અખાત્રીજઃ આજના દિવસે કરેલા પુણ્ય કર્મનો નહીં થાય ક્ષય

આજે અક્ષય તૃતીયા-અખાત્રીજનો પાવન દિવસ છે. હિંદુ ધર્મમાં આ તિથિનું અનેરું મહત્વ રહેલું છે. અખાત્રીજ તરીકે જાણીતી આ તિથિ એટલે આમ તો વણજોયું મુહૂર્ત. અક્ષય અર્થાત જેનો ક્ષય નથી થતો તે. હિંદુ પંચાગ અનુસાર વર્ષના બીજા મહિનાની વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવાય છે. આજના દિવસે કરવામાં આવેલા દાન-ધર્મનો કોઈ દિવસ ક્ષય ન થાય તેવું ફળ અને પુણ્ય મળે છે. તેથી આ સમયને સનાતન ધર્મમાં દાન ધર્મનો અચૂક કાળ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ અને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. કારણ કે આજના દિવસે 8 ચિરંજીવીઓ પૈકીના એક એવા ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. એટલે એમ કહી શકાય છે અક્ષય તૃતીયાનો દિવસ એટલે વણજોયું મૂહૂર્ત.

શાસ્ત્રો અનુસાર વૈશાખ મહિનો વિષ્ણુ ભક્તિનો શુભ કાળ કહેવાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર અક્ષય વૈશાખ મહિનાની ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાન વિષ્ણુના નર નારાયણ, હયગ્રીવ અને પરશુરામ અવતાર થયા હતાં. અને એટલા માટે જ આજના દિવસે પરશુરામ જયંતી અને નરનારાયણ જયંતી પણ ઉજવાય છે. કહેવાય છે કે ત્રેતા યુગની શરૂઆત પણ આજના દિવસે જ થઈ હતી. આજના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા પણ પુણ્યદાયી અને મહામંગલકારી માનવામાં આવે છે.

અક્ષય તૃતીયાની વ્રત કથા 

દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તે ખૂબજ વિશાળ હૃદયનો હતો. તપ અને ત્યાગમાં તે સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ સવારે ગાય-કૂતરાને ખવડાવતો અને સાંજે કીડીયારૂ પૂરતો.

ઘરમચંદની આ ધર્મ-ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા ભગવાન પરશુરામ એક દિવસ સાધુ વેશે ધરમચંદના ઘરે પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્ય અને પછી પરશુરામ બોલ્યા – હે ધર્મિષ્ઠ વણિક ! તુ હજુ અક્ષય તૃતીયા વ્રતના માહાત્મયથી અજાણ છે. આ દિવસે ગંગાસ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયા દાન કરી, ઘડાજુ દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહી થાય. જનમોજનમ તારુ આ પુણ્ય તને કામ આવશે.

અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમાં સાંભળી ઘરમચંદે તરત આ વ્રત કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ (અખાત્રીજ) આવતા એણે ગંગાસ્નાન કરી પિતૃ તર્પણ કર્યુ. સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનામહોરો ભરી, કુંભનું દાન કર્યુ. બ્રહ્મભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી. સર્વ સમૃધ્ધિનું દાન કર્યુ.

ઘરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધુંધવાતી રહી. પણ કાંઈ બોલી શકતી ન હતી. સર્વસ્વનુ દાન કરી ઘરમચંદે પૂર્ણ શ્રધ્ધાથી ભગવાન પરશુરામની પૂજા કરી. જવના રોટલા ખાધા અને આખો દિવસ ભગવાન પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એની સમૃધ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃધ્ધિ બમણી થતી હતી.

આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ઘરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન-ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માનીને પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન-પુણ્યથી મનોમન બળતી વિલાસ વતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જનમભર વંધ્યા રહી.

અને એટલા માટે જ કહેવાય છે કે જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે, અને જપ તપ દાન ઈત્યાદી કર્મ કરશે તેના ભંડાર સદા ભર્યા રહેશે.

અહેવાલઃ હાર્દિક વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]