જ્યોતિર્લિંગ વૈદ્યનાથ મહાદેવનો મહિમા, અહીં છે માતાજીની હાર્દપીઠ…

વિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આપણે અલગઅલગ જ્યોતિર્લિંગોનો દિવ્ય મહિમા જાણીએ છીએ. શિવ મહાપુરાણ અનુસાર ભારતમાં આમ તો ઘણાં બધાં સ્વયંભૂ મહાદેવના મંદિરો છે, જ્યોતિર્લિંગો છે પરંતુ આ પૈકી 12 જ્યોતિર્લિંગ પ્રમુખ છે. ત્યારે આવો આજે આપણે 12 જ્યોતિર્લિંગો પૈકી નવમું સ્થાન ધરાવતાં વૈધનાથ મહાદેવ જ્યોતિર્લિંગના મહાત્મ્યની કથા જાણીએ.

12 જ્યોતિર્લિંગોમાં નવમું સ્થાન વૈધનાથ મહાદેવનું છે, જે ઝારખંડના દેવધર નામક સ્થાન પર સ્થિત છે. આના સાથે જોડાયેલી કથા શિવપુરાણના કોટિરુદ્રસંહિતામાં વર્ણવવામાં આવી છે. આ મામલે મતમતાંતર છે. પ્રથમ દેવધર ઝારખંડ, બીજું પરલી મહારાષ્ટ્ર, ત્રીજું હિમાચલ પ્રદેશ જણાવવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગો અનુસાર આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પરલીમાં સ્થિત છે, શિવ મહાપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગ સીતાભૂમિ પાસે સ્થિત છે.આ સ્થાન 51 શક્તિપીઠો પૈકી એક છે. અહીંયા મા સતીનું હૃદય પડ્યું હતું. એટલા માટે જ આ સ્થાનને હાર્દપીઠ પણ કહેવામાં આવે છે.

પ્રાગટ્ય કથા

વૈધનાથ મહાદેવની પ્રાગટ્ય કથાની વાત કરીએ તો, એક સમયે રાવણ કૈલાશ પર્વત પર ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યો હતો. પરંતુ ઘણાં વર્ષો સુધી તપ કર્યા બાદ જ્યારે ભગવાન ભોળાનાથ પ્રસન્ન ન થયાં તો રાવણે ભગવાનને પ્રસન્ન કરવા માટે બીજું તપ શરુ કર્યું.

આ તપથી પણ ભગવાન પ્રસન્ન ન થતાં, રાવણે પોતાના મસ્તિષ્કની એક એક કરીને આહુતિ આપવાનું શરું કર્યું. આવું કરતાંકરતાં રાવણે પોતાનાં 9 માથાં કાપી નાંખ્યા. જ્યારે રાવણ પોતાના અંતિશ શિશનું છેદન કરવા જઈ રહ્યો હતો, ત્યારે ભગવાન ભોળાનાથ મહાદેવ પ્રગટ થયાં. તેમણે રાવણના માથાઓને પાછાં લાવી આપ્યાં અને પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું. રાવણે શિવજી પાસેથી પોતે સૌથી વધારે બળશાળી બને તેવું વરદાન માંગ્યું. શિવજીએ તેને બળ પ્રાપ્ત કરાવ્યું.

રાવણ ખુશ થયો અને ભગવાન ભોળાનાથના સન્મુખ નતમસ્તક થયો અને બોલ્યો કે ભગવાન તમે મારી સાથે લંકા ચાલો. રાવણના આવી વાત સાંભળીને ભગવાન ભોળાનાથે રાવણને કહ્યું કે, રાવણ તું મારા આ લિંગને લંકા લઈ જા, પરંતુ યાદ રાખજે વત્સ! કે તું આ લિંગને જે સ્થાન પર મુકીશ ત્યાં જ હું સ્થિત થઈ જઈશ.

આવું સાભળીને રાવણ પ્રસન્ન થયો અને લંકા તરફ ગતિ કરી. ભગવાન શિવની માયાથી રાવણને રસ્તામાં રસ્તામાં લઘુશંકા લાગી. રાવણ સામર્થ્યશાળી હતો, પરંતુ આ આવેગને તે રોકી ન શક્યો.

આ જ સમયે વૈજૂ નામનો એક ગોવાળ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે રાવણે તેને વિનમ્ર અનુરોધ કર્યો અને શિવલિંગ થોડી ક્ષણ સુધી પોતાના કરમાં સાચવવા માટે જણાવ્યું. એવું કહેવામાં આવે છે કે તે ગોવાળ બીજું કોઈ નહી પરંતુ સ્વયં જગતના પાલનકર્તા ભગવાન વિષ્ણુ જ હતાં. પરંતુ ગોવાળ આ શિવલિંગના ભારને વધારે સમય સુધી સહન ન કરી શક્યો અને તેણે શિવલિંગને પૃથ્વી પર મૂકી દીધું.

