સરિતાએ ફરીથી એકવાર પાછળ ફરીને તેના ચપ્પલ સામે નજર કરી અને…

સરિતાએ આ વખતે ડિસેમ્બરના ડિસ્કાઉન્ટમાં જે બ્રાન્ડેડ ચપ્પલ ખરીદેલા તેને પહેરવાની તક દોઢ મહિના પછી આજે મળી રહી હતી. સાંજે તેના પતિ સાથે બિઝનેસ કરતા શહેરના એક મોટા વેપારીએ પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા પણ સરિતા તેના પતિ સાથે આ પાર્ટીમાં ગયેલી અને તેણે જોયેલું કે શહેરના બધા નામાંકિત વ્યક્તિઓ ત્યાં હાજર હતા. આજે પણ બધા મોટા હોદેદારો અને પૈસાદાર લોકો ત્યાં જરૂર હશે તેની ખાતરી સરિતાને હતી. આજથી વધારે સારી તક આ મોંઘા ચપ્પલ પહેરવા માટે બીજી કઈ હોઈ શકે સરિતા માટે?

સાંજે સાત વાગ્યે પાર્ટીમાં જવાનું હતું એટલે સાડા ચાર વાગ્યે સરિતા બ્યુટીપાર્લર ગઈ. પહેલાથી જ એપોઇન્ટમેન્ટ બુક કરેલી એટલે તેને રાહ ન જોવી પડી. જોકે કુલ મળીને એક કલાકથી વધારે સમય તેણે બ્યુટીપાર્લરમાં વિતાવ્યો પરંતુ એટલીવારમાં સરિતાએ મેનિકયુર, પેડીકયુર અને ફેસીઅલ તો કરાવી જ લીધા અને સાથે સાથે હેઈરસ્ટાઇલ પણ બનાવડાવી લીધી. આજે હેરસ્ટાઇલ બનાવવા માટે તેણે ખાસ ધ્યાનમાં રાખેલું કે તેના હાઈ હીલના ચપ્પલ સાથે તે સૂટ થવી જોઈએ. આટલી મોટી પાર્ટીમાં જવાનું હોય અને આવી નાની વાતની કાળજી ન રાખીએ તો હાઈ સોસાઈટીના લોકોમાં નીચું જોવા જેવું થાય અને સરિતા જરાય એવું થવા દેવા માંગતી નહોતી.

બ્યુટીપાર્લરથી ઘરે આવીને તેણે પોતાનો પહેલાથી નક્કી કરેલો ડ્રેસ કબાટમાંથી કાઢ્યો. પોતાના ચપ્પલને સેટ થાય એ પ્રમાણે જ આ ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પણ સરિતાએ પસંદ કર્યો હતો. હેંગર વડે પોતાના બંને ખભા પાસે ડ્રેસ આગળ લટકાવીને ડ્રેસિંગ ટેબલના મોટા અરીસામાં જોયું. તેની હેઈર સ્ટાઇલ સાથે તે બરાબર મેચ થતો હતો. ચપ્પલ હજી બોક્સમાં પેક હતા એટલે મનોમન એ ચપ્પલ પગમાં હોય તો તેની સાથે હેરસ્ટાઇલ અને ડ્રેસ કેવા સરસ લાગે તેની કલ્પના કરીને જ સરિતા ખુશ થઇ ઉઠી. તેને વિચાર આવ્યો કે રસોડામાં જઈને ચા બનાવી આવું અને તૈયાર થતા થતા ચા પીતી જાઉં. ડ્રેસને હેંગર વડે એક ખીલી પર લટકાવીને પછી તે ચા બનાવવા રસોડામાં ગઈ. પરંતુ અંદર જતા એક વિચાર આવ્યો કે ગેસની ગરમીથી તેનું ફેસીઅલ અને હેરસ્ટાઇલ ખરાબ થઇ શકે એટલે તેણે ફ્રિજ ખોલીને તેમાંથી જ્યુસનું પેકેટ કાઢી એક ગ્લાસ ભર્યો અને ડ્રેસિંગ-કમ-બેડરૂમમાં પાછી આવી. ડ્રેસિંગ ટેબલના ખૂણા પર જ્યુસનો ગ્લાસ મૂકીને સરિતા તૈયાર થવા લાગી. વચ્ચે વચ્ચે જ્યુસનો ઘૂંટડો ભરતી જાય.

