… ને શાલિનીના માથે આભ તૂટી પડ્યું

શાલિનીએ નર્સિંગનો અભ્યાસ પૂરો કર્યો અને શહેરના એક ખાનગી ઇસ્પિતાલમાં તેને નોકરી મળી ગઈ. મધ્યમ વર્ગના પરિવારમાં તેના પગારે વધારો કર્યો અને સોસાયટીમાં ઈજ્જત-આબરૂ પણ વધી. ક્યારેક દિવસની તો ક્યારેક રાતપાળી કરવી પડે, પણ શાલિનીને તેમાં કઈ વાંધો નહોતો.

સોસાઈટીના લોકો ઘરમાં કોઈને નાની-મોટી બીમારી થાય તો શાલિનીના ઘરે આવી જાય. શાલિની તેને તપાસી આપે અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આપી શકાય તેવી દવા આપી દે. જરૂર જણાય તો તેમને દવાખાને જઈને ડોક્ટરને બતાવવાનું કહી દે.

‘આપણી સોસાઈટીના લોકો પાસેથી તે કઈ ફી લેવાની હોય?’ તેવું કહીને હસતા મોઢે સૌને મદદ કરે. સોસાયટીમાં રહેતા લોકો નાના મોટા નોકરી-ધંધા વાળા હોવાથી સૌનું ઘર તંગીમાં ચાલે છે તે શાલિનીને જાણ હતી. તેમની પાસેથી સો-બસ્સો રૂપિયા લઈને શાને તેમના છોકરાંઓનાં ભાગની ચોકલેટ છીનવી લેવી? તેવું વિચારીને તે પૈસા ન જ લે. નાના બાળકોમાં તે ડોક્ટર આંટી તરીકે ઓળખાવા લાગી.

શાલિનીના પિતાનું તો બે વરસ પહેલા અવસાન થયેલું અને વૃદ્ધ માતાના ઘૂંટણ દુખવાની તકલીફ હંમેશા રહે. તેનો નાનોભાઈ આકાશ અગિયારમા ધોરણમાં ભણતો અને શાલિનીનું સપનું તેને ડોક્ટર બનાવવાનું હતું. ‘તું તો ખૂબ મહેનત કરજે અને બારમા ધોરણમાં સારા માર્ક લાવજે જેથી કરીને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય.’ શાલિની તેને વારેવારે યાદ કરાવે.

‘હા દીદી, હું ડોક્ટર બની જઈશ પછી આપણે બંને દવાખાનું ખોલશું. હું ડોક્ટર અને તમે નર્સ.’ આકાશ ઉત્સાહથી જવાબ આપે.

‘તું ડોક્ટર બનીશ પછી તો આપણે શાલિનીના લગન કરાવી દઈશું. આખી જિંદગી અહીં જ થોડી રહેશે તારી દીદી.’ તેની મમ્મી ટકોર કરીને યાદ કરાવતી કે શાલિની હવે ઉંમરલાયક થઇ હતી.

આકાશ બારમા ધોરણમાં આવ્યો અને સારી મહેનત કરીને ભણી રહ્યો હતી. પરીક્ષાને ત્રણેક મહિનાની વાર હતી અને કોરોના વાઇરસ ફેલાયા સમાચાર આવવા લાગ્યા. દિવસે દિવસે કોરોનાના કેસ વધવા લાગ્યા. લોકોમાં ડરનો માહોલ ફેલાયો અને સરકારે લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂક્યો.

શાલિનીને તો તેના મેડિકલ પ્રોફેશનને કારણે બહાર જવું પડે. તેની હોસ્પિટલમાં પણ કોરોનાના કેસ આવ્યાના સમાચાર ફેલાયા. એક દિવસ સાંજે પોતાની નોકરી પતાવીને ઘરે પરત આવી રહેલી શાલિનીએ સોસાઈટીના લોકોને મેઈન ગેટ પાસે એકઠા થયેલા જોયા.

‘શા માટે આપ સૌ અહીં ભેગા થયા છો? ઘરમાં રહો અને ભીડમાં એકઠા ન થાવ નહિ તો વાઇરસ લાગી જશે.’ શાલિનીએ તેમને સમજાવતા કહ્યું. ‘કોરોના તો લાગી જ જશે. અમારા એકઠા થવાથી નહિ પરંતુ તારા આ સોસાયટીમાં રહેવાને કારણે. દવાખાનેથી કોઈ દર્દીનો વાઇરસ લઈને તું જ સોસાયટીમાં સૌને ચેપ લગાડીશ.’ મગનલાલે મોં મચકોડતા કહ્યું. ‘હા, બિલકુલ સાચી વાત છે. શાલિનીબહેન, તમારે થોડા દિવસ હોસ્પિટલ પાસેથી રહેવાની સગવડ કરવાની માંગણી કરવી જોઈએ. અહીં તો તમારા પરિવારને પણ ચેપ લાગવાનો ખતરો રહેશે.’ મિત્તલબેને પોતાનો સૂર પુરાવ્યો. સોસાયટીના બીજા લોકોએ સંમતિમાં માથું ધુણાવ્યું.

એક ક્ષણ માટે તો શાલિનીને લાગ્યું કે જાણે તેની માથે આભ તૂટી પડ્યું છે. જે લોકો કાલ સુધી તેની પાસે મફતમાં દવા લઇ જતા અને તેને ધન્વંતરીનું રૂપ કહેતા તે સૌ આજે તેને સોસાયટીમાં આવતા રોકવા એકઠા થયા હતા. તેની આંખ ભરાઈ આવી અને શું જવાબ આપવો તે ન સમજતા તે નીચું માથુ રાખીને તે સડસડાટ તેમની બાજુએથી પસાર થઈને પોતાના ઘર તરફ દોડી ગઈ.

‘આજે મેં બાયોલોજી વાંચ્યું, દીદી. મને તો માનવશરીરની રચના અંગે વાંચવું ખૂબ ગમે છે. મેડિકલનું ભણતર પણ ખુબ ઇન્ટરેસ્ટિંગ હશે ને દીદી?’ આકાશે ઘરમાં પ્રવેશતી શાલિનીને પોતાની દિનચર્યા કહેતા પ્રશ્ન કર્યો.

‘આકાશ, તું ડોક્ટર કરતા એન્જીનિઅર કે વકીલ બને તો વધારે સારું.’ શાલિનીએ દુપટ્ટાથી પોતાની આંખો લૂછતાં કહ્યું અને મોં ધોવા બાથરૂમમાં જતી રહી.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)