શેઠ અને સેલ્સમેન બંને એ કિશોરને નજરઅંદાજ કરવા લાગ્યા અને પછી તો…

સંગીતના વાદ્યો માટે ‘ચંદ્રકાન્ત મેહતા એન્ડ સન્સ’ શહેરની જ નહિ પુરા રાજ્યની સૌથી મોટી પેઢી હતી તેવું કહીયે તો ખોટું નહિ. મુંબઈના સૌથી સારા ગણાતા બજારમાં આટલો મોટો શોરૂમ ધરાવતા રજનીશ મેહતા દેશી અને વિલાયતી સંગીતના સાધનો માટે પ્રખ્યાત હતા. તેમના પરદાદા ચંદ્રકાન્ત મેહતાએ આ ધંધો શરુ કરેલો. ચોથી પેઢી પણ મધ્યસ્થ કરતા વધારે કહી શકાય તેટલી વયે પહોંચી ગયેલી. સમય સાથે તેમના ધંધામાં વધારેને વધારે સમૃદ્ધિ આવી હતી.

રજનીશ મેહતા શોરૂમમાં  પોતાની ઓફિસમાં નહિ પરંતુ જુના જમાનામાં જેમ શેઠ ગલ્લા પર બેસે તેવી જ રીતે આજે પણ ગાદી પર બેસતાં. આવતા જતા લોકો શોરૂમમાં ઉપલબ્ધ સંગીતના ઉપકરણો જોઈ શકે એટલા માટે આગળના ભાગમાં દીવાલોને બદલે શટર અને કાંચ રાખવામાં આવેલા. રજનીશ મેહતા બેસતાં ત્યાંનો કાંચ વન-વે હતો એટલે બહારના લોકો તેમને ન જોઈ શકતા. અનાજ-કરિયાણાની દુકાન હોય તો ગલ્લેથી શેઠ નવરા ન થાય પરંતુ આવી સંગીતના સાધનોની દુકાનમાં તો એકાદ-દોકલ ઘરાક આવે એટલે શેઠને ઘણો સમય રહે. આ નવરાશમાં તેઓ સંગીતને લગતા મેગેઝીન વાંચે, હળવું હળવું સંગીત સાંભળે અને બહાર આવતા જતા લોકોને નિહાળે.

એક દિવસ રજનીશ મેહતા સવારે અગિયારેક વાગ્યે છાપું વાંચતા હતા ત્યારે તેમણે જોયું કે દુકાનના દરવાજા પાસે એક પંદરેક વર્ષનો કિશોર ઉભો છે. કેટલીયે વાર સુધી તે સંગીતના સાધનો જોતો રહ્યો પરંતુ દુકાનમાં આવ્યો નહિ. શેઠે સેલ્સમેનને ઈશારો કર્યો. સેલ્સમેન દરવાજા પાસે ગયો અને તે કિશોરને આવકાર્યો. અચકાતા પગે કિશોર સંકોચથી અંદર પ્રવેશ્યો અને પોતાનું ટીશર્ટ સરખું કરતા અહીં-તહીં જોવા લાગ્યો.

‘સાહેબ, શું બતાવું તમને?’

‘વાયોલિન.’

‘આઓ, સાહેબ. આ તરફ.’ સેલ્સમેન તે કિશોરને વાયોલિન રાખેલા હતા ત્યાં લઇ ગયો.

એકસામટા દેશ-વિદેશના આટલા વાયોલિન જોઈને તે કિશોરની આંખો ચમકી. હૃદયમાં ભરી રાખેલા સપનાઓથી આંખોમાં આવતી ચમક એટલી તેજ હોય છે કે તે આકાશમાં ચમકતા તારાઓને પણ ઝાંખા પાડી દે. તેની આંખોની ચમક જોઈને રજનીશ મેહતા જાતે જ ત્યાં આવી પહોંચ્યા.

કિશોર વાયોલિનને જોઈને મંત્રમુગ્ધ ઉભો હતો.

