પપ્પાની વાત માનીને કેવલે સમયસર યુક્રેન છોડી દીધું હોત તો…

કેવલ મેડિકલ ભણવા માટે યુક્રેઇન ગયો એટલે તેના પિતા ભૂપતભાઈને લાગ્યું કે ચાલો છોકરો સેટ થઇ જશે. પોતે ડોક્ટર હતા અને ઇચ્છતા હતા કે તેમનો એકનો એક દીકરો પણ ડોક્ટર બને તો સારું. બારમા ધોરણમાં સારા માર્ક્સ ન આવ્યા અને એન્ટ્રન્સ ટેસ્ટમાં પણ ખાસ સ્કોર ન થયો. વેઇટિંગ લિસ્ટમાં નામ આવ્યું પણ મેડિકલનું એડમિશન મળે તેની શક્યતા નહિવત જ હતી.

‘આપણે ત્યાં પૂરતી મેડિકલ કોલેજ હોત તો છોકરાને બહાર મોકલવો ન પડત. થોડી વધારે સીટ હોય તો વધારે ડોક્ટર બને અને આવક દેશની દેશમાં જ રહે ‘ને? વિદેશમાં પૈસા ભરીને ભણવા મોકલવાનો શું ફાયદો?’ ભુપતભાઇ વારેવારે પોતાના મિત્રવર્તુળમાં આવી દલીલ કરતા.

મિત્રોના પોતાના મંતવ્યો હતા. કોઈ કહેતું કે જો સીટ વધારશો તો ડોક્ટરની ક્વોલિટી સારી નહિ હોય. ગમે તે ડોક્ટર બની જશે અને લોકોના જીવ ખતરામાં મુકાશે. પરંતુ આ વાત કોઈ ભુપતભાઇ મોઢે ન કહે તે વાસ્તવિક છે.

બે વર્ષથી કેવલ યુક્રેનમાં ભણતો હતો.

અચાનક સમાચારોમાં આવવા લાગ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે તણાવભરી સ્થિતિ ઉભી થઇ છે.

‘તું સલામત તો છો ને?’ ભૂપતભાઈને કેવલને ફોન પર પૂછેલું.

‘હા, અત્યાર સુધી તો અહીં કોઈ પરેશાની નથી.’ કેવલે માહિતી આપેલી.

‘વહેલો આવી જા તો સારું. નાહકનું રિસ્ક શા માટે લેવું?’

‘કઈ ચિંતા નથી. અહીં કેટલાય સ્ટુડન્ટ છે. કઈંક થશે તો જોયું જશે. સરકાર કઈંક વ્યવસ્થા તો કરશે જ.’ કેવલે પોતાના બીજા મિત્રોએ જે વાતો કરેલી તે સાંભળીને પોતાનો નિર્ણય કરેલો.

‘દીકરા, સરકાર તો કરે ત્યારે કરે. પરંતુ એકવાર સ્થિતિ હાથમાંથી બહાર જતી રહે પછી ખતરો તો આપણા જીવને જ ને?’ ભુપતભાઇ પોતાની એક વત્તા એક બરાબર બે વાળી સાદી સમજથી કહી રહ્યા હતા.

‘થોડા દિવસમાં જોઈશું. અત્યારે તો કઈ વાંધો નથી. તમે ધ્યાન રાખજો.’ કહીને કેવલે વાત પુરી કરેલી.

ચારેક દિવસ પછી વિદેશ મંત્રાલયે એક સલાહ્કારી સૂચના જાહેર કરી કે ભારતીય લોકોએ યુક્રેન છોડીને પરત આવી જવું સલામત છે. આ વખતે ફરીથી ભુપતભાઇ અને કેવલની વાત થઇ.

‘એવું કઈ નથી પપ્પા, સરકાર તો કહે. આપણે ભણતર જોવાનું ને. ખાલી ખર્ચ કરીને શા માટે આવવા જવાની માથાકૂટમાં પડવું? આમેય અમેરિકા કઈંજ નહિ થવા દે.’ કેવલે પોતાના મિત્રો અને સલાહકારોએ ઉચ્ચારેલા વાક્યો જ રિપીટ કરી દીધા.

