પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવઃ શ્રાવણની શિવ આરાધના

વિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વરસાદની હેલી નવસૃજનની શક્યતાઓ લઇને આવે છે તેવા આ ભક્તોના વહાલા એવા શ્રાવણમાં શિવમહિમાના ગાનનું અનેરું મહાત્મ્ય ગવાયું છે. સંસારની આધિવ્યાધિ ઉપાધિમાં જકડાયેલાં માનવો જ્યારે આ માસમાં પણ નિત્ય શિવદર્શન ન જઈ શકે તેવી સ્થિતિમાં હોય ત્યારે મનસા સ્મરામિ અપનાવીને હૃદયપૂર્વક ભગવાન મહાદેવનું મહાત્મ્ય સ્મરણ કરતાં જ હોય છે. ત્યારે શ્રાવણ સ્પેશ્યિલમાં આજથી આપને બાર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય જણાવવા જઈ રહ્યાં છીએ. ગુજરાતી 12 મહિનામાં સૌથી પવિત્ર એવા શ્રાવણ મહિનામાં આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા ન જઈ શકીએ તો કાંઈ નહી, પણ 12 જ્યોતિર્લિંગનો મહિમા જાણીશું તો પણ દર્શન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે, તેમ શાસ્ત્રો કહે છે. chitralekha.com  શ્રાવણ સ્પેશ્યિલમાં એક નાનકડો પ્રયાસ કરી રહ્યું છે કે જેમાં અમે 12 જ્યોતિર્લિંગનું મહાત્મ્ય શ્રાવણ માસ દરમિયાન આપની સમક્ષ રજૂ કરીશું. તેની પ્રથમ કડીરૂપે આજે દેવોના દેવ મહાદેવ સોમનાથ મહાદેવનો મહિમા જાણીશું.

સૌરાષ્ટ્રેસોમનાથં ચ શ્રી શૈલેમલ્લિકાર્જુનં, ઉજ્જયિન્યાંમહાકાલં, ઓમકારંમમલેશ્વરમ

પરલ્યાંવૈજનાથં ચ ડાકિન્યાંભીમાશંકરં, સેતુબંન્ધે તું રામેશં, નાગેશં દારુકાવને

વારાણસ્યાં તુ વિશ્વેશં, ત્ર્યંબકંગૌતમીતટે, હિમાલયે તુ કેદારં, ધૃષ્ણેશં તુ શિવાલયે

એતાનિજ્યોતિર્લિંગાની, સાયંપ્રાતઃપઠેન્તરઃસપ્તજન્મકૃતંપાપં, સ્મરણેનવિનશ્યતિ

.

ભારતના બાર આદિ જ્યોતિર્લિંગમાં સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે. ભારતના પશ્ચિમ કાંઠે અને ગુજરાતના સૌરાષ્ટ્રના સાગરકાંઠે વેરાવળ પાસે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે.સોમનાથનો ઉલ્લેખ ઋગવેદમાં પણ થયો છે. દંતકથા અનુસાર સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણેચાંદીનું અને શ્રીકૃષ્ણએ લાકડાનું મંદિર બાંધ્યું હતું. જ્યાં બારેમાસ ભક્તજનોનો હરહર મહાદેવનો નાદ ગૂંજતો રહે છે તેવું સાગરકાંઠે આવેલું સોમનાથ મહાદેવનું ભવ્યાતિભવ્ય મંદિર ગુજરાતની ધરતીને પુણ્યવંતી બનાવે છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથદાદાનું મહાત્મય ગાઈએ…

