આમ બેટ-દડે રમવાથી કઈ રીતે જિંદગી નીકળશે?

જયંત ક્રિકેટનો શોખીન અને રોજ કેટલાય કલાકો મેદાનમાં વિતાવે. ગામની ક્રિકેટ ટીમનો તે કેપ્ટન. બેટિંગ અને બોલિંગ બંનેમાં સારો અને ફિલ્ડર તો જાણે બાજ પક્ષી. કિશોરાવસ્થામાં હાઈસ્કૂલમાં ખુબ સારું રમતો અને પછી કોલેજની ટીમમાં પણ સારું પ્રદર્શન કર્યું. પરંતુ કોલેજ પૂરું થયા પછી હવે ગામની ટીમમાં રમવા સિવાય બીજી કોઈ તક જયંતને મળી નહોતી. ટેલેન્ટ તો ખરું પણ રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થાય તેવી સ્થિતિ પણ નહોતી.

શરૂઆતમાં તો ઘરના અને ગામના લોકો તેની રમતની ખુબ પ્રસંશા કરતા પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ લોકો તેના અંગે પોતાના મંતવ્યો બદલવા લાગેલા. હવે તે સારો ખેલાડી છે તે વાત કરવાને બદલે જવાબદારી ક્યારે સમજશે અને નોકરી ધંધો ક્યારે કરશે તેના વિશે વાત ચાલવા લાગી.

‘આમ બેટ-દડે રમવાથી કઈ રીતે જિંદગી નીકળશે? ઘર-પરિવારનું શું? કઈ સચિન તેંડુલકર થોડો બની જશે? આ રીતે આખો દિ રખડવાથી કેમ ચાલશે?’ તેવા કેટલાય મેણાં જયંતને સાંભળવા મળતા.

‘મમ્મી, મને ખબર જ નથી પડતી કે હું ક્રિકેટ ન રમું તો બીજું શું કરું?’ જયંત ક્યારેક તેની મમ્મી પાસે બેસીને વાત કરતો. તેની મમ્મી દીકરાના માથા પર હાથ ફેરવતી અને કહેતી, ‘તને ઠીક લાગે તે કર દીકરા. સમય આવશે ત્યારે તને જાતે જ કૈંક સુઝશે. ગામના મોઢે ગળણા ન બંધાય.’

માને એટલો તો વિશ્વાસ હતો કે દીકરો આળસુ નથી અને આજે નહિ તો કાલે કૈંક તો કરી જ લેશે. અત્યારે તેને મનમાં કોઈ લાઈન દેખાતી નથી એટલે ક્રિકેટ રમી રહ્યો છે, કાલે કૈંક સમજાશે તો કામ ધંધો પણ કરી લેશે. ક્રિકેટમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનત કારકિર્દી બનાવવામાં કરશે ત્યારે ચોક્કસ તરક્કી કરશે.

યુવાન થયો એટલે તેના લગ્નની વાતો ચાલી પરંતુ જેની પાસે નોકરી ધંધો ન હોય તેને છોકરી પણ કોણ આપે? ત્રણ-ચાર જગ્યાએ છોકરી જોવા ગયા અને ત્યાં નામોશીની સ્થિતિ ઉભી થઇ એટલે જયંતે નક્કી કર્યું કે હવે પછી તે છોકરી જોવા નહિ જાય. પરંતુ થોડા સમય બાદ એક સંબંધીએ જયંતની મમ્મીને પ્રસ્તાવ મુક્યો કે તેમની નજરમાં એક છોકરી છે જેને થોડી ખોડખાપણ છે પણ છોકરી સારી છે અને જો જયંત એક વાર જોઈ લે તો કદાચ વાત આગળ વધે.

‘હું પૂછી જોઇશ જયંતને.’ જયંતની મમ્મીએ કહ્યું પણ વધારે ગંભીરતાથી વાત ન લીધી. સાંજે જયારે તેમણે જયંતને વાત કરી તો ખબર નહિ કેમ પણ જયંતે છોકરી જોવાની હા કહી દીધી. એક અઠવાડિયા બાદ છોકરીના ઘરવાળા આવ્યા અને જયંત તથા પ્રતિભાએ એક બીજા સાથે વાત કરી. ‘મને હજી નોકરી ધંધો સમાજમાં આવતો નથી એટલે હું કારકિર્દીમાં સેટ થયો નથી. આ વાત હું તને પહેલા જ કહી દેવા માંગુ છું.’

