‘શું?’ સમીરે લમણે હાથ દેતા કહ્યું…

સમીર સવારે ઊઠ્યો તો તેને લાગ્યું કે આજે તો બહુ અજવાળું થઇ ગયું. સૂરજ વહેલો નીકળ્યો કે શુંઓશિકા પાસેથી મોબાઈલ ઉઠાવ્યો અને સ્ક્રીન અનલોક કરવા ગયો તો ખબર પડી કે મોબાઈલ તો સ્વીચ ઑફ થઇ ગયો છે. સમીર ડર્યો. તેને લાગ્યું કે જરૂર મોડું થયું લાગે છે. એલાર્મ તો વાગ્યું જ નહિ.

કામિની, કેટલા વાગ્યા?’ કહેતો સમીર જલ્દી પલંગ પરથી ઊતરીને બાથરૂમ તરફ ભાગ્યો.

નવ ને પાંચ.‘ તેની પત્ની કામિનીએ રસોડામાંથી અવાજ દીધો.

શુંતારું મગજ તો ઠેકાણે છે નેઆજે દસ વાગ્યે તો મારે મિટિંગ છે.‘ સમીરનું મગજ છટક્યું.

હું શું કરું, સમીરતું તો રોજ એલાર્મ લગાવીને સૂતો હોય છે તો મને લાગ્યું કે આજે તારે થોડું આરામથી જવાનું હશે.

શું આરામથી જવાનું હશેતારાથી મને ઉઠાડાય નહિ?….’ સમીર બાથરૂમમાંથી કચ કચ કરતો રહ્યો અને તેનો મગજ વધારે ને વધારે બેકાબૂ બનતો ગયો.

સોરી સમીર. મને ખરેખર જ ખબર નહોતી. હવે શાંત થઇ જા અને જલ્દી તૈયાર થા.‘ કામિનીએ કોશિશ કરી પણ તેને ખબર હતી કે હવે સમીરનો પારો નીચો આવશે નહીં.

જેમ તેમ કરીને જલ્દી જલ્દી તૈયાર થતાં પણ સમીરને સાડા નવ વાગી ગયા.

હવે ઓફિસ પહોંચતા સવા દસ વાગી જશે. ટ્રાફિક નહિ મળે તો પણ દસને પાંચ તો ખરી જ. દસ વાગ્યાની મિટિંગમાં પાંચ મિનિટ વહેલા પહોંચવાને બદલે મોડા પહોંચીએ એટલે બોસ પર કેવી છાપ પડેતને કંઈ સમજાતુ જ નથી….‘ ઉતાવળે બડબડ કરતા તે લિફ્ટમાં ઘુસ્યો. જેવો લિફ્ટનો દરવાજો બંધ થયો કે તેને યાદ આવ્યું કે ગાડીની ચાવી તો લીધી જ નથી! પરંતુ ત્યાં સુધીમાં લિફ્ટ ચાલુ થઇ ગયેલી. નીચે જઇને જેમ તેમ ભાગીને પાછો ઉપર આવ્યો અને ચાવી લઈને પાર્કિંગમાં ગયો તેમાં પાંચેક મિનિટ વધારે બગડી.

આજે બોસે તેને ખાસ કહેલું કે સમયસર આવી જાય. મિટિંગ મોટા ક્લાયન્ટ સાથે હતી. તેની સામે ખરાબ ઇમ્પ્રેશન પડશે તો સારું નહિ લાગે. તેનું પ્રમોશન થવાનો સમય હતો અને તેમાં જો આવી ખરાબ છાપ બોસ પર પડશે તો કેવું લાગશે?…

રસ્તામાં પણ તે સતત આવા વિચારો કરતો રહ્યો. તેણે એક્સીલરેટર પર પગ વડે પ્રેશર વધાર્યું તેમાં એક ટ્રાફિક સિગ્નલ પણ તોડ્યું. કેમેય કરીને ઝડપથી ઓફિસની નજીક પહોંચવા આવ્યો ત્યાં એક રિક્ષાવાળો અચાનક વળાંક લઈ તેની કારની આગળ આવી ગયો. પીં-પીં કરતા હોર્ન ફૂંકી ફૂંકીને સમીરે રિક્ષાની સાઈડ કાપી અને પેસેન્જર સાઈડનો કાચ નીચો કરીને બે-ચાર ગાળો ભાંડી. રિક્ષાવાળો ચિડાયો એટલે તેણે ફરીથી કારની આગળ આવીને જાણી જોઈને પોતાની સ્પીડ ઘટાડી દીધી. સમીર તેની આગળ નીકળવાનો પ્રયત્ન કરે, પણ રિક્ષા તેને જરાય સાઈડ ન આપે. હાથ હોર્ન પર દબાયેલો રાખીને સમીરે મોઢામાંથી બેફામ ગાળોનો વરસાદ વરસાવ્યો. રિક્ષાવાળો પણ અરીસામાંથી પાછળ જોઇને સામે ગાળો દીધા કરતો હતો.

આ ચડસાચડસીમાં રિક્ષાવાળાએ તેને છેક તેની ઓફિસની નજીકના ચોક સુધી સાઈડ ન આપી. જેવો ચોક આવ્યો કે સમીરે કાવુ મારીને તેની કાર રિક્ષાની આગળ રાખી દીધી. રિક્ષાએ ચિઊંનનન્ન કરતી બ્રેક મારી અને કારમાં અથડાતા માંડ બચ્યો.

કેમ સાલાતારા બાપનો રોડ છેઆખો રસ્તો રોકીને ચાલે છે?’ સમીર કારમાંથી ઉતર્યો અને રિક્ષાવાળાનો કોલર પકડાતા બોલ્યો. કદાવર અને મોટી મૂંછો ધરાવતો રિક્ષા ડ્રાઇવર પાન થૂંકતા બહાર આવ્યો અને તેણે પણ સમીરનો કાંઠલો પકડ્યોઃ તો તારા બાપનો રોડ છેપહેલા ગાળ કેમ દીધી?’

બંને વચ્ચે મારામારી થઇ જ જાત, પણ આસપાસના અંતરાયેલા વાહનોમાંથી કેટલાક લોકોએ બહાર આવીને બંનેને છૂટા પાડ્યા. ‘ભાઈ, જવા દો ને સવાર સવારમાં. તમે બેય તો અમને પણ મોડું કરાવશો. અમારે કામધંધે જવાનું છે.મોડું કરાવશો’ એમ સાંભળતા જ સમીરને યાદ આવ્યું કે મોડું તો તેને પણ થાય છે. ઘડિયાળમાં નજર નાખી તો સાડા દસ થવા આવ્યા હતા. બડબડ કરતો તે ફરી ગાડીમાં બેઠો અને ક્યાંય રોકાયા વિના ઓફિસની પાર્કિંગમાં પ્રવેશ્યો.

ઓફિસ પહોંચ્યો ત્યાં સુધીમાં પોણા અગિયાર થઇ ગયેલા. લિફ્ટમાં તેણે વિચાર્યું, ‘હવે તો મિટિંગ ગઈ. જો કામિનીએ સમયસર ઉઠાડી દીધો હોત તો સારું થાત. એ રીક્ષાવાળો તો એકદમ જાહિલ જેવો હતો. તેને કારણે જ વધારે મોડું થયું.તેના ફ્લોર પર લિફ્ટ પહોંચી અને તે ઓફિસમાં પ્રવેશ્યો કે તરત જ રિસેપ્શનિસ્ટ બોલી. ‘મિટિંગ પોસ્ટપોન થઈને સાડા દસ વાગ્યાની થઇ ગયેલી તો ય તમે ન પહોંચ્યા…

શું?’ સમીરે લમણે હાથ દેતા કહ્યું. તેને કામિની સાથે કરેલી બીનજરૂરી કચકચ અને રિક્ષાવાળા સાથે કરેલી નકામી માથાકૂટ યાદ આવી ગઇ.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)