પ્રાક્ટયકથાઃ

પ્રાચીન ભારતીય પરંપરાઓ દ્વારા જાણવા મળે છે તે પ્રમાણે આ જ્યોતિર્લિંગની પ્રાક્ટ્યકથા કંઇક આમ છે. ચંદ્ર (ચંદ્ર ભગવાન)ને તેના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપથી મુક્ત કરવાની કથા સોમનાથના પ્રાક્ટય સાથે જોડાયેલી છે. ચંદ્રનાં લગ્ન દક્ષની સત્યાવીસ પુત્રીઓ સાથે થયાં હતાં. જો કે, ચંદ્રને માટે તેમાંથી રોહિણી રાણી સૌથી વધુ માનીતી હતી અને તેના પ્રત્યે વધુ પ્રેમભાવ હતો અને અન્ય રાણીઓની અવગણના કરી રહ્યાં હતાં., પતિવિયોગમાં ચંદ્રની અન્ય રાણીઓ દુઃખી બની. આ વાતની જાણ દક્ષ પ્રજાપતિને પડી ત્યારે આક્રોશિત દક્ષે ચંદ્રને શાપ આપ્યો કે ‘ચંદ્ર તારો ક્ષય થાવ’.ચંદ્રએ પ્રકાશની શક્તિ ગુમાવી દીધી અને ચંદ્ર આખરે નિસ્તેજ થઈ ગયો.ચંદ્રએ પોતાનું તેજ ગુમાવતાં પૃથ્વી પર હાહાકાર મચ્યો કારણ કે હવે રાત્રિના પ્રકાશથી પૃથ્વી વંચિત બની ગઈ હતી. પૃથ્વી નારીનું રુપ લઇ પ્રજાપિતા બ્રહ્મા પાસે પહોંચ્યાં અને ચંદ્રની જ્યોતિના અભાવથી વ્યાપ્ત કષ્ટોની વ્યથા રજૂ કરી. ત્યારે પ્રજાપિતા બ્રહ્માએ ચંદ્રદેવને શાપપથી મુક્ત થવા સલાહ આપી કે તેઓ મહાદેવને પ્રસન્ન કરી શાપનિવારણ કરે. ચંદ્રદેવ મહાદેવની ઉપાસના માટે પ્રભાસ તીર્થ પર પહોંચ્યાં. ભગવાન શિવની પૂજા કરી અને ધ્યાનજપતપ આદરી ચંદ્રએ આ ક્ષેત્રમાં મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. ચંદ્રની મહાન તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈ છેવટે ભગવાન શિવે પ્રકટ થઈ દર્શન આપ્યાં અને અંધકારના શાપથી મુક્તિ આપી. ત્યારથી કહેવાય છે કે શિવજીની કૃપાથી 15 દિવસ સુધી વધતો અને 15 દિવસ સુધી ઘટતો ચંદ્ર થાય છે(સુદ અને વદ). લૌકિક પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે ચંદ્રએ એક સુવર્ણ મંદિર બનાવ્યું હતું, ત્યારબાદ રાવણ દ્વારા રજત મંદિર બનાવવામાં આવ્યું હતું, ભગવાન શ્રીકૃષ્ણએ સોમનાથ મંદિરને ચંદનના કાષ્ઠથી બનાવ્યું હોવાનું મનાય છે.

પ્રથમ પ્રાણપ્રતિષ્ઠાને થયાં  7,99,25,105 વર્ષ

પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના તેજસ્વી અર્ધના શુભ ત્રીજા દિવસે કરવામાં આવી હતી. વારાણસીના શ્રીમદ આદ્ય જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાના અધ્યક્ષ સ્વામી ગજાનનંદસરસ્વતીજીએ સૂચવ્યું હતું કે, સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ મુજબ, પ્રથમ મંદિર 7,99,25,105 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી લાખો હિન્દુઓ માટે પ્રેરણાસ્રોત છે.

ભગવાન સોમનાથના આશીર્વાદથી ચંદ્ર ભગવાનને તેમના સસરા દક્ષાપ્રજાપતિના શ્રાપથી મુક્તિ મળી હોવાનું કહેવાય છે. શિવ પુરાણ અને નંદી ઉપપુરાણમાં શિવે કહ્યું હતું કે, હું હંમેશાં બધે જ હાજર છું પરંતુ ખાસ કરીને જ્યોતિર્લિંગ તરીકે 12 સ્થળોએ હાજર છું. સોમનાથ આ 12 પવિત્ર સ્થાનોમાંથી એક છે અને બાર પવિત્ર શિવ જ્યોતિર્લિંગોમાં આ પ્રથમ છે.

