…એવો જગદીશભાઈને અંદાજ પણ ન હતો!

ગદીશભાઈને સિતેર પુરા થયા હતા અને હવે તેમની તબિયત લથડવા લાગી હતી. તેમની પુત્રી રમીલા અને જમાઈ વિક્રાંત છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે જ રહેવા આવી ગયા હતા.

‘હું સાથે રહું તો તમારું ધ્યાન રાખી શકું ને પપ્પા.’ રમીલા કહેતી.

‘તારા જેવી દીકરી ભગવાન સૌને આપે. મને તો જમાઈ નહિ જાણે દીકરો જ મળ્યો છે. તમે બંને મારા માટે આટલું વિચારીને, ચિંતા કરીને અહીં રહેવા આવ્યા તે બહુ મોટી વાત છે મારા માટે.’ જગદીશભાઈએ કહેલું જયારે રમીલા અને વિક્રાંત તેમના ઘરે રહેવા આવેલા. તેમની જમવા અને દવાની સંભાળ રમીલા રાખતી હોવાથી જગદીશભાઈને ઘણી રાહત થઇ ગઈ હતી.

રમીલાનો દીકરો પચીસ વર્ષનો હતો અને શહેરમાં નોકરી કરતો હતો. જગદીશભાઈનો પુત્ર, રમીલાનો ભાઈ, સરકારી નોકરીને કારણે અલગ અલગ સ્થળે બદલી થતી હોવાથી દૂર જ રહેતો. બે-ચાર મહિને પુત્રનો પરિવાર પણ જગદીશભાઈને મળવા આવે પરંતુ રોજ સાથે તો ન જ રહી શકે.

આમ તો જગદીશભાઈને અવારનવાર દવાખાને લઇ જવા પડતા પરંતુ તે સામાન્ય ચેક અપ હોતું. પરંતુ ત્રણ મહિના પહેલા તેમને દાખલ કરવા પડેલા અને ડોક્ટરે તેમને છ દિવસ પછી રજા આપી ત્યારે વધારે આરામ કરવાનું કહેલું. તેમની દવાઓમાં ત્રણ-ચાર ગોળીઓ પણ હતી જેનાથી જગદીશભાઈને ખુબ ઊંઘ આવતી. દિવસમાં પણ મોટાભાગે તેઓ ઊંઘમાં જ રહેતા. ધીમે ધીમે આ શિથિલતા તેમના શરીર અને મગજમાં બેસતી હોય તેવું લાગ્યું એટલે જગદીશભાઈએ એકવખત રમીલાને કહ્યું, ‘આ દવાથી મને વધારે ઊંઘ આવે છે અને આળસ પણ બહુ થાય છે. ડોક્ટરને કહીને તે બંધ કરાવી દઈએ.’

‘જે દવા આપી છે તે લેવાની જ છે પપ્પા. તેમાં જરાય ઢીલાશ ન કરશો. સાજા થવું છે ને તમારે જલ્દીથી?’ રમીલાએ તેમની એકેય વાત સાંભળી નહોતી. ક-મને પણ જગદીશભાઈ દવા લેતા રહ્યા.

એકદિવસ સવારે ઉઠીને જ્યાં તેઓ વર્ષોથી રાખતા તે ખાનામાં તેમને ચશ્મા ન મળ્યા એટલે તેમણે રમીલાને પૂછ્યું, ‘મારા ચશ્મા જોયા છે તે બેટા?’

રમીલા આવી અને તેણે જગદીશભાઈના હાથમાં ચશ્મા આપતા કહ્યું, ‘તમે કાલે રાત્રે ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધા હતા. ભૂલવા લાગ્યા છો હવે તમે.’

‘એમ? ના ના, એવું કેવી રીતે બની શકે? રાત્રે જમ્યા પછી તો મેં છાપું વાંચ્યું હતું.’ જગદીશભાઈએ કહ્યું.

‘એ મને નથી ખબર. ડાઇનિંગ ટેબલ પર પડ્યા હતા.’

બે-ત્રણ દિવસ પછી જગદીશભાઈએ સાંજે રમીલાને ચા આપવા કહ્યું ત્યારે રમીલા ચાનો કપ લઈને આવી અને બોલી, ‘હમણાં તો તમે ચા પીધી હતી એક કલાક પહેલા? ફરીથી ચા?’

‘ના ના. આજે તો મેં ચા પીધી જ નથી. શું વાત કરે છે તું.’

‘તમે ભૂલવા લાગ્યા છો હવે.’

જગદીશભાઈ અંદરથી ધ્રુજી ઉઠ્યા. શું થઇ રહ્યું છે મને. હું બધું ભૂલવા લાગ્યો છું? મને વૃદ્ધત્વ ભરખી રહ્યું છે કે શું? આવા વિચારોથી તેમનું મન વ્યગ્ર થઇ ઉઠ્યું.

