પ્રોફેસર દંપતીનું એકલવાયું જીવન તેમને મોતની વધુ નજીક લઈ ગયું….

પ્રોફેસર પ્રશાંત પંડ્યા અને માલતીબેનના લગ્ન થયાને ત્રેપન વર્ષ થઇ ગયા હતા. હજુ વીસીમાં બેઠા હતા ત્યારે જ માલતીબેને પોતાના પિયરેથી વિદાય લઇ લીધી હતી અને પોતાનાથી ત્રણેક વર્ષ મોટા પ્રશાંત સાથે ઘર ગૃહસ્થી માંડી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને સાસુના માર્ગદર્શન અને મીઠા ઠપકા વચ્ચે માલતીબેન ઘર સંભાળવામાં માહેર બનતા ગયા. પ્રશાંત પંડ્યા પ્રાથમિક શિક્ષકમાંથી તરક્કી કરીને કોલેજમાં પ્રાધ્યાપક અને પછી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બની ગયા હતા. પોતાના વિષયમાં નિષ્ણાત મનાતા ભાષાશાસ્ત્રી પ્રોફેસર પંડ્યાના હજારો વિદ્યાર્થીઓ તેમને ગુરુ અને માલતીબેનને ગુરુમૈયા જેવો આદર આપે.

આ દંપતીને બે બાળકો, મોટી પુત્રી અને નાનો પુત્ર. બંને હાઈસ્કૂલમાં પહોંચ્યા ત્યાં પ્રોફેસર પંડ્યાની માતાએ દુનિયામાંથી વિદાઈ લીધી. માલતીબેનના માથેથી જાણે છાપરું હટી ગયું હોય તેવું દુઃખ થયું. પ્રશાંત માટે તો માતા-પિતા સર્વસ્વ જતું રહ્યું અને હવે મૂંઝવણનાં સમયમાં માર્ગદર્શન આપવાવાળું પણ કોઈ બચ્યું નહોતું. પરંતુ જીવન છે તે ચાલ્યા કર્યું. પ્રોફેસરના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો સંગાથ ખુબ સારો એટલે તેમના જીવનમાં એકેય ક્ષણ કંટાળો આવે તેવી ન જાય. પ્રોફેસરને જાણનારા બધા લોકો આ દંપતીને આંખો પર બેસાડીને રાખવા જેટલો આદર આપે.

નિવૃત્તિનો સમય નજીક આવી રહ્યો હતો ત્યાં બંને બાળકો પણ મોટા થયા અને પુત્રી અમેરિકા તથા પુત્ર ઓસ્ટ્રેલિયા જઈને સ્થાયી થયા. પ્રોફેસરની નિવૃત્તિ સુધીમાં તો બંનેએ વિદેશમાં લગ્ન પણ કરી લીધા અને પરિવાર જમાવી દીધો. પ્રોફેસર દંપતી એક-બે વાર બંને દેશોમાં પુત્ર-પુત્રીના ઘરે જઈ આવેલા અને એકાદ મહિનો તેમની સાથે રહ્યા પણ ખરા. પરંતુ તેમના આદર – સમ્માન જેવા પોતાના શહેરમાં હોય તેવા તો ત્યાં ન જ મળે. વળી પોતાના શિષ્યો અને મિત્રોની યાદ પણ ખુબ સતાવે. આખરે પાછા પોતાને ઘેર આવ્યા ત્યારે જ આહલાદકતા અનુભવેલી. પોતાના ઘરમાં જ શાંતિ અને પોતીકું લાગે તેવું પ્રોફેસર વારે વારે કહેતા અને માલતીબેન તેનાથી સંમત હતા.

