પ્રશાંતની ગાડી એક ગેટમાં પ્રવેશી ને સૌ લોકો સ્તબ્ધ થઇ ગયા

‘દિવાળીની શું તૈયારી છે?’ પ્રશાંતે ફોન પર પોતાના મિત્ર કલ્પેશને પૂછ્યું.
‘તૈયારીમાં તો બીજું શું હોય? ઘરે રંગરોગાન કરાવશું, મીઠાઈ ખાઈશું અને ફટાકડા ફોડીશું.’ કલ્પેશે બધી વાતને એકદમ સરળતાથી કહી દીધી.’હા, એ તો ખરું જ. પરંતુ રજા લીધી કે નહિ? થોડો સમય પરિવાર સાથે વિતાવવાનો થશે? મારે તો આ વખતે પાંચ દિવસ દુકાન બંધ રાખવી છે. ધંધાનું એ તો સુખ છે. તમારી નોકરિયાતોની સ્થિતિ થોડી અલગ હોય.’ પ્રશાંતે વાત આગળ ચલાવી.પ્રશાંત અને કલ્પેશ બંને બાળપણના મિત્રો હતા. ભણીગણીને કલ્પેશ એક બેંકમાં નોકરીએ લાગ્યો અને પ્રશાંતે પોતાના પપ્પાની દુકાન સંભાળી. લગ્ન બંનેના થઇ ગયેલા અને આઠ- નવ વર્ષના એક એક બાળક પણ હતા.

દિવાળીની રજાઓમાં એક દિવસ તો બંને પરિવાર સાથે મળીને વિતાવે તેવું વર્ષોથી બનતું આવ્યું હતું એટલે આ વર્ષનો પ્લાન કરવા જ પ્રશાંતે ફોન કરેલો.

‘રજા તો મળી ગઈ છે. ચિંતા નથી. બોલ ક્યારે મળવાનું છે આપણે? આ વખતે મારા ઘરે આવો તમે બધા.’ કલ્પેશે પ્રસ્તાવ મુક્યો.

‘તારી ભાભી કહેતી હતી કે આપણે ભાઈબીજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈએ તો? મારા સાળાનો પરિવાર પણ આવવાનું કહે છે. તારા તરફથી પણ કોઈ હોય તો લઇ લે.’ પ્રશાંતે કહ્યું.

‘મારી બહેન અને બનેવી કહેતા હતા કે આ વખતે મળીએ. તો એવું કરીએ કે ચારેય પરિવાર ક્યાંક બહાર પીકનીક પર જઈ શકાય. શું કહે છે?’ કલ્પેશે પણ સંમતિ આપી.

‘ડીલ. હું પ્લાન કરીને તને કહીશ.’ પ્રશાંતે ફોન પૂરો કરતા કહ્યું અને બંનેએ ઓકે કર્યું.

દિવાળીની તૈયારીઓ ચાલવા લાગી. બંને પરિવારોએ પોતપોતાની રીતે દિવાળી મનાવી. ફટાકડા ફોડ્યા અને મીઠાઈઓ ખાધી. બેસતાવર્ષના દિવસે તેઓએ એકબીજાને નવા વર્ષના અભિનંદન આપવા ફોન કર્યો અને બીજા દિવસે બહાર જવાના પ્લાન વિશે વાત કરી.

‘કાલનો શું પ્લાન કર્યો પછી તે?’ કલ્પેશે પ્રશાંતને પૂછ્યું.

‘બધું જ નક્કી થઇ ગયું છે. ચારેય પરિવારે સવારે દશ વાગ્યે મારા ઘરેથી નીકળવાનું છે. આવી જાજો તમે બંને પરિવાર અહીં સાડા નવ પોણા દશ વાગ્યા સુધીમાં.’ પ્રશાંતે કોન્ફિડન્સથી સૂચના આપી.

‘જવાનું ક્યાં છે તે નક્કી કર્યું? બોલ તો ખરો.’ કલ્પેશે ઉત્સુકતાથી પૂછ્યું.

