મંજુલા કાકી એ ધ્રુજતા અવાજમાં કહ્યું, ‘મારા ઘરે ચોરી થઇ ગઈ’…

મંજુલા કાકીને આખું ગામ કાકી કહીને જ બોલાવતું. આમ તો તેઓ એંસીના થવા આવેલા એટલે સૌની દાદી જેટલી ઉમરના કહેવાય પરંતુ નાના ગામડાઓમાં તો એકવાર ચીલો પડે એટલે પેઢીઓ સુધી ચાલતો રહે. આજના યુવાનોએ આ કાકી કહેવાનો રિવાજ તેમના વડિલોમાંથી ઉઠાવેલો. એ જમાનામાં મંજુલા કાકી અને રમણકાકા ગામનું લાડકવાયુ કુટુંબ કહેવાતા. જયારે કાકી લગ્ન કરીને આવ્યા ત્યારે ગામની સૌથી સુંદર સ્ત્રી ગણાતા. રમણભાઈના ઘરે આખા ગામનો આવરો જાવરો રહેતો. જે લોકો તેમના ઘરે જતા તેમના છોકરાઓ મંજુલાબેનને કાકી કહીને સંબોધતા એટલે તેમનાથી શરુ થઈને આવનારી પેઢીમાં પણ મંજુલા કાકી કહેવાની પ્રથા ચાલુ રહી. છોકરાઓને મંજુલા કાકી કઇંકને કઈંક ખાવા પીવાનું આપીને, પ્રેમથી વાત કરીને ખુશ રાખતા એટલે સૌને તેમના ઘરે આવવું જવું ગમતું.

ઉંમર થતા રમણકાકા સ્વર્ગે સિધાવ્યા પછી મંજુલાકાકી એકલા રહી ગયા. છેલ્લા સાતેક વર્ષથી તેમની યાદશક્તિ મંદ પાડવા માંડેલી અને લોકોને જલ્દીથી ઓળખી શકતા નહિ. તેમને કોઈ છોકરા છૈયા નહોતા એટલે ગામના લોકો ક્યારેક આંટો મારી જતા અને ખેર ખબર પૂછી લેતા. જે જાય તેની સાથે મંજુલા કાકી વાતોએ ચડે અને થોડીવાર પોતાનો સમય પસાર કરે. તેમના જમાનાના, તેમની સાથે વાતોમાં રસ લેનારા લોકો પણ હવે ધીમે ધીમે આ લોકને વિદાય કરવા માંડેલા.

એક દિવસ સવારના દિવસ ચડ્યો હતો એવા ટાણે મંજુલા કાકી કમરેથી ઝૂકીને ધીમે ધીમે ચાલતા ચાલતા પહોંચ્યા સરપંચના ઘરે. ‘મારા ઘરે ચોરી થઇ ગઈ છે.’ મંજુલા કાકીએ ધ્રુજતા અવાજમાં કહ્યું.

‘શું ચોરાયું કાકી?’ સરપંચે તેમને ઓસરીમાં ખુરસી પર બેસાડતા પૂછ્યું.

‘મારો સોનાનો દોરો કોઈ ચોરી ગયું.’ મંજુલા કાકીએ પોતાના ખાલી ગળા પર હાથ ફેરવીને બતાવ્યું. ચામડીમાં કરચલી આવી ગઈ હતી અને આ ઉંમરે આંખો પણ ઓછું દેખતી હતી.

‘ઘરમાં જ ક્યાંક મૂકી દીધો હશે કાકી તમે. થોડું ગોતશો તો મળી જશે. હું રંભાને મોકલીશ બપોર પછી તમારા ઘરે. એ તમને દોરો શોધી આપશે જો ઘરમાં ક્યાંક હશે તો.’ સરપંચ પણ મંજુલા કાકીને ઓળખતા અને ઉંમરને કારણે ચીજ ક્યાંક આડાઅવળી મૂકી દીધી હોય તો ચોરીની ફરિયાદમાં ક્યાં પડવું તેવું વિચારીને તેણે પોતાની પુત્રી રંભાના જવાનું સૂચન કર્યું.