સરિતાએ ડ્રેસ પહેરીને અરીસામાં જોયું. શરીર પર બરાબર ફિટ બેસતો હતો. કમરથી થોડો ટાઈટ હતો પણ ધ્યાનમાં આવે તેવું નહોતું. જમવામાં થોડું ઓછું લેશે અને બેસતી વખતે પેટ અંદર રાખશે તો વાંધો નહિ આવે – સરિતાએ નક્કી કર્યું. તેને યાદ આવ્યું કે તેની સહેલી પૂનમે પણ આવો ડ્રેસ એકવાર પહેરેલો. લોકો એ જોયો હશે તો કેવું લાગશે? વાત તો થોડી ચિંતાની હતી. સરિતાએ આંખો ઝીણી કરીને અરીસામાં પોતાની જાતને નીરખીને જોઈ. ડ્રેસ સારો લાગતો હતો. પૂનમનો ડ્રેસ યાદ કર્યો. તે તો ઇન્ડિયન સ્ટાઈલમાં હતો જયારે પોતે ઈન્ડો-વેસ્ટર્ન બનાવડાવેલો. કમરમાં જે બેલ્ટ લગાવડાવ્યો છે તેવો બેલ્ટ તો પૂનમના ડ્રેસમાં હતો જ નહિ, પાક્કું. પોતાના ડ્રેસમાં ગાળાના કટ અને અને બેકમાં જે ડિઝાઇન હતા તે તદ્દન નવા હતા. ડ્રેસ તો પરફેક્ટ છે, કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ખાસ કરીને તેના નવા ચપ્પલ સાથે આનાથી વધારે બીજો કોઈ ડ્રેસ મેચ થાય?

‘તું તૈયાર છે જવા માટે? હું પાંચ મિનિટમાં નાહીને આવું પછી આપણે નીકળીએ.’ સરિતાના પતિએ ઘરમાં પ્રવેશતા કહ્યું.

‘હા, તમે તૈયાર થઇ જાવ. હું તો એકદમ રેડી છું.’ સરિતાએ જવાબ આપ્યો. પતિને તૈયાર થવામાં વધારે વાર લાગતી નહોતી. તેના માટે કપડાં પ્રેસ કરીને સરિતાએ તૈયાર રાખ્યા હતા.

પતિ નાહવા ગયા એટલે સરિતાએ ફરીથી એકવાર અરીસામાં જોયું. પોતે પાર્ટી માટે પુરી તૈયાર હતી. હવે સમય હતો શો-સ્ટોપર ચપ્પલનો. તેણે કબાટ ખોલ્યો. હાથ લંબાવીને ઉપરના ખાનામાંથી ચપ્પલનું બોક્સ રાખેલી પ્લાસ્ટિકની કોથળી ખેંચી કાઢી અને બેડ પર મૂકી. ડ્રેસિંગ ટેબલ પરથી જ્યુસનો ગ્લાસ ઉઠાવ્યો અને એક ઘૂંટડો ભરીને પાછો મુક્યો. હવે સરિતાએ કોથળીમાંથી ચપ્પલનું બોક્સ કાઢ્યું. બોક્સ પણ કેટલું સુંદર હતું. બ્રાન્ડ આખરે બ્રાન્ડ હોય છે. એમજ થોડા લોકો એટલા પૈસા આપે છે. બોક્સ ખોલ્યું અને અંદરથી બંને ચપ્પલ હાથમાં ઉપાડ્યા. કેટલા સુંદર. સોનેરી કલરની ઝાંઈ પડે તેવી ડિઝાઇન ચામડામાં કરેલી હતી. આગળથી થોડા મોજડી જેવા લાગતા ચપ્પલ પર ક્રિસ્ટલની સુંદર ડિઝાઇન પણ બનાવી હતી. સોનેરી કલર તેના ડ્રેસની ડિઝાઇન સાથે મેચ થતા હતા. રુબી તથા ટોરકોઈઝ રંગના ક્રિસ્ટલથી ચપ્પલનો ઉઠાવ અનેકગણો વધી જતો હતો. તેના ડ્રેસ પર પણ આવા કલરની નાની નાની જિઓગ્રાફિકલ પેટર્ન બનેલી હતી. હેરસ્ટાઇલમાં પણ બ્યુટીપાર્લર વાળીએ એ વાતનું ધ્યાન રાખેલું તે સંતોષની વાત હતી. સરિતાએ પોતાના પગમાં ચપ્પલ પહેર્યા અને થોડા દૂર ઉભા રહીને અરીસામાં પોતાને નખશીખ નિહાળી. હેરસ્ટાઈલથી શરુ કરીને પોતાની નજર ધીમે ધીમે ચપ્પલ સુધી ફેરવી. પરફેક્ટ.