આ શિવલિંગ ગોવાળે પૃથ્વી પર મૂકતાંની સાથે જ ભગવાન શિવ ત્યાં સ્થિત થયાં. આ સ્થાનને અનેક નામથી ઓળખવામાં આવે છે-હ્યદય પીઠ, રાવણેશ્વર કાનન, રણખંડ, હરીતિકી વન, ચિતાભૂમિ આદિ નામથી ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ નહોતા ઈચ્છતાં કે શિવલિંગની સ્થાપના લંકામાં થાય.

રાવણ ભગવાન ભોળાનાથની લીલાને સમજી ગયો અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. દેવતાગણ પણ ત્યાં ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવી ગયાં. તમામ દેવતાગણે શિવલિંગની વિધિવત પૂજા કરી અને જ્યોતિર્લિંગનું નામ વૈધનાથ રાખ્યું.

ત્યારબાદ રાવણ લંકા ચાલ્યો ગયો. પરંતુ તમામ દેવતાગણ વિચારવા લાગ્યાં કે ભગવાન ભોળાનાથ મહાદેવથી મળેલા વરદાનથી રાવણ કંઈક અનર્થ કરશે. દેવતાઓએ નારદજીને રાવણ પાસે મોકલ્યાં. ત્યારે નારજી લંકા ગયાં અને રાવણને કહ્યું કે તું એકવાર કૈલાશ પર્વતને ઉઠાવીને જો, ત્યારે તું જાણી શકીશ કે ભગવાન મહાદેવ દ્વારા આપવામાં આવેલું વરદાન કેટલું સફળ થયું છે.

નારદજીની આ વાત સાંભળીને રાવણ કૈલાશ પર્વતને ઉઠાવવા માટે પહોંચ્યો અને તેણે કૈલાશ પર્વતને ઉંચો કર્યો. તે સમયે ભગવાન ભોળાનાથ કૈલાશ પર નિવાસ કરી રહ્યાં હતાં અને ક્રોધિત થઈને તેમણે રાવણને શ્રાપ આપી દીધો કે પોતાની શક્તિ પર ઘમંડ કરનારા દુષ્ટ રાવણ તારો અંત કરવાવાળા કોઈ દિવ્યપુરુષ જલદી જ આ ધરતી પર અવતરિત થશે. આ પ્રકારે રાવણ શાપિત થયો.

મંદિરની રચના

વૈધનાથ ધામની સ્થાપના સતયુગમાં થઈ હોવાનું માનવામાં આવે છે. વૈધનાથધામ મંદિર પરિસરમાં કુલ 22 જેટલાં મંદિરો આવેલા છે. આ તમામ મંદિરોને સફેદ રંગથી રંગવામાં આવ્યાં છે, જે સુંદર ચિત્ર પ્રસ્તુત કરે છે. હાલમાં રહેલ મંદિરનો મુખ્ય દ્વાર બિહારના ગિધોર પ્રાંતના રાજા પુરાણમલે ઈ.સ.1516માં બંધાવ્યું હતું. એવો ઉલ્લેખ છે કે બંગાળના પાલ શાસનના સામ્રાજ્યનો વિસ્તાર દેવધર સુધી કરવામાં આવ્યો હતો.

મુખ્ય મંદિરનો કળશ સોનાનો છે. આના પાછળની કથા પણ રસપ્રદ છે. અંગ્રેજોના શાસનકાળમાં સંથાળ જાતિના લોકો બાબા વૈધનાથ મહાદેવના મંદિરમાં આવ્યાં. આ લોકો પૂરેપૂરા નાસ્તિક હતાં. તેમણે આ મંદિરના તાંબાના બનેલા કળશને તીરનું નિશાન બનાવીને કળશમાં છેદ પાડ્યો. એવું કહેવાય છે કે આ છેદથી તેમાંથી હજારોની સંખ્યામાં ભ્રમરો એટલે કે ભમરાઓ બહાર નિકળ્યાં અને સંથાળ લોકોને કરડવા લાગ્યાં. ભ્રમરોના કરડવાથી ઈજાગ્રસ્ત થયેલાં આ લોકો બાબા વૈધનાથના શરણે ગયાં અને ભગવાન ભોળાનાથ મહાદેવની ક્ષમા માંગી. ભગવાન ભોળાનાથે તેમને ક્ષમા  આપી અને સંથાળ જાતિના લોકો ત્યારથી જ શિવભક્ત બની ગયાં. આ ઘટના બાદ ગિધોરનરેશની રાજમાતાને બાબા વૈધનાથે સ્વપ્નમાં આદેશ આપ્યો કે મારો તાંબાનો કળશ જીર્ણ થઈ ગયો છે. જેને બદલાવીને તમે નવો કળશ લગાવો. રાજમાતાએ તેમના રાજગુરુની સલાહ લઈને તાંબાના કળશના સ્થાને સવામણ સોનાનો કળશ ચડાવવાનો આદેશ આપ્યો. અને આજે પણ મંદિરમાં આ કળશ જોઈ શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]