એક ક્ષણમાં મોટો પથ્થર સૌરભ-સુનૈના ની કાર પર ધસી આવ્યો અને…

‘તારા જન્મ દિવસ પર આપણે નૈનિતાલ ફરવા જઈશું.’ સુનૈનાએ સવારે તૈયાર થઈને ઓફિસ જવા નીકળી રહેલા તેના પતિ સૌરભને કહ્યું.

‘ઓહ, આઈ લાઇક્ડ ધ આઈડિયા. પણ તું સ્પોન્સર કરીશ?’ સૌરભે પોતાની ટાઈ સરખી કરતા સુનૈનાનો પ્રસ્તાવ તો સ્વીકાર કર્યો પરંતુ પોતાની આદત મુજબ તેને ચીડવવાનું ચુક્યો નહિ.

‘હા, હું સ્પોન્સર કરીશ. છાનોમાનો આજે રજા મૂકી દે ઓફિસમાં. પછી કહેતો નહિ કે કામ છે કે બીજું કોઈ રજા પર જાય છે તો તને નહિ મળે.’ સુનૈનાએ સૌરભના હાથમાં લંચબોક્સ પકડાવ્યું.

‘ઓકે ડાર્લિંગ.’ સૌરભ પોતાની બ્રીફકેસ અને લંચબોક્સ લઈને કારમાં બેઠો અને ગુડ બાઈ કરતા કહ્યું.

સૌરભ અને સુનૈના બંને ગુરુગ્રામમાં રહેતા હતા. બંનેની સારી નોકરી હતી પરંતુ કોર્પોરેટ ક્લચરનું પ્રેસર એટલું કે ચારેક વર્ષથી કોઈ વેકેશન લઇ શક્યા નહોતા. આ વર્ષે જાન્યુઆરીમાં સૌરભના બર્થડે પર નૈનિતાલ જવાનો પ્લાન સુનૈનાએ બનાવ્યો હતો. પોતે પણ આજે ઓફિસમાં રજા મુકવાની હતી.

બંનેનો દિવસ ઓફિસમાં વ્યસ્ત વીત્યો. રાત્રે નવેક વાગ્યે બંને ડીનર ટેબલ પર બેઠા હતા ત્યારે વાત શરુ થઇ.

‘રજા મળી તને?’ સુનૈનાએ પૂછ્યું.

‘હા, વિકેન્ડ મળીને ચાર દિવસની.’ સૌરભે પોતાનો વાંક નથી તેમ દર્શાવવા ખભા ઉછળતા કહ્યું.

‘ચાલ કઈ નહિ. ચાર દિવસ તો ચાર દિવસ. મને છ દિવસ મળી છે. પાછા આવીને મને એક દિવસ આરામ કરવા મળશે.’ સુનૈનાએ સ્થિતિને સકારાત્મક રંગ આપતા કહ્યું.

‘ગુડ. તો પ્લાન કરવાની જવાબદારી તારી.’ સૌરભે કહ્યું.

‘મને ખબર હતી. ચાલ તું પણ શું યાદ કરીશ. હું પ્લાન કરું છું તારા બર્થડેની ટ્રીપ.’ સુનૈનાએ આંખ મારતા સૌરભને ચિડાવ્યો.

જેમ જેમ બર્થડે નજીક આવતો ગયો તેમ તેમ સુનૈનાનો પ્લાન ઘડાતો ગયો.

જન્મદિવસના બે દિવસ પહેલા પ્લાન મુજબ સૌરભ અને સુનૈના પોતાની કારમાં બેઠા. ચાર દિવસના કપડાં અને બીજો સમાન ડિકીમાં મૂકી દીધો હતો. ગુરુગ્રામથી નૈનિતાલ લગભગ છ-સાત કલાકનો રસ્તો હતો. સુનૈનાનો પ્લાન હતો કે ડ્રાઇવિંગ ટ્રીપ કરવી. વહેલી સવારે નીકળીને રસ્તામાં બ્રેકફાસ્ટ કરવો અને બપોર પછીના સમય સુધીમાં નૈનિતાલ પહોંચી જવું. ત્યાં ચાર દિવસ દરમિયાન એડવેન્ચર સ્પોર્ટ્સ કરવા, નૈનિતાલ લેકમાં બોટિંગ કરવું, મોલ રોડ પર શોપિંગ કરતા ફરવું અને એવી બીજી કેટલીય પ્રવૃતિઓના પ્લાન સુનૈનાએ તૈયાર કરેલા.

ગુરુગ્રામથી નીકળ્યા ત્યારથી મુરાદાબાદ સુધીની મુસાફરી સરસ રીતે ચાલી. રસ્તામાં એકવાર બ્રેકફાસ્ટ કરવા રોકાયા અને પછી નવા બનેલા હાઇવે ઉપર તેમની ગાડી ફરીથી દોડવા લાગી. સરસ મજાના હિન્દી ફિલ્મી ગીતો અને પતિ-પત્નીની જૂનો સમય યાદ કરતી વાતોએ માહોલ જમાવ્યો હતો. બંનેને ઘણા સમય પછી આવું વેકેશન કરવાની તક મળી હતી એટલે તેમનો ઉત્સાહ શમતો નહોતો. મુરાદાબાદ પછી માર્ગ પર ટ્રાફિક શરુ થઇ એટલે કાલાધૂંગી પહોંચવામાં ધાર્યા કરતા વધારે સમય ગયો પરંતુ તેમણે તે મુસાફરી પણ એન્જોય કરી.

