શીલાએ હવે સમીર થી અલગ થવાનો નિર્ણય કરી લીધો હતો

શીલા અને સમીર કોલેજના કેમ્પસમાં લીમડાના વૃક્ષ નીચે ઉભા હતા. કોલેજનો બીજો લેક્ચર શરું થઇ ગયો હતો અને બીજા બધા કોલેજના વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં હતા.

‘આપણી વચ્ચે વર્ષોથી પ્રેમ છે અને તું આજે મને એવું કહી રહી છે?’ સમીર પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યો હતો.

‘સમીર, આપણે સ્કૂલના સમયથી સાથે ભણીયે છીએ અને કદાચ એટલે જ મેં તને મારો બોયફ્રેન્ડ બનાવ્યો છે. નહીંતર તું મારી પસંદ ન હોઈ શકે. પરંતુ હવે આપણે કોલેજ પુરી કરવા જઈ રહ્યા છીએ. ત્રણ મહિનામાં આપણે પોતપોતાની જિંદગીમાં ક્યાંક આગળ વધી રહ્યા હોઈશું. એટલે હવે આ વાતને અહીં જ પુરી કરીએ તો સારું. શીલા થોડી સખત દેખાતી હતી. તેના ચેહરા પર લાગણી નહિ પરંતુ નિર્ણય હતો. કદાચ પ્રેમ હૈયામાં દબાવી દીધો હશે તેવું સમીરને લાગ્યું પરંતુ તેની આંખોમાં પણ લાગણીનું નિશાન નહોતું જણાતું.

‘તું કેવી રીતે આપણા સંબંધને…’ સમીરના ગળે ડૂમો બંધાયો.

‘આપણું નહિ બને. સમીર, તું તારા જીવનમાં આગળ વધ. હું મારી રીતે મારું વિચારી લઈશ.’

‘આ તું પેલા વિકાસને કારણે તો નથી કહી રહી ને? હવે તને તેની સાથે વધારે જોઉં છું. ક્યાંક એવું તો નથી ને કે તને મારી બાઈકની સવારી કરતા વધારે તેની ગાડીની સવારી ગમવા મંડી હોય?’

‘હા, અને હવે પછી માત્ર તેની સાથે જ, તેની ગાડીમાં જ જઇશ એ વાત પણ જણાવી દઉં જેથી કરીને કાલે એ વાત પર કોઈ કંકાસ ન થાય.’ શીલાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

પછીના ત્રણ મહિના કોલેજમાં સમીરને માટે બહુ મુશ્કેલ રહ્યા. શીલા અને વિકાસને સાથે જોઈને તેનું હૈયું દાવાનળની જેમ સળગી ઉઠતું. કેટલાય મિત્રોએ તેને કહ્યું કે શીલા તો ઘણા સમયથી વિકાસને ડેટ કરી રહી હતી.

‘મને ક્યારેય ખબર કેમ ન પડી?’ સમીરે તેના મિત્રને પૂછ્યું.

‘તારી આંખો પર તો તેના પ્રેમની પેટ્ટી બાંધેલી હતી ને એટલે. પણ હવે તો સમજી જા કે તેને હાઈ ક્લાસ લાઈફ સ્ટાઇલ જોઈએ છે અને તું તેને નહી આપી શકે એટલે જ તો તે વિકાસની સાથે ગઈ છે.’ મિત્રએ તેને જવાબ આપેલો.

સમય જતા વાર થોડી લાગે છે. છેલ્લા ત્રણ મહિના સમીરે પૂરું ધ્યાન અભ્યાસમાં લગાવ્યું. હવે તેની જિંદગીમાં કોઈ ડિસ્ટ્રેક્શન રહ્યું નહોતું. પરંતુ અભ્યાસને જ તેણે પોતાનું ડિસ્ટ્રેક્શન બનાવી લીધું જેથી તે શીલાને અવગણી શકે, તેને ભુલાવી શકે.

કેમ્પસ પ્લેસમેન્ટમાં સમીરને કોલેજની સૌથી સારી ઓફર મળી પરંતુ તેને માટે કંપનીએ શરત રાખેલી કે તેને હૈદરાબાદ જવું પડશે. પરંતુ સમીરે તે ઓફર જતી કરીને બીજી એક ઓફર સ્વીકારી જેમાં તેને મુંબઈ ઓફિસમાં નોકરી કરવાની હતી. કોલેજમાં ચર્ચા થઇ કે સમીરે બહુ મોટી ઓફર ઠુકરાવી દીધી અને ઓછા પગારની નોકરી સ્વીકારી. તેનું કારણ કોઈને ખબર નહોતી અને સમીરે કોઈને કહ્યું પણ નહિ.

