એ સાંભળતા જ પ્રીતમભાઈના પગ તળેથી જમીન નીકળી ગઈ….

પ્રીતમભાઇ રેસ્ટોરન્ટની છેલ્લી લાઈટ બંધ કરીને બહાર નીકળ્યા. દરવાજો બંધ કરવા જતા હતા ત્યાં કોઈએ પાછળથી અવાજ દીધો: અરે ભાઈ, જરા થોભો, થોભો.

પ્રીતમભાઈએ પાછળ ફરીને જોયું તો એક પચાસેક વર્ષનો વ્યક્તિ દોડતો દોડતો આવ્યો હોય તેમ હાંફી રહ્યો હતો. તેઓએ થોડીવાર તેને પોરો ખાવા દીધો અને પછી પૂછ્યું, ‘બોલો ભાઈ શું હતું?’

‘ભાઈ, જમવાનું મળશે? અમે બાર લોકો છીએ. લાંબી મુસાફરી છે, આગળ જવાનું છે. જમવાની ક્યાંય વ્યવસ્થા થઇ શકી નહિ અને હવે લોકો ભૂખ્યા થયા છે. ક્યાંય કોઈ રેસ્ટોરન્ટ પણ ખુલ્લું નથી. તમારે ત્યાં લાઈટ જોઈ એટલે હું બસ ત્યાં રોકીને દોડતો આવ્યો પણ અહીં પહોંચ્યો ત્યાં સુધીમાં તો તમે પણ બંધ કરવા લાગ્યા.’

‘હા ભાઈ અમારે તો અત્યાર સુધીમાં રોજ રેસ્ટોરન્ટ બંધ થઇ જાય છે. રસોઈયો પણ જતો રહ્યો છે અને કામવાળા બધા લોકો પણ નીકળી ગયા છે.’ પ્રીતમભાઈએ પોતાની પરિસ્થિતિ સમજાવી.

‘કઈંક તો વ્યવસ્થા થઇ જશે ભાઈ. સ્ત્રીઓ અને બાળકો પણ છે અને બે વૃધ્ધો પણ છે. કઈ પણ સાદું જમવાનું આપી દેશો તો પણ મહેરબાની થશે.’

‘ખબર નહિ શું જમાડીશ પણ તમે આટલી વિનંતી કરો છો તો લઇ આવો બધાને, હું રેસ્ટોરન્ટ ખોલું છું.’ પ્રીતમભાઈએ દરવાજો ખોલ્યો અને અંદરની લાઇટ્સ ચાલુ કરવા માંડી.

દશેક મિનિટ થઇ હશે અને પ્રીતમભાઈએ રસોડામાં ગેસ ચાલુ કરી લીધો હતો અને કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું હતું. સલાડ માટે કાકડી, મૂળા અને ડુંગળી પણ કાઢી લીધા હતા, ત્યાં સુધીમાં સુંદર કાપડાઓમાં સજ્જ લોકોનું એક જૂથ રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યું. સૌના ચેહરા પર થાક તો હતો પરંતુ એક ખુશી અને ઉલ્લાસ પણ છલકાતો હતો. ચાર સ્ત્રીઓ, ત્રણ બાળકો અને પાંચ પુરૂષોનું એ જૂથ કોઈ લગ્નપ્રસંગમાંથી આવી રહ્યું હતું એ વાત સ્પષ્ટ જણાતી હતી. રસોડામાંથી પ્રીતમભાઈએ જોયું કે સૌ એક મોટા ટેબલ પર ગોઠવાઈ ગયા.

ગ્રાહક આવી ગયા હતા એટલે પ્રીતમભાઇ બહાર આવ્યા અને તેમને જાતે જ પાણીના બે જગ ભરીને તેમના ટેબલ પર મુક્યા. ગ્લાસ, કાંટા-ચમચી ટેબલ પર પહેલાથી જ મુકેલા હતા.

‘હું કઈ મદદ કરું ભાઈ સાહેબ? મને ખબર છે તમારે ત્યાં અત્યારે કોઈ છે નહિ અને તમે મલિક થઈને જાતે જ અમારી મદદ કરવા રેસ્ટોરન્ટ પાછું ખોલ્યું છે તો કઈ મદદ કરી શકું તો કહેજો.’ જે માણસે આવીને પ્રીતમભાઈને રોકેલા તેણે પોતાની ખુરશી પરથી ઉઠતા કહ્યું.

‘આમ તો હું ઘણા સમયથી માત્ર ગલ્લો જ સાંભળું છું પણ હજી હાથમાં સ્વાદ તો એવો જ છે હો એટલે ચિંતા ન કરશો. તમે તમારે બેસો, હું કઈંક સાદું સાદું બનાવી દઉં છું.’ પ્રીતમભાઈને લાગ્યું કે ગ્રાહક પાસે ક્યાં મદદ લેવી.

‘ના ના, હું આવું છું તમારી સાથે.’ કહેતો એ માણસ પ્રીતમભાઇ સાથે રસોડામાં આવી ગયો.