નિર્વૃતિ બાદ પ્રોફેસર ઘરે રહેવા લાગ્યા. સવારે છાપું વાંચે, ચા-નાસ્તો કરે અને કોલેજ જવાનો સમય થાય ત્યાં સુધીની જીવનચર્યા પહેલા હતી તેવી જ ચાલતી રહી. પરંતુ અગિયાર વાગ્યે પહેલા કોલેજ જવા નીકળતા તે હવે બંધ થઇ ગયું એટલે પત્ની સાથે શાકભાજી લેવા માર્કેટમાં સાથે જાય. રસ્તામાં બંને જીવનના અનેક પસંગો અંગે, આસપાસના લોકો અને સમાજ અંગે વાતો કરે. પાછા ફરીને પ્રોફેસર કોઈ પુસ્તક વાંચે કે કોઈની સાથે ફોન પર વાત કરે કે કૈંક લખે ત્યાં સુધીમાં જમવાનો સમય થઇ જાય. બંને જમીને થોડીવાર ઊંઘી જાય અને એ રીતે બપોર પછીનો સમય પસાર થઇ જાય. પાછા ઉઠીને ચા-પાણી પીવે, પ્રોફેસર કૈંક વાંચે, લખે અને માલતીબેન પોતાના નિયમાનુસાર ઘરનું કામકાજ પતાવે. સાંજ પડે ત્યાં સુધીમાં પ્રોફેસરે ઘણું વાંચી લીધું હોય.

ક્યારેક કોલેજ પછી કોઈ વિદ્યાર્થી કે પ્રાધ્યાપક ડોકું કાઢી જાય અને હાલચાલ પૂછી જાય. વ્હાલભર્યું દંપતી તેમને આવકારે, ચા પીવડાવે અને ઘણી વાતો કરે. તડકો ઓછો થાય એટલે દંપતી સોસાઈટીના બગીચામાં ચાલવા જાય. ત્યાં કોઈ પડોસી સાથે વાતો કરીને સમય વિતાવે અને સાંજ પડતા ઘરે પાછા. ફરીથી માલતીબેન ભોજન બનાવે, પ્રોફેસર કૈંક લખે-વાંચે અથવા ફોન પર વાતો કરે. રાત્રે વાળું કરીને થોડીવાર ટીવી જુએ, એકબીજા સાથે વાતો કરે અને રોજિંદા નિયમ અનુસાર માલતીબેન રસોડું વગેરે સંકેલે ત્યારે પ્રોફેસર પહેલા તો આગળનાં દિવસના વ્યાખ્યાન માટે કૈંક તૈયારી કરી લેતા પરંતુ હવે તો તેની જરુર નહોતી એટલે કૈંક વાંચી લે.

સમયજતા દંપતીનું જીવન વધારે એકલવાયું બનવા માંડ્યું. પુત્ર-પુત્રીના પરિવાર સાથે ફોન પર કેટલી વાતો કરે? જુના વિદ્યાર્થીઓ આવી આવીને કેટલું આવે? પડોશી સાથે કેટલી વાતો થાય? પતિ-પત્ની બંને પોતે પણ કેટલી વાતો કરે? પ્રોફેસર કેટલું વાંચે અને કેટલું લખે? માલતીબેન પાસે બે જણના પરિવારમાં ઘરનું કામ પણ કેટલું હોય? એકંદરે બંનેને અહેસાસ થવા લાગ્યો હતો કે બાળકોના ગયા પછી, નિવૃત્તિ પછી લોકોનો આવરો-જાવરો ઓછો થતા હવે તેમનો દિવસ ખાલી ખાલી રહેતો અને બેન્ક કે સોસાઈટીના નાના નાના કામોમાં ચીવટ દાખવી દાખવીને વધારે સમય આપવા છતાં બાકીના કલાકો વિતાવવા મુશ્કેલ બનતા જતા હતા.