મુસ્લિમ આક્રમણખોરોએ સદીઓ સુધી કર્યો ધ્વસં

ઇતિહાસ પર નજર કરીએ તો અગિયારમીથી અઢારમી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણકારો દ્વારા ધનભંડારની સમૃદ્ધિ લૂંટવાના ઇરાદે સોમનાથ મંદિરને અનેક વખત ખંડિત કરી નાંખવામાં આવ્યું હતું. લોકોની પવિત્ર અને ધાર્મિકભાવનાથી દર વખતે સોમનાથ મહાદેવમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આધુનિક મંદિરનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી કરવામાં આવ્યું હતું, તેમણે 13 નવેમ્બર, 1947 ના રોજ સોમનાથ મંદિરના ખંડેરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 11 મે,1951ના રોજ હાલના સોમનાથમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

અદભૂત છે સ્થાપત્યકલા

હાલ શ્રી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિરનો વહીવટ કરે છે. આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન સરદાર વલ્લભભાઈ પટેલ હતાં. સોમનાથ મંદિરની સ્થાપત્યકલાની વાત કરીએ તો એ ચાલુક્યશૈલીથી બાંધેલું આજનું કૈલાશમહામેરુ પ્રાસાદ મંદિર છે, તે ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે.

સોમનાથ તીર્થ સંલગ્ન મહાતીર્થો

સોમનાથ મંદિરની નજીક હિરણ્યા,સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણીઘાટની પાસે મહાપ્રભુજીની બેઠક છે અને બ્રહ્મકુંડ નામની વાવ છે.તેની પાસે બ્રહ્મકમંડળ કૂવો અને બ્રહ્મેશ્વરમહાદેવનું મંદિર આવેલું છે. અહીં રસ્તામાં જલપ્રભાસ નામના કુંડો આવેલા છે.સોમનાથથી 4 કિલોમીટર દૂર એક મોક્ષ પીપળો છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણએ દેહોત્સર્ગ કર્યો હતો, આ સ્થળ ભાલકાતીર્થ તરીકે જાણીતું છે.

સોમનાથ મહાદેવના દર્શન કરવા દરરોજ હજારોની સંખ્યામાં દેશવિદેશથી ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. અને શ્રાવણ મહિનામાં તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવભક્તોનો ભારે ધસારો રહે છે. તમામ શિવભક્તોને દર્શન થાય તે માટે સોમનાથ ટ્રસ્ટે તમામ સગવડ ઉભી કરી છે.

આ વર્ષના શ્રાવણ માસમાં સોમનાથના દર્શન માટે ટ્રસ્ટ દ્વારા મહત્ત્વની જાણકારી આપી દેવામાં આવી છે જેનાથી દેશદેશાવરથી દર્શનાર્થે આવતાં ભક્તોને સમયાનુકૂળતા રહે. આ વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભક્તો દર્શને ઉમટશે. રોડ,રેલવે માર્ગે સારી રીતે જોડાયેલું સોમનાથ વેરાવળ બંદરથી પણ નજીક હોવાના કારણે તેનું અલગ સ્થાન છે.

અરબી સમુદ્રતટે પ્રભાસક્ષેત્રમાં બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના   તીર્થધામમાં ભવ્ય શ્રાવણ મહોત્સવ ઉજવાશે.શ્રાવણના ચાર સોમવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી તથા અમાસના દિવસે મંદિર દર્શનાર્થીઓ માટે વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ખુલશે.ધાર્મિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિકતાનો ત્રિવેણીસંગમ સોમનાથમાં રચાશે.લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ તીર્થધામમાં શ્રાવણ પર્વે દર્શન કરીને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવશે.

શ્રાવણ માસમાં આ રહેશે દર્શનપૂજન કાર્યક્રમ…

દૈનિક કાર્યક્રમ
સમય કાર્યક્રમ સમય કાર્યક્રમ
પ્રાતઃ ૬-૦૦ પ્રાતઃમહાપૂજન પ્રારંભ ૧૧-૦૦ મધ્યાન્હ મહાપૂજા-મહાપૂજન-મહારૂદ્ર અભિષેક
૭-૦૦ પ્રાતઃ આરતી (૧૫ મીનીટ) ૧૨-૦૦ મધ્યાન્હ આરતી(૧૫ મીનીટ)
૮-૩૦ સવાલક્ષબિલ્વાર્ચન ૦૫-૦૦ થી ૯-૦૦ સાયં શૃંગારદર્શન, દીપમાળા
૯-૦૦ યાત્રિકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ ૭-૦૦ સાયં આરતી(૧૫ મીનીટ)
૧૦-૦૦ મંદિર બંધ થવાનો સમય
શ્રાવણના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ ૭દિવસ દરમિયાન મંદિર પ્રાતઃ ૪૦૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૧૦૦ કલાકે બંધ થશે.તેમ જ આ સિવાયના દિવસોમાં મંદિર સવારે ૫૩૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૦૦૦ વાગ્યે બંધ થશે
શ્રાવણ સુદ બીજ તા.૦૨૦૮૨૦૧૯ શુક્રવાર
સમય કાર્યક્રમ સમય કાર્યક્રમ
સવારે ૫-૩૦ મંદિર ખુલવાનો સમય ૧૧-૦૦ મધ્યાન્હ મહાપૂજન
સવારે ૬-૧૫ પ્રાતઃમહાપૂજન ૧૨-૦૦ મધ્યાન્હ આરતી
સવારે ૭-૦૦ પ્રાતઃ આરતી(૧૫ મીનીટ) ૦૫-૦૦ થી ૯-૦૦ સાયં શૃંગાર દર્શન
સવારે ૮-૦૦ નૂતન ધ્વજારોહણ ૦૬-૩૦ થી ૮-૦૦ દીપમાળા
સવારે ૮-૩૦ સવાલક્ષબિલ્વપૂજા પ્રારંભ ૭-૦૦ સાયં આરતી(૧૫ મીનીટ)
સવારે ૮-૪૫ મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ ૧૦-૦૦ મંદિર બંધ થવાનો સમય