‘દરેક વ્યક્તિમાં કોઈક ખામી હોય છે પરંતુ વાસ્તવમાં એ ખામી પાછળ પણ કોઈ તો શક્તિ જ છુપાયેલી હોય છે. મારા પગે પોલિયો છે પરંતુ ભગવાને મને નોકરી આપી છે તેનાથી આપણું ઘર ચાલશે અને તમારું ટેલેન્ટ પણ કોઈક રીતે તો ચમકશે જ.’ પ્રતિભાએ પ્રથમ મુલાકાતમાં જ કહેલું. તેના એક પગમાં પોલિયો હતો અને તેને કારણે તેનું સગપણ ગોઠવાતું નહોતું. જયંત અને પ્રતિભા બંને એકબીજાને પ્રથમ મુલાકાતમાં જ સમજી શક્યા અને બંને પરિવારોએ તેમના લગ્ન કરવાનું નક્કી કરી દીધું.

જયંતે અને પ્રતિભાએ લગ્ન કર્યા અને પ્રતિભા ઘરે આવી ગઈ. તે પ્રાથમિક શાળામાં ટીચર હતી અને તેની નોકરી નજીકના ગામની શાળામાં હતી. જયંત અને પ્રતિભાનું જીવન સારી રીતે ચાલવા લાગ્યું. રોજ સવારે બાઈક લઈને તે પોતાની પત્નીને શાળાએ છોડી આવે અને બપોર પાછી લેવા પણ જાય. તેની આવકથી ઘરમાં આર્થિક મદદ થવા લાગી. પરંતુ લોકો તો હવે એવી પણ ટીકા કરવા લાગ્યા કે જયંત લગ્ન પછી પણ સુધર્યો નહિ અને હજી પણ કામકાજ કરતો નથી. ખબર નહિ સ્ત્રીના પૈસે કેવી રીતે જીવી શકે? પરંતુ પ્રતિભાએ જયંતને કહ્યું કે તેને સમજમાં આવે તે કામ કરે, કમાવાની કે બીજી ચિંતા તે નહિ કરે તો ચાલશે.

જયંત પોતે જાણતો હતો કે આળસ કે કામચોરી જેવા દુર્ગુણો તેનામાં નહોતા. માત્ર કેવી રીતે કોઈ કામમાં મન પરોવવું તે સમજાતું નહોતું અને જયારે યોગ્ય સમય આવશે ત્યારે કૈંક ગોઠવાઈ જશે. જયંતની મમ્મી અને પ્રતિભા આ વાતથી સહમત હતા. સમય વીતતો ગયો. જયંત ક્રિકેટ રમતો રહ્યો અને ગામના લોકો તેના વિશે ટીકા કરતા થાકી ગયા. તે જીવનમાં કઈ કરશે નહિ તેવો કરાર દઈને પોતપોતાના કામે લાગી ગયા.

બે વર્ષ પછી ગામની ચારેક કિલોમીટર દૂર આવેલી એક મોટી કંપની એ સ્થાનિક વિસ્તારમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે મોટું બજેટ ફાળવ્યું. સરકારે કંપનીઓને સ્થાનિક સ્તરે રમતગમત અને કલાકારીગીરીને વિકસાવવા માટે જે નાણાંનો ખર્ચ કરે તેટલા ટેક્સમાંથી બાદ આપવાની જાહેરાત કરી અને તેનાથી આ કંપનીએ પણ એક કોચની સ્થાયી નિમણુંક કરવાની જાહેરાત કરી. આ વાત આસપાસના સૌ ગામોમાં ફેલાઈ અને લોકો ઇન્ટરવ્યૂ આપવાની તૈયારી કરવા લાગ્યા.

જયંત પણ ઇન્ટરવ્યૂ આપવા ગયો અને તેની ગેમ જોઈને કંપનીએ તેને સારા પગારે કાયમી નોકરીએ રાખી લીધો. મકાન તથા ગાડી પણ આપ્યા. અચાનક જ ગામના સૌથી પ્રતિષ્ઠિત અને સારી કારકિર્દી ધરાવતા લોકોની હરોળમાં જયંત પહોંચી ગયો. તેની ક્રિકેટ પ્રત્યેની ધગસ અને મહેનતને કારણે ધીમે ધીમે તે વધારે આગળ વધતો ગયો. કંપનીએ તેને હેડક્વાર્ટર મોકલ્યો અને કંપનીની રાજ્ય કક્ષાની ટીમ સાથે રમવા લાગ્યો. ત્યાં સારા પર્ફોર્મન્સને કારણે જયંતને રાષ્ટ્રીય કક્ષાએ ટીમમાં લઇ લીધો અને તેને મેનેજર કક્ષાનો હોદ્દો પણ આપ્યો.

પ્રતિભાએ જયંતને કહ્યું, ‘લોકોની ટીકા છતાં તું પોતાના રસ પ્રમાણે મહેનત કરતો રહ્યો તેનાથી આજે તું એટલો આગળ વધી ગયો.’

‘તે અને મમ્મીએ મારામાં વિશ્વાસ મુક્યો તેનાથી જ હું ટકી શક્યો.’ જયંતે કહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]