મનના મોતી, ધમ્મપદ સરિતા

ત્યને સત્ય તરીકે સ્વીકારવું અને હકીકતને સભાનપણે સ્વીકારવાથી મનુષ્યને સુખનો માર્ગ મળે છે. જે સત્યને સમજતો નથી, હકીકતને સ્વીકારવા માંગતો નથી, અર્થાત ન જોયેલા સુખને શોધવા મથે છે, જે તર્ક સંગત હકીકત નથી તેની પાછળ સમય બગાડે છે, તેને અંતે દુઃખ અને વિલાપ જ મળે છે. ઘણીવાર સત્ય ખૂબ જ સરળતાથી સમજી શકાય છે, પરંતુ આપણું મન ભૂતકાળના અનુભવ અને માન્યતાઓનું ગુલામ બનીને જ રહે છે.જયારે મન નબળું હોય છે, મન વશમાં નથી, હકીકતને જોઈ નથી શકતું ત્યારે જેમ તૂટેલા ઝૂંપડામાં વરસાદનું પાણી ઘુસી જાય તેમ, મનુષ્યના જીવનમાં દુઃખ અને વાસના ઘર કરી જાય છે. મનુષ્યે મનને પોતાની સુરક્ષા માટે હકીકતોથી સભાન અને વર્તમાનકાળમાં રાખવું જોઈએ. મનની હરકતો અને ખોટા વિચારો સામે હમેશાં સતર્ક રહેવું જોઈએ. જે શક્ય નથી, તેના વિચારોને ત્યાગવા જોઈએ. નબળા મનને લીધે મનુષ્ય જીવનભર પાપ આચરે છે, ખોટી સંગતમાં પડે છે, ખોટા આકર્ષણની પાછળ દોડી પાપમાં પડે છે. આવા મનુષ્યને અંતે મૃત્યુ સમયે પોતાના પાપને લીધે શાંતિ મળતી નથી. નાના નાના સુખો માટે, લાલચને માટે મનુષ્ય પોતાના સ્વજનો સાથે સંબંધ બગાડે છે. તેનું સ્વજન અંતકાળે તેની સાથે નથી રહેતું, અપમાન અને અન્યોથી ત્યજાયેલ આવા મનુષ્યને પરલોકની ગતિના વિચારે પણ દુઃખ ઉપજી આવે છે. પરંતુ જે મનુષ્ય જિતેન્દ્રિય છે, સભાનપણે વર્તમાનમાં જીવીને સર્વે પદાર્થોનું યથાર્થ દર્શન કરે છે, મનને વશમાં કરીને સંસારમાં રહે છે, તેને મૃત્યુ સમયે પણ સુખ મળે છે, તેને પરલોકની ચિંતા સતાવતી નથી. કોઈ પણ પાપ આચરતા કે જીવને તકલીફ આપતા પહેલાં શું આ યોગ્ય છે? તેનો વિચાર કરી લેવો જોઈએ.

અનેક ધર્મગ્રંથો વાંચ્યા બાદ પણ આચરણ ના કરવાથી, જેમ કોઈ માણસ પશુ ચરાવતો હોય તેમ મનુષ્ય ગ્રંથો ગણે છે. આચરણ વગરનું જ્ઞાન, સુગંધ વિનાના ફૂલ જેવું છે. પરંતુ ધર્મગ્રંથો અને વિદ્વાનોના વચનને એકવાર જાણ્યા બાદ તુરંત પોતાનો વ્યવહાર સુધારનાર મનુષ્યને જીવન દરમ્યાન સુખરૂપ પરિણામો મળે છે. આ પરિણામો તરત નથી મળતા, પણ જેમ સમય જતા ફળ પાકે છે, તેમ મનુષ્યના સારા વિચારો તેને આનંદ આપે છે. જેમ એક પ્રકારના ફૂલ વડે ઘણા પ્રકારની શોભા થઇ શકે, તેમ સારા વિચારો આવવાથી જીવન પણ શોભી ઉઠે છે. ચંદનની મહેક હવા સાથે પ્રસરે છે, જ્યાં હવા જાય ત્યાં ચંદનની સુવાસ મળે છે. પણ વિદ્વાન મનુષ્યના ગુણો હવાના મોહતાજ નથી, તેમના ગુણોની સુવાસ તો ચારે તરફ વહે છે.

મન મરી જતા સંસાર નીરસ બની જાય છે, ભોગ મનને મારવાનું જ કામ કરે છે, ભોગ ભોગવાઈ જતા મનુષ્ય જાણે વધુ દુઃખી બને છે અને ભોગની ક્ષણભંગુરતાને તરત જાણે છે. ભોગ જાણે નદીમાં પુર આવે અને બધું તણાઈ જાય તેમ મનુષ્યના મનની સ્થિરતા અને સમજને તાણી જાય છે. પરંતુ જે મનુષ્ય પોતાના મનનો માલિક બનીને જીવે છે, તેનું મન મરી નથી શકતું, તે સંસારમાં સભાનપણે સુખ પામી શકે છે. બધા સુખો મનને આધીન છે, તે તેને ખબર હોય છે.

મન જયારે અનિયંત્રિત હોય છે, ત્યારે જેમ માછલી જળ વગર તડપે તેમ મન પણ ભોગ માટે તડપે છે. આવા મનને તર્ક વડે જ શાંત કરી શકાય છે. જયારે મન નિયંત્રણને લીધે આનંદિત હોય છે, ત્યારે ડર પણ આપોઆપ મરી જાય છે. મનુષ્ય પણ નીડર બની જાય છે. જેમ સુકાઈ ગયેલું ઝાડ, જમીન પર આડું પડ્યું હોય ત્યારે તેને માત્ર બળવાનો જ અવસર હોય છે. માણસ પણ જયારે પ્રાણ વિનાનો થશે ત્યારે તેની સાથે પણ માત્ર એક જ અવસર હશે માત્ર બળવાનો, વિદ્વાન મનુષ્ય આ સારી રીતે જાણે છે.  શત્રુઓ મનુષ્યને રણમાં મારે છે, પણ અજ્ઞાની અને વગર વિચાર્યે ગતિ કરતુ મન તો જાણે મનુષ્યને બધે જ મારે છે. મનને જીતેલ મનુષ્ય સભાનપણે જીવે છે, જેમ મધમાખી ફૂલને નુકસાન કરતી નથી તેમ વિદ્વાન મનુષ્ય પણ સંસારમાં સારા ગુણ ગ્રહણ કરે છે, અન્યને તકલીફ આપ્યા વગર.

કોઈની પણ ભૂલ કાઢવા મન તરત દોડ્યું જાય છે, પણ બીજાની ભૂલમાં પોતાની ભૂલ પણ છુપાયેલ હશે તે મનને યાદ રહેતું નથી. વિદ્વાન મનુષ્યને ખબર હોય છે કે માત્ર પોતાની ભૂલો તરફ જ ધ્યાન આપવાથી જીવન સુખરૂપ બની જાય છે. પોતાની ભૂલ જ મહત્વની છે, બીજાની ભૂલ બીજા માટે છે.

ગુણોથી ભરેલા અને બુદ્ધિથી જીવનારા મનુષ્ય આગળ કાળ પણ ભૂલો પડે છે. મૃત્યુ પણ તેમને ઓળખી નથી શકતું. ઘણીવાર કચરા કે કાદવમાં પણ એક તાજું, હસતું કમળ જોવા મળે છે. ધન્ય છે એ બુદ્ધિશાળી મનુષ્ય.

અહેવાલ- નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]