સ્તુતિને લાગ્યું જાણે તેનો આ છેલ્લો શ્વાસ છે…

લગભગ મધ્ય રાત્રી થઇ હશે કે સ્તુતિની આંખ એક ભયાનક ગર્જનાથી ખુલી. તેણે જોયું તો સાગર તેની પાસે ટેન્ટમાં જ ઊંઘી રહ્યો હતો. ઠંડી વધી રહી હતી અને સ્લીપિંગ બેગમાં મોઢું ભરાવીને ઊંઘી રહેલા સાગરના નસકોરા સાંભળતા હતા.

સ્તુતીએ આંખો બંધ કરી અને ફરીથી ઊંઘવાની કોશિશ કરી પરંતુ જંગલની શાંતિમાં અચાનક ઉઠેલી એ ગર્જનાનો અવાજ જાણે હજી પણ તેના કાનમાં ગુંજતો હતો. માથા પરથી રેતી ખંખેરતી હોય તેમ તેણે માથું ધુણાવ્યું અને બધા વિચારોને ફેંકી દેવાની કોશિશ કરી ત્યાં તો જાણે ધરતી ધ્રૂજતી હોય તેવો અહેસાસ થયો.

‘સાગર, ઉઠ. કૈંક જાનવર આવ્યું લાગે છે.’ સ્તુતીએ ધીમા અવાજે સાગરના કાનમાં કહ્યું અને હાથ વડે તેનો ખભો હલાવી ઉઠાડવા પ્રયત્ન કર્યો. સાગરે પડખું ફેરવ્યું અને તેની તરફ ફર્યો. હાથેથી પોતાની સ્લીપિંગ બેગ નીચી કરીને અડધી ખુલી આંખે સ્તુતિ તરફ જોયું.

ટેન્ટમાં અંધારું હતું. તેઓ ટ્રેકિંગ કરવા નીકળેલા અને બંને એકલા જ જંગલની વચ્ચે એક ટેન્ટ લગાવીને રાતવાસો કરવા રોકાયા હતા. સાંજે લાકડાનું તાપણું કરીને જમવાની વ્યવસ્થા કરેલી અને પછી કેટલીયવાર સુધી જંગલની વચ્ચે, જ્યાં કેટલાય કિલોમીટર સુધી કોઈ ગામ નહોતું ત્યાં સૃષ્ટિની વચ્ચે તેઓ એકબીજા સાથે વાતો કરતા રહેલા. ટેન્ટ તો દિવસ આથમતા પહેલા જ લગાવી લીધેલો એટલે રાત્રે ઠંડી લાગી ત્યારે બંને અંદર આવી ગયેલા અને થોડીવાર પછી ઊંઘી ગયેલા. અચાનક કોઈ જાનવરની ગર્જના અને પછી કોઈ ધબધબ સાંભળીને સ્તુતીએ સાગરને જગાડ્યો હતો.

‘શું થયું?’ સાગરે કંજૂસાઇથી ઓછા શબ્દો બોલીને પોતાની ઊંઘ ન ઉડે તેવી રીતે વાત પતાવી દેવા પ્રયત્ન કરેલો.

‘સંભાળ.’ સ્તુતીએ ટેન્ટની બહાર તરફ આંગળી ચીંધી હોય તેવું સાગરને લાગ્યું હતું પણ અંધારામાં સ્પષ્ટ દેખાયેલું નહિ. તેણે શાંતિથી કાન સરવા કરીને આસપાસના અવાજ સાંભળવાની કોશિશ કરી. તમરાં બોલવાનો અવાજ અને વૃક્ષઓના પણ હલવાનો અવાજ આવી રહ્યો હતો.

બંને ચૂપ રહીને એક ક્ષણ કોઈ અવાજની અપેક્ષામાં ધ્યાનથી સાંભળી રહ્યા હતા ત્યાં તો એક મોટી ગર્જના ફરીથી થઇ અને બંને એકબીજાની નજીક સરકી ગયા. અંધારું હતું એટલે જોઈ શકાતું નહોતું પરંતુ સાગર અને સૃષ્ટિ બંને કલ્પી શકતા હતા કે તે ક્ષણે તેમની આંખોમાં કેવો ડર દેખાઈ રહ્યો હશે.

‘સસસ…’ સાગરે બહુ ધીમેથી કહ્યું અને સ્તુતિને પોતાની છાતી સરસી ચાંપી લીધી.

‘સિંહ?’ સ્તુતીએ પૂછ્યું.

‘હા.’ સાગરે હળવેથી જવાબ આપ્યો.

‘શું થશે? ભાગવું પડશે?’ સ્તુતીએ પૂછ્યું.

‘કોઈ ફાયદો નથી. ભાગીશુ તો અવાજ થશે અને પાછળ પડશે. આપણને તરત આંબી જશે.’ સાગરે કહ્યું.

‘કેવી રીતે સામનો કરીશું?’

‘આપણી પાસે કોઈ હથિયાર નથી આ મહાકાય પ્રાણી સાથે લાડવા માટે. શાંતિથી પડ્યા રહીએ. શક્ય છે આ તરફ ન આવે.’ સાગરે સ્તુતિના કાનમાં કહ્યું.

