મનુભાઈએ કહ્યું: અમેરિકામાં જે ભવિષ્ય છે તે અહીંયા થોડું છે?’

‘અમારા સંજયના અમેરિકાના વિઝા લાગી ગયા છે તેની ખુશીમાં કાલે આપણે ત્યાં જમણવાર રાખ્યો છે. સહપરિવાર પધારજો.’ મનુભાઈએ પોતાના મિત્રોને આમંત્રણ આપવા માંડેલા.

સંજયે ડૉક્ટરીનું ભણતર પૂરું કરીને બે વર્ષ અમદાવાદ નજીકના ગામમાં દવાખાનું ચલાવેલું. એમ.બી.બી.એસ. પછી તરત જ તેણે અમેરિકાના વિઝા તો એપ્લાઇ કરી દીધેલા પણ આવતા આવતા બે વર્ષ થઇ ગયા. તેની ખુશીમાં મનુભાઈએ રવિવારે સાંજે કેટલાક મિત્રો અને સગા-સંબંધીઓને ઘરે જમવા બોલાવ્યા.

દિવસની શરૂઆતથી જ મનુભાઈ અને સંજયના મોબાઈલ પર કોન્ગ્રેચ્યુલેશન્સના મેસેજ આવવા માંડેલા. પરંતુ ૧૫મી ઑગષ્ટને કારણે હેપી ઇન્ડિપેન્ડન્સ ડેના મેસેજનો પણ મારો ચાલેલો.

સાંજે બધા ગેસ્ટ આવવાના હતા અને તેની તૈયારીઓ બપોર પછી શરુ થવાની હતી. સંજય સવારે મોડો ઉઠ્યો અને ટીવી ચાલુ કર્યું તો સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. દેશભક્તિ ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીના મેસેજ પણ ચાલી રહ્યા હતા. ૭૫મો સ્વતંત્રતા દિવસ ભારત ઉજવી રહ્યું હતું અને તેના સંદર્ભમાં ટીવી ચેનલ દેશની સ્થિતિ અને પ્રગતિનું વિશ્લેષણ પણ ચલાવી રહી હતી.

‘આપણે પણ દેશ માટે કૈંક કરવું જોઈએ.’ સંજયે તેની બહેન પૂર્વીને કહ્યું.

‘આપણે શું કરી શકીએ દેશ માટે? આપણે તો આપણું પોતાનું કરી લઈએ તે પણ બહુ છે.’ પૂર્વીએ છાપું વાંચતા જવાબ આપ્યો.

‘જુઓ, આપણા જેવા મધ્યમવર્ગીય પરિવાર જયારે પોતાના પગભર થાય અને ભણીગણીને દેશને કામ આવે તેનાથી મોટી કોઈ સેવા ન હોઈ શકે. આપણે દેશના ઉપર બોજરૂપ ન બનીએ અને કોઈ કાયદાવિરૂદ્ધ કે સમાજ વિરુદ્ધનાં કામો ન કરીએ તે મોટું યોગદાન છે.’ મનુભાઈએ બેઠકરૂમમાં પ્રવેશતા બંને બાળકોની વાતમાં ભાગ લેતા કહ્યું.

‘સાચી વાત.’ સંજયે પોતાનો સુર પુરાવ્યો.

‘તો પપ્પા, સંજય તો અહીં ભણીગણીને અમેરિકા જવાનો છે. તો તે કેવી રીતે દેશને કામ આવી શકે?’ પૂર્વીએ પોતાના મનમાં જાગેલો સંશય જણાવ્યો.

રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મનુભાઈ અને સંજય એકબીજા સામે જોઈ રહ્યા. પૂર્વીને લાગ્યું કે તેનાથી કૈંક ખોટું બોલાઈ ગયું છે. તેને અફસોસ થયો પણ હવે બોલાયેલા શબ્દો કેવી રીતે પાછા લઇ શકાય.

‘તો અહીં રહીને શું કરે? અમેરિકામાં જે ભવિષ્ય છે તે અહીંયા થોડું છે?’ મનુભાઈએ પુત્રનો પક્ષ લેવાનો પ્રયત્ન કર્યો.

