પોતાના પુત્રની યાદમાં જોસેફ અને મારીયાની આંખો ભરાઈ આવી

જોસેફ ઓફિસેથી ઘરે પહોંચ્યો ત્યારે સાંજ થઇ ગઈ હતી અને હવે શિયાળાની શરૂઆત હોવાથી અંધારું પણ થઇ ગયેલું. જેવો તે સીડી ચડીને ત્રીજા માળે પોતાના ફ્લેટના દરવાજા પાસે પહોંચ્યો કે તેણે બહાર એક પેકેટ પડેલું જોયું. જોસેફની બિલ્ડિંગમાં એક ફ્લોર પર ત્રણ ફ્લેટ હતા એટલે ઘણીવાર એવું બનતું કે કોઈનું પેકેટ કોઈ બીજાના દરવાજે કોઈએ ભૂલથી રાખી દીધું હોય. પોતે તો ઓનલાઇન કઈ જ ઓર્ડર કર્યું નહોતું એટલે આ પેકેટ કોઈ બીજાનું હશે તેવું વિચારીને તેણે ડોરબેલ વગાડ્યો અને પોતાના મોબાઈલમાં વોટ્સએપ ચેક કરવા લાગ્યો. અડધી મિનિટ થઇ હશે ત્યાં તેની પત્ની મારીયાએ દરવાજો ખોલ્યો.

‘આ પેકેટ કોનું છે?’ જોસેફે અંદર પ્રવેશતા મારીયાનું ધ્યાન નીચે પડેલા બોક્સ તરફ દોર્યું અને જવાબની રાહ જોયા વિના જ તે રૂમમાં દાખલ થઇ ગયો અને બુટ દરવાજા પાસે રાખેલા શૂઝ સ્ટેન્ડમાં ઉતારીને સોફા પર બેઠો. ઓફિસેથી થાકીને ઘરે આવતા જ જોસેફ કોટ, ટાઈ તથા મોજા ઉતારીને થોડીવાર સોફા પર બેસીને રિલેક્સ થતો. આજે પણ તેણે હંમેશની જેમ જ સોફા પર બેસીને મોજા ઉતારવા મંડ્યા હતા.

‘આ બોક્સ તો તારા માટે આવ્યું છે, જોસેફ.’ મારીયાએ બોક્સ ઉઠાવીને અંદર આવતા કહ્યું.

‘મારા માટે? મેં તો કંઈજ ઓર્ડર કર્યું નથી.’ જોસેફે આશ્ચર્યથી કહ્યું.

‘ખોલીને જો તો ખરા શું છે?’ મારીયાએ ઉત્સુકતાથી પૂછ્યું.

‘અરે પણ એમ અજાણ્યું બોક્સ કેવી રીતે ખોલાય? ખબર નહિ અંદર શું નીકળે.’ જોસેફે સાવચેતી દર્શાવી.

‘અરે આમ તારા ઘરે આવીને શું કોઈ આતંકવાદી બૉમ્બ મૂકી જવાનો છે? ખોલને હવે.’ મારીયાએ પોતાના પતિની અતિશય સાવધાનીની આદતથી પરેશાન થતા કહ્યું અને પોતે જ બોક્સ પરનું પેકીંગ ખોલવા લાગી.

‘મારીયા, એ રીતે ન ખોલાય. પહેલા જો તો ખરા આવ્યું છે ક્યાંથી. મોકલનાર કોણ છે. એ બધું નિશ્ચિત કર્યા પછી જ આ બોક્સ ખોલવું જોઈએ.’ જોસેફ હજુ પણ મારિયાને રોકવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ ત્યાં તો મારીએ બોક્સની ઉપરનું પ્લાસ્ટિક ઉતારી દીધું હતું અને હવે તે ગિફ્ટ રેપર પર લગાડવામાં આવેલી સેલોટેપને ધીમે ધીમે ઉખેડી રહી હતી જેથી ગિફ્ટરેપર ફરીથી ઉપયોગમાં લઇ શકાય.

મારીયા બોક્સ ખોલી રહી હતી અને સામે સોફા પર બેઠોલો જોસેફ ડર, સાવચેતી અને જિજ્ઞાષાની મિશ્રિત લાગણીથી જોઈ રહ્યો હતો. મારીયાએ ગિફ્ટરેપર ઉતારીને સેન્ટ્રલ ટેબલ પર મૂક્યું અને પછી બોક્સ ખોલ્યું. તેમાં સરસ બ્રાન્ડેડ કોફી-મશીન હતું.

‘અરે વાહ, જોસેફ. જો તને કોફી પસંદ છે ‘ને. આ કોફી મશીન આવ્યું છે ગિફ્ટમાં.’ મારીયાએ ખુશ થતા કહ્યું.

‘આપણને એટલું મોંઘુ કોફી મશીન કોણે મોકલ્યું મને તો એ જ નથી સમજાતું, અને વળી શા માટે આપણને કોઈ કોફી મશીન મોકલે?’ જોસેફને કોફી મશીન જોઈને ખુશી તો થઇ પરંતુ પછી ચિંતા પણ થઇ.

‘હા, છે તો મોંઘી વસ્તુ. જરા બોક્સમાં જોઉં છું કોઈનું નામ કે કાર્ડ હોય કદાચ.’ મારીયાએ બોક્સમાં હાથ નાખીને શોધ્યું તો બિલ મળ્યું અને તેની સાથે એક ગ્રીટિંગ કાર્ડ પણ હતું. મારીયાએ કાર્ડ બહાર કાઢ્યું અને પછી તેના પર લખેલું નામ જોતા તેની આંખોમાં એક ચમક આવી ગઈ.