‘ના ના પરેશ. કાલે તો મારા ગળામાં જ હતો. મને પાક્કી ખાતરી છે કે એ ચોરાઈ ગયો છે. તમે પંચ બેસાડો એને ચોરને શોધો.’ મંજુલા કાકીએ જીદ પકડી. કાકીના દોરા ખાતર નહિ તો તેને આ ઉંમરે ના કેમ પાડવી તે ન સમજાતા સરપંચે કહ્યું કે તે સાંજે પાદરમાં પંચ બોલાવશે. મંજુલા કાકી રાજી થતા ધીમે ધીમે પોતાના ઘર તરફ રવાના થયા.

‘હું રંભાને મોકલીશ તમને લેવા માટે સાંજે. એના ભેગા આવી જજો પાદરે પંચ પાસે.’ સરપંચે મંજુલા કાકીને અવાજ દીધો.

બપોરે ભોજનના સમયે સરપંચે દીકરી રંભાને કહ્યું કે તે બપોર પછી મંજુલા કાકીના ઘરે જઈ આવે. તેનો સોનાનો દોરો મળતો નથી તે શોધી આપે અને ફોન કરીને જણાવે એટલે પંચ બોલાવવાની જરૂર ન પડે. ‘કાકીની યાદશક્તિ હવે નબળી પડી ગઈ છે અને આંખે પણ બહુ દેખાતું નથી એટલે તું શોધીશ તો મળી જશે.’ પરેશભાઈએ કહ્યું.

‘હું જઈ આવીશ. બીજું કઈ કામ હશે ઘરમાં તો એ પણ જોઈ લઈશ.’ રંભાએ કહ્યું.

ચારેક વાગ્યે રંભા મંજુલા કાકીના ઘરે પહોંચી. ‘કાકી તમારો દોરો ખોવાઈ ગયો તો?’

‘ના તો. મેં તો આ પહેર્યો જો ને. મારુ તો કઈ નથી ખોવાયું.’ મંજુલા કાકીએ પોતાના ગળા પર હાથ ફેરવી સોનાનો દોરો બતાવતા કહ્યું.

‘ઓહ હા, તમે તો પહેર્યો છે. મારી જ કઈંક ગેરસમજ થઇ હશે.’ રંભાએ મંજુલા કાકીને કહ્યું અને પછી પોતાના પિતાને ફોન કર્યો.

‘પપ્પા, એમણે તો દોરો પહેર્યો છે ગળામાં. લાગે છે ભૂલી ગયા હશે અને પછી મળી ગયો હશે તો પહેરી લીધો.’ રંભાએ પરેશભાઈને ફોન પર કહ્યું.

‘સારું થયું લે. પંચ બોલાવવાની મહેનત નહિ. નહીંતર આખું ગામ ભેગું કરવું પડત. આમ તો જો કે સાંજે ગ્રામ સમિતિની મિટિંગ છે એટલે બધાય સભ્યો તો મળવાના જ હતા પણ તેમાં વળી આ મુદ્દો ક્યાં ઉઠાવવો. તું થોડુંઘણું કઈ કામ હોય તો કરાવીને પાછી ઘરે આવી જજે.’ પરેશભાઈએ રંભાને કહીને ફોન મુક્યો.

સાંજે પરેશભાઈ ગ્રામ સમિતિની મિટિંગ માટે પંચાયત ઓફિસ ગયા. સમિતિના સભ્યો અને પંચાયતના કર્મચારીઓ પહેલાથી જ હાજર હતા. પાંચ-દશ ગ્રામવાસીઓ પણ હાજર હતા. ચા પાણીની તૈયારી થઇ હતી અને અધિકારીઓ કાગળ-ફાઈલ લઈને તૈયાર બેઠા હતા.

‘આવો સરપંચ સાહેબ.’ એક સભ્યએ તેમને આવકાર્યા પછી એકબીજાને રામરામ કરીને સૌ કામે વળગ્યા. ગ્રામ કલ્યાણના મુદ્દાઓ અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યાં દરવાજે ટકોર થઇ.

સૌએ ત્યાં નજર કરી. દરવાજે મંજુલા કાકી આવ્યા હતા. ધીમે ધીમે ચાલતા તેઓ ઓફિસમાં પ્રવેશ્યા.

