કોમલ ચીસો પાડતી રહી અને બે લોકો તેને ઉઠાવીને લઈ ગયા…

ભાવિની જેવી પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ કે કોન્સ્ટેબલે સલામ કરી અને તેની ઓફિસનો દરવાજો ખોલી આપ્યો. ઇન્સ્પેક્ટર ભાવિની પટેલે બે મહિના પહેલા જ આ પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો હતો અને આ વિસ્તારમાં પહેલીવાર જ લેડી ઇન્સ્પેક્ટર આવી હતી.

‘આજના કેસની વિગત લઇ આવો.’ ભાવિનીએ કોન્સ્ટેબલને કહ્યું.

થોડીવારમાં તેની ઓફિસમાં સામે બે કોન્સ્ટેબલ્સ એક રજીસ્ટર લઈને બેઠા હતા.

‘એક કેસમાં મહિલાનો ચેન છીનવીને મોટરસાઈકલવાળા લઈને નાસી ગયા છે. બીજો કેસ કિડનેપિંગનો હતો પણ હવે સોલ્વ થઇ ગયો છે. ત્રીજો કેસ…’ કોન્સ્ટેબલ વિગત કહી રહ્યો હતો ત્યાં ભાવિનીએ તેને વચ્ચે અટકાવ્યો.

‘એક મિનિટ, એક મિનિટ. કિડનેપિંગનો કેસ સોલ્વ થઇ ગયો? કેવી રીતે?’

‘મેડમ, કાલે સાંજે સાત વાગ્યે એક ફરિયાદ આવેલી કે ઓગણીસ વર્ષની છોકરીને કિડનેપ કરી લેવામાં આવી હતી. પણ અગિયાર વાગ્યે છોકરી પછી ઘરે આવી ગઈ એટલે તેના ઘરવાળાએ કેસ પાછો ખેંચી લીધો.’

‘આઈ સી. પણ એવું કેવી રીતે બને કે કિડનેપર્સ ચાર કલાકમાં જ છોકરીને છોડી દે? અહીં કઈંક ગડબડ લાગે છે. ચાલો, હું તે છોકરીને મળીશ.’ ભાવિનીએ પોતાની કેપ પહેરી અને ખુરસી પરથી ઉઠી ગઈ.

‘મેડમ, ચા મંગાવી છે.’

‘સ્ટાફ પી લેશે.’ કહેતા જ ભાવિની બહાર નીકળી ગઈ અને તેની પાછળ પાછળ બંને કોન્સ્ટેબલ પણ પોલીસ સ્ટેશનની બહાર આવ્યા.

થોડીવારમાં પોલીસની જીપ શહેરની નાની નાની ગલીઓમાં દોડતી હતી. દશેક મિનિટ પછી કોન્સ્ટેબલ એક ઘરનો લાકડાનો દરવાજો ખખડાવી રહ્યો હતો. અંદરથી એક આધેડ વયની વ્યક્તિને આવીને દરવાજો ખોલ્યો અને પોલીસને જોઈને તેને અંદર આવવાનો માર્ગ આપતા હાથ જોડીને બોલ્યો, ‘સાહેબ, અમારી દીકરી તો આવી ગઈ છે. અમે ફોનથી પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરેલી.’

‘મેડમ મળવા માંગે છે તમારી દીકરીને.’ કોન્સ્ટેબલે પાછળ આવી રહેલ ઇન્સ્પેક્ટર ભાવિની પટેલ તરફ આંગળી ચીંધીને બતાવ્યું.

તે માણસ કઈ બોલ્યો નહિ, માત્ર હાથ જોડીને ઉભો રહ્યો. ત્યાં તેની પત્ની પણ રસોડામાંથી બહાર આવી અને તેની પાસે ઉભી રહી ગઈ. બંનેએ એક બીજાની આંખોમાં જોયું અને એક નિશાસો નાખ્યો.

‘આવો મેડમ.’ ઈન્સ્પેક્ટરને આવકારતા ઘરની સ્ત્રીએ કહ્યું.

