વિચાર એક શક્તિ છે…

(બી.કે. શિવાની)

આપણે દરરોજ કેટલા ખુશ રહીએ છીએ? શું જીવનમાં દરેક ક્ષણ ખુશ રહેવું શક્ય છે? સામાન્ય રીતે આપણી એવી એક માન્યતા હોય છે કે દરેક ક્ષણ આપણે ખુશ ના રહી શકીએ. જીવનમાં ક્યારેક ખુશી તો ક્યારેક ઉદાસીનો અનુભવ થશે. હવે આપને એટલી ખબર પડી કે મારી ખુશી કોઈ ચીજ વસ્તુ ઉપર આધારિત નથી. ખુશી હું મારી જાતે જ ઉત્પન્ન કરું છું. 

દિવસ દરમ્યાન આપણને જે વિચારો આવે છે તે આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે અને આપણાં ભાગ્યને પણ બનાવે છે. આ પ્રકારની સમજણ આવવાથી આપણું સમગ્ર ધ્યાન આપણા વિચારો પર રહે છે. ભલે બહારનું કોઈપણ પ્રકારનું દ્રશ્ય જોતા હોય છતાં પણ તે સમયે જો હું શક્તિશાળી વિચાર કરું છું તો તે દ્રશ્ય જોવા છતાં કોઈ અસર થતી નથી, અને તેને હું સહજભાવે લઉં છું.  

ઘરમાં પરિવારમાં જુદા જુદા સ્વભાવ-સંસ્કારવાળા લોકોની વચ્ચે ટકરાવ છે, નોકરીની જગ્યાએ પણ કઈ ઉપર-નીચે થાય છે, તો તેવા સંજોગોમાં તમારી પાસે વિકલ્પ છે. જો તે સમયે તમે સકારાત્મક વિચાર કરી શકો છો તો તે પરિસ્થિતિને તમે સરળતાથી પાર કરી શકશો. સાથે સાથે તમારા વિચારો દ્વારા તે પરિસ્થિતિને બદલી પણ શકો છો, કારણ કે પરિસ્થિતિ વિચારો દ્વારા ઉત્પન્ન થાય છે અને બદલાય છે. 

જ્યારે કોઈ સંબંધોમાં અણબનાવ ઉભો થાય છે ત્યારે આપણે પરસ્પરનો સંબંધ ફરીથી મધુર બનાવવાની ઇચ્છા રાખીએ છીએ. પરંતુ મોટાભાગે આપણે એવું વિચારીએ છીએ કે, સામેવાળી વ્યક્તિ સંબંધો સુધારવાની શરૂઆત કરશે એટલે બધું સામાન્ય થઈ જશે. પરંતુ હવે આપણને એ સમજણ પડી કે સંબંધોને મધુર બનાવવાની શક્તિ આપણા પોતાના જ હાથમાં છે. જો તમે શુભ વિચારશો તો સૌથી પહેલા તમારા મનના વિચારો સામેની વ્યક્તિ માટે સકારાત્મક બની જશે. પરિણામે પરસ્પરના સંબંધો પણ સુમધુર થતાં જશે. પરંતુ જો બંને વ્યક્તિઓ એમ વિચારે કે, પહેલા સામેની વ્યક્તિના વિચારોમાં પરિવર્તન આવે તો જ સંબંધો મધુર બની શકશે. તો શું ખરેખર આ શક્ય બનશે?  

હવે નવી સમજ સાથે જીવવાનું શરૂ કરીએ કે, બીજાનો દોષ કાઢવાનું બંધ કરી દઈએ કે, તેના કારણે આવું થયું….આ સમયે એક મિનિટ માટે પોતાના વિચારોને જોઈએ કે અત્યારે મારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે? ઘણીવાર આપણે એવું માનીએ છીએ કે, પોતાના વિચારોને જોવા સમજવા અઘરા છે. ખરેખર તે અઘરા નથી. પરંતુ આપણે કોઈ વાર પોતાના વિચારોનો વિષે વિચાર જ ન હતો કર્યો. 

હવે જ્યારે કોઈ સ્થિતિમાં આપણા વિચારોને તપાસવાનું કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે મનમાં કેવા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે? આ અંગે આપણે તરત જાગૃત થઈએ છીએ. જ્યાં સુધી આ પ્રકારની જાગૃતિ નહીં કહેવાય, ત્યાં સુધી પોતાના વિચારોને બદલવા અશક્ય છે. 

વિચાર એક શક્તિ છે જે આપણી અંદર ઉત્પન્ન થાય છે. વિચારોને ઉત્પન્ન થવાના ઘણા બધાં  આધારભૂત કારણો છે. તેમાં સૌથી પ્રથમ છે-માહિતી. આપણે આખા દિવસમાં કેવી માહિતી લઈએ છીએ છીએ? આ માહિતી આપણને ઇન્દ્રિયો દ્વારા મળે છે. જ્યારે સવારે ઊઠીએ છીએ ત્યારે મોતેભાગે સર્વ પ્રથમ છાપું વાંચવાની ટેવ હોય છે. છાપામાં પહેલા પાના ઉપર સૌથી મોટા અક્ષરોમાં સમાચાર છાપેલા હોય છે, જે છાપા દ્વારા માહિતી સવારમાં ફ્રેશ મનમાં આપણી અંદર જાય છે. પછી ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક હોય.

જયારે આપણે સવારે ઊઠીએ છીએ ત્યારે આપણું મન એકદમ શાંત હોય છે. તે સમયે મનની ગ્રહણ કરવાની શક્તિ એકદમ વધારે હોય છે. તે સમયે આપણે આપણા મનને જે પણ માહિતી આપીશું તે સરળતાથી અંદર સુધી જતી રહે છે, કારણ કે આપણું મન એક ફિલ્ટર પેપર (પાણી શોષવા વાળો કાગળ) જેવું કામ કરે છે. જે તમામ માહિતીને અંદર ગ્રહણ કરી લે છે. ત્યારબાદ તે આપણા કાર્ય, વ્યવહાર, સબંધો અને વિચારો દ્વારા પ્રગટ થાય છે. 

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)