એકલતા માણસને અંદરથી તોડી નાખે છે તે વાત પ્રોફેસરે વાંચેલી પણ તેની અસર પોતાના જીવન પર ક્યારે શરુ થઇ તે કળાયું નહિ. અહીં તૂટવાનો અર્થ બટકવું કે ચૂરો થઇ જવું એવો નથી હોતો અને એટલે જે ઘસાઈ ઘસાઈને પીગળી પીગળીને માણસ અંદરથી તૂટે છે તો તેને પોતાને પણ અહેસાસ થતો નથી. એવું જ પ્રોફેસર દંપતી સાથે થઇ રહ્યું હતું અને એ હકીકતથી તેઓ તદ્દન અજાણ હતા. બે વર્ષ બાદ તેમના જીવનમાં દવાખાનાની  સાપ્તાહિક મુલાકાત ઉમેરાઈ ગઈ. બીમારી તેમનું ઘર ભાળી ગઈ હતી. શરૂઆતમાં નાની અને તેની પાછળ પાછળ મોટી બીમારીઓ તેમને લાગવા લાગી. દવાઓ ખાવી પડે, પહેલા ન અનુભવી હોય તેવી બેચેની અને શારીરિક તકલીફો સહેવી પડે અને તેના અંગે વાત કરવા વાળું કોઈ ન હોય, પગ દુખે તો થોડીવાર હળવા હાથે દબાવનારું કોઈ ન હોય તેવું બનવા લાગ્યું.

હજીયે વિદ્યાર્થીઓ અને અન્ય પરિચિતો તો ઘરે આવતા જતા રહેતા પરંતુ તેમનો તો જાણે મુલાકાતનો સમય સાંજે પાંચથી સાતનો બાંધી દીધો હોય તેમ આ સમય સિવાય ક્યારેય કોઈ પ્રોફેસર દંપતીને તકલીફ પણ આપતું નહિ. શરીર ધીમે ધીમે હારવા લાગ્યું અને બીમારીઓ જીતવા લાગી. એકવાર મધ્ય રાત્રીએ પ્રોફેસરને એમ્બ્યુલન્સ બોલાવીને દવાખાને લઇ જવા પડેલા. અન્ય એક દિવસે માલતીબેનને ત્રણ દિવસ દાખલ થવું પડેલું. પછી એકાદ મહિના સુધી એક નર્સ રોજ ઘરે આવીને ઇન્જેક્શન આપી જતી. ડોક્ટર અને નર્સ સાથે પોતાની બીમારી અને તકલીફ વિશે વિસ્તૃત વાત કરવી એ પણ એક પ્રવૃત્તિ લાગવા લાગેલી અને તેમાં પણ કેટલીક એકલતા દૂર થઇ જતી હતી તેવું દંપતીએ અનુભવ્યું.

હવે તો ક્યારેક ક્યારેક તેમની ઉંમરના લોકોના મૃત્યુના સમાચાર પણ આવવા લાગ્યા. જેમની સાથે કલાકો સુધી વાતો કરી હોય, ચાના કપ ગટગટાવ્યા હોય તેવા મિત્રો એક પછી એક વિદાય લેવા લાગેલા અને દરેક વિદાય સાથે જાણે પોતાના શરીરનું એક અંગ ઘટી રહ્યું હોય તેવું લાગતું. શરીર નબળું થઇ ગયું હતું અને મન કમજોર. દિનચર્યા જેવું કઈ રહ્યું નહોતું, માત્ર દિવસ ઉગવાથી રાત પડવા સુધી શરીરને ખેંચવાનો ભાર લાગતો હતો. ઊંઘ પણ ઘટી રહી હતી અને દૈહિક તકલીફ વધી રહી હતી. કોઈની સાથેનો સંગાથ કે વાર્તાલાપ એકલતા તો ઘટાડી દેતો પરંતુ શરીરમાં લાગેલી બીમારીઓથી રાહત આપી શકે તેમ નહોતો.

એકદિવસ સવારે દૂધવાળો દૂધ દેવા આવ્યો ત્યારે માલતીબેને દરવાજો ન ખોલતા તે ડેલીમાં દાખલ થયો અને બારીમાંથી ડોકિયું કર્યું. ખુલ્લી બારીમાંથી પ્રવેશતા સૂર્યપ્રકાશમાં દંપતીના મુખમાંથી બહાર આવીને થીજી ગયેલું સફેદ ફીણ અને પલંગની બાજુ પર લટકી પડેલ પ્રોફેસરનો હાથ જોઈને તેનાથી ચીસ પડાઈ ગઈ.

 

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)