એક એક ક્ષણ બહુ મુશ્કેલીથી વીતી રહી હતી. સિંહના પગલાં સાંભળતા હોય તેવું બંનેને લાગી રહ્યું હતું. કોઈ ભારે શરીર ધરાવતું પ્રાણી ચાલે ત્યારે જે અવાજ થાય તે પણ કેટલો બિહામણો હોઈ શકે તે બંનેએ ક્યારેય અનુભવ્યું નહોતું. એક એક ડગલું સિંહ નજીક આવી રહ્યો હોય તે બંને કલ્પી શકતા હતા. વચ્ચે વચ્ચે ક્યારેક સિંહના ઉછ્વાસનો અને નાની નાની ગર્જનાનો અવાજ પણ આવી રહ્યો હતો.

‘આ તો અહીં જ આવી રહ્યો છે.’ સ્તુતીએ કહ્યું.

‘હા, નક્કી આપણાથી ખુબ નજીક છે. હવે બિલકુલ બોલીશ નહિ. જે થશે તે જોયું જશે. આઈ લવ યુ.’ સાગરે કહ્યું અને સ્તુતિના માથા પર હાથ ફેરવ્યો. સ્તુતિ વેલ વૃક્ષને વીંટળાય તેમ સાગરને વીંટળાઈ ચુકી હતી. બંનેએ જાણે પોતાના શ્વાસ પણ રોકી લીધા હોય તેટલી શાંતિ છવાઈ ગઈ.

હવે બંને સિંહને તેમના ટેન્ટથી આઠેક ફુટ દૂર હોવાનું જોઈ શકતા હતા. અંધારું હતું એટલે માત્ર પ્રાણીના શરીરનો આકાર દેખાઈ રહ્યો હતો પણ ચંદ્રના પ્રકાશમાં ટેન્ટની આજુબાજુ ફરી રહેલ તે વનરાજ હવે માત્ર એક તરાપ મારે તો તેમને બંનેને કોળીઓ કરી જાય તેટલો નજીક હતો. સ્તુતિ અને સાગર બંને આખો ખોલી શકાય તેટલી ખોલી ચુક્યા હતા અને હવે તેમની આંખોમાં જરાય ઊંઘ નહોતી.

ડરને કારણે બંનેના શરીર પર પરસેવો આવી ગયો હતો અને તેઓ ધ્રુજી રહ્યા હતા. સિંહે એક બાજુ ઉભા રહીને થોડીવાર જમીન સુંઘી અને પછી તેમને તાપનું સળગાવેલું અને રાત્રે જમવાનું બનાવીને ખાધેલું તે સ્થળે સિંહ ઉભો રહ્યો. થોડીવાર તેણે આમતેમ નજર કરી અને પછી ફરીથી જમીન સુંધી. રાખ ઠારી ગઈ હતી પણ સાગર અને સ્તુતિ સમજી ગયા કે ત્યાં સિંહને પોતે ખાધેલા મટનની ગંધ આવી ગઈ હશે. કદાચ તે જ શોધતો હોય તેમ એ કેસરીએ એક ચક્કર આજુબાજુ માર્યું અને પછી ટેન્ટની નજીક આવ્યો.

સ્તુતીએ આંખો મીંચી દીધી તેના હોઠ ધ્રુજવા લાગ્યા. તેને લાગ્યું કે જાણે સિંહ તેની છાતી પર આવી ગયો છે અને તેનો પંજો ઉઠાવેલો છે. સ્તુતિએ મારનાર અને મરનાર બંને એકબીજાની નજીક હોય અને મરનાર પાસે શિકાર થવા સિવાય બીજો કોઈ જ ઉપાય ન હોય ત્યારે જે ભય અને અસહાયતાની લાગણી થતી હોય તે અનુભવી. તેણે પોતાના બંને હોઠ દાંતમાં દબાવ્યા. તેની બંધ આંખોમાંથી આંશુ બહાર નીકળ્યા. તેને લાગ્યું કે પોતાના આખા શરીર પર વાળ છે, તેના કાન લટકી રહ્યા છે અને તેના બે નાના નાના સિંગડા છે. તેને લાગ્યું જાણે તે સિંહના પંજામાં આવેલી બકરી છે અને હવે સિંહના નખ તેના પેટને ફાળી રહ્યા છે.

સ્તુતિને લાગ્યું જાણે તેનો આ છેલ્લો શ્વાસ છે અને તેણે સિંહ પંજો મારીને તેના શરીરને પોતાનો ખોરાક બનાવી દે તે પહેલા તેણે મનોમન સંકલ્પ કર્યો કે જો આજે તે જીવતી જશે તો અસહાય જાનવરના મૃત્યુ માટે ક્યારેય જવાબદાર નહિ બને. પોતાને આજે જે ભય અનુભવાઈ રહ્યો છે તેવો ડર તે બીજા કોઈના મનમાં નહિ જન્માવે. તે માંસાહાર છોડી દેશે.

‘સ્તુતિ, સ્તુતિ.’ સાગરે સ્તુતિને હચમચાવતાં ધીમા અવાજે કહ્યું. સ્તુતિ અચાનક પોતાના વિચારોમાંથી બહાર આવી.

‘ડર નહિ. સિંહ જતો રહ્યો છે.’ સાગરે કહ્યું.

(રોહિત વઢવાણા)

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]