‘તમારી દીકરી ક્યાં છે? કેવી રીતે ઘટના બની તેના વિશે મારે વધારે વિગત જોઈએ છે.’ ભાવિનીએ સ્ત્રીને સંબોધીને કહ્યું.

‘મેડમ, કોમલ આમ તો સાંજે ચાર વાગ્યે ઘરે આવી જાય પરંતુ તે દિવસે મોડી આવશે એવું કહીને જ ગયેલી. મિત્રો સાથે હાઇવે પર જવાના હતા પાર્ટી કરવા. છ વાગ્યે આવી જવાની હતી પણ સાતેક વાગ્યા એટલે અમને ચિંતા થવા લાગી. ત્યાં તેના એક કોલેજીઅનનો ફોન આવ્યો કે કોમલને કોઈ કિડનેપ કરીને લઇ ગયું છે એટલે તરત જ પહેલા તો અમે ફરિયાદ નોંધાવી દીધી અને પછી તપાસ શરુ કરી. આમ તેમ પૂછપરછ કરતા હતા ત્યાં અગિયાર વાગ્યે દરવાજો ખખડ્યો અને કોમલ ઘરની બહાર ઉભી હતી. દીકરી આવી ગઈ એટલે તેના પપ્પાએ ફરિયાદ પાછી ખેંચી લીધી.’ કોમલની મમ્મીએ બધી વિગત ટૂંકમાં ઈન્સ્પેક્ટરને કહી સંભળાવી.

‘પરંતુ એવું કેવી રીતે બને કે જે કિડનેપર છોકરીને ઉઠાવી જાય તે ચાર કલાકમાં જ તેને પાછી ઘરે આવવા દે? કોઈ પૈસાની માંગણી કે બીજું કઈ?’ ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

‘ના, અમને તો કોઈ ફોન જ નહોતો આવ્યો. અમે તો ચિંતામાં હતા.’ કોમલના પિતાએ કહ્યું.

‘આઈ સી. કોમલે કઈ કહ્યું કે કોણ હતું? કોઈ વિગત આપી? શા માટે તેને ઉઠાવી લઇ ગયા હતા?’ ભાવિનીના મનમાં કેટલાય પ્રશ્નો ઉઠી રહ્યા હતા.

‘ના મેડમ, તે તો કાલથી કઈ વાત જ નથી કરતી. સદમામાં છે.’

‘હું વાત કરી શકું તેની સાથે?’

‘હા, આવો.’ કહેતા કોમલની મમ્મી ઈન્સ્પેક્ટરને એક રૂમમાં લઇ ગઈ. અંદર કોમલ પલંગ પર ઓશિકામાં માથું ઢાળીને ઉદાસ પડી હતી. તેની આંખો રોઈ રોઈને સોજી ગઈ હતી તે દેખાઈ આવતું હતું. ઈન્સ્પેક્ટરને જોઈને તે ઉભી થઇ અને દુપટ્ટાથી પોતાની આંખો અને મોં લૂછ્યાં.

‘તું આરામથી બેસ કોમલ. હું માત્ર તારી સાથે થોડી વાત કરવા આવી છું. તારી તબિયત ઠીક છે? ડોક્ટરની જરૂર છે?’ ભાવિનીએ પ્રેમાળ અવાજે સ્મિત સાથે કહ્યું.

‘હું ઠીક છું.’ ભાવિનીએ ટૂંકમાં જવાબ આપ્યો અને ઈન્સ્પેક્ટરને બેસવા માટે પોતાના સ્ટડી ટેબલની ખુરસી ખેંચી આપી.

ભાવિનીએ કોમલની મમ્મી સામે જોયું એટલે તે સમજી ગઈ અને રૂમની બહાર જતી રહી. થોડીવાર કોમલ અને ભાવિની વચ્ચે મૌન રહ્યું પછી ભાવિનીએ ફરીથી વાત શરુ કરી.

‘શું થયું હતું?’ ભાવિનીએ પૂછ્યું.

કોમલ ચૂપ રહી. જવાબમાં માત્ર ડુંસકાનો અવાજ આવ્યો. થોડીવાર સમય આપીને ફરીથી ભાવિનીએ કહ્યું, ‘કોમલ, ચિંતા ન કર. જે કઈ થયું હોય તે મને કહી દે. તને ચાર કલાકમાં કિડનેપર્સ છોડી દે અને પૈસાની પણ માંગણી ન કરે તે મને અજુગતું લાગે છે.’