પ્રીતમભાઈએ તેને પ્લેટ, કટોરી વગેરે લઇ જવા વિનંતી કરી અને તે વ્યક્તિએ કહ્યા પ્રમાણે કામ કરવા માંડ્યું. થોડીવારમાં તેમના ટેબલ સેટ થઇ ગયા હતા. હવે પ્રીતમભાઈએ તેને આંગળી ચીંધીને સલાડ કાપવા ઈશારો કર્યો એટલે તે માણસ ધીમે ધીમે ચાકુ ચલાવીને કાકડી અને ડુંગળી પણ કાપવા મંડ્યો. ત્યાં સુધીમાં પ્રીતમભાઈએ ઘઉંનો લોટ બાંધી દીધો હતો અને પુરી માટે ગોરલ બનાવવા મંડ્યા હતા. તેલ ગરમ થવા આવ્યું હતું.

‘મારુ નામ મંગલ છે. તમારું?’ એ વ્યક્તિએ કામ કરતા કરતા કહ્યું.

‘હું પ્રીતમભાઇ. આ રેસ્ટોરન્ટ મેં પંદર વર્ષ પહેલા ખોલેલું અને આજે આ શહેરનું સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટ થઇ ગયું છે. ભગવાને ઘણું આપ્યું છે. સંતોષથી જીવીએ છીએ. બસ હંમેશા એક સિદ્ધાંત રાખ્યો છે કે દરવાજે આવેલો કોઈ માણસ ભૂખ્યો ન જવો જોઈએ.’ પ્રીતમભાઈએ પહેલી પુરી તેલમાં મૂકી અને તે તરત તળાઈને ઉપર તરી આવી.

‘આજે તમે અમને સૌને આ રીતે અંતરિયાળ જમાડીને ખુબ પુણ્ય કમાયું છે. અમારા આશીર્વાદ તમને જરૂર મળશે.’ મંગલે બેય હાથ જોડીને પ્રીતમભાઈને કહ્યું.

‘આવી દુઆઓથી જ મારી પ્રગતિ થઇ છે. તમારી આંતરડી ઠારીને મને ખુબ સંતોષ થાય છે.’ પ્રીતમભાઈએ પૂરીઓ તળવા માંડી હતી. ‘તમને વાંધો ન હોય તો આ બટેટા કાપી આપશો?’

‘હા ચોક્કસ. લાવો.’ મંગલે કહ્યું અને તરત જ બટાટા કાપવા માંડ્યા.

લગભગ અડધી કલાક પછી જમવાનું ટેબલ પર પીરસાઈ ગયું હતું અને બારેય જણાની આંખોમાં ચમક અને ચેહરા પર તૃપ્તિ દેખાતી હતી. ‘તું પણ લે બટેટાનું શાક. તમે પુરી લો. આ સલાડ લો…’ જેવા સંવાદો ચાલી રહ્યા હતા અને પ્રીતમભાઈની આંખોમાં ભુખ્યાને જમાડવાનો સંતોષ હતો.

 

અનાજના થોડા કોળિયા પેટમાં ગયા એટલે ગ્રાહકોનું ધ્યાન થોડું ભોજન પરથી હટ્યું એટલે તેઓએ પ્રીતમભાઇ તરફ ધ્યાન આપ્યું. ‘ભાઈ તમારો ખુબ ખુબ આભાર. અમારા બાળકોની તમે ક્ષુધા સંતોષી છે. તમને એનો બદલો જરૂર મળશે. તમારું અને પરિવારનું ખુબ ભલું થાઓ.’ એવી દુઆઓ સ્ત્રીઓ અને વૃદ્ધો તરફથી મળવા લાગી અને પ્રીતમભાઇ નમ્રતાથી સ્વીકારી રહ્યા હતા.

પાંચેક મિનિટમાં પ્રીતમભાઈએ પણ વાત શરુ કરી અને પૂછ્યું, ‘આટલી રાત્રે તમે લોકો ક્યાંથી અહીં આવી પહોંચ્યા? ક્યાં ગામ જવાનું છે?’

‘ત્યાં નદીપાર નવપરામાં અમારા સંબંધીના લગ્ન હતા તો અમે સૌ જાનમાં ગયા હતા. હવે જાન બસમાં આગળ ગઈ છે અને અમે થોડા મોડા થઇ ગયા. પણ હવે નીકળી જઈશું તો સવાર સુધીમાં પહોંચી જાશું.’ એક સ્ત્રીએ જવાબ આપ્યો.

‘બરાબર. નવપરામાં તો અત્યારે ઘણા લગ્ન છે. કોને ત્યાં ગયા ‘તા?’ પ્રીતમભાઇ પણ આજુબાજુના ગામવાળાઓને ઓળખાતા.

‘ભાવેશ પટેલને ત્યાં હતા. પટેલની દીકરી લાવ્યા છીએ અમે.’ એક વૃદ્ધે જાહેર કર્યું.

એ સાંભળતા જ પ્રીતમભાઈના પગ તળેથી જમીન નીકળી ગઈ. ભાવેશ પટેલને ત્યાં જાન તો સાત વર્ષ પહેલા આવેલી. તેમને સમાચાર સાંભળેલા કે જાનમાં આવેલા મહેમાનોનો એક મેટાડોર ઉથલી પડેલો અને તેમાં બેઠેલા બારેય લોકો અકસ્માતના સ્થળે તરત જ મૃત્યુ પામ્યા હતા.

ગ્રાહકો જમતા રહ્યા અને વાતો કરતા રહ્યા પરંતુ હવે પ્રીતમભાઈને કઈંજ સંભળાઈ રહ્યું નહોતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]