‘જઈએ આપણે?’ સરિતાના પતિએ તૈયાર થઈને પૂછ્યું.

‘હા, બે મિનિટ. તમે બુટ પહેરો અને ગાડી કાઢો ત્યાં સુધીમાં હું આવું છું.’

સરિતાએ જવાબ આપ્યો અને વિચાર્યું કે આજે તો પાર્ટીમાં સૌને ખાતરી થઇ જશે કે તેણે ખાસ ડિઝાઈનર લૂક માટે મહેનત કરી છે. ફરીથી એક નજર પોતાના લૂક પર ફેરવી તો આ વખતે પણ વધારે ધ્યાન ચપ્પલ પર જ ગયું. ઓહ નો, ચપ્પલ તો સુંદર હતા પરંતુ પગની સ્કિન થોડી સુર્ખ દેખાતી હતી. મોઈસ્ચુરાઈઝ કરવી પડશે નહીંતર સારું નહિ લાગે. સરિતાએ પગમાં મોઇસ્ટરાઇઝર લગાવ્યું અને ફરીથી ચપ્પલ પહેરીની અરીસામાં જોયું. ના, હજી બરવાર નથી લાગતું. હમણાં હમણાં તેની સ્કિન ખરાબ થવા લાગી છે એ વાતની ચિંતા થઇ. તેણે વિચાર્યું કે આજે તો સ્કિન કલરના મીડ-કાફ શોકસ પહેરી લેવા ઠીક રહેશે. તરત જ તેણે કબાટ ખોલ્યો અને મોજાંનો થપ્પો બહાર કાઢીને પલંગ પર ફેલાવ્યો. સ્કિન કલરના પાતળા મોજા કાઢ્યા અને પગમાં પહેર્યા. ઓહ ગોડ, આમાં તો એક આંગળી પાસેથી દોરો ખેંચાઈ ગયેલો છે. કોઈને લાગશે કે ફાટેલા મોજા પહેર્યા છે. હવે શું કરવું – સરિતાને ચિંતા થઇ. બીજા બે-ત્રણ મોજા ટ્રાઈ કર્યા. એકેય ડ્રેસ અને ચપ્પલ સાથે ફિટ બેસતાં નહોતા. સ્કિન કલરના મોજા જ ઠીક રહેશે. દૂરથી દેખાશે નહિ કે દોરો ખેંચાયેલો છે અને આમેય એ તો ચપ્પલમાં દબાઈ જશે. મોજડી જેવા શેપના ચપ્પલ લેવાનો આ બીજો ફાયદો – સરિતાને પોતાની ચપ્પલની પસંદગી પર ગર્વ થઇ આવ્યો. ફાઇનલ. મોજા ઉપર ચપ્પલ પહેરી તે તૈયાર થઇ ગઈ અને બહાર જઈને ગાડીમાં બેઠી.

યજમાનના ઘર બહાર ગાડી પાર્ક કરીને સરિતા અને તેનો પતિ દરવાજા પાસે પહોંચ્યા. બેલ વગાડ્યો જ હતો ત્યાં તો દરવાજો એક વેઈટરે ખોલ્યો. બંનેને અંદર આમંત્રિત કરીને તેણે એક ખૂણા તરફ ઈશારો કર્યો.

સરિતાએ જોયું તો બધાના બુટ ચપ્પલ ત્યાં બહાર જ ઉતારેલા હતા. તેઓ બુટ-ચપ્પલ ઉતારીને ત્યાં મૂકે પછી ડ્રોઈંગ રૂમમાં લઇ જવા માટે વેઈટર રાહ જોતો ઉભો રહ્યો. સરિતાને અણધાર્યો ઝટકો લાગ્યો હતો. તેના પતિએ તરત બુટ ઉતારી દીધા. વેઈટર સરિતાની સામે તાલીમબદ્ધ સ્મિત વેરતા રાહ જોઈ રહ્યો હતો કે તે પણ ચપ્પલ ઉતારીને ત્યાં મૂકે.

મન મારીને સરિતાએ ચપ્પલ ઉતાર્યા. તેનું ધ્યાન મોજાના ખેંચાયેલા દોરા પર પડ્યું. રૂમમાં પ્રવેશતા સરિતાએ ફરીથી એકવાર પાછળ ફરીને તેના ચપ્પલ સામે નજર કરી. જાણે પોતાનું મન ત્યાં છોડીને જઈ રહી હોય તેવી લાગણી સરિતાને થઇ આવી.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]