શ્રદ્ધાળુ નહીં, શ્રદ્ધા બનો

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

શ્રદ્ધા એવું તત્વ છે, કે જેને તમે જન્માવી ન શકો. એક વાર તે પ્રગટ થઈ ગઈ, તો બસ, થઈ ગઈ, પણ જો ન થાય, તો નથી જ થતી. તો શું તેનો અર્થ એ કે ‘મારે બેઠા રહીને એક દિવસ અચાનક શ્રદ્ધા પ્રગટ થાય તેની રાહ જોવાની?’ ના, જો તમે આ સૃષ્ટિમાં જીવનના સિદ્ધાંતો સમજી જશો, તો તમને સમજાશે કે કોઈ પણ બાબત માટે, તમારે યોગ્ય પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરવું જરૂરી છે. જો તમે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ નહીં કરો, તો તમે ગમે તેટલો પ્રયત્ન કરો, તે વસ્તુ આકાર પામશે નહીં. આથી, શ્રદ્ધા લાવવા માટે સૌપ્રથમ તમારે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું આવશ્યક છે.

શ્રદ્ધા માટે કઈ પરિસ્થિતિ હોવી જરૂરી છે? જિસસે કહ્યું છે, ‘આવો, મને અનુસરો.’ તેમણે આવું કહ્યું, ત્યારે તે સમયના બૌદ્ધિક, શિક્ષિત અને શક્તિશાળી લોકો તેમને નહોતા અનુસર્યા. ફક્ત માછીમારો અને ખેડૂતો તેમને અનુસર્યા, કારણ કે વિચારશીલ મગજ કોઈને પણ અનુસરી શકતાં નથી. ફક્ત સરળ અને નિર્દોષ જ તેમને અનુસરી શક્યા.

શ્રદ્ધા કેવળ નિર્દોષ વ્યક્તિઓ માટે છે. જે ક્ષણે તમારામાં આધુનિક શિક્ષણ પ્રવેશે છે, તે ક્ષણથી તમે વિચારશીલ દિમાગ ધરાવતા થઈ જાઓ છો, જે પ્રશ્નો કરે છે, શંકા કરે છે. તે સ્થિતિમાં તમે શ્રદ્ધાના માર્ગને અનુસરી શકો નહીં. તો શું તેનો અર્થ એ કે શ્રદ્ધાનો વિષય તમારા માટે અશક્ય છે? ના, પણ તમારી પાસે ન હોય, તેવી કોઈ વસ્તુથી શરૂઆત ન કરવી. તમારી પાસે અત્યારે જે હોય, તમારામાં જે પણ આગળ પડતું હોય, તેનાથી શરૂઆત કરવી. જો તમે વિચારશીલ વ્યક્તિ હોવ તો, તેનો ઉપયોગ કરો, તમે ઘણા ફિઝિકલ હોવ, તો તેનો ઉપયોગ કરો. જો તમે ઘણા જ ઊર્જાસભર છો અથવા ઘણી જ સંવેદનાઓ ધરાવો છો, તો તેનો ઉપયોગ કરો, તે ઘણું જરૂરી છે. તમે અનુભવના એક ચોક્કસ સ્તર પર પહોંચો, ત્યાર પછી ઉપાસના કે ભક્તિ તમારો કુદરતી ભાગ બની જાય છે. જો તમે ધાર્મિક કે શ્રદ્ધાળુ બનવાનો પ્રયત્ન કરશો, તો તે તમે છેતરપિંડી કરી રહ્યા છો, આ પ્રકારની ભક્તિ ભ્રામક છે, છેતરામણી છે.

શ્રદ્ધાનું તત્વ તમારી અંદર વસે છે. તે તમારો ગુણ છે. તે તમે જે બનો છો–તે છે, તમે જેમાં વિશ્વાસ ધરાવતા હોવ તે નહીં. શ્રદ્ધાએ અસ્તિત્વમાં ફરીથી ગળાડૂબ થઈ જવાની ક્રિયા છે. તમે એ સમજો છો અને અનુભવો છો કે તમે સૃષ્ટિના ઘણા જ નાના અંશ છો. તે માટે કોઈ બૌદ્ધિક સમજણ હોવી જરૂરી નથી, તે જીવંત અનુભવ છે કે તમે સ્વયંને આ પૃથ્વીનો નાનો અંશ ગણો છો. જ્યારે તમે આ રીતે જીવંત અનુભવ બનો છો, ત્યારે તમે શ્રદ્ધા છો. ત્યાં સુધી શ્રદ્ધા વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.

લોકો જે નિષ્ઠા વિશે વાત કરે છે, તે વફાદારી છે. તે ગુલામો અને મૂર્ખાઓ માટે છે. વફાદારીની વાત કરનારા લોકોનું હિત તમને પકડી રાખવામાં રહેલું હોય છે. વફાદારી તમને પકડી રાખવા માટેની યુક્તિ છે. જ્યારે શ્રદ્ધા તમને પકડી રાખવા માટે નહીં, બલ્કે તમને મુક્ત કરવા માટે છે. શ્રદ્ધામાં જૂથબંધી નથી હોતી. શ્રદ્ધા એટલે આ અસ્તિત્વનો એક ભાગ બનવું. શ્રદ્ધા એટલે તમે જે કરો છો તે નહીં, બલ્કે તમે જે બનો છો તે.

(દેશના પચાસ સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. ભારત સરકારે સદગુરુની પ્રશંસનીય સેવા બદલ 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ – પદ્મ વિભૂષણથી નવાજીને તેમનું સન્માન કર્યું હતું.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]