‘તું સમજતો નથી બેટા. પોતાનો જીવ જોખમમાં મુકવામાં શું ફાયદો? જયારે સંહાર શરુ થાય છે ત્યારે ગોળી અને બૉમ્બ કોઈના સગા થતા નથી. તે દુશ્મન અને મિત્ર વચ્ચે ભેદ કરતા નથી.’ ભુપતભાઇએ વિવશ થતા વિનંતી કરી.

‘એવું કઈંક થશે તો જોઈશું પપ્પા. ચિંતા ન કરો અને તમે તબિયત સંભાળજો.’ કહીને કેવલે વાત પુરી કરી.

ભૂપતભાઈનો જીવ તાળવે ચોંટેલો હતો પરંતુ જુવાન દીકરો તેમનું સાંભળતો નહોતો.

ત્રણ દિવસ પછી સવારે ભુપતભાઈએ સમાચાર વાંચ્યા. રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધું હતું. ધીમે ધીમે રશિયાની સેના યુક્રેનના વિસ્તારો પર કબ્જો કરી રહી હતી. ભુપતભાઈએ તરત જ કેવલને ફોન લગાવ્યો.

‘હવે તો પરિસ્થિતિ ખુબ વણસી ગઈ છે. જલ્દી નીકળી જા ત્યાંથી.’

‘હા, અમે બધા અહીંથી નીકળવાની કોશિશ કરીએ છીએ પણ બધી ફ્લાઇટ કેન્સલ થઇ ગઈ છે. કોઈ રસ્તો દેખાતો નથી.’ કેવલના અવાજમાં ભય હતો.

‘સમયસર નીકળી ગયો હોત તો આજે પસ્તાવું ન પડત. પણ જે થયું તે થયું. હવે શું કરવું તેના વિકલ્પ શોધવા પડશે.’ ભુપતભાઇ પોતાનો ગુસ્સો અને લાચારી હાજી પણ પુત્ર પર બતાવવા નહોતા માંગતા.

‘હા, કઈ થાય તો કહું છું.’ કેવલે કહ્યું અને ફોન મૂકી દીધો.

પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી. બધી જ ટીવી ચેનલ, સમાચારપત્રો તેમજ સોશ્યિલ મીડિયામાં એક જ સમાચાર ચાલતા હતા – યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને સલામત પાછા લાવવાની વ્યવસ્થા અંગે. કોઈ કહેતું હતું કે વિસ હજાર વિદ્યાર્થી છે જયારે કોઈ કહેતું હતું કે પંદર હજાર છે પરંતુ ભુપતભાઇને તો તેમનો પુત્ર કેવલ એક લાખ વિદ્યાર્થીઓ સમાન હતો. તેને કેવી રીતે સલામત પાછો લાવવો તેના પ્રયાસમાં તે લાગી ગયા.

‘વિદેશ મંત્રાલયમાં કોઈ ઓળખાણ છે?’ ભૂપતભાઈએ પોતાના ઓળખીતા લોકોને ફોન કરવા માંડ્યા.

‘એમ્બેસીમાં ફોન કરોને?’ કોઈએ સલાહ આપી.

ભૂપતભાઈએ અહીં તહીં ફોન કર્યા, મંત્રીઓના ટ્વિટર જોયા, સમાચાર જોયા, વેબસાઈટ પર માહિતી વાંચી અને જેમ તેમ કરીને વધારે માહિતી મેળવવાનું શરુ કર્યું.

‘કેવલ, યુક્રેનની બોર્ડર પારથી સરકાર લોકોને ભારત પાછા લાવવા પ્લેન ચલાવી રહી છે. તમે લોકો બને તેટલા જલ્દી નીકળી જાઓ.’

‘હા પપ્પા એ તો ખબર છે. અહીંથી કેટલાક લોકો બોર્ડર તરફ નીકળવા લાગ્યા છે પણ તે દૂર બહુ છે. અહીંથી કોઈ ટ્રાન્સપોર્ટ મળતા નથી. ચાલવું બહુ પડે છે. જોઈએ છીએ કેવી રીતે પહોંચી શકાય. આપણી સરકારે કઈંક તો સારું કામ કરવું જોઈએ ને? અહીંથી વિદ્યાર્થીઓને કાઢવાને બદલે બોર્ડર પાર બોલાવે છે. અમારે ત્યાં કેવી રીતે જવું?’ કેવલના અવાજમાં ફરિયાદનો રણકો હતો.

