વસંતપંચમીઃ અજ્ઞાન પર વિજયનું પર્વ, રાશિવાર પ્રયોગ જાણો

તારીખ ૨૨ જન્યુઆરી ૨૦૧૮એ મહાસુદ પાંચમે વસંત પંચમી છે, વસંત પંચમીનો તહેવાર એ જ્ઞાનનું ઉમદા પર્વ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતીજીનું પ્રગટ્ય થયું હતું. જ્ઞાનના ઉપાસકો, વિદ્યાર્થીઓ અને વિવિધ શાસ્ત્રના અભ્યાસુઓ આ દિવસે સરસ્વતી વંદના કરીને જ્ઞાનની ઉપાસના કરે છે.vasant_panchami_1ઘણા બુદ્ધિશાળી માણસો અમુક સમયે જ્ઞાન ખોઈ બેસે છે, તો પ્રોફેસર અને વિદ્વાન વ્યક્તિઓને પણ આપણે ભ્રમિત થતા જોયા છે. ઘણા વિદ્યાર્થીઓને નાનપણથી જ યાદ રહેતું નથી, દસ વાર વાંચવા છતાં ધર્મ શાસ્ત્ર સમજી શકાતું નથી. શાસ્ત્રો અનુસાર મનુષ્યને જ્ઞાનનું સ્ફુરણ ત્યારે જ થાય જયારે તેનું જ્ઞાનાવરણીય કર્મ ખપે કે ક્ષય થાય. કોઈપણ લખાણ લખેલો કાગળ બાળી નાખવો, ફાડીને તેની આશાતના કરવી, અંકો કે લખાણ ઉપર ચાલવું, જ્ઞાન કે જ્ઞાની વ્યક્તિની મજાક મશ્કરી કરવી આ બધા કર્મો જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, આ કર્મના ફળરૂપે મનુષ્યને સત્ય-અસત્યનો ભેદ સમજતો નથી. ઘણું મહેનત કરવા છતાં કઈ યાદ રહેતું નથી. આ કર્મના ખરાબ ફળરૂપે મનુષ્ય તેના જીવન દરમ્યાન જ્ઞાન પામી શકતો નથી. કોઈ ભવે જો મનુષ્યે જ્ઞાનની અવહેલના કરી હોય, પુસ્તકો બાળ્યા હોય, જ્ઞાની કે ગુરુજનોની મજાક કરી હોય તેને આ ભાવે જ્ઞાનથી વંચિત રહી અનેક દુઃખો સહન કરવા પડે છે માટે મનુષ્યે હમેશા જ્ઞાનની આરાધના કરવી જોઈએ, જ્ઞાની અને જ્ઞાનને વંદન કરવા જોઈએ. તેમ કરતા આપણે જ્ઞાનની આશાતનાથી બચીશું અને સારા કર્મ બાંધી શકીશું. મનુષ્યે ક્યારેય જાણતા-અજાણતા જ્ઞાની અને જ્ઞાનની આશાતના ના થાય તેનું હમેશા ધ્યાન રાખવું. દુનિયાને જ્ઞાન આપનાર મહાજ્ઞાનીઓ અને તપસ્વી સિદ્ધ પુરુષો પાછળ જ્ઞાનની આરાધના અને ઉપાસના હમેશા જોવા મળે છે.

યંત્ર પૂજા-ઉપાસના વિશેષ પ્રયોગ: જ્ઞાનપંચમીના દિવસે સૂર્યોદય થાય પછી મધ્યાહન પહેલા આરાધકે સરસ્વતીદેવીની ઉપાસના કરવી જોઈએ. સરસ્વતીદેવીનું યંત્ર કાગળ કે ભોજપત્ર પર લાલ કે લીલા રંગની શાહીથી લખીને પૂજા ઉપાસના કરવી, આ યંત્ર પોતાની સાથે પુસ્તકોમાં હમેશા રાખી શકાય. યંત્રને હમેશા ભાવપૂર્વક વંદન કરી, સરસ્વતી દેવીનો મંત્ર વાંચવો જોઈએ. યંત્ર લેખનની શરૂઆત નાના અંકથી કરીને યંત્રમાં ક્રમશ: આગળના અંકો લખવા. યંત્રની ચારેય દિશાએ કાગળમાં ‘ઓમ એં હ્રીં નમઃ’ લખવું. યંત્રને સુગંધ અને કુમકુમથી આવૃત કરવું.