‘કોણ છે? કોણે મોકલ્યું છે? શું લખ્યું છે કાર્ડમાં વાંચ તો.’ જોસેફને જીજ્ઞાશા થઇ રહી હતી.

‘કાર્ડ પર લખ્યું છે મેરી ક્રિસ્મસ એન્ડ હેપી ન્યુ યર ટુ મિ. જોસેફ એન્ડ મિસિસ મારિયા ફ્રોમ સરફરાઝ એન્ડ શબનમ શેખ.’ મારીયાએ વાંચી સંભળાવ્યું.

‘ઓહ શબનમ તરફથી આવ્યું છે. શું જરૂર હતી આટલી મોંઘી ગિફ્ટ મોકલવાની.’ જોસેફના ચેહરા પર હર્ષની લાગણી સ્પષ્ટ થતી હતી.

‘હા, નોટ રિક્વાયર્ડ પણ કેટલું સારું કહેવાય તેણે આપણને યાદ કર્યા અને ક્રિસ્મસ કાર્ડ મોકલ્યું.’ મારીયાએ પણ ખુશ થતા કહ્યું.

‘આપણો તો સંબંધ જ શું કહેવાય તેમની સાથે. બસ બે-ત્રણ વખત મળ્યા એ જ તો.’ જોસેફે લાગણીભર્યા સ્વરે કહ્યું.

‘સાચી વાત છે. છ મહિના પહેલા તો આપણે તેણે ઓળખાતા પણ નહોતા.’ મારીયા બોલી.

‘નસીબની વાત છે ને મારીયા? ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આપણે શબનમને મળવાનું થશે અને તે આપણને આ રીતે ક્રિસ્મસ ગિફ્ટ મોકલશે.’

‘જોસેફ, આઈ હોપ શબનમનો દીકરો સરફરાઝ સારો હશે અને તેઓ બંને ખુશ હશે. આપણે તેમને ન્યુ યરની પાર્ટીમાં બોલાવવા જોઈએ.’ મારીયાએ ભાવુક થતા કહ્યું.

‘તેમને એવું નહિ લાગે કે આપણે વધારે પડતા નજીક થવાની અને જબરદસ્તી સંબંધ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ? આપણે તેમના જીવનમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ.’ જોસેફે પોતાની દ્વિધા જણાવી. તે સ્વભાવગત જ થોડો વધારે વિચારવાવાળો અને વધારે સાચવી સાચવીને ચાલવા વાળો માણસ હતો.

‘આઈ થિન્ક તેણે સામેથી જ ક્રિસ્મસ ગિફ્ટ મોકલ્યું છે એટલે તે પણ કદાચ આપણી સાથે સંબંધ રાખવા ઇચ્છતી હોય. એકવાર કોશિશ કરવામાં શું વાંધો?’ મારીયાએ સૂચન કર્યું.

‘મને લાગે છે તારી વાત સાચી છે. એ બહાને આપણને સરફરાજને મળવા મળશે.’ જોસેફે ખુશ થતા મારીયાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો.

‘અને આપણે સરફરાજની આંખો જોઈ શકીશું.’ મારીયા કલ્પનાઓમાં સરકી ગઈ.

‘હા, એ બ્લુ આંખો. આપણા પીટરની આંખો ફરીથી આપણે જોઈશું.’ જોસેફ પણ કલ્પનાઓમાં રાચવા લાગ્યો હતો.

‘જોસેફ, મારે તને થેન્ક યુ કહેવું છે કે તે એ નિર્ણય લીધો.’ મારીયા બોલી.

‘થેન્ક યુ ટૂ મારીયા કે તુ મારી વાત સાથે સહમત થઇ અને તે આપણા પીટરની આંખો સરફરાજને ડોનેટ કરવા મંજૂરી આપી.’ જોસેફ ઉઠીને મારીયા પાસે આવ્યો અને તેના ખભે હાથ મુક્યો.

‘આપણો પીટર હવે સરફરાજની આંખોથી આ દુનિયા જોઈ રહ્યો છે.’

‘હા મારીયા, અને થેન્ક ગોડ કે શબનમ જો આપણી સાથે સંપર્ક બનાવીને રાખશે તો આપણે પણ પીટરની આંખોમાંથી મળતો તેનો સંદેશો સમયે સમયે મેળવતા રહીશું.’

‘આઈ એમ સ્યોર પીટર આપણને જોઈ શકશે.’ મારીયાની આંખો ભરાઈ આવી.

‘હા, તેની આંખો તો છે જ ને સરફરાઝ પાસે. ત્યાં હેવનમાંથી તે આપણને જરૂર જોઈ શકશે.’ જોસેફની આંખોમાં પણ ભીનાશ આવી પરંતુ તેણે મારીયાની આંખોમાંથી ટપકવા જઈ રહેલું આંસુ લુછ્યું અને પછી પોતાની આંખો પણ શર્ટની બાંયથી લુછી લીધી. તેમની બંનેની આંખોમાં એક્સીડેન્ટમાં છ મહિના પહેલા મૃત્યુ પામેલા તેમના પુત્ર પીટરનો ચેહરો તરી આવ્યો.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]