‘સરકાર ત્યાં કેવી રીતે કોઈને મોકલે કેવલ? તને સરળ વાત સમજાતી કેમ નથી? જ્યાં યુદ્ધ ચાલતું હોય ત્યાં પ્લેન કેવી રીતે આવે? આટલા વિદ્યાર્થીઓને અને લોકોને ઘરે ઘરે કેવી રીતે કોઈ બોલાવવા જાય? સરકાર જે કરે છે તે તમારા માટે જ છે. મને સમજાતું નથી કે તને આવા વિચારો ક્યાંથી આવે છે?’ ભૂપતભાઈને હવે પોતાના ગુસ્સા પર કાબુ નહોતો.

‘અહીં તો ઘણા સ્ટુડન્ટ એવું જ કહે છે પપ્પા.’

‘તું પહેલું કામ એ કર કે અત્યારે જ પોતાના મિત્રો સાથે કોઈ પણ દેશની બોર્ડર તરફ નીકળ. વાહન મળે તો ઠીક, ન મળે તો ઠીક. ચાલવું પડે તો ચાલો પણ સલામતીને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે બોર્ડર પાર નીકળી જાઓ. અને હા યાદ રાખજો ઓછામાં ઓછો સમાન લઈને જજો. પોતાનો જીવ બચાવવો હશે તો થોડી તકલીક તો આપણે પોતે જ ઉઠાવવી પડશે.’ ભૂપતભાઈએ સ્પષ્ટ આજ્ઞા આપી. હવે પોતાના પુત્રને કોઈની સલાહ પ્રમાણે ચાલવા દેવાય તેવું નહોતું.

કેવલે તેના પપ્પાની વાત માની. તેના થોડા મિત્રો ચાલવા તૈયાર થયા પરંતુ બીજા કેટલાક હજુ પણ રાહ જોવા માંગતા હતા. જેમને જેમ યોગ્ય લાગે તેમ કરે – તેવું વિચારીને કેવલ પોતાના મિત્રો સાથે બોર્ડર તરફ જવા રવાના થયો.

મુસાફરી લાંબી હતી. ટેક્ષી અને બસ પણ અમુક અંતર સુધી મળતા હતા. બોર્ડરથી ચાલીસ- પચાસ કિલોમીટર લાંબી લાઈન લાગેલી હતી ગાડીઓની. યુક્રેઇનના લોકો પણ દેશ છોડીને જઈ રહ્યા હતા.

‘સારું થયું કે આપણી આંખો ખુલી ગઈ. આ સ્થિતિ તો ખબર નહિ ક્યારે નિયંત્રણમાં આવશે.’ કેવલના એક મિત્રએ રસ્તામાં કહ્યું.

બોર્ડર પાર કરવામાં બે દિવસ લાગ્યા. તકલીફ તો ખુબ પડી, સફર અઘરી રહી પરંતુ ત્રીજા દિવસે ઓપરેશન ગંગા હેઠળ ચાલવામાં આવેલા પ્લેનમાં કેવલ અને તેના મિત્રો બેઠા હતા. ભારત સરકારના મંત્રીશ્રીએ સૌને સંબોધીને હિમ્મત આપી અને માનભેર ભારત જવા રવાના કર્યા ત્યારે કેવલ અને તેના મિત્રોની આંખો હર્ષના આંશુથી છલકાઈ ગઈ હતી.

‘પપ્પા, પાંચ મિનિટનમાં અમારું પ્લેન નીકળશે. થેન્ક યુ તમે જો ભારપૂર્વક ન કહ્યું હોત તો કદાચ અમે હજીયે રૂમમાં જ બેઠા હોત અને ખબર નહિ પછી શું થાત.’ કેવલના અવાજમાં ભારોભાર પ્રેમ અને આદર છલકાતો હતો.

‘બીજા મિત્રોને પણ કહો કે પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને સરકારે જે સુવિધા આપી છે તેનો આદર કરે અને પોતે પણ સહકાર આપે. હું અહીં તારી રાહ જોઉં છું. સલામત પાછો આવ, બેટા.’ ભૂપતભાઈએ કહ્યું ત્યારે બાપના હૈયાને શાંતિ વળી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]