રાજેશ ને ભૂલ સમજાઈ કે બીજાની તાકાતના જોરે લડાઈમાં ન ઉતરાય

રાજેશ અને બટુક બાળપણથી પડોસમાં રહેતા અને સાથે જ મોટા થયા હતા. પરંતુ જેમ જેમ બંને મોટા થતા ગયા તેમ તેમ રાજેશને સમજાતું ગયું કે બટુક તેના કરતા શરીરમાં મજબૂત અને મગજથી તેજ બની રહ્યો છે. દેખાવમાં પણ બટુક બધાંયને ગમી જાય તેવો હતો. રાજેશને સમજાતું નહોતું કે પોતે બંને એક જ મહોલ્લામાં રહેતા હોય, એકબીજાને એક જ દીવાલે ઘર હોય, ખાવા પીવાનું પણ સરખું જ હોય, એક જ શાળામાં ભણતા હોય તેમ છતાંય બટુક તેના કરતા બધી જ રીતે વધારે સારો કેવી રીતે હોઈ શકે? આ વાતથી રાજેશને બટુકની ઈર્ષ્યા થવા લાગી.

બટુક કરતા વધારે સારા બનવા માટે રાજેશે બધા જ પ્રયત્નો કરી જોયા. કસરત કરીને શરીર મજબૂત બનાવવા, સારા કપડાં પહેરીને દેખાવે સારા લાગવાના જેવા પ્રયત્નો આદર્યા. વાંચીને, ભણવામાં ધ્યાન દઈને વધારે હોશિયાર બનવાના પ્રયત્નો પણ કરી જોયા. પરંતુ આપણા પ્રયત્નોનો સાચો મકસદ શું છે તેના પર પરિણામ નીર્ધાર રાખે છે. રાજેશના દરેક પ્રયત્નોના કેન્દ્રમાં બટુક કરતા સારા બનવાનવાનો જ વિચાર હતો. બટુકના જે પરિમાણ કરતા વધારે સારું બનવાની ઈચ્છા રાજેશ સેવતો અને મહેનત કરીને ત્યાં પહોંચી પણ જતો ત્યાં સુધીમાં બટુક વધારે આગળ નીકળી ગયો હોય તેવું બનતું. આખરે ફરીથી રાજેશ ઈર્ષ્યાથી સળગી ઉઠતો.

હાઈસ્કૂલ પૂરી થઇ અને કોલેજમાં પ્રવેશ્યા પછી છએક મહિનામાં રાજેશને એવા પાંચ મિત્રોનું ગ્રુપ મળી ગયું જેઓ બધા જ કોઈને કોઈ રીતે બટૂકથી ચીડાતા હોય. કોઈને બટુકના હોશિયાર હોવાથી, તો કોઈને તેના હેન્ડસમ હોવાથી ઈર્ષ્યા હતી. કોઈ તેની લોકપ્રિયતાને કારણે અને કોઈ ખાસ કારણ વગર અમસ્તા જ બટૂકથી ચીડાતા હોય તેવા પાંચ મિત્રો અને છઠ્ઠો રાજેશ ભેગા મળીને હંમેશા બટુકની લીટી નાની કરવાની કોશિશ કર્યા કરે. પરંતુ જેમ હાથી નીકળે અને કુતરા ભસતા રહે તો પણ મદમસ્ત ગજરાજને કોઈ ફરક ન પડે તેમ બટુક તો ક્યારેય કોઈ પ્રતિક્રિયા પણ ન આપે.