‘તે બધું તું મારા પર છોડી દે ને. ઓળખે છે ને તું મને? આપણું આયોજન ક્યારેક કાચું પોચું હોય છે? મોજ કર ભાઈ. કાલે આવી જજે.’ પ્રશાંતે તેની આગવી અદાથી કહ્યું. તે કેવી રીતે હાથ હવામાં ઊંચો કરીને બોલ્યો હશે તે કલ્પેશ વિચારી શકતો હતો કેમ કે પ્રશાંતની એવી જ આદત હતી.

બીજા દિવસે સવારે પોણા દશ વાગ્યા સુધીમાં પ્રશાંતના ઘરે ત્રણેય પરિવાર પહોંચી ગયા હતા. ચારેયના પરિવારના છ બાળકો એકબીજા સાથે ફળિયામાં રમવા માંડ્યા હતા.

‘ભાઈ હવે તો બોલ શું પ્લાન છે?’ કલ્પેશે પ્રશાંતને પૂછ્યું.

‘અમને પણ કઈ જ કહ્યું નથી. બહુ સસ્પેન્સ બનાવીને રાખ્યું છે.’ પ્રશાંતની પત્નીએ કલ્પેશની વાતમાં સુર પુરાવ્યો.

અન્ય સૌનો પણ એવો જ પ્રતિભાવ આવ્યો અને સૌએ જોર કરીને કહ્યું કે જ્યાં સુધી પ્રશાંત પૂરો પ્લાન નહિ કહે ત્યાં સુધી તેઓ ક્યાંય જવાના નથી.

‘બધું જ કહું છું. તમે બધા નીકળો બસ. મારી પાછળ પાછળ ગાડી ચલાવી લે કલ્પેશ.’ પ્રશાંત એટલું કહીને પોતાની કારમાં બેઠો.

બે કારમાં ચારેય પરિવાર ગોઠવાઈ ગયા અને પ્રશાંતની કારની પાછળ પાછળ બીજી ગાડી દોડવા લાગી. શહેરની બહાર હાઇવે ચડીને ગાડી લગભગ અડધો કલાક દોડતી રહી. મોસમ સરસ હતો. ખુશનુમા વાતાવરણ, હરિયાળા વૃક્ષો અને ગાડીમાં હળવું હળવું વાગતું મ્યુઝિક, બધું જ આનંદદાયક હતું.

થોડીવાર આગળ ચલાવીને પ્રશાંતે કાર એક નાનકડા રસ્તા તરફ વાળી. પાછળ પાછળ કલ્પેશે પણ પોતાની ગાડી વાળી લીધી. રસ્તો સાંકડો હતો અને ક્યાંક ક્યાંક ગાય ભેંસ વચ્ચે આવી જતા હતા. બંને તરફ ખેતરો હતા અને ખેતરમાં કામ કરતા કોઈક લોકો દેખાઈ જતા હતા.

‘આ ક્યાં લઇ જાય છે આજે?’ કલ્પેશે આશ્ચર્યથી પૂછ્યું.

‘કઈંક જુદો જ પ્લાન કર્યો લાગે છે આજે પ્રશાંત ભાઈએ.’ કલ્પેશની પત્નીએ કહ્યું.

‘હા પ્લાન તો કાઇંક જુદો જ લાગે છે પણ ક્યાંક એવું ન થાય કે ખોદા પહાડ ઓર નિકલા ચૂહા. આટલું ડ્રાઈવ કરીને આવ્યા પછી ક્યાંક મેદાનમાં ઉભી રાખી દેશે અને કહેશે લો પ્રકૃતિની મજા માણો.’ કહેતા કલ્પેશ હસી પડ્યો. તેની સાથે બેઠેલા સૌ પણ ખડખડાટ હસી પડ્યા.

હજી તેઓનો હસવાનો રણકો સમ્યો નહોતો ત્યાં પ્રશાંતની ગાડી એક ગેટમાં પ્રવેશી. ગેટ પર બોર્ડ હતું: વાલ્મિકી આદિવાસી મહિલા કેળવણી આશ્રમ

‘ઓહો, આ તો કંઈક અલગ જ પ્લાન લાગે છે ભાઈ.’ કલ્પેશ પોતાની કાર ગેટની અંદર દાખલ કરતા બોલ્યો.

પ્રશાંત સિવાયના સૌ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા કે આ ક્યાં આવી ગયા અને અહીં તે કેવી રીતે દિવાળી ઉજવવાની થાય?