‘શું બતાવું ભાઈ?’ શેઠે પૂછ્યું. પાસે ઉભેલો સેલ્સમેન માથું ઝુકાવીને બાજુમાં થઇ ગયો જેથી શેઠ કિશોર સાથે વાતચીત કરી શકે.

‘તે વાયોલિન.’ કિશોરે આંગળી ચીંધીને એકબાજુ લટકાવેલું વાયોલિન માંગ્યું.

સેલ્સમેને તેના હાથમાં વાયોલિન આપ્યું. કિશોરે તેને ખભા પર ગોઠવ્યું, આંખો બંધ કરી અને ધનુષ તેના તાર પર હળવેથી ઘસ્યું. સુર છેડાયા. ફરીથી ધનુષ ઘસાયું અને સંગીત ફેલાયુ. થોડીવાર સુધી એ કિશોર વાયોલિન વગાડતો રહ્યો અને શેઠ તથા સેલ્સમેન બંને રેલાતા સૂરોના નશામાં જાણે ખોવાઈ ગયા. અચાનક એ કિશોરે વાયોલિન વગાડવાનું બંધ કર્યું. છેલ્લો છેડેલો સુર હજી હવામાં ગુંજતો હતો. શેઠ અને સેલ્સમેનને જાણે બીજા કોઈ વિશ્વની સફર કરીને આ દુનિયામાં પાછા આવ્યા હોય તેવી અનુભૂતિ થઇ.

‘કેવું લાગ્યું?’ સેલ્સમેને પોતાની નોકરીની જવાબદારી શરુ કરી.

‘ખુબ સરસ છે.’ કિશોરે વાયોલિનને ધ્યાનથી નિહાળતા કહ્યું.

‘પેક કરી દઉં?’

‘ના, પછી આવીશ.’ કિશોરે કહ્યું અને વાયોલિન સેલ્સમેનના હાથમાં પાછું આપ્યું.

‘શું થયું? બીજું બતાવું? ભાવ કરી આપીશું.’ સેલ્સમેન બોલતો રહ્યો અને કિશોર દુકાનની બહાર નીકળી ગયો. શેઠે વિચાર્યું કે છોકરો વાયોલિન તો સરસ વગાડતો હતો પણ કેવું અજબ કહેવાય કે ભાવ પણ પૂછ્યા વિના જતો રહ્યો. હશે, જે થયું તે – વિચારીને શેઠ પાછા પોતાના ગલ્લે આવ્યા.

બે દિવસ પછી એ કિશોર પાછો દુકાનના દરવાજા પાસે દેખાયો. સેલ્સમેને હસીને તેને અંદર આવવા કહ્યું પણ આજે તેણે હાથ બતાવીને અંદર આવવાની ના કહી અને બહારથી જ થોડીવાર એ વાયોલિનને જોતો રહ્યો. રજનીશ મેહતાએ આ દ્રશ્ય ગલ્લા પર બેઠા બેઠા જોયું. થોડીવારમાં બીજો કોઈ ગ્રાહક દુકાનના દરવાજે આવ્યો અને ત્યાં ઉભેલા આ કિશોરને ‘એક્સયુઝ મી’ કહીને અંદર જવા માર્ગ માંગ્યો. કિશોરે બાજુ પર થઈને એ ગ્રાહકને પ્રવેશવા દીધો. સેલ્સમેન અને શેઠ નવા ગ્રાહકને જોવામાં રોકાયા. કિશોર થોડીવાર પછી ચાલ્યો ગયો.

આ ઘટના કેટલીયવાર પુનરાવર્તિત થઇ. થોડા દિવસ પછી શેઠ અને સેલ્સમેન બંને એ કિશોરને નજરઅંદાજ કરવા લાગ્યા. જેમ ખેડૂત આકાશમાં ફરતા બિનવરસાદી વાદળોને જોઈને શરૂઆતમાં તો આશા બાંધે પણ પછી સમજી જાય કે તે વરસવાના નથી તેમ આ દુકાનદાર પણ સમજી ગયા હતા કે એ છોકરો કઈ ખરીદવાનો નથી. નાહકનો સમય બગાડવાનો કોઈ અર્થ નહોતો.