એક વખત છ મિત્રોએ પ્લાન બનાવ્યો અને તે પ્રમાણે રાજેશને બટુક પાસે બેસવા મોકલ્યો. રાજેશ બટુકની બેન્ચ પર તેની પાસે જઈને બેઠો. ઘણા સમયથી તેમની વચ્ચે બોલવા-ચાલવાનું ઓછું હોવાથી બટુકે કોઈ પ્રતિક્રિયા આપી નહિ. આગળ પાછળની બેન્ચ પર રાજેશના પાંચેય મિત્રો આવીને બેઠા. પાંચેયે સંગઠિત થઈને એવી રીતે વર્તન કરવા માંડ્યું કે બટુક કેમેય કરીને ચિડાય. કોઈ પોતાની પેન બટુકની બાજુમાં ફેંકી દે અને પછી તેને ઉઠાવવાના બહાને બટુકને ઠોંસો મારે, કોઈ પાછળથી મોટા અવાજે બોલે કે જેથી બટુકના કાનમાં જ અવાજ જાય. આવી પ્રતિક્રિયાઓ કે જેને કારણે કોઈ પણ સામાન્ય માનવી ગુસ્સો થયા વિના ન રહે. એવું જ બટુક સાથે પણ થયું. તેણે ગુસ્સો કર્યો. ધમકી આપી કે જો અહીંથી નહિ જાઓ તો દાંત તોડી નાખીશ. આ છ મિત્રોને જે જોઈતું તું તે મળ્યું. તેઓએ જઈને કોલેજના પ્રિન્સિપાલને ફરિયાદ કરી કે બટુક બીજા લોકો ઉપર દાદાગિરી કરે છે.

પ્રિન્સિપાલે બટુકને અને રાજેશ તથા તેના પાંચેય મિત્રોને પોતાની ઓફિસમાં બોલાવ્યા. છ લોકોએ સંગઠિત થઈને ફરિયાદ કરી એટલે બટુક એકલો પડી ગયો. તેણે પોતાનો પક્ષ રાખવાની કોશિશ કરી પરંતુ પ્રિન્સિપાલે તેની વાતને તવજ્જો ન આપી અને સખત શબ્દોમાં ચેતવણી આપીને રવાના કર્યો.

આ કિસ્સાથી રાજેશ અને તેનું મિત્ર મંડળ વધારે જોશમાં આવ્યું. હવે તેઓ જયારે પણ મોકો મળે ત્યારે કોઈને કોઈ રીતે બટુકને ચીડવે, પજવે અને કેમેય કરીને તેને ઉશ્કેરવાની કોશિશ કરે. તેઓએ એકાદ બે કિસ્સાઓ ટાંકીને કોલેજમાં બટુકને બદનામ કરવા માંડ્યો કે તે પોતાના બળુકા શરીરનો ફાયદો ઉઠાવે છે અને નબળા લોકોને દબાવે છે. બટુકને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નહોતો અને હંમેશાની જેમ તે પોતાના કામમાં મસ્ત રહેતો. જયારે જરૂર પડે ત્યારે પોતાનું જોર બતાવી દેતો અને મામલો થાળે પાડી દેતો. પરંતુ આમ કરવામાં જે લોકો રાજેશ અને તેના પાંચેય મિત્રોની ટોળીની વાતોમાં આવી જતા તેઓ બટુક વિશે ખોટો અભિપ્રાય બાંધી લેતા અને વાત કરવાનું કે બીજો કોઈ વ્યવહાર કરવાનું ટાળતા. બટુકના સ્વભાવ પ્રમાણે તેને કોઈને સમજાવવાની, પોતાના વિશે સારું અને બીજા વિશે ખરાબ બોલવાની આવડત નહોતી જયારે બીજા છ લોકો એવી ભાષા બોલતા જેનાથી સૌ ભોળવાઈ જાય.