‘હા, વાત તો સાચી છે પપ્પા, પણ પૂર્વી કહે છે તે પણ વિચારવા જેવું છે.’ સંજય જાણે આત્મનિરીક્ષણ કરતો હોય તેમ શૂન્યમનસ્ક બની ગયો.

‘વિઝા આવી ગયા છે, હવે આ બધું વિચારવાનો સમય નથી. જે કર્યું છે તે બધું સમજી-વિચારીને જ કર્યું છે. આજે દેશભક્તિનું જોર ચડાવીને પોતાની પ્રગતિ અંગે સંકોચ કરવો યોગ્ય નથી.’ મનુભાઇના મનમાં એવો ડર લાગ્યો કે સંજય ક્યાંક નિરાશ ન થઇ જાય. આજે તેની સફળતાની ખુશીમાં પાર્ટી કરવાની હતી અને તેમાં જો તે પોતે જ દુઃખી હશે તો કેવું લાગશે.

‘હા, સાવ સાચી વાત છે પપ્પા. આજે તો બધા લોકો ઝંડા હાથમાં લઈને ફરશે પણ કાલે એ બધાય ઝંડા ક્યાંકને ક્યાંક કચરામાં ઉડતા દેખાશે. ખરેખર તો તે રાષ્ટ્રધ્વજનું અપમાન છે પણ છતાંય એવા કેટલાય દ્રશ્યો જોવા મળશે.’ પૂર્વીને લાગ્યું કે તેણે ભૂલ કરીને સૌનો મૂડ ખરાબ કર્યો છે તો હવે જલ્દીથી તેને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ.

‘સાંજની તૈયારી શરુ કરીએ?’ સંજય સોફા પરથી ઉઠતા બોલ્યો અને બહાર ફળિયામાં જઈને ખુરશીઓ ગોઠવવા લાગ્યો.

બાકીનો આખો દિવસ સાંજની પાર્ટીની તૈયારીમાં નીકળી ગયો. ટેબલ-ખુરશીઓ ગોઠવવાના, કેટરિંગ વાળા આવ્યા તેને જરૂરી વ્યવસ્થા કરાવવાની, ફૂલ અને બીજો શણગાર કરવાનો અને એવું બધું ચાલ્યા કર્યું. મનુભાઈએ અને પૂર્વીએ જોયું કે સંજય પોતાના કામમાં બીઝી હતો અને હવે સવારે થયેલી વાતની કોઈ અસર તેના પર દેખાતી નહોતી. આમેય સંજય બહુ પ્રેક્ટિકલ હતો એટલે તેને કોઈ વાતનું માઠું લાગવાની કોઈ શક્યતા નહોતી. તેણે પોતે મહેનત કરીને ડોક્ટરી પુરી કર્યા બાદ નજીકના એક ગામમાં પોતાનું નાનું દવાખાનું શરુ કરેલું અને ત્યારબાદ અમેરિકાના વિઝા માટે ખુબ દોડધામ કરેલી. બે વર્ષ બાદ આખરે તેના વિઝા મંજુર થઇ ગયા હતા તે સૌને માટે ખુશીની વાત હતી.

સાંજ પડી અને મહેમાન આવવા લાગ્યા ત્યારે સંજય, મનુભાઈ અને પૂર્વી તેમને આવકારવામાં લાગી ગયા. થોડીવાર સુધીમાં તો તેમનું મોટું ફળિયું આમંત્રિત મહેમાનોથી ભરાઈ ગયું. વેઇટર્સ ડ્રિંક્સ અને સ્ટાર્ટર્સના રાઉન્ડ લગાવી રહ્યા હતા. હળવું હળવું સંગીત વાગી રહ્યું હતું અને સંજય માટે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો હતો.

‘મેય આઈ હેવ યોર એટેંશન પ્લીઝ?’ મનુભાઈનો અવાજ આવ્યો અને ધીમે ધીમે બધા મહેમાનો પોતપોતાની વાતો બંધ કરીને તેમની દિશામાં ફર્યા. મનુભાઈ ઓસરીના પગથિયાં પર ચડીને ઉભા હતા. તેમના હાથમાં જ્યુસનો ગ્લાસ હતો.