એક વખત અચાનક રજનીશ મહેતાએ સેલ્સમેનને પૂછ્યું, ‘પેલો છોકરો ઘણા દિવસથી દેખાયો નથી. તે જોયો તેને?’

‘વારેવારે દરવાજે આવીને અંદર ડોકિયાં કરતો ‘તો એ?’

‘હા, એ જ.’

‘ના, મેં પણ ઘણા સમયથી નથી જોયો’

‘આ તો મુંબઈ શહેર છે કેટલાય લોકો આવે છે ને જાય છે, જતો રહ્યો હશે પોતાના ગામ.’  સેલ્સમેન અને શેઠ બંને એવું વિચારીને પોતપોતાના કામે લાગ્યા.

આ વાતને કેટલાય વર્ષ વીતી ગયા. એક દિવસ સવારે શેઠ પોતાના ગલ્લે બેઠા સમાચારપત્રના પાના ઉથલાવતા હતા કે એક ફોટો જોઈને તેમની આંખોમાં ચમક આવી.

‘અહીં આવ તો જરા.’ તેમણે સેલ્સમેનને બોલાવ્યો.

‘જી શેઠ.’

‘આ ફોટો જો. એ જ છોકરો છે ને જે આપણી દુકાને આવતો હતો?’ શેઠે પૂછ્યું.

‘લાગે તો એ જ છે પણ આ તો મ્યુઝિક ડાઈરેક્ટર છે અને સૂટ બુટમાં છે. તે છોકરો તો બહુ ગરીબ લાગતો ‘તો.’  ફોટો જોતાં સેલ્સમેને કહ્યું,

‘અરે તે દિવસે સાંભળ્યું નહોતું કેટલું સરસ વાયોલિન વગાડ્યું હતું? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરતો હશે અને હવે ચાન્સ મળી ગયો લાગે છે. આમેય એ તો કેટલાય વર્ષો પહેલાની વાત છે ‘ને?’ શેઠે કહ્યું.

‘હા, થયા હશે સાતેક વર્ષ તો.’ સેલ્સમેને અંદાજ લગાવ્યો.

‘તેની આંખોમાં એ વાયોલિન માટે જે પ્રેમ હતો તે હું જોઈ શકતો હતો. મને કેટલીયવાર થયેલું કે તેને આપી દઉં પણ કોઈ વિચારે મને રોકેલો.’

‘હું સમજ્યો નહિ શેઠ.’

‘તેની આંખોમાં લાચારી નહોતી. જો હું તેને વાયોલિન મફત આપવાનું કહીશ તો તેનું મન ઘવાશે તેવું વિચારીને હું રોકાઈ જતો હતો.’ રજનીશ મેહતા જાણે જૂના દિવસો યાદ કરતાં હોય અને પોતાને સમજાવતા હોય તેમ બોલ્યા.

‘સાચી વાત છે શેઠ. જો તમે મને એ વાયોલિન મફત આપ્યું હોત તો પણ હું ન લઇ શકત. મારા માટે એ વાયોલિન મેળવવું નહિ પરંતુ તેને મેળવવાને લાયક બનવું વધારે જરૂરી હતું.’ એક અવાજ આવ્યો અને બંને દુકાનદારોએ તે દિશામાં જોયું.

‘અરે તું?’ રજનીશ મેહતાએ જોયું કે એ જ યુવાન દુકાનની અંદર આવીને ઉભો હતો જેની તેઓ વાત કરી રહ્યા હતા.

‘હા શેઠ. આજે મ્યુઝિક ડાઈરેક્ટર તરીકે મારી પહેલી ફિલ્મ રિલીઝ થઇ રહી છે. તમને બંનેને આમંત્રણ આપવા આવ્યો છું.’ એ યુવાને કહ્યું.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)