૧૫
૧૨ ૧૧
૧૪
૧૦ ૧૩

પોતાના જ્ઞાનના પુસ્તકોને સરસ્વતીદેવી સમક્ષ આસાન પર મૂકી તેનું પૂજન કરવું જોઈએ. ‘હે સર્વ જગતના સિદ્ધ અને જ્ઞાની પુરુષો, મને જ્ઞાન પામવામાં મદદ કરો, હું વિદ્યાની દેવી સરસ્વતીદેવીને ભાવપૂર્વક વંદન કરું છું, મારું જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થાય અને હું જ્ઞાનનો સાર પામું તેવી ભાવપૂર્વક નમ્ર અર્ચના કરું છું.’ આ પ્રમાણે મનમાં સંકલ્પ કરીને ભાવપૂર્વક પાંચવાર વંદન કરવા. ‘ઓમ એં હ્રીં  સરસ્વત્યે નમઃ’ કે ‘ઓમ એં હ્રીં નમઃ’ના જાપ કરવા. આ મંત્રોની પાંચ માળા કરવી, પૂજા દરમ્યાન વાત કે અન્ય કંઈપણ બોલવું નહિ. પોતાના પુસ્તકોને સાક્ષાત જ્ઞાનનું સ્વરૂપ માની, તેની પાંચ પ્રદક્ષિણા કરવી. દિવસ દરમ્યાન ઉપવાસ રાખી શકાય. જ્ઞાનની ચીજો જેવી કે, પેન્સિલ, પેન, નોટ, ચોપડા વગેરેનું વિદ્યાર્થીઓમાં વિતરણ કરવું. નાના બાળકોને જ્ઞાનપંચમીના દિવસે સવારે મંત્ર લેખન કરાવી અને સરસ્વતીદેવીને વંદન કરવાથી તેમના શુભકર્મોમાં વૃદ્ધિ થાય છે અને તેઓ વધુ મેઘાવી બને તેના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

રાશિવાર વિશેષ પ્રયોગ:

મેષ અને વૃશ્ચિક: પૂજામાં લાલ રંગની પેન, કાગળ અને ફૂલનો ઉપયોગ કરવો.

વૃષભ અને તુલા: સફેદ રંગના કપડા અને સફેદ ફૂલોનો પૂજામાં પ્રયોગ કરવો. દૂધ કે દહીંનો પ્રસાદ કરવો.

મિથુન અને કન્યા: લીલા રંગના કપડા અને પેન વાપરવા, પૂજામાં આંબાનો પાટલો અને પાન વાપરવા.

કર્ક: પલાશના કે પલાશ જેવા રંગના પુષ્પ, ચાંદી અને ચોખા વડે ઉપાસના કરવી, ખીરનો પ્રસાદ કરવો.

સિંહ: તાંબાના વાસણ, લાલ પેન અને સુખડનો પૂજામાં પ્રયોગ કરવો, પૂર્વાભિમુખ બેસવું.

મકર અને કુંભ: નાળિયેર વધેરવું, પ્રસાદ કરવો અને એક નાળિયેર મંદિરમાં આપવું. વિદ્યાર્થીઓને પેન, કાગળનું દાન કરવું.

ધન અને મીન: પીળા રંગનું કપડું વાપરવું, પૂજામાં હળદરનો ચાંલો કરવો. સુપાત્રને પુસ્તકનું દાન કરવું.

અહેવાલ- નીરવ રંજન

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]