‘તમે બધા સમય કાઢીને આજે અહીં પધાર્યા તે માટે હું આપ સૌનો ખુબ ખુબ આભારી છું. જેમ કે તમે બધા જાણો છો, આજે સંજયના અમેરિકાના વિઝા આવવાની ખુશીમાં આપણે સૌને આમંત્રિત કર્યા છે. આશા છે આપ સૌ શુભેચ્છા પાઠવીને અમને આભારી કરશો.’ મનુભાઈએ જાહેર કર્યું અને સંજયને સંબોધીને આગળ કહ્યું, ‘સંજય, તારે બે શબ્દો કહેવા છે?’

સૌ મહેમાન સંજય સામે જોઈ રહ્યા હતા. સંજયે હકારમાં માથું હલાવ્યું અને તેના પપ્પા ઉભા હતા ત્યાં ગયો.

‘મમ્મીને તો મેં બાળપણમાં જ ખોઈ દીધેલી. ત્યારથી પપ્પાએ મને અને પૂર્વીને મોટા કર્યા છે અને ભણાવીને એવા કાબેલ બનાવ્યા છે કે આજે આ પાર્ટી થઇ રહી છે. મારી મહેનત કરતા પણ મારી સફળતામાં મારા પપ્પાનો મોટો ફાળો છે. આ વાત મને સ્પષ્ટ રીતે સમજાય છે. પરંતુ આજે સવારે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે મને સમજાયું કે આપણા સૌની સફળતા અને સમૃદ્ધિમાં સૌથી મોટો ફાળો તો આપણા દેશનો અને તેના માટે કર્મ કરી રહેલા એ અસંખ્ય કર્મવીરોનો છે જેઓ સતત દેશની પ્રગતિ માટે કાર્યશીલ રહે છે.’ સંજયે સૌ મહેમાનોને સંબોધીને કહ્યું અને એક ક્ષણ સૌનો પ્રતિભાવ જોવા રોકાયો. મનુભાઈને પેટમાં ફાળ પડી કે આ છોકરાએ ફરીથી દેશભક્તિની વાત ક્યાંથી કાઢી.

‘અને એ દેશ માટે આપણે શું કરી શકીએ તે અંગે આજે સવારથી હું વિચારી રહ્યો છું.’ સંજયના આ વાક્ય સાથે મનુભાઇના શ્વાસની ગતિ તેજ બની ગઈ અને પૂર્વીના હાથમાં પરસેવો થઇ આવ્યો.

‘પપ્પા, પૂર્વી, તમને બંનેને હું ખાતરી આપવા ઈચ્છું છું કે અમેરિકા જવાનો નિર્ણય હું નહિ બદલું. પરંતુ હું ત્યાં જઈને પણ આ દેશનું ઋણ ચૂકવી નહિ શકું. એટલા માટે મેં નક્કી કર્યું છે કે હું મારુ દવાખાનું ચાલુ રાખીશ. મારી નર્સ અને કમ્પાઉન્ડર દવાખાનામાં આવતા દર્દીઓની સાથે મારી વીડિયોકોલથી વાત કરાવશે અને તેના રોગનું નિદાન કરીને હું દવા આપીશ. મને ખબર છે કે બંને દેશ વચ્ચે સમયનો ફેર છે અને હું પણ ત્યાં બીઝી થઇ જઈશ. પરંતુ હું રોજ એક કલાક તો આપી શકું ને? રોજ એક કલાક હું આ રીતે અહીંના દર્દીઓને જોઇશ અને તે પણ ફ્રી ઓફ ચાર્જ. આશા રાખું છું કે મારો આ નાનકડો પ્રયાસ સફળ થશે અને તમે સૌ તેમાં મને બધી રીતે સહકાર આપશો.’ સંજયે થોડા ભાવુક સવારે કહ્યું.

પાર્ટીમાં આવેલા બધા લોકોની આંખોમાં ભારોભાર પ્રસંશાના ભાવ પૂર્વી અને મનુભાઈ જોઈ શક્યા અને સંજયની આંખોમાં એક અલગ પ્રકારની સંતોષની લાગણી દેખાઈ રહી હતી.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]