‘મેડમ, જે થયું તે થયું. મારો જ વાંક હતો. મારા મમ્મી-પપ્પાને ખબર પડશે તો તેઓ તૂટી જશે.’ આ બોલતા કોમલ રડી પડી.

ભાવિનીએ ઉભા થઈને દરવાજો અંદરથી બંધ કર્યો અને કોમલ પાસે પલંગ પર જઈને બેઠી અને તેના ખભે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું, ‘ડોન્ટ વોરી કોમલ. હું તારી સાથે છું. આપણે પુરી ઘટના સમજી લઈએ અને પછી નક્કી કરીએ કે આગળ શું કરવું છે. હું તારી સહમતી વિના તારા મમ્મી-પપ્પાની જાણમાં કે પોલીસ રેકોર્ડમાં કઈંક નહિ આવવા દઉં.’

કોમલે ભાવિનીની આંખોમાં જોયું અને કોઈક એવો અહેસાસ તેના મનમાં થયો કે આ સ્ત્રી પર વિશ્વાસ કરી શકાય તેમ છે. એક સલામતીની લાગણી તેના હૃદયમાં જન્મી એટલે તેની આંખોમાંથી બાંધી રાખેલા આંસુઓનો બંધ છૂટ્યો અને તે ભાવિનીના ખભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ભાવિની તેના માથા પર હાથ ફેરવતી રહી.

થોડીવાર પછી કોમલે બોલવાનું શરુ કર્યું, ‘હું સાંજે કોલેજના મિત્રો સાથે પાર્ટી કરીએ છીએ તેવું કહીને મારા બોયફ્રેન્ડ સાથે હાઇવે પર ગઈ હતી. તેનો બર્થડે હતો એટલે અમે થોડો અંગત સમય વિતાવવા માંગતા હતા. એક ઓછી અવરજવર વાળી જગ્યાએ તેણે પોતાની કાર રોકી હતી. અમે બંને રોમેન્ટિક મોમેન્ટ્સ એન્જોય કરતા હતા ત્યાં અચાનક કારની બારી પર જોરજોરથી કોઈએ હાથ ઠપકાર્યો. અમે બંને ચોંકી ગયા અને તેણે બારીનો કાચ નીચે ઉતાર્યો. બહાર ચાર લોકો હતા. એકે મારા બોયફ્રેન્ડને ગાડીમાંથી બહાર ઉતાર્યો અને એકબાજુ લઇ ગયા. મેં જોયું કે તેણે મારા ફ્રેન્ડને ચાર-પાંચ જોરદાર તમાચા માર્યા અને બે ચાર મુક્કા પેટમાં માર્યા. તેટલામાં બીજા એકે મારી બાજુનો કારનો દરવાજો ખોલીને મને પણ બહાર ખેંચી અને હું ચીસો પડતી રહી પણ બે લોકોએ મને ઉઠાવી અને તેમની જીપમાં ખેંચી ગયા.

‘તું સીધો ઘર ભેગો થઇ જા. આ છોકરીને અમે જોઈ લઈશું.’ કહીને પેલા માણસે મારા ફ્રેન્ડને ધક્કો મારી દીધો અને તેઓએ જીપ ત્યાંથી લઈને રોડ પર ભગાવી મૂકી. હું વિરોધ કરતી રહી પરંતુ ત્રણ જણાએ મારા હાથ-પગ બાંધીને મારા મોઢામાં દુપટ્ટો ભરાવી દીધો જેથી મારી ચીસ ન સંભળાય. કોઈ સુનસાન જગ્યાએ રોડથી અંદર જંગલ બાજુ જઈને તેણે જીપ રોકી અને પછી મારી સાથે….’ કોમલ ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

ભાવિનીને થયું કે જે કેસ સોલ્વ થઇ ગયો છે તેવું માનીને ક્લોઝ કરી દીધો હતો તેની પાછળ કેટલું મોટું રહસ્ય છે.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)