અને શાલિનીએ કાગળને મુકુંદ તરફ ધકેલી દીધા…

મુકુંદ સાંજે કામેથી આવ્યો અને કપડાં બદલી સોફા પર બેઠો. બેંક નોકરીમાં સાંજના પાછા ફરવાનો સમય વહેલો મોડો થઇ જતો પણ આજે તે થોડો જલ્દી આવી ગયેલો. ક્રિસમસની રજાઓ પણ પડવાની હતી એટલે એક દિવસ પહેલા બેંક થોડી જલ્દી બંધ થઇ અને બધા કર્મચારીઓ એકબીજાને તહેવારોની શુભેચ્છા આપીને પોતપોતાના ઘરે નીકળ્યા.

‘આજે તમે બહુ જલ્દી આવી ગયા?’ શાલિનીએ પૂછ્યું અને વાળ સરખા કરતા મોં ધોવા એ બાથરૂમમાં ગઈ.

‘હા, વિકેન્ડ અને નાતાલની રજાઓને કારણે.’

‘સારું કર્યું. ચાલો આજે રાત્રે આપણે બહાર જમવા જઈએ.’

‘ચોક્કસ. ક્યાં જઈશું?’ મુકુંદે પૂછ્યું.

‘તમે નક્કી કરો.’ શાલિનીએ બાથરૂમમાંથી બહાર નીકળીને રસોડામાં ચા બનાવવા જતા જવાબ આપ્યો.

થોડીવાર પછી બંનેએ સાથે ચા પીધી અને પછી મુકુંદ કપડાં બદલીને ન્હાવા જતો રહ્યો. એકાદ કલાક પછી ફરીથી બંને વચ્ચે ડિનર અંગે વાત થઇ, પણ ક્યાં જવું છે તે નક્કી ન થતા ઘરે જ કઈંક સાદું બનાવી લેવાનું નક્કી થયું.

ચાર વર્ષ પહેલા લગ્ન થયા અને તેઓ અમદાવાદ રહેવા આવ્યા ત્યારથી શાલિની હાઉસવાઈફ હતી. પહેલા તે એક પ્રાથમિક શાળામાં ભણાવતી પણ અમદાવાદમાં આવ્યા પછી તેણે નોકરી શોધવાની ઈચ્છા ન કરી અને ‘સંતોષથી જીવવા’નું નક્કી કર્યું. મુકુંદને એવું કે આખો દિવસ ઘરમાં બેસીને શું કરશે? બે જણનો પરિવાર એટલે કંઈ ઘરકામની જવાબદારી પણ વધારે હોય નહિ માટે તે કઈંક આગળ ભણી લે તો પણ સારું તેવું સૂચન મુકુંદ ઘણીવાર કરતો.

(પ્રતીકાત્મક તસવીર)

‘કોના માટે મહેનત કરવાની? આપણે બંને સાથે છીએ તે બહુ છે.’ શાલિની કહેતી.

‘હા, એ તો ખરું જ. પણ તારો ટાઈમપાસ પણ થઇ જશે અને આગળ જતા કઈંક કામ પણ આવશે.’ મુકુંદ સમજાવતો.

‘જોઈશું.’ શાલિની કહેતી.

બંનેનું લગ્ન જીવન સારું ચાલતું હતું અને ખાધેપીધે પણ સુખી હતા.

આજે મુકુંદ શાલિની માટે એક સરપ્રાઈઝ લઈને આવેલો અને તે રાત્રે ડિનર પર આપવાનો હતો. પોતાની બેગ ખોલીને તેણે જોઈ લીધું કે સરપ્રાઈઝ સલામત તો છે ને.

રાત્રે ડિનર ટેબલ પર જમતા જમતા વાતો ચાલતી હતી ત્યારે મુકુંદે એક કાગળનું ફોલ્ડર શાલિની સામે મૂક્યું.

‘ક્રિસમસ સરપ્રાઈઝ ફોર યુ.’

‘શું છે? મારા માટે કંઈ બંગલો ખરીદ્યો કે શું?’ શાલિનીએ ખુશ થતા પૂછ્યું.

‘બંગલો ખરીદવા માટેનો માર્ગ બતાવું છું. આ કાગળથી તું બંગલો જ નહીં, જે ઈચ્છે તે ખરીદી શકે છે.’ મુકુંદે વાત સસ્પેન્સ રાખી.