કાલાધૂંગી પછી વરસાદ ચાલુ થયો અને રસ્તામાં ટ્રાફિક વધવા લાગ્યો. થોડીવાર થઇ તો વીજળી ચમકવા લાગી અને રસ્તા પરની ગાડીઓ દોડવાને બદલે ચાલવા લાગી. સમય જતા વરસાદ વધતો ગયો, વીજળીના ચમકારા વધ્યા અને અંધારું થવા લાગ્યું. ગાડીઓ હવે માંડ માંડ આગળ વધી રહી હતી એટલો ટ્રાફિક થઇ ગયો હતો.

‘યાર આજે જ વરસાદ આવવો હતો. આમ તો મોડું થઇ જશે આપણને પહોંચવામાં.’ સૌરભે હતોત્સાહ થતા કહ્યું.

‘થોડીવારમાં રોડ ક્લીઅર થઇ જશે. વરસાદને કારણે ટ્રાફિક થયો છે.’ સુનૈનાએ સકારાત્મકતા બતાવી.

વીસેક મિનિટ થઇ પછી તો બધી ગાડીઓ લગભગ પોતાની જગ્યાએ જ થોભી ગઈ. સમાચાર વહેતા થયા કે આગળ લેન્ડસ્લાઇડ થઇ છે અને રસ્તો બ્લોક થઇ ગયો છે. પરિસ્થિતિ એવી થઇ કે ન તો આગળ જઈ શકાય કે ન તો પાછા ફરી શકાય. ગાડી વચ્ચે જ ફસાઈ હતી. અંધારું વધતું ગયું, સમય વીતતો ગયો પંરતુ ટ્રાફિક ક્લીઅર થવાના કોઈ સંકેત દેખાતા નહોતા.

સૌરભનો મૂડ ખરાબ થવા લાગ્યો અને સુનૈનાના મનમાં નિરાશા વધવા લાગી. હવે તેઓ બંને સમજી ચુક્યા હતા કે તે સ્થિતિમાંથી બહાર નીકળવામાં ઘણો સમય લાગી જશે.

સાંજના સાત વાગી ગયા. લગભગ બારેક કલાક કારમાં બેસીને સૌરભ અને સુનૈના બંને થાકી ગયા હતા. એકાદવાર તો સુનૈનાને પોતાના પ્લાન પર ગુસ્સો પણ આવ્યો. પરંતુ થોડીવાર પછી માર્ગ ખુલ્યો અને ગાડીઓ હળવે હળવે ચાલવા લાગી એટલે બંનેના મનમાં રાહત થઇ.

‘હાશ, હવે માર્ગ ખુલ્યો લાગે છે. થોડીવારમાં ટ્રાફિક પણ હળવો થઇ જશે.’ સૌરભે કહ્યું.

‘આઈ હોપ સો. જલ્દી હોટેલ પહોંચીએ એટલે શાંતિ થાય.’ હવે સુનૈના કોઈ પોઝિટિવિટી બતાવવા માંગતી નહોતી.

લગભગ એકાદ કલાક ગાડી ધીમે ધીમે આગળ ચાલી અને નૈનિતાલ પહોંચવામાં લગભગ અડધો કલાક વધારે ડ્રાઈવ કરવું પડે તેટલા નજીક તેઓ પહોંચી ગયા હતા કે અચાનક જ ફરીથી વીજળી સાથે વરસાદ શરુ થયો. આ વખતે પહાડની ભયંકરતા ડરામણી હતી. ધોધમાર વરસાદ, મોટામોટા વીજળીના ચમકારા અને વાદળની ગર્જના વચ્ચે ધડામ ધડામ કરતા પહાડના પથ્થરો અને માટી ધસી આવ્યા અને તેમાં સૌરભ તથા સુનૈનાની નજર સામે જ તેમની આગળની ત્રણ ગાડીઓ દબાઈ ગઈ.

‘ઓહ ગોડ, આ શું થઇ રહ્યું છે?’ સુનૈનાના અવાજમાં અને આંખોમાં ડર હતો. તેણે સૌરભ સામે જોયું. તે પણ ભયભીત હતો.

એકાદ ક્ષણમાં એક મોટો પથ્થર તેમની ગાડીના બોનેટ પર ધસી આવ્યો અને તેની પાછળ પાછળ માટીનો મોટો જથ્થો. કાંચ તૂટ્યો માટી અને પથ્થરો ગાડીમાં ભરાયા.

‘સૌરભ…’

‘સુનૈના…’

બંનેની આંખોમાં અંધારું છવાઈ ગયું.

ત્રણ દિવસ પછી સૌરભની આંખ હોસ્પિટલના બેડમાં ખુલી. પાસેના બેડમાંથી સુનૈનાનો અવાજ આવ્યો, ‘હેપ્પી બર્થડે ડાર્લિંગ.’

સૌરભે હળવેથી માથું ફેરવ્યું. સુનૈનાના શરીર પર પાટા બાંધેલા હતા. તેણે જોયું કે પોતાના શરીર પર પણ કેટલાય પાટા હતા.

‘થેન્ક યુ. ભગવાનની દયા છે કે આ બર્થડે આપણી આંખ ખુલ્લી છે અને શ્વાસ ચાલે છે. મને તો એમ કે…’ સૌરભની આંખમાં પાણી આવી ગયા.

‘હા, જીવતા હોવાની ખુશીથી મોટું બર્થડે સેલિબ્રેશન બીજું શું હોઈ શકે? અને બાઈ ધ વે આપણે નૈનીતાલની હોસ્પિટલમાં જ છીએ.’ સુનૈનાએ ભીની આંખે સૌરભની વાત સાથે સહમત થતા કહ્યું અને તેની આગવી છટામાં આંખ મારી.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)