વાત ગુડલક ચાર્મ લાફિંગ બુદ્ધાની: શું લાફિંગ બુદ્ધા ખરેખર હતાં?

જીવનમાં સુખ સમૃદ્ધિની સૌને શોધ હોય છે, માણસ કેવા વાતાવરણમાં રહે છે તે ખુબ મહત્વનું છે. જો આસપાસનો માહોલ સકારાત્મક હોય તો તેનું જીવન સકારાત્મક બનીને સમૃદ્ધિ તરફ ચાલવા લાગે છે. આપણો આત્મા સુક્ષ્મ શરીરમાં રહે છે, શરીર મકાનમાં રહે છે, અને મકાન એક શહેરમાં એક દિશાએ રહે છે. આમ મકાન, શરીર અને આત્મા ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે.

લાફીંગ બુદ્ધાની પ્રતિમા આપણને અવારનવાર જોવા મળે છે, દુકાન, ઓફfસ કે ઘરોમાં પણ લાફીંગ બુદ્ધાની પ્રતિમા જોવા મળે છે. જાણીને આશ્ચર્ય થશે કે લાફીંગ બુદ્ધા એક સંત હતા, જાપાન અને ચીનમાં આ પ્રતિમાને ‘હોતી’ કહેવાય છે. તેઓ એક બુદ્ધિસ્ટ ઝેન માસ્ટર હતા અને આશરે હજાર વર્ષ પહેલા જાપાન અને ચીનમાં વિહાર કરતા હતા. એવું કહેવાય છે કે તેઓ હંમેશા હસતા રહેતા હતા. માટે તેઓનું નામ લાફીંગ બુદ્ધા પડ્યું હતું. તેઓ મૈત્રેય બોધિસત્વનું સ્વરૂપ હતા અને તેઓને મૈત્રેય બોધિસત્વના આગામી અવતાર તરીકે પણ જોવામાં આવે છે. ભગવાન ગૌતમ બુદ્ધ અને લાફીંગ બુદ્ધા બંને અલગ છે, લાફીંગબુદ્ધાએ એક બુદ્ધિસ્ટ ઝેન માસ્ટર હતા અને જાપાન-ચીનમાંપ્રસિદ્ધ હતા, તેઓ ગૌતમ બુદ્ધના સમય પછીનાબુદ્ધિસ્ટ ઝેન માસ્ટર્સની શ્રેણીમાં હતા.

લાફીંગ બુદ્ધા જયારે ધ્યાનમાં હતા ત્યારે તેમને નિર્વાણની પ્રાપ્તિ થઇ; તેઓને બધી સમસ્યાઓનું ખરું સ્વરૂપ સમજાયું. તેઓને સમજાયું કે,બીજા લોકોની સમસ્યાઓ માટે આપણી પાસે હજારો ઉપાય છે, પણ આપણી પોતાની સમસ્યા માટે આપણી પાસે ઉપાય નથી હોતો? તેઓએ સમસ્યા આવે ત્યારે તેનાથી પોતાને અલગ રહેવા કહ્યું અને સમસ્યા નાની જ આવી છે, તે વાત ધ્યાન પર લેવા કહ્યું.વાત જયારે લાફીંગ બુદ્ધાના જ્ઞાનની છે ત્યારે આપણે વિચારવું રહ્યું કે, મોટેભાગે આપણે એવી સમસ્યાઓ વિષે જ વિચારીએ છીએ જેની માટે આપણે કોઈ ઉપાય નથી શોધી શકતા! જો ઉપાય જ ના હોય તો સમસ્યા માટે ચિંતા કરવાનો શું અર્થ? માટે જ હસવું જોઈએ. એ જ નિર્વાણ હશે. કહેવાય છે કે લાફીંગ બુદ્ધાને જયારે નિર્વાણની પ્રાપ્તિ થઇ ત્યારે તેઓ દિવસ રાત હાસ્ય કરતા રહેતા હતા. ઊંઘમાં પણ તેમના શિષ્યો તેમને હસતા સંભાળતા હતા. લાફીંગબુદ્ધા જયારે પણ બહાર નીકળતા ત્યારે તેઓ બાળકો વચ્ચે અનેક વસ્તુઓ અને ઉપહાર વહેંચતા હતા, તેઓનું હાસ્ય સદાય ચાલતું રહેતું. તેમનું આ  હાસ્ય અનેક લોકો માટે દવાનું કામ કરતુ હતું. સમય જતા લોકો તેમને જોઇને નિર્દોષ રીતે આનંદમાં આવીને હસવા લાગતા, કહેવાય છે કે માત્ર હાસ્યને લીધે જ એમના કેટલાય શિષ્યોને નિર્વાણની પ્રાપ્તિ થઇ હતી.આપણેકેટલીય તકલીફોનો રોજ સામનો કરીએ છીએ, આ સાથે નિર્દોષ હાસ્યને પણ ભૂલી જઈએ છીએ. હાસ્યતો આપણા હાથની વસ્તુ છે અને દરેક પળે પ્રાપ્ય છે જ.

લાફીંગ બુદ્ધાએ જયારે તેમનો દેહ છોડ્યો, તેના પહેલા તેમના શિષ્યોને પોતાની અંતિમ વિધિમાં દેહને અગ્નિદાહ આપવા કહ્યું હતું. શિષ્યોને આશ્ચર્ય થયું, કારણ કે તેમની ધાર્મિક પ્રણાલી મુજબ મૃત્યુ બાદ દેહને અગ્નિ આપવો શક્ય નહોતો. પરંતુ લાફીંગ બુદ્ધાની આજ્ઞા મુંજબ તેમણે તે કર્યું. જયારેલાફીંગબુદ્ધાનો દેહ બળી રહ્યો હતો ત્યારે કહેવાય છે કે તેમના દેહમાંથી ખુબ બધા ફટાકડા ફૂટ્યા હતા. તેમના દેહમાંથી જ આતશબાજી થઇ, જેના લીધે ફરીવાર લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા.

લાફીંગ બુદ્ધા વિષે અનેક માન્યતાઓ છે, જેમ કે તેઓનું મોટું પેટ બહાર હોય છે. આ પેટ પર સ્પર્શ કરવાથી નસીબ બળવાન બને છે, નાણાં અને ખુશીઓમાં વધારો થાય છે. લાફીંગબુદ્ધાને ઘરના કે ઓફિસના પ્રવેશની સામે સીધીનજરે જોઈ શકાય, તે રીતે મુકવા જોઈએ. ઘર કે ઓફિસમાં પ્રવેશતાં જ પહેલી નજર લાફીંગ બુદ્ધા પર પડવી જોઈએ. લાફીંગ બુદ્ધાનેતાઓ, બુદ્ધિઝમ અને શિન્તો પ્રણાલીઓમાં પણ સ્થાન મળ્યું છે, તેઓ શુભતા અને વૈભવના પ્રતીક સમાન છે. તેની પૂજા કરવાની ક્યાંય વાત આવતી નથી પણ તેમના સ્મિત પાછળ જે સરળ વાત છુપાયેલી છે તેને યાદ કરવાની જ વાત છે. આનંદ અને સમૃદ્ધિ તમને મળવાની જ છે.

નીરવ રંજન

વિચારપુષ્પ: તમે સુંદર છો કારણ કે, તમારા જેવું જ હાસ્ય દુર્લભ છે.