‘એવું તો શું છે,મુકુંદ? જોવા દે મને.’ શાલિનીએ કાગળ પોતાના તરફ ખેંચ્યા અને નજર કરી.

‘આ શું છે? તને ખબર છે મારે આવી કોઈ ઝંઝટ નથી કરવી. હું કઈ નહિ કરું એવું બધું.’ શાલિનીએ કાગળને મુકુંદ તરફ ધકેલી દીધા.

‘પણ તને વાંધો શું છે? પીએચ. ડી. કરી લઈશ તો તારા માટે સારું જ છે ને. ફોર્મ ભરાય છે તો ભરીને તૈયારી કરી લે. એન્ટ્રન્સ આવશે અને ગાઈડ તારો ટોપિક પસંદ કરી લેશે તો ચાર-પાંચ વર્ષમાં પીએચ.ડીય થઇ જઈશ.’ મુકુંદે હંમેશની જેમ લોજીક લગાવ્યું.

‘પીએચ.ડી. કરીને પછી શું કરવાનું? મને સમય નથી મળતો હવે ભણવાનો, કે પીએચડી કરવાનો. મારે ઘરમાં બહુ કામ હોય છે.’ શાલિની ગુસ્સામાં હતી.

‘એવું કે શું કામ હોય બે જણમાં કે તને જરાય સમય ન મળે?’

‘એ તને ન સમજાય. ઘરમાં રહે તો ખબર પડે. હજારો કામ નીકળે ઘરમાં કરવા હોય તો.’

‘હા, પણ એ કામમાં અને વધારે મહત્ત્વના કામની વચ્ચે પસંદગી કરવાની હોય તો? ઘરના કામને તો આપણે મળીને પણ પતાવી શકીએ. રોજ ત્રણ વખત જમવાનું બનાવીએ તેના કરતા બે વખત બનાવી લેવાય, કપડાં અઠવાડિયામાં એકવાર સાથે જ વોશિંગ મશીનમાં નાખી દેવાય…’ મુકુંદ સૂચન આપતો હતો કે શાલિનીએ વચ્ચે ટોક્યો.

‘તું તારા કામ પર ધ્યાન આપ ને. ઘરનું કામ મારે કેમ કરવું તે મને જોવા દે.’

‘ઠીક છે, તારી મરજી. ગયા વર્ષે સ્કૂલમાં જગ્યા ખાલી પડી ત્યારે પણ તેં ના પડી દીધેલી તો મને થયું કદાચ નોકરી ન કરવી હોય તો પીએચ.ડી. કરી શકાય.’ મુકુંદે હાથ ધોવા જતા કહ્યું પણ શાલિનીએ છણકા સિવાય બીજો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો.

રાત્રે મુકુંદ મેગેઝીન લઈને વાંચતો હતો અને શાલિનીએ આવીને ટીવી ચાલુ કર્યું અને ‘કૌન બનેગા કરોડપતિ’ શરૂ કર્યું.

(પ્રતિકાત્મક તસવીર)

ટીવી જોતાં જોતાં શાલિનીએ કહ્યું, ‘મુકુંદ, તને ખબર છે આ નેટફ્લિક્સ પર એક-એકથી ચડિયાતી સિરીઝ છે. એક હિસ્ટોરિક સિરીઝ તો એટલી હિટ છે કે તેની છઠ્ઠી સીઝન આવી ગઈ. હું તે જ જોઈ રહી છું. એક એક એપિસોડ એટલો ઇન્ટરેસ્ટીંગ છે કે આખો દિવસ ટીવી સામેથી ઉઠવાનું મન જ ન થાય.’ શાલિનીએ બ્રેકમાં એડવર્ટાઈઝ આવી ત્યારે ટીવી મ્યુટ કરીને કહ્યું.

‘અને ન તો નોકરી કરવાનું કે ન પીએચ.ડી. કરવાનું મન થાય.’ મુકુંદ પોતાનું મેગેઝીન ઉઠાવી ચાલતો થયો અને જતા જતા બોલ્યો.

‘એટલે તારો કહેવાનો મતલબ શું છે?’ શાલિની ધૂવાંપૂવાં થઇ ગઈ.

‘સિરીઝ ઇન્ટરસ્ટીંગ હશે.’ મુકુંદનો અવાજ આવ્યો અને પછી બેડરૂમનો દરવાજો બંધ થઇ ગયો.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]