‘મેડમ તમે?’ ભૂષણે એ સ્ત્રીને આશ્ચર્યથી પૂછ્યું…

વિષ્ણુ અને ભૂષણ બે જોડિયા ભાઈઓ હતા. જન્મ્યા ત્યારથી જ બંનેમાં દેખીતો તફાવત હતો. એક ગોરા ઔર એક કાલા. વિષ્ણુ રંગે શામળો અને ભૂષણ રૂપાળો. શરીરનો બાંધો અને ઊંચાઈ તો લગભગ સરખા જ હતા, પરંતુ પછી કોલેજ દરમિયાન વિષ્ણુએ બોડીબિલ્ડિંગ કરીને શરીરને ઘાટ આપ્યો. જયારે ભૂષણ લાઈબ્રેરીમાં બેસીને પુસ્તકોના પાનાં ફેરવી ફેરવીને ચશ્માના નંબર વધારતો ગયો.

વિષ્ણુનો મગજ ખૂબ તેજ, પરંતુ ભણવામાં રસ નહિ. મિત્રો સાથે બાઈક લઈને ફરે અને નવી નવી ગર્લફ્રેન્ડ બનાવે. છોકરીઓમાં તો જાણે તે કાનુડો ન હોય તેવો લાડલો.

ભૂષણને સૌ આદરથી જૂએ પરંતુ તેના અંતર્મુખી વ્યક્તિત્વ અને ઇન્ટેલેચ્યુંઅલ લેવલને કારણે લોકો તેની સાથે બહુ સમય ન વિતાવી શકે. ભૂષણ પણ નકામી વાતોમાં સમય બગાડવા કરતા કૈંક શીખવા માટે ઉત્સુક રહેતો.

ભૂષણ બધા જ લેક્ચર અટેન્ડ કરે અને સરસ નોટ બનાવે. વિષ્ણુ પરીક્ષાના એકાદ અઠવાડિયા પહેલા એ નોટને બે વાર વાંચી લે અને ન સમજાય તે વિષ્ણુને પૂછી લે અને તો પણ ફાસ્ટ ક્લાસ લાવે. પરીક્ષામાં શું પૂછશે તેનો અંદાજ ભૂષણને આવી જતો અને તેટલું જ વાંચવામાં તેને રસ પડતો.

ભૂષણને લાગતું કે પરીક્ષા પાસ કરવા માટે નહિ પરંતુ જ્ઞાન મેળવવા માટે ભણીએ છીએ અને અભ્યાસક્રમમાં આપ્યું હોય તેટલું બધું જ શીખવું વિદ્યાર્થીની ફરજ છે. એટલા માટે તે વધારાના સંદર્ભ પુસ્તકો પણ વાંચે. વિષ્ણુ એવું માને કે જીવન મોજ કરવા માટે છે તેને ચોપડીઓમાં વેડફવું ન જોઈએ. બંને ભાઈઓમાં વિચારભેદ અને મતભેદ રહ્યા કરે પરંતુ તેમ છતાંય સંપ સારો.

વિષ્ણુએ કોલેજ પછી ભણવાને બદલે ઇન્ડિયા ટુર કરવાનું નક્કી કર્યું. બેકપેક કરીને પોતાની બાઈક લઈને ઉપડ્યો ફરવા. બે-ત્રણ વર્ષ સુધી આમ તેમ ફરીને પાછો આવ્યો ત્યાં સુધીમાં ભૂષણે મેનેજમેન્ટ કરી લીધું હતું અને સારી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. જવાબદારી વાળી નોકરી એટલે ખૂબ મહેનત કરવી પડે.

ફોન પર વાત થાય ત્યારે ભૂષણ તેને સમજાવે કે કોઈક નોકરી કરીને સેટ થઇ જાય અને પરિવાર વસાવી લે. પરંતુ વિષ્ણુએ ધ્યાન ન આપ્યું. તે નાની મોટી જમીનની કે બિઝનેસની ડીલ કરાવીને કમિશન મેળવીને સારા એવા પૈસાનો જુગાડ કરીને વધારે ને વધારે મોજમસ્તી વાળી જિંદગી જીવવા લાગ્યો.

ભૂષણને વિષ્ણુનું જીવન જોઈને ક્યારેક તેની ચિંતા પણ થાય કે આવું ક્યાં સુધી ચાલશે? ન કોઈ સેટલ બિઝનેસ કે ન કોઈ નોકરી. થોડા દિવસ શહેરમાં રહે અને બાકી સરસ ગાડી લઈને ક્યાંક ફરતો હોય. ત્રણ ચાર મહિને બંને ભાઈઓનું મળવાનું થાય તો દર વખતે ભૂષણને નવી સરપ્રાઈઝ મળે. ક્યારેક તેના ભાઈની ગાડી બદલી ગઈ હોય તો ક્યારેક ગર્લફ્રેન્ડ. દરેક વખતે નવી અને પહેલા કરતા વધારે સુંદર ગાડી કે ગર્લફ્રેન્ડ લાવે.