 

પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરૂ થનાર છે. શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા.૦૨-૦૮-૨૦૧૯ શ્રાવણ સુદ બીજને શુક્રવારે થશે અને પૂર્ણાહૂતિ તા.૩૦-૦૮-૨૦૧૯ શ્રાવણ વદ અમાસને શુક્રવારે થશે. મહામૃત્યુંજયમંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષબિલ્વપૂજા, વિશેષ પૂજાવિધિમાં વિશ્વના અનેક સ્થળોએથી લાખો ભાવિકો અને ભક્તજનો ઉમળકાભેર તેમાં જોડાશે.શ્રાવણના પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે ૯-૧૫ કલાકે મંદિર પરિસરમાં શ્રી સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

યાત્રી સુવિધાઓ…

શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી ૨૯ જેટલા અલગઅલગ શણગાર કરવામાં આવશે.ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર-દર્શન, આરતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વૃદ્ધો, અશક્ત યાત્રિકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી સોમનાથ મંદિર સુધી પહોચવા વિશેષ નિઃ શુલ્ક વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી છે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહિત અનેક સવલતોનો યાત્રીઓ લાભ લઇ શકશે.

શ્રાવણમાં ભક્તોના પ્રવાહને ધ્યાને રાખી, વિશેષ પ્રસાદ, ગંગાજળ, પૂજાવિધિ, ક્લોકરૂમ, જૂતાંઘર સહિત વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણમાસ દરમિયાન સ્વાગત કક્ષ 24 કલાક ખુલ્લો રહેશે, જ્યાં યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે.ભક્તો માટે શ્રી સોમનાથ હરિહર પ્રસાદ સેવા કેન્દ્રથી ભક્તોને નિઃ શુલ્ક બૂંદી તથા ગાંઠીયાનું વિતરણ કરવામાં આવશે, સાથે જ શ્રાવણમાં યાત્રીઓને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ટેમ્પરેરી પાણીની પરબો શરૂ કરવામાં આવશે.આવનાર યાત્રિકસંઘો તરફથી પ્રસાદ ફરાળ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શ્રાવણમાં દૂરદૂરથી આવતાં ભક્તજનો શાંતિપૂર્ણ આરામ મેળવી થાક હળવો કરી શકે તેવા શુભાશયથી એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.નગરપાલિકા દ્વારા મોબાઇલ ટોઇલેટ મૂકવામાં આવ્યાં છે, તેમ જ ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી જાણકારી મદદ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પ્રભાસક્ષેત્ર જ એક એવું ધામ છે કે ત્યાં ભગવાન દ્વારિકાધીશ પ્રભાસમાં પધાર્યા હતાં, તે પહેલાં શિવ ત્યાં બિરાજેલાં હતાં. પ્રભાસ એ હરિહરક્ષેત્ર છે. અહીં ભગવાન શિવ અને કૃષ્ણ બન્ને બિરાજમાન છે. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ ભગવાન કૃષ્ણે પ્રભાસક્ષેત્રમાં આપ્યો હતો. એવા સોમનાથ મહાદેવને શિશ ઝૂકાવીને કોટીકોટી વંદન અને ઓમ નમઃ શિવાય…

અહેવાલઃ પારુલ રાવલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]