પ્રભુદાસે ક્યારેય પત્નીની વાતને તવજ્જો આપી જ નહોતી

ચોમાસાની ઋતુ આવે તે પહેલા જ આ વર્ષે ધોધમાર વરસાદ પડી ગયો. ક્યાંરથી યે છતનું સમારકામ કરવાનું વિચારી રહેલા પ્રભુદાસના ઘરમાં પાણી ભરાઈ રહ્યું હતું અને તેની પત્ની શારદાબેન પોતું નીચવી નીચવીને એક ડોલમાં ઠાલવી રહ્યા હતા.

‘ચોમાસા પહેલા છત બનાવડાવી લઈશું,’ તેવું આશ્વાસન આપી રહેલા પ્રભુદાસ અત્યારે રેઇનકોટ પહેરીને છત પર ચડ્યા હતા અને તિરાડો શોધીને ત્યાં પ્લાસ્ટિક ભરાવવા જેવા કોઈ ઉપાયો કરી રહ્યા હતા. નીચેથી શારદાબેનનો બળાપો ઉપર સુધી સંભળાઈ રહ્યો હતો.

‘તમને કીધું ‘તું કે છત રીપેર કરાવી લો પણ માસ્ટર સાહેબને છાપું વાંચવામાંથી નવરાશ મળે તો ઘરના કામ યાદ આવે’ને.’ શારદાબેન એક પછી એક તીખા પ્રહારો કરતા જાય અને જમીન પર રેલાયેલું પાણી ડોલમાં નિચોવતાં જાય. ઉપર છત પર નાકામિયાબ પ્રયાસ કરી રહેલા પ્રભુદાસને માટે આ મેણા ટોણા જાણે કોઈ માન્યા ન રાખતા હોય તેમ તેઓ એક કાનથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી દેતા હતા. આમ તો પ્રભુદાસે ક્યારેય પત્નીની વાતને તવજ્જો આપી જ નહોતી અને તેનું જ પરિણામ હતું કે વધારે એકવાર તેઓ આવી કપરી સ્થિતિમાં ફસાયા. પ્રભુદાસને શિક્ષકની નોકરીમાંથી નિવૃતિને બે વર્ષ થયા હતા એટલે આખો દિવસ બીજું કોઈ કામ ન હોવાથી બે-ત્રણ છાપ વાંચી નાખતા અને ટીવી પર દેશ-વિદેશના સમાચારો અલગ અલગ ચેનલ પર જોઈ લેતા. વાંચનનું અને જ્ઞાનનું મહત્ત્વ પ્રાથમિક શાળાના બાળકોને પાંત્રીસ વર્ષ સુધી સમજાવતા સમજાવતા તેમના મનમાં પણ દ્રઢતાથી બેસી ગયું હતું.

શારદાબેનને લાગે કે પહેલાથી તૈયારી કરીને ચાલો તો સારું પણ પ્રભુદાસનો સ્વભાવ એવો કે સમય આવે ત્યારે જોયું જશે. જ્ઞાન-પિપાસુ અધ્યાપક સાહેબને ઘરના આવા તુચ્છ કામો નકામા લાગતાં એટલે તેમાં ઘણીવાર વિલંબ થઇ જતો. આજે પણ એવું જ થયું હતું. વરસાદ વિના ચેતાવણીએ આવી ગયો હતો અને છતમાંથી ઘરમાં પાણીના રેલા વહી રહ્યા હતા. પ્લાસ્ટિક પાથરીને છતને ઢાંકવાનો પ્રયત્ન કરી રહેલા પ્રભુદાસ સમજી ચુક્યા હતા કે પ્લાસ્ટિકના છેડેથી પણ પાણી તો નીચે ઉતરવાનું જ હતું પણ હવે કરે તો શું કરે? નીચે ગુસ્સાથી ભભૂકતી દુર્ગા જેવી પત્નીની સામે પોતાની ભૂલ કેમ કબુલ કરે? થોડીવાર બોલીને ચૂપ થઇ જાય પછી નીચે જાઉં – તેવું વિચારીને પ્રભુદાસ પ્લાસ્ટિકને થોડીવાર અહીં પાથરે અને થોડીવાર ત્યાં પાથરે. પોતે ભીંજાતા જાય પણ નીચે જઈને મેણાંનાં વરસાદમાં પલળવા કરતા આ પાણીનો વરસાદ શું ખોટો – તેવું નક્કી કરીને તેમણે આકાશ સામે જોયું. વાદળ હજી ઘેરાયેલા હતા. જલ્દી વરસાદ રોકાય તેવું લાગતું નહોતું અને નીચે પણ પત્નીના ચાબખા જલ્દી રોકાય તેની શક્યતાઓ નહિવત હતી.

