હરીશે એકવાર સેઢામાં બકરી ચરાવતી ધનુડીને જોઈ અને…

પ્રેમના તણખા ઝરે એટલે આખા ગામમાં ઝબકારા થાય. એમાંય જો ગામ નાનું હોય તો તો તરત જ પ્રકાશની સાથે સાથે ધ્વનિ પણ ફેલાય. આવું જ સાબરમતી કિનારે એક નાનકડા ગામમાં થઇ રહ્યું હતું. ઓગણીસ વર્ષની યુવતી અને બાવીસ વર્ષનો યુવક ગામના ઘરડાંઓની નજરમાં અને વાતોમાં આવી ગયા હતા. એકવાર ચોરે બેસતાં લોકો પાસે વિષયનું છેદન શરુ થાય ત્યાર પછી તો તેના કોષો અને અંગીકાઓ સુધી વિશ્વેષણ થઈને રહે. તેવું જ ગામના ભરવાડની દીકરી ધનુડી અને પુજારીના દીકરા હરીશ માટે થઇ રહ્યું હતું.

હરીશ ગામના શિવાલયના પૂજારી ભાનુશંકરનો એકનો એક પુત્ર હતો અને ભોળાનાથની દયાથી આ બ્રાહ્મણ ભિક્ષા માંગીને ગુજરાન ચલાવનાર નહિ પરંતુ નાણાં ધીરનાર હતો, સારી એવી જમીન અને પશુધનનો માલિક હતો એટલે ગામમાં ધાક અને રુઆબ રહેતો. તેનો પુત્ર હરીશ પણ ઊંચો, દેખાવડો અને મીઠાબોલો એટલે સૌને ગમે. ટૂંકમાં ગામ આંખમાં એમનું માનપાન ખુબ સારું.

ધનુડી ગામને છેવાડે રહેતા છગના ભરવાડની દીકરી. ઢોર ચરાવી ચરાવીને રંગ શામળો થઇ ગયેલો પણ ખેતરો અને કોતરોમાં ભટકીને બાંધો ખુબ સારો ઘડાયો હતો. તેમાંયે હવે તો જુવાની આવી એટલે જાણે કોઈ અપ્સરાનું શામળા રંગનું માટીનું પૂતળું હોય તેવી લાગે. માટીમાં ભટકવાને કારણે અને ગરીબીને કારણે કપડાં મેલા અને જુના હોય, વાળ વિખરાયેલા હોય એટલે હજી સુધી તો તેના ઘરના લોકોનેય વહેમ નહોતો આવ્યો કે ધનુડી હવે જુવાન થઇ ગઈ છે. હમણાં જ તો તેની બે મોટી બહેનોને પરણાવવા છગનાએ બે ભેંસો વેંચી દીધી હતી. હવે ત્રીજી દીકરી પણ લગનના ટાણે પહોંચી ગઈ છે તે વાત તેના મનમાં પેશવામાં કદાચ વાર હતી.

પરંતુ બાપનું અને ગામના બીજા લોકોનું ધ્યાન ધનુડી ઉપર પડે તેની પહેલા હરીશે એકવાર ગામના ખેતરોના સેઢામાં બકરી ચરાવતી ધનુડીને દૂરથી જોઈ. ત્રીસેક હાથનો ફાંસલો ખરો એટલે ચેહરો તો સ્પષ્ટ ન દેખાયો પરંતુ હવાને કારણે એક દિશામાં ઉડી રહેલ તેનો ઘાઘરો બંને પગ વચ્ચે ભરાઈ રહ્યો હતો અને તેનાથી એક તરફથી જોતા ધનુડીની પીઠ, નિતંબ અને કસાયેલા લાંબા પગ વાળી કાયાની કામુકતા હરીશની નજરોમાં ચોંટી ગઈ. જેમ જેમ હરીશનું બાઈક ધનુડીની નજીક પહોંચતું ગયું તેમ તેમ આ રૂપ અને યુવાનીનો સમન્વય હરીશને વધારે આકર્ષતો ગયો. તેની નજીક પહોંચીને તો હરીશ થોભી જ ગયો અને તે યુવતીને માથાથી પગ સુધી જોઈ રહ્યો. બીજી તરફ લાંબા ચેહરા અને મજબૂત બાંધો ધરાવતા રૂપાળા હરીશને જોઈને ધનુડીની આંખો પણ થીજી ગઈ. એકમેકને પહેલી જ નજરે પસંદ કરી બેઠેલા આ બે જુવાનિયાઓ વચ્ચે આંખોથી સંવેદનાઓની આપ લે થઇ અને થોડા દિવસોમાં તો તેઓ ગામની સીમના છેવાડે જંગલોમાં મળતાં થઇ ગયા.

જુવાનીનું જોશ અને દેહાકર્ષણ થોડા સમયમાં લાગણીના બંધનમાં બદલાતું ગયું અને ધીમે ધીમે તેઓને એકબીજાની આદત પડવા લાગી. થોડા મહિના જતાં તેમને સમજાયું કે અહીં કૃષ્ણ અને રાધા જેવો પ્રેમ શક્ય નથી કે જેમાં કાનુડો અને રાધા બંને અલગ અલગ લોકોને પરણે. અહીં તો જીવનભર સાથે રહેવાના અભરખા હતા અને તેના વિના બીજો કોઈ ઉપાય દેખાતો નહોતો.

‘મને તારા જેવું કોઈ નહિ મળે હો ધનુડી.’ એકવખત હરીશે વડલાની છાયામાં બેઠા બેઠા કહેલું.

‘મારે તો તારા સિવાય કોઈ જોઈએ જ નહિ. તું નહિ મળે તો આખો ભવ કુંવારો કાઢીશ.’ ધનુડીની આંખો ભરાઈ આવેલી.

આવા કોલ તેઓએ એકમેકને કેટલીયવાર પંખીડાઓની સાક્ષીએ દીધેલા.

પરંતુ આ વાત બંને પ્રેમીઓની વચ્ચે થઇ ત્યાં સુધીમાં તો ગામમાં ફેલાઈ ચુકી હતી. ભરવાડોમાં એક ગુસપુસ શરુ થઇ ગઈ હતી કે આ બ્રાહ્મણનો દીકરો આપણી દીકરીને બગાડી રહ્યો છે અને કોઈએ આવીને ભાનુશંકરને પણ કહ્યું કે આ ભરવાડોને હવે નાતજાતના ભેદ ભુલાઈ ગયા લાગે છે એટલે જ તો ભુદેવની પડખે આવીને ઉભા રહેવા માંગે છે.

બંનેના ઘરમાં કોયલો સળગી ગયો હતો અને તેમાં ધીમે ધીમે પવન ફૂંકનારા લોકો વધી રહ્યા હતા. એકદિવસ રોંઢે છગનો સીમમાં નીકળ્યો હતો ત્યાં તેની નજર વડલાની છાયામાં બેઠેલા ધનુડી અને હરીશ પર પડી. બેઉ એકબીજાનો હાથ હાથમાં લઈને બેઠા હતા. સુરજના ધખધખતા તાપમાં પણ તેમનો શીતળ પ્રેમ પાંગરી રહ્યો હતો. એકવાર તો તેમને જોઈને છગનની આંખોને ટાઢક વળી પણ તરત જ તેની અંદર રહેલો ભરવાડ પિતા જાગી ઉઠ્યો અને ધુંઆપુંઆ થઈને તે વડલા નીચે આવી પહોંચ્યો. તેને જોતા જ બંને યુવાનો ડઘાઈ ગયા. છગનાએ ધનુડીની બાહ પકડીને ખેંચીને ઉભી કરી અને હરીશ પણ હાથના ટેકે ઉભો થઈને થોડો ગયો. ત્રણેય જણા થર થર કાંપતા હતા. બેઉ જુવાનિયાઓ ડરથી અને છગનો ક્રોધથી. થોડીવાર ત્રણેય એમ જ ઉભા રહ્યા. કોઈ કંઈજ બોલ્યું નહિ. હરીશ નીચું મોઢું કરીને બાઈક લઈને ચાલી નીકળ્યો અને છગનો ધનુડીને ધક્કા મારતો ઘર તરફ નીકળ્યો.

સાંજે ભાનુશંકરના ઘરે ભીડ એક્ઠી થઇ હતી. છગનો અને બીજા ભરવાડો હાથમાં ડાંગ અને કુહાડીઓ લઈને ઉભા હતા. અમુક લોકો ભાનુશંકર તરફ જઈને ઉભા હતા. ગામના બીજા લોકો જોવા ઉમટ્યા હતા.

‘તમે લોકો શું સમજો છો તમારી જાતને? ગામના ગોર થઇ ગયા તો શું અમારી બહેન દીકરીઓ ઉપર ખરાબ નજર નાખશો? છગનાએ કહ્યું.

‘અરે રે’વા દે. ભુદેવની પડખે આવીને તારી દીકરી ઉભી રહી તેમાં તેને લાજ ન આવી? હવે અમારી બરાબરી કરતા થશો તમે?’ ભાનુશંકરે પણ એવા જ રૂઆબથી જવાબ વાળ્યો.

બંને તરફથી પોતપોતાના પક્ષની સંમતિમાં કળકળાટ થયો.

‘મને કાચો પોચો ન જાણજો માં’રાજ. ભલે બ્રહ્મહત્યા લાગે પણ હું દીકરીની આબરૂ નહિ જવા દઉં, ચેતી જાજો.’ છગનાએ મૂછોએ તાવ દેતા કહ્યું.

‘અરે પરશુરામના વંશજ છીએ. અમનેય હથિયાર ઉપાડતા આવડે છે હો, ભૂલતો નહિ.’ ભાનુશંકરે સામી ધમકી આપી.

‘જોઉં છું હવે જો તમારો દીકરો મારી દીકરીની બાજુમાં દેખાયો છે તો મારાથી ખરાબ બીજું કોઈ નહિ થાય.’ છગનાએ છેલ્લી ચેતવણી આપીને તેની ટોળી હાલતી થઇ.

‘જોયા હવે તારા જેવા. મારો દીકરો તો તારી છોકરી સામું થુંકેય નહિ ને.’ કહેતા ભાનુશંકર પણ ઘરમાં પ્રવેશ્યા.

વાત ગંભીર બની ચુકી હતી. ગામમાં નાત અને આબરૂથી મોટું કઈ નહોતું. બંને પક્ષે ચડસા ચડસી થઇ ચુકી હતી. કોઈ એકબીજાને નમતું જોખે તેમ નહોતું. ધીમે ધીમે ગામના લોકો પોતપોતાના ઘરે રવાના થયા.

ચાર દિવસ પછી આખું ગામ ફરીથી એકઠું થયું હતું. ફરીથી એક તરફ ભાનુશંકર પક્ષના લોકો ઉભા હતા અને બીજી તરફ છગનાના.

બંનેના પિતાએ ઉચ્ચારેલી ધમકીઓ વિરુદ્ધ પણ ધનુડી અને હરીશે એકબીજાનો હાથ પકડેલો હતો. તેમના શરીર એકબીજાને સ્પર્શી રહ્યા હતા. હવે કોઈ તેમને રોકી શકે તેમ નહોતું. બે મૃતદેહો વડલા પરથી લટકતા દોરડે ગળે ફાંસો ખાઈને એકબીજાની નજીક ઝૂલતા હતા. તેમના હાથ એકબીજાના હાથમાં પરોવાયેલા હતા.

 

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]