‘આજે નહિ તો કાલે મુશ્કેલીમાં પડીશ, ભાઈ. ક્યાં સુધી આવું જીવન જીવીશ?’ ભૂષણ કહેતો.

‘ભાઈ, જીવનની મસ્તી આઝાદીમાં જ છે. નોકરી જેવી ગુલામી શા માટે કરવાની? લગ્ન કરીને ખીલે શા માટે બાંધવાનું?’ વિષ્ણુ સિગારેટ ફૂંકતા બોલતો.

બે-ત્રણ વર્ષ વીત્યા. ભૂષણનું નોકરીમાં પ્રમોશન થયું, વધારે બીઝી થયો અને વાળ સફેદ થવા મંડ્યા. પરંતુ વિષ્ણુ હજીયે નવા કપડાં પહેરીને ફરતો. ધીમે ધીમે તે ભૂષણ પાસેથી પૈસા ઉધાર માંગવા મંડ્યો. ક્યારેક ક્યારેક શહેરના બીજા લોકો પણ ભૂષણને કહેતા કે તેના ભાઈએ મોટી રકમ ઉધાર લીધી છે અને દેવામાં સમય લગાડી રહ્યો છે.

‘ભાઈ, હવે તો લોકો ઉઘરાણી કરવા મંડ્યા છે. આમ ને આમ ક્યાં સુધી ચાલશે? તારા ખર્ચા ઓછા કર અને કૈંક નોકરી ધંધો કરીને પરિવારમાં સેટલ થા.’ એક દિવસ ભૂષણે ગુસ્સાથી વિષ્ણુને કહ્યું.

‘ભૂષણ, હું નોકરી કરીને આ જીવન બરબાદ કરવા માંગતો નથી. આપી દઈશું પૈસા જેની પાસેથી લીધા છે તેને. ચિંતા ન કર.’ વિષ્ણુએ બેફિકરાઈથી કહ્યું.

‘હું તો તને સમજાવી સમજાવીને થાક્યો. શું કરશે આગળ તું?’

‘મોજ મજા. એજ તો કરવું છે આપણે જીવનમાં. બીજું કઈ કરવું જ નથી.’ વિષ્ણુ હસ્યો.

ભૂષણ જવાબદારીઓના બોજથી જેટલો પરિપક્વ થતો જાય તેટલો જ વિષ્ણુ પોતાની ઐય્યાશીઓથી જુવાન થતો જાય. બોડી બિલ્ડીંગ, બ્રાન્ડેડ અને નવા કપડાં, ગાડી, ગર્લફ્રેન્ડ અને બધી જ મોજ મસ્તીથી જાણે તેનું શરીર પચીસ વર્ષનો હોય તેવું જુવાન દેખાય.

એક દિવસ ભૂષણ સાંજે નોકરીએથી થાકીને ઘરે આવ્યો તો જોયું કે વિષ્ણુ અને એક સ્ત્રી તેના ઘરે બેઠા બેઠા ભૂષણની પત્ની અને બાળકો સાથે વાતો કરતા હતા. ‘આજે હવે કોને લઈને આવ્યો હશે?’ ભૂષણના મનમાં સવાલ ઉઠ્યો.

‘મેડમ તમે?’ ભૂષણે સ્ત્રીને જોઈને આશ્ચર્યથી પૂછ્યું.

‘હા, ભાઈ. શાલિની, મારી ફિયાન્સે. હું અને શાલિની તમને લગ્નનું આમંત્રણ આપવા આવ્યા છીએ. અમે આવતા મહિનાની સાતમી તારીખે ઇટાલીમાં મેરેજ કરીશું. તમારે બધાએ સાથે જ આવવાનું છે. ડેસ્ટિનેશન વેડિંગ છે.’ વિષ્ણુએ ભૂષણના ખભે થપ્પો મારતા કહ્યું.

‘પણ ઇટાલીની ટિકિટ વગેરે.’ ભૂષણમાં મનમાં ખર્ચની ચિંતા થઇ.

‘આપણે ચાર્ટર્ડ પ્લેનમાં જઈશું.’ શાલિનીએ કહ્યું.

શાલિની ભૂષણ જે કંપનીમાં નોકરી કરતો હતો તેના માલિકની એકની એક પુત્રી હતી જેની સુંદરતા અંગે સ્ટાફના બધા લોકો વાતો કરતા.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)