આવા પ્રસંગો વધારે ને વધારે બનવા માંડ્યા. ક્યારેક જગદીશભાઈ જમવાનું ભૂલી જાય તો ક્યારેક પોતાના કપડાં ક્યાં છે તે પણ ભૂલી જાય. રમીલા કહેતી રહે કે તેઓ બધું ભૂલી રહ્યા છે અને તેમને ભ્રમ પણ થવા લાગ્યો છે.

પરંતુ જગદીશભાઈનું મન આ વાત માનવા તૈયાર નહોતું. તેમણે પુત્રને ફોન કર્યો ત્યારે બધી વાત કરી. પુત્રને ચિંતા થઇ અને તે પોતાના પરિવાર સાથે થોડા દિવસની રજાઓ લઈને પિતાને મળવા આવી ગયો. અઠવાડિયું તે પપ્પા સાથે રહ્યો અને તેણે જોયું કે પપ્પાની વાતમાં ક્યાંય કોઈ ઘટના કે વિગત ભુલાતી હોય તેવું લાગતું નહોતું તો પછી એવું કેવી રીતે બને કે તેઓ જમવાની અને પોતાની અંગત કામકાજની વસ્તુઓ ભૂલી જાય. તેને દાળમાં કૈંક કાળું લાગ્યું એટલે તે પપ્પાને લઈને તેના ડોક્ટર પાસે ગયો.

‘તમારે રોજ ત્રણ ગોળીઓ લેવાની છે. બે સફેદ અને એક ગુલાબી. બરાબર લો છો ને?’ ડોક્ટરે પૂછ્યું.’ત્રણ? હું તો રોજ ચાર ગોળીઓ લઉં છું. બે સફેદ. એક ગુલાબી અને એક બ્લુ રંગની છે. પણ સાચું કહું તો જ્યારથી તમે એ ચોથી ગોળી લખી છે ત્યારથી મને ઊંઘ બહુ આવે છે. શરીરમાં સુસ્તી રહે છે અને મન શિથિલ જણાય છે.’ જગદીશભાઈએ ડોક્ટર સમક્ષ રજૂઆત કરી.

‘ચોથી ગોળી તો મેં લખી નથી. સાથે લાવ્યા છો? બતાવો જોઈએ.’  ડોક્ટરે બધી વાત ધ્યાનથી સાંભળી અને જગદીશભાઈ કઈ દવાઓ લઇ રહ્યા છે તે જોઈ.

જગદીશભાઈએ પોતાની દવાઓ બતાવી.’ઓહ નો. આ તો એન્ટી-એંક્ષાઈટી ડ્રગ છે. તેનાથી વ્યક્તિની વિચારશક્તિ મંદ પડી જાય છે અને તેનું મગજ ધીમું પડે છે. આ તો મેં તમારા માટે લખી જ નથી. ક્યારે લેવાનું શરુ કર્યું તમે?’

‘ત્રણેક મહિના થયા. મારી દીકરી મને રોજ આપે છે અને હું ખરેખર જ ખુબ શિથિલતા અનુભવું છે અને હવે તો હું ભૂલવા પણ લાગ્યો છું.’ જગદીશભાઈએ વ્યગ્રતાથી કહ્યું. તેમને હવે ચિંતા થવા લાગી હતી કે તેમની સાથે કઇંક ખોટું થઇ રહ્યું છે.

‘મેં તમને આ દવા નથી આપી અને તમારે તેને લેવાની જરાય જરૂર નથી. રહી વાત તમારા ભૂલવાની, તો મને નથી લાગતું કે તમે આ દવાથી ભુલકણા બની ગયા હોય. આટલી જલ્દી તે યાદશક્તિને અસર કરતી નથી. હા, જયારે તમે આ દવાની અસરમાં હોય ત્યારે તમારી તર્કશક્તિ ઓછી કરે છે.’ ડોક્ટરે જગદીશભાઈ અને તેના પુત્રને વિગતથી સમજાવ્યું.

દવાખાનેથી નીકળતા રસ્તામાં જગદીશભાઈના પુત્રએ વિસ્મયથી પૂછ્યું, ‘મને સમજાતું નથી કે રમીલા શા માટે તમને એ દવા ફરજીયાત આપતી હશે. ડોક્ટરે તો તે દવા લેવાનું કહ્યું જ નથી.’

જગદીશભાઈએ દૂર રસ્તાના કિનારે હારબંધ ઉભેલા વૃક્ષોની હરોળ જોતા કહ્યું, ‘દીકરા, એ તર્કવિતર્ક પડવાનો કોઈ અર્થ નથી. હું આજે જ રમીલા અને વિક્રાંતને પોતાના ઘરે જવાનું કહી દઉં છું. જરૂર પડશે તો નર્સ રાખી લઈશ પરંતુ આ રીતે કોઈ કાવતરાનો ભોગ નહિ બનું.’

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]