નિયમ” શું છે? નિયમના સિદ્ધાંત શું છે?

સ્મિત જીવનનો સહુથી અમૂલ્ય ઉપહાર છે. આટલું કરી શકો? રોજ સવારે ઉઠીને, અરીસામાં જોઈને પોતાને જ એક સુંદર સ્મિત આપો. પોતાની જાતને કહો કે હું કોઈ પણ પરિસ્થિતિમાં મારા ચહેરા પર સ્મિત જાળવી રાખીશ. ચહેરા પરથી ક્યારેય ન વિલાતું સ્મિત એ ખરા અર્થમાં સફળ વ્યક્તિની નિશાની છે. અને નિશ્ચિતપણે જાણો કે પૃથ્વી પર તમારો જન્મ કઈ વિશિષ્ટ કાર્ય કરવા માટે થયો છે. એવું કાર્ય કે જે માત્ર તમે જ કરી શકશો, અન્ય કોઈ નહીં કરી શકે. તમારી વિશેષતાને ઓળખો, અશક્ય લાગતાં કાર્યને કરી બતાવવાનું સ્વપ્ન જુઓ. બસ, થોડું અનુશાસન કેળવવાનું છે આ માટે!

ગત સપ્તાહે, મહર્ષિ પતંજલિ દ્વારા “યોગસૂત્ર” માં આલેખન કરવામાં આવેલ સફળ જીવનના દસ સિદ્ધાંતોમાંથી પ્રથમ પાંચ સિદ્ધાંતો “યમ” વિશે જાણ્યું. “યમ” એ સામાજિક આચારસંહિતા માટેના પ્રથમ પાંચ સિદ્ધાંતો-સોશિયલ એથિક્સ છે. હવે જાણીએ, “નિયમ” શું છે? “નિયમ” એ વ્યક્તિગત આચારસંહિતા -પર્સનલ એથિક્સ, અંગેના પાંચ સિદ્ધાંતો છે.

પ્રથમ સિદ્ધાંત છે: “શૌચ”-શુદ્ધતા

સ્વચ્છ રહો, શુદ્ધ રહો. નિયમિત સ્નાન ન કરીને અત્તરથી સુગંધિત રહેવું એ સ્વચ્છતા નથી. પાણી સાથેનો સંપર્ક અગત્યનો છે. ખુબ પાણી પીઓ, અને નિયમિત સ્નાન વડે શુદ્ધ રહો. શરીરનાં બાહ્ય અને આંતરિક શુદ્ધિકરણ માટે પાણી ખુબ મહત્વપૂર્ણ છે. તમારી આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ રાખો. શરીરની સાથે મન ને પણ શુદ્ધ રાખો. તણાવમુક્ત મન, વિકાર રહિત મન એ શુદ્ધ મન છે. પ્રત્યેક કાર્ય શુદ્ધ મનથી કરો. શૌચના નિયમ પાલનથી તમે શરીરનાં સ્તરથી ઉપર ઉઠો છો. મન સાત્વિક બને છે અને બુદ્ધિ શુદ્ધ બને છે.

બીજો સિદ્ધાંત છે: “સંતોષ”

ખુશ રહો અને સંતોષી બનો. ખુશ રહેવાનો અભિગમ કેળવો. જો તમને દુઃખી રહેવાની ટેવ પડી જશે તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે દુઃખી જ રહેશો. દુનિયામાં કઈં જ તમને ખુશ નહિ કરી શકે. તો ખુશ રહેવાની ટેવ પાડો. જયારે તમે હસતાં રહો છો, ખુશ રહો છો ત્યારે શું થાય છે? તમારો ચહેરો, તમારું મસ્તિષ્ક ઊંડો વિશ્રામ અનુભવે છે. ભીતર ગહન શાંતિ અને આનંદનો તમે અનુભવ કરો છો. પરંતુ જો તમે દુઃખી અને ભયભીત રહો છો તો તમારા ચહેરા પર સખ્તાઈ દેખાય છે, મસ્તિષ્ક તણાવયુક્ત બને છે. ગમે તેવી સાનુકૂળ પરિસ્થિતિમાં પણ તમે દુઃખી જ રહો છો. સંતોષ એક પ્રકારની સાધના છે. સ્મિત રાખવું ચહેરા પર તે પણ એક સાધના છે. તમારે માત્ર નક્કી કરી લેવાનું છે કે કોઈ વ્યક્તિ નારાજ હોય, દુઃખી હોય પણ મારે દુઃખી થવું નથી. તમે તમારું સ્મિત બહુ સરળતાથી ગુમાવી દો છો. તમને પૂરા વિશ્વનું રાજપાટ મળે તો પણ સામે તમારાં હાસ્યનો સોદો કરશો નહિ. તમારું સ્મિત અણમોલ છે. તેને જાળવી રાખો. તમે દુઃખી શા માટે થાઓ છો? પૈસાનું નુકશાન થવા થી કે તમારો મિત્ર તમને છોડીને દૂર જાય છે તેનાથી? જાણી લો કે તમારે તમારું અતિ મૂલ્યવાન શરીર પણ એક દિવસ છોડી જ દેવાનું છે. તો નાની નાની બાબતોથી દુ:ખી ન થાઓ. વિપરીત પરિસ્થિતિમાં પણ તમે ખુશ રહી શકો તો તમે વિજેતા છો, એ નિશ્ચિત છે. ખુશ રહેવાની આદત તમારે પોતાએ જ કેળવવી પડશે. અન્ય કોઈ તમારા માટે એ નહિ કરી શકે. આ નિયમનું પાલન કરવાથી સર્વ દુઃખો દૂર થાય છે.

ત્રીજો સિદ્ધાંત છે: “તપસ

તમારું વાહન બગડી જાય છે અને તેને ધક્કો મારીને તમે ખુબ ચાલો છો, પ્રસ્વેદ અને થાકથી તમારું શરીર દુખે છે. તમે મનોમન ફરિયાદ કરો છો, ગુસ્સો કરો છો. હવે તમારું શરીર આવી જ પ્રસ્વેદ અને થાકની અવસ્થામાંથી ફરી પસાર થાય છે, પરંતુ આ વખતે તમે મેરેથોનમાં ભાગ લીધો છે. તમારી ઈચ્છાથી, આ પ્રતિકૂળ પરિસ્થિતિ તમે સ્વીકારી છે. ખુબ થાક હોવા છતાં તમે હસો છો, ખુશ છો. તો આ છે તપસઃ! પ્રતિકૂળ પરિસ્થિતિને ખેલદિલી પૂર્વક સ્વીકારવી અને હસતા મુખે તેમાંથી પસાર થવું તે તપસઃ છે. જે પરિસ્થિતિઓને તમે બદલી શકો, સાનુકૂળ બનાવી શકો તેને બદલો. પરંતુ જે પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે અને તમારાં નિયંત્રણમાં નથી, તેને હિમ્મતથી સ્વીકારો. આ તપ છે. જે તમને દ્રઢ અને અટલ બનાવે છે.

ચોથો સિદ્ધાંત છે: સ્વાધ્યાય

તમારું પોતાનું નિરીક્ષણ કરો. તમારાં મનનું અવલોકન કરો. તમારું વર્તન કેવું છે, તમે કઈ રીતે કોઈ પણ કાર્ય કરો છો, તમે કેવી લાગણીઓનો અનુભવ કરો છો, તમે શું વિચારો છો, આ બધાનું નિરીક્ષણ કરો. આ કરવાથી તમારી ચેતનાનો વિકાસ થાય છે. દિવ્