‘મેં કહ્યું જ હતું ને કે તારામાં પ્રગતિ કરવાની ધગશ જ નથી એટલે જ મેં સારો નિર્ણય કર્યો કે હું મુવ ઓન થઇ ગઈ નહીંતર તો મારુ ભવિષ્ય તારી સાથે શું હોત?’ ઇન્ટર્વ્યુ પછી શીલાએ સમીરને કેમ્પસમાં કહ્યું.

‘હા શીલા, તે સારું કર્યું કે તું મુવ ઓન થઇ ગઈ. મારી સાથે તારું ભવિષ્ય કઈ જ ન હોત. ઓલ ધ બેસ્ટ વિથ વિકાસ.’ સમીરે ઝડપથી વાત પુરી કરી અને પોતાની બાઈક લઈને નીકળી ગયો.

નોકરી માટે તે મુંબઈ જતો રહ્યો અને કોલેજના બધા મિત્રો સાથે ધીમે ધીમે સંપર્ક ઓછો કરી નાખ્યો. નોકરી સિવાયનો સમય બચાવીને તેણે ધીમે ધીમે પોતાનો શોખ પૂરો કરવાનું શરુ કર્યું. બાળપણથી તેને ગાવાનો શોખ હતો. મુંબઈમાં તેણે ફરીથી ગાવાનું શરુ કર્યું અને તાલીમ લેવા માંડી. છએક મહિના પછી તેણે ફિલ્મમાં ગાવા માટે પ્રયત્ન શરુ કર્યા.

લગભગ એક વર્ષના સ્ટ્રગલ પછી સમીરને એક ઍલ્બમમાં ગાવાની તક મળી. આ ખુશ ખબર આપવા માટે તેણે પહેલો ફોન શીલાને કર્યો.

શીલાએ તેનો ફોન ન ઉઠાવ્યો. ફરીથી ફોન કર્યો. શીલાએ ફોન કટ કરી દીધો. તેણે વોટ્સએપ મેસેજ મુક્યો, બ્લુ ટીક થઇ ગયું પરંતુ શીલાએ જવાબ ન આપ્યો. તેને લાગ્યું કે ભલે તેમની વચ્ચે હવે કોઈ સંબંધ ન હોય પરંતુ તેને આ સમાચાર તો આપવા જ જોઈએ એટલે તેણે પબ્લિક ફોનમાંથી શીલાને ફોન લગાવ્યો. શીલાએ ફોન ઉઠાવી લીધો.

‘હેલો શીલા. હેલો..’

‘હેલો?’

‘શીલા, હું બોલું છું…’

‘હું કોણ?’

‘સમીર.’

‘કોણ સમીર? રોન્ગ નંબર.’

સમીરને બહુ ખરાબ લાગ્યું પણ હવે તેનું મન મક્કમ થઇ ગયું. ઍલ્બમનું શૂટિંગ થયું. ગીત તેના પર જ ફિલ્માવાયું હતું. બે મહિના પછી ઍલ્બમ રિલીઝ થયાના બે-ત્રણ દિવસમાં તો ગીત સુપરહિટ થઇ ગયું. સમીરને સૌના તરફથી પ્રશંસા મળવા લાગી. સૌના અભિનંદન મળવા લાગ્યા.

અનેક ફોનની વચ્ચે એક ફોન વધારે વાગ્યો અને સમીરે નામ જોયા વિના ફોન ઉઠાવ્યો.

‘હેલો..’

‘યસ?’

‘હેલો સમીર?’

‘હા, સમીર.’

‘કોન્ગ્રેચ્યુલેશન્સ સમીર. હું શીલા બોલું છું.’

‘કોણ શીલા? રોન્ગ નંબર…’ સમીર ફોન કાપવા જતો હતો ત્યાં સામેથી અવાજ આવ્યો, ‘ઍલ્બમ હિટ થયું એમાં ઘમંડી થઇ ગયો?’

‘ઘમંડી નહિ, સ્વાભિમાની. ઍલ્બમ હિટ થયા પછી નહિ, પણ મને તક મળ્યા પછી મેં જયારે તને સમાચાર આપવા ફોન કર્યો ત્યાર પછી થી.’ સમીરે કહ્યું અને ફોન કાપી નાખ્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]