‘હું જરા કડિયાને બોલાવી લાવું.’ કહેતા પ્રભુદાસ દાદરો ઉતર્યા અને ડેલી ખોલીને બહાર જવા લાગ્યા.

‘અત્યારે કોણ કડિયો આવીને છતમાં સિમેન્ટ પૂરશે?’ કહેતા શારદાબેન વધારે બગડ્યા.

‘જવા તો દે મને.’ બોલીને પ્રભુદાસ શેરીમાં ચાલતા થયા. પાછળથી આવતો પત્નીનો અવાજ ધીમો થઇ ગયો અને થોડા આગળ ચાલ્યા ત્યાં ઓસરાઈ ગયો એટલે તેમણે પોતાની ચાલ ધીમી પડી. આગળ જતા એક ચાની દુકાન આવી. કેટલાક લોકો છાપરા નીચે ઉભા હતા ત્યાં જઈને પ્રભુદાસ પણ ઉભા રહ્યા. એક ચા લઈને પીધી અને ખાબોચિયામાં પડી રહેલા વરસાદની ધાર અને તેનાથી બનતા નાના નાના કુંડાળાઓને જોઈ રહ્યા. દુકાનમાં ટીવી ચાલતું હતું અને તેમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો વન-ડે ચાલી રહ્યો હતો. છેલ્લી દશ ઓવર બચી હતી અને ભારતે એકસોને આઠ રન બનાવવાના બાકી હતા. ચાર વિકેટ હાથમાં હતી. પ્રભુદાસે જોયું કે ઉપરાઉપરી બે બોલ ખાલી ગયા અને જીતવા માટે જરૂરી રન-રેટ વધતી ગઈ.

‘શું આદર્યું છે ધોનીએ. હવે પહેલા જેવું નથી રમતો.’ પ્રભુદાસે ચિડાઈને કહ્યું. મેચ જોઈ રહેલા લોકો પૈકી બે-ત્રણ જણાએ સમર્થનમાં માથું હલાવ્યું. ‘ધોની ઉભો છે તો આશા છે, કાકા.’ કોઈએ જવાબમાં કહ્યું. વાતો ચાલી અને એક પછી એક ઓવર થતી ગઈ તેમ મેચ વધારે રોમાંચક બનતો ગયો. પ્રભુદાસની ઉત્સુકતા વધતી ગઈ અને આજે તો ભારત જીતવું જ જોઈએ તેવો સ્પષ્ટ સંકલ્પ તેમના મનમાં જાગ્યો. થોડા દિવસ પહેલા જ તેમણે છાપામાં વાંચેલું કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય લોકો પ્રત્યે રંગભેદને લગતી હિંસા થયેલી. આજે ઓસ્ટ્રેલિયાને હરાવીને તેને પાઠ ભણાવવો જ રહ્યો તેવો દ્રઢ મત પ્રભુદાસના મનમાં હતો.

એક કલાક પછી મેચ પૂરો થયો અને ભારત જીતી ગયું એટલે દુકાનમાં ઉભેલા બધા લોકોમાં જાણે પોતાના છોકરાને મેડીકલમાં એડમિશન મળ્યું હોય તેવી ખુશી ફેલાઈ ગઈ. સૌ મેચનું વિશ્લેષણ કરતા વાતોએ વળગ્યા અને પ્રભુદાસે બીજી ચા મંગાવીને પોતાનો શૂર પણ પુરાવ્યો. દરેકે દરેક વ્યક્તિ ક્રિકેટનો નિષ્ણાત માલુમ પડતો હતો અને ટીમે કેવી રીતે રમવું જોઈએ તેના અંગે પોતાના સ્પષ્ટ મંતવ્યો ધરાવતો હતો. પ્રભુદાસને પણ પોતાના જ્ઞાન પર શંકા નહોતી એટલે તેઓ પણ જોશપૂર્વક ચર્ચામાં ઉતર્યા હતા. અડધો કલાક વધારે ગયો અને વરસાદ થમી ગયો એટલે પ્રભુદાસ પોતાના ઘરે જવા નીકળ્યા.

ડેલી ખોલીને ઘરમાં ઉંબરે પહોંચ્યા તો પોતાં નીચવીને થાકી ગયેલા શારદાબેને તેમની સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોયું. પ્રભુદાસના ચેહરા પર ભારતના મેચ જીતવાથી આવેલી ગૌરવવંતી તાજગી ગાયબ થઇ ગઈ.

‘કડિયો ન આવ્યો?’ શારદાબેનના વાક્યમાં પ્રશ્ન કરતા વધારે કટાક્ષ હતો.

‘ઘરે નહોતો. કાલે બોલાવી લાવીશ.’ કહેતા પ્રભુદાસે ટીવી ચાલુ કર્યું અને મેચ અંગે નિષ્ણાતોનું વિશ્લેષણ સાંભળવા ખુરશીમાં બેઠા.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)