‘અરે કાકી તમારો દોરો તો મળી ગયો ને? શા માટે ધક્કો ખાધો પછી તમે?’ સરપંચે ઉભા થઈને તેમને ટેકો આપતા કહ્યું.

‘દોરો? મારો દોરો તો ખોવાયો જ નો’તો. મારે તો બંગળીની ફરિયાદ કરવી છે એટલે આવી છું.’ પોતાના જર્જરિત અવાજમાં બોલતા તે એક ખુરશી પર બેઠા.

‘હવે બંગળી ક્યારે ખોવાઈ ગઈ?’ સરપંચે લમણે હાથ દેતા પૂછ્યું.

‘ખોવાઈ નથી ગઈ. ચોરાઈ ગઈ છે. આજે એક છોકરી આવી ‘તી બપોરે મારે ઘેર. એ જ ચોરી ગઈ લાગે છે મને તો. નામ ભૂલી ગઈ એ છોકરીનું હું. પણ જોઇશ તો ઓળખી જઈશ.’ મંજુલા કાકીએ ગુસ્સો બતાવતા કહ્યું.

સરપંચે હોઠ પર આંગળી મૂકીને સભ્યોને શાંતિથી વાત સાંભળવા ઈશારો કર્યો. સભ્યોને મંજુલા કાકીની વાત પર હસવું તો આવતું હતું પણ સરપંચના ઇશારાને કારણે તેઓએ હાંસી દબાવી ગંભીર મુદ્રા બનાવી રાખી.

‘આપણે પકડી પાડીશું એ છોકરીને કાકી. તમે ચિંતા ન કરશો. દેખાવમાં કેવી હતી?’ સરપંચે મંજુલા કાકીની પાસે ખુરશી પર બેસતા પૂછ્યું.

‘રૂપાળી હતી.’

‘લખો ભાઈ, રૂપાળી હતી છોકરી.’ સરપંચે સભ્યોને કડક સૂચના આપવાનો ડોળ કર્યો. મંજુલા કાકીને ગમ્યું કે સૌ તવજ્જો દઈને તેની વાત સાંભળી રહ્યા હતા.

‘હા કાકી, લખ્યું. રૂપાળી છોકરી હતી. બીજું કઈ કહો છોકરી વિષે.’ એક સભ્યએ પૂછ્યું.

‘બહુ સારી હતી છોકરી. મારા માટે ખીચડી ને કઢી બનાવતી ગઈ.’

‘બરાબર. એ પણ લખી લીધું. ચોરાઈ ગઈ એ બંગળી કેવી હતી કાકી?’ બીજા સભ્યએ ગંભીર થઈને પૂછ્યું.

‘બંગળી ચોરાઈ ગઈ? એ તો મેં લોટના ડબ્બામાં મૂકી ‘તી. કોણ ચોરી ગયું?’ મંજુલા કાકીએ આશ્ચર્યથી પૂછ્યું.

‘ના ના કાકી. તમારી બંગળી નહિ. એ છોકરી તમારે ઘેર આવી ‘તી ને એની બંગળી આજે ચોરાઈ ગઈ છે એટલે એ ફરિયાદ કરવા આવી ‘તી અહીંયા. એની વાત કરે છે. તમે તો મંદિરે જતા ‘તા ને આરતી કરવા? મુકેશને મોકલું તમારા ભેગો ટેકો દેવા?’ સરપંચે વાત વાળતા કહ્યું.

‘ના ના, ભક્તિ તો પોતાની તેવડે જ કરાય દીકરા. હું ધીમે ધીમે હાલીને પહોંચી જઈશ. આ તો મને થયું કે તમને બધાંયને કે’તી જાવ કે કાલે મારે ઘેર સત નારાયણની કથા છે તો ટાણાસર આવી જજો.’ મંજુલા કાકી જોર લગાવીને ખુરશી પરથી ઉઠ્યા અને ધીમે ધીમે દરવાજા બહાર ચાલ્યા.

‘હા કાકી આવી જાશું બધાય કાલે કથામાં.’ સરપંચ અને બે-ચાર સભ્યોએ બહાર જઈ રહેલા મંજુલા કાકીને અવાજ દીધો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]