને વાત કરી રહ્યા હતા કે વિમલનો મોબાઈલ રણક્યો. હેડ ઓફિસથી ફોન હતો. તેણે પણ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો હતો.

‘ચાલ ભાઈ, મારો પણ ચાન્સ લાગી ગયો ઇન્ટરવ્યૂ માટે. વિશ મેં લક.’ વિમલે કહ્યું.

‘ઓલ ધ બેસ્ટ બ્રો.’ પરમે તેની સાથે હાઈ-ફાઈવ કરતા કહ્યું.

વિમલે પણ ઇન્ટરવ્યૂ આપ્યું અને તેણે પણ હેડઓફિસથી ખુબ સકારાત્મક પ્રતિભાવ મળ્યો. તેનું નામ પણ મુખ્ય લિસ્ટમાં હતું અને તેણે પણ આ પોસ્ટ મળે તેવા ચાન્સ હતા.

તે દિવસે સાંજે પરમ અને વિમલ સાથે કોફી પીવા ગયા અને આ પોસ્ટ વિશે વાત કરી રહ્યા હતા. ‘ખબર નહિ કોને મોકલશે. મેં સાંભળ્યું છે કે ચાર-પાંચ બીજા લોકોના નામ પણ આ પોસ્ટ માટે વિચારાઈ રહ્યા છે.’

‘જે નસીબમાં હશે તે થશે. વી હેવ ડન અવર બેસ્ટ.’ પરમે કોફીનો છેલ્લો ઘૂંટ ભરતાં કહ્યું અને બંને ઘરે જવા માટે છુટા પડ્યા.

બે-ત્રણ દિવસ નીકળી ગયા. હેડ ઓફિસથી કોઈ જવાબ ન આવ્યો. તેમણે પણ એક-બે દિવસ સુધી આતુરતાથી રાહ જોઈ પણ પછી તેમની ઉત્સુકતા થોડી ઓછી થઇ.

શુક્રવારે બપોર પછી ઇમેઇલ આવ્યો કે આ પ્રોજેક્ટ ઉપરાંત બીજો પ્રોજેક્ટ પણ કંપનીને મળ્યો છે અને જે કોઈ દુબઇ પોસ્ટીંગમાં જશે તેણે બંને પ્રોજેક્ટ મેનેજ કરવાના રહેશે. પરમના મેઈલમાં લખ્યું હતું કે બે નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે તેમા એક તેનું નામ છે. સોમવારે ફાઇનલ ઇન્ટરવ્યૂ થશે અને પછી નિર્ણય લેવાશે.

તેવો જ ઇમેઇલ વિમલને પણ આવ્યો. તે પણ બે શોર્ટલિસ્ટેડ નામ પૈકી એક હતો. બંને એક બીજા સાથે બધી વાત કરતા એટલે તેમણે એ તો ખબર પડી ગઈ કે હવે કોમ્પિટિશન તેમની બંનેની વચ્ચે જ છે.

પરમ અને વિમલ સાંજે કોફી પિતા પિતા વાત કરી રહ્યા હતા ત્યારે વિમલે કહ્યું, ‘જો પરમ, હવે કોમ્પિટિશન આપણી બંનેની વચ્ચે જ રહી છે. બેમાંથી એક ને જ આ પોસ્ટ મળશે તેવું લાગી રહ્યું છે.’

‘હા, લેટ્સ સી, કોણ છે લકી.’ પરમે વધારે ગંભીર થયા વિના જવાબ આપ્યો.

‘પણ મારા મનમાં એક વિચાર છે. જો આપણે ઇચ્છીએ તો બંને સાથે દુબઇ જઈ શકીએ.’ વિમલે સૂચન કર્યું.

‘તે કેવી રીતે?’ પરમને આશ્ચર્ય થયું.

‘ઇમેઇલમાં લખ્યું છે કે હવે કંપની પાસે બે પ્રોજેક્ટ છે. આપણે એવું કહીએ કે બંને પ્રોજેક્ટ એક વ્યક્તિથી હેન્ડલ ન થાય. સમયસર અને સારું કામ કરવા માટે બે અલગ અલગ મેનેજરની જરૂર રહેશે. તો કંપની આપણા બંનેને મોકલશે.’ વિમલે સૂચન આપ્યું.

‘પણ શા માટે કંપની આપણી વાત માને?’ પરમને વિમલનું સૂચન સમજાયું નહિ.

‘એટલા માટે કે પ્રોજેક્ટ વિશે આપણને વધારે ખબર પડે છે. આપણે કહીશું તો કંપની સમજશે. બસ વાત એ છે કે આપણે બંને એ એકસરખી વાત કરવી પડશે.’ વિમલે કહ્યું.

‘હા, વાત તો તારી સાચી છે. ચાલ, તો આપણું નક્કી રહ્યું. બંને એવું સૂચન કરીશું તો કંપની જરૂર વિચારશે.’ પરમે સહમતી આપી અને બંને પોતપોતાના ઘરે રવાના થયા.

સોમવારે પહેલું ઇન્ટરવ્યૂ વિમલનું હતું. તેણે ઇન્ટરવ્યૂ પતાવ્યું અને પરમને સ્મિત સાથે થમ્બ્સ અપ નો નિર્દેશ કર્યો. પરમ સમજ્યો કે વિમલે વાત મૂકી દીધી છે અને હવે તેણે પણ એ જ રીતે વાત મુકવાની છે.

પરમે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે બે પ્રોજેક્ટ એકલાથી હેન્ડલ ન થાય. બે મેનેજર હોવા જોઈએ.

ઇન્ટરવ્યૂ લેનાર લોકોએ એકબીજા સામે જોયું અને ચેરમેને જવાબ આપ્યો, ‘ઓકે પરમ, જો તમારાથી બે પ્રોજેક્ટ હેન્ડલ ન થાય તો અમે તમને ત્યાં ન મોકલી શકીએ. અમારી પાસે બીજા એક કેન્ડિડેટ છે જેણે બંને પ્રોજેક્ટ હેન્ડલ કરવાની તૈયારી બતાવી છે. અમે તેને મોકલીશું. થેન્ક યુ ફોર યોર ફ્રેન્ક આન્સર. સારું કર્યું તમે સ્પષ્ટપણે અમને જણાવી દીધું.’

પરમનો ચેહરો ઉતરી ગયો અને તેણે સમજાયું કે તેની સાથે દગો થઇ ગયો હતો.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]