બંને ગાડીઓ ઉભી રહી. આશ્રમ બહુ મોટો નહોતો. અંદર દશેક મહિલાઓ હતી. બંને ગાડીમાંથી ઉતરેલા મહેમાનોને આવકારતા એક મધ્યસ્થ વયની મહિલા આગળ આવી અને બોલી, ‘પ્રશાંતભાઈ, તમારું અને પરિવારના સૌ લોકોનું અમારા આશ્રમમાં સ્વાગત છે. આપની સાથે વાત થયેલી તે પ્રમાણે જ બધું આયોજન કર્યું છે. આવો પહેલા આપ સૌનો પરિચય કરવું હું આશ્રમની બહેનો સાથે.’

પરિવારના લોકો અને આશ્રમની મહિલાઓનો પરિચય થયો ત્યારબાદ થોડો સમય તેઓએ આશ્રમની ફરતે આવેલા બગીચામાં જઈને તાજા શાકભાજી તોડવામાં વિતાવ્યો. બાળકોને તો બહુ મજા પડી. પછી બધા લોકોએ સાથે મળીને બહાર ખુલ્લામાં રાખેલા બે મોટા ચુલ્હા પર જમવાનું બનાવવાનું શરુ કર્યું. પુરુષો અને બાળકો પણ ભોજન બનાવવામાં જોડાયા. ભોજન બનતું ગયું તે દરમિયાન વાતો થતી ગઈ. સૌ એકબીજાને ઓળખતા ગયા, જાણતા ગયા. બપોરનું ભોજન સાથે થયું પછી આશ્રમની બે મહિલાઓ બાળકોને હિંચકા ખાવા લઇ ગઈ. બીજા લોકોને આશ્રમની પ્રવૃતિઓ અંગે અને ત્યાં રહેતા લોકો અંગે વધારે માહિતી મળી. થોડીવાર બધાએ આરામ કર્યો પછી દિવસ ઢળતા મહિલાઓએ આદિવાસી નૃત્ય અને સંગીત પ્રસ્તુત કર્યા. આવનારા મહેમાનો અને બાળકોને પણ તેમાં ખુબ રસ પડ્યો અને તેઓ પણ નૃત્યમાં જોડાયા.

‘ભાઈ આપણે અહીં દાન-દક્ષિણા કેટલા આપવાના છે?’ વચ્ચે સમય મળતાં કલ્પેશે પ્રશાંતને બાજુ પર લઇ જઈને પૂછ્યું.

‘ભાઈ, અહીં કોઈ દાન-દક્ષિણા કરવાની નથી. માત્ર એકબીજાને ઓળખવાના છે. એકબીજા સાથે સમય વિતાવવાનો છે અને પરિવાર વિસ્તારવાની વાત છે.’ પ્રશાંતે કહ્યું.


‘પરંતુ આ આશ્રમમાં આપણે કઈંક આપવાથી મદદ થાય એવું હોય તો આપીએ.’ કલ્પેશે વધારે ખુલાસો કર્યો.’ના ભાઈ. તેઓના ગૃહઉદ્યોગમાં બનતો સમાન તેઓ વેંચવા મારી દુકાને આપે છે. ખુબ સ્વાભિમાન અને સ્વમહેનતે આ આશ્રમ ચાલે છે. આપણે માત્ર તેમને આ તહેવારના દિવસોમાં પરિવારની હૂંફ આપવાની છે.’ પ્રશાંતે ગર્વથી કહ્યું. કલ્પેશના ચેહરા પર આ મહિલાઓ માટે અને પોતાના મિત્ર પ્રશાંત માટે ગૌરવવંતુ સ્મિત આવ્યું.સાંજ પડી એટલે ફરીથી સાથે મળીને ભોજનની તૈયારી કરવામાં આવી. ગામઠી તરહથી બનાવવામાં આવેલું ભોજન, સાદગી અને તાજગી અને માનવતાની હૂંફનો અનુભવ શહેરના આ ચારેય પરિવારોના જીવનમાં પહેલીવાર અને અપ્રતિમ હતો. ભાઈબીજના દિવસે પ્રશાંતે ચારેય પરિવારોને દશ નવી બહેનો સાથે ઓળખાણ કરાવી હતી તેનો સૌને આનંદ હતો.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]