થોડા દિવસો બાદ રાજેશ અને તેના મિત્રોએ બટુકની બાઈક પાર્ક કરવાની જગ્યા પાસે પોતાની બાઈક પાર્ક કરવા માંડી. તેમને એમ કે જો નજીક નજીક બાઈક પાર્ક કરીશું અને બટુકને પોતાની બાઈક કાઢવામાં અડચણ પડશે તો ચીડાશે અને પછી બોલચાલ થશે તો સૌ સાથે મળીને તેને વધારે બદનામ કરીશું અને ફરીથી પ્રિન્સિપાલ પાસે લઇ જઈશું અને કોલેજમાંથી બહાર કઢાવી દઈશું. થોડા દિવસ આવું ચાલ્યું. બટુકની બાઈક પાસે આ મિત્રો એવી રીતે ઘેરાવો કરીને પોતાની બાઈક પાર્ક કરે કે તેને બહુ મુશ્કેલી પડે. એકાદ વખત તો બટુકની બાઇકમાં સ્ક્રેચ પણ પડ્યો અને એક-બે વાર તેને બીજાઓની બાઈક હટાવવા કહેવું પડ્યું ત્યારે જ પોતાની બાઈક તે કાઢી શક્યો. બાઈક પાર્કિંગ પર તો કોઈનું નામ લખેલું ન હોય એટલે કોઈને ના પણ કેમ પાડવી. પરંતુ પોતે જ્યાં પણ બાઈક પાર્ક કરે ત્યાં આ છ મિત્રો પોતાની બાઈકથી ઘેરી લે.

એકવખત બટુકને હેરાન કરવાનો વધારે આનંદ લેવા રાજેશે પોતાના પાંચેય મિત્રોની ચડામણીમાં આવીને પોતે બટુકની બાઈકની આડે જ પોતાની બાઈક પાર્ક કરી દીધી. બટુક જયારે પોતાની બાઈક કાઢવા ગયો ત્યારે તેને રાજેશની બાઈક ખસેડવી પડી. જેવી બટુકે તેની બાઈક ખસેડી કે તરત જ રાજેશ અને તેના મિત્રોએ હોબાળો મચાવ્યો કે બટુક તેમને પાર્કિંગ કરવા દેતો નથી અને દાદાગીરી કરે છે. આ ઘટનાની નોંધ લેતા કેટલાય બીજા મિત્રોએ પણ બટુક વિશે જેમતેમ બોલવા માંડ્યું. હવે બટુકનો મગજ બરાબર છટક્યો હતો. સામે પક્ષે રાજેશ અને તેના મિત્રો આ ઘટનાથી વધારે તાનમાં આવી ગયા.

‘હવે બરાબરનો ફસાયો છે. આજે તું એવી રીતે તારી બાઈક પાર્ક કરજે કે તે ગુસ્સાથી રાતોપીળો થઇ જાય અને તારી સામે લડવા જ આવી જાય.’ એકદિવસ પાંચેય મિત્રોએ રાજેશને ઉશ્કેરતા કહ્યું.

‘પણ એ લડવા આવશે તો મને છોડશે નહિ. તેની સામે લડી શકાય તેટલી હિમ્મત કે તાકાત મારામાં નથી.’ રાજેશે આ ઉશ્કેરણીમાં ન આવવાનો નિર્ણય કર્યો.

‘આપણે એ જ તો જોઈએ છે કે તે તને મારવાની કોશિશ કરે. જેવો તે તારા પર હાથ ઉઠાવશે કે તરત જ અમે વિડિઓ લઇ લઈશું અને પછી તને બચાવવા આવી જઈશું અને ભેગા મળીને બટુકને કુટી નાખીશું. તને કઈ થાય તો અમે બેઠા છીએ. તું તારે કર જે તારી મરજીમાં આવે તે. જોઈએ હવે એ બટુકડો તારી સામે આવે તો ખરા.’ રાજેશના પાંચ મિત્રોએ તેને હિમ્મત આપતા કહ્યું.

‘પાક્કું ‘ને? તમે બધાય આજુબાજુમાં જ રહેજો હો.’ રાજેશે પાંચેય પાસે કબૂલાત લીધી અને બાઈક એવી રીતે પાર્ક કર્યું કે જયારે તે પોતાનું બાઈક લેવા જાય ત્યારે પણ તકલીફ પડે.

કોલેજ છૂટી ત્યારે બટુક બાઈક લેવા આવ્યો. તેને પોતાની બાઈક પર સ્ક્રેચ દેખાયો. તેનો મગજ છટક્યો. તેણે રાજેશના બાઇકને સાઈડમાં ખસેડ્યું અને તેના પાછળના ટાયરની હવા કાઢી નાખી. દૂરથી રાજેશ અને તેના મિત્રો આ દ્રશ્ય જોતા હતા. બટુકને પોતાના બાઈકની હવા કાઢતો જોઈને રાજેશ દોડતો ગયો.

‘એ બટુકડા, મૂકી દે મારી બાઇકને નહીંતર ટાંટિયા તોડી નાખીશ તારા. સમજે છે શું તું મને?’ રાજેશે ધમકી આપતા કહ્યું.

બટુક ઉભો થયો. રાજેશનો કાંઠલો પકડ્યો અને બે થપ્પડ ચોડી દીધા. રાજેશે બૂમ પાડીને પોતાના પાંચેય મિત્રોને બોલાવ્યા. ‘જલ્દી આવો બધાય, જો આ બટુકડો દાદાગીરી કરે છે.’

‘આવો તમેય આવો એટલે તમને પણ મેથીપાક દઉં આજે તો. ભલે પછી જે થાય તે જોયું જશે. આજે તો હું હાડકા જ ભાંગી નાખીશ તમારા બધાયના. આવો અહીં.’ બટુકે ગુસ્સામાં ત્રાડ પાડી અને સાથે સાથે રાજેશને પેટમાં બે મુક્કા ઝીંકી દીધા. રાજેશ દર્દથી ચીસ પાડી ઉઠ્યો.

પાંચેય મિત્રોએ આ દ્રશ્ય જોયું. એકેય આગળ ન આવ્યા. ‘એય બટુકડા, છોડી દે રાજેશને નહીંતર અમે તને કોલેજમાંથી કઢાવી નાખીશું.’ એકે દૂર ઉભા રહીને ધમકી આપી.

‘જુઓ બધાય, આ બટુક કેવી દાદાગિરી કરે છે. કોઈ વાત ન કરશો તેની સાથે.’ બીજાએ આજુબાજુના બીજા વિદ્યાર્થીઓનું ધ્યાન દોરતા બૂમ પડી.

પાંચેય આવી કોઈને કોઈ પ્રતિક્રિયા આપતા રહ્યા, બટુકને વખોડતા ગયા પરંતુ તેનો ગુસ્સો જોઈને કોઈ રાજેશને બચાવવા ન ગયું. તેમની બૂમો અને ઉશ્કેરણીથી બટુક વધારે ગુસ્સે થયો અને તેનો ભોગ રાજેશ બનતો ગયો. એક પછી એક લાત, મુક્કા, થપ્પડ રાજેશને પડવા લાગ્યા. રાજેશને એમ કે આ પાંચેય થોડીવારમાં મને બચાવવા આવશે એટલે શરૂઆતમાં તો તેણે બહાદુરી બતાવતા માર ખાધો પણ પછી તેનાથી બટુકનો માર સહેવાયો નહિ ત્યારે તેને પોતાની ભૂલ સમજાઈ કે બીજાની તાકાતના જોરે લડાઈમાં ન ઉતરાય નહીંતર માર તો પોતે જ ખાવો પડે. હજુયે પાંચમાંથી એકેય મિત્ર બચાવવા કે માર ખાવા આવતો નહોતો. બધાય ખાલી બોલબચ્ચન હતા એ વાત રાજેશને હવે સમજાઈ ગઈ.

‘બટુક, છોડી દે મને, હવે હું તારી બાઈક પાસે પાર્ક નહિ કરું અને તને ક્યારેય નહિ છંછેડું. હું કોઈની વાતોથી ભરમાઈને ભૂલ કરી બેઠો હતો પણ હવે ફરીથી એવું ક્યારેય નહિ થાય.’ રાજેશે દર્દભર્યા અવાજે કહ્યું અને બટુકે તિરસ્કારથી ધક્કો મારીને તેને જવા દીધો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]