અને પાર્વતીના હાથમાંથી ફોન સરકી પડ્યો…

મગનભાઈની એક કેમિકલ ફેક્ટરીમાં નોકરી. આ કંપનીમાં નોકરી કરતા લોકોથી આખું શહેર વસેલું હતું, જેમાં અલગ અલગ પ્રદેશોથી આવેલા લોકોનો સમાવેશ થતો હતો. ગુજરાતી ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ અને કેરલાના લોકો પણ ત્યાં રહે. સૌની સાથે રહીને મગનભાઈ અને તેમની પત્ની વિભાના વિચારો મોકળા બનેલા. તેમણે વિચાર કરેલો કે આપણે તો એક જ સંતાન કરીશું. પહેલી પુત્રી આવી ત્યારે તેમણે આ વિચારને નિર્ણય બનાવી લીધો.

મગનભાઈ અને વિભાબહેનની આ એકની એક પુત્રી પાર્વતી ભણવામાં હોશિયાર. કોલેજ કરવા અમેરિકા ચાલી ગઈ અને ત્યાર પછી નોકરી માટે બેંગ્લોર રહેવા લાગી. મમ્મી-પપ્પા ઓપન માઇન્ડેડ એટલે તેમણે પાર્વતીને કહી રાખેલું કે જો તને કોઈ છોકરો પસંદ આવે તો કહેજે અમે ઘર-પરિવાર જોઈને લગ્ન કરાવી આપીશું. નહીંતર અમે તો દિવાળી પછી વાત ચલાવવાનું શરુ કરીશું.

‘હા, પપ્પા, તમને ઠીક લાગે તેમ. હજુ મારા ધ્યાનમાં કોઈ નથી.’ પાર્વતીએ કહેલું.

છએક મહિના બાદ મગનભાઇના એક સહકર્મચારી તરફથી વાત આવી. છોકરો બેંગ્લોરમાં જ એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. ઉંમરમાં પણ બહુ ફરક નહિ. ભણેલો ગણેલો સેટલ થયેલો છોકરો ધ્યાનમાં આવ્યો એટલો મગનભાઈ અને વિભાબહેને પાર્વતીને ફોન પર વાત કરી. પાર્વતીને મળવામાં કોઈ વાંધો નહોતો. બંને પરિવાર વચ્ચે વાતચીત ચાલી. છોકરા-છોકરીએ એકબીજાને બેંગ્લોરમાં જ જોઈ-સમજી લીધા. તેમના તરફથી પણ સંમતિ આવી એટલે વાત આગળ વધી. સારું મુહૂર્ત જોઈને લગ્ન પણ થઇ ગયા.

લગ્નના એકાદ વર્ષ પછી પાર્વતી અને તેનો પતિ મહેશ સારી ઓફર મળતાં અમેરિકા શિફ્ટ થઇ ગયા. વરસે દહાડે એકાદવાર તેમનું આવવાનું થાય ત્યારે બંનેના પરિવાર સાથે સારો એવો સમય વીતાવવાનો પ્રયત્ન કરે. મહેશના માતા-પિતા નિવૃત્તિબાદ પોતાના પ્રદેશ જતા રહ્યા અને ત્યાં સ્થાયી થયા. જેમ જેમ તેમની સાથે કામ કરતા લોકો નિવૃત્ત થતા ગયા અને પોતપોતાના વિસ્તારોમાં સ્થળાંતરિત થતા ગયા તેમ તેમ આ દંપતીનો એકલાપો વધતો ગયો.

એક દિવસ પાર્વતીને સમાચાર મળ્યા કે તેના પિતાને કોરોના થયો છે અને તેમણે ઘરમાં ક્વોરેન્ટાઇન કરવું પડ્યું છે. તેને ચિંતા થઇ કે ક્યાંક મમ્મીને પણ ચેપ ન લાગે. પરંતુ કમનસીએ એવું જ થયું. ચાર દિવસ પછી વિભાબહેન પણ કોરોનાગ્રસ્ત બન્યા. તબિયત બગડતાં બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

પાર્વતી જલ્દી ટિકિટ કરાવીને ઘરે આવવા નીકળી. ઘરે તો આવી ગઈ પરંતુ તેને સરકારી નિયમો અનુસાર ઘરમાં ક્વોરેન્ટાઇન કરવું પડ્યું એટલે હોસ્પિટલ જઈ શકી નહીં. પાંચ દિવસ પછી માતા-પિતા બંનેનું મૃત્યુ થયાના સમાચાર હોસ્પિટલમાંથી મળ્યા. કેમેય કરીને પોતાના માતા-પિતાનું મોં જોઈ શકાય અને તેને અગ્નિસંસ્કાર આપી શકાય તેવા પ્રયત્નો કર્યા. પરંતુ હોસ્પિટલે માત્ર કાચની બારીમાંથી જ એક રૂમમાં રાખેલા ચાર મૃતદેહો બતાવ્યા જેમાં બે તેના મમ્મી-પપ્પાના હતા. ન મૃતદેહ મળ્યો કે ન તેમની અંતિમવિધિ કરવા મળી. કોરોનાને કારણે આવું તો કેટલાય લોકો સાથે થઇ રહ્યું છે તેવું વિચારીને તેણે મન મનાવ્યું.

અમેરિકા જતા પહેલા હવે મમ્મી-પપ્પાના બેન્ક એકાઉન્ટ વગેરે બધું સેટલ કરીને જ જવું સારું એવું વિચારી તેણે ઘરમાં રાખેલી કાગળ-ચોપડીઓ ચકાસી. બેંકમાં જઈને એકાઉન્ટ બંધ કરાવ્યું. તેના પપ્પાએ શહેરથી થોડે દૂર એક સરસ ફાર્મ હાઉસ લઇ રાખેલું અને નિવૃત્તિ પછી ત્યાં રહેવાનો પ્લાન કરેલો. બીજા દિવસે પપ્પાની કાર લઈને ફાર્મ હાઉસ ગઈ તો જોયું કે ત્યાં તો પહેલાથી જ કોઈ રહેતું હતું.

‘આ ફાર્મહાઉસ તો અમે ખરીદી લીધું છે. આ જૂઓ, દસ્તાવેજ પણ છે અમારી પાસે.’ આ જવાબ પાર્વતીને સંતોષકારક ન લાગ્યો. પપ્પાએ ફાર્મ હાઉસ વેચી નાખ્યું હોય તો તેને જણાવે તો ખરા ને? ખાતરી કરવા તેણે પોતાની ક્લાસમેટ અને પડોસમાં રહેતી વિશ્વાને ફોન કર્યો અને બધી વિગત જણાવી.

‘પાર્વતી, મને તો એવી કાંઈ ખબર નથી કે તારા પપ્પાએ ફાર્મહાઉસ વેચ્યું હોય. પરંતુ તને ખબર છે આ કોરોના અને લોકડાઉનનો ફાયદો ઉઠાવીને કેટલાય લોકોએ ખાલી પડેલી મિલકતોનો ગેરકાયદે કબ્જો લઇ લીધો છે. જો તારા પપ્પાના ફાર્મ હાઉસનું પણ એવું જ થયું હશે તો તારે કોર્ટના ચક્કર કાપવા પડશે.’ તેની સખી વિશ્વાએ કહ્યું.

‘પણ આવા કપરા સમયમાં પણ લોકો એવું કરી શકે?’ પાર્વતીથી માંડમાંડ બોલાયું.

‘હા, આ તો માત્ર ‘ટીપ ઓફ આઇસબર્ગ’ છે. હજી તો બીજું ઘણુંય સામે આવવાનું બાકી છે. માણસ કેટલો નીચે પડી શકે તે તો સમય જ બતાવશે.’ વિશ્વાના અવાજમાં ભારોભાર ધૃણા ભરેલી હતી.

પાર્વતીથી વધારે કંઈ બોલાય કે સંભળાય તેવું નહોતું. તેના હાથમાંથી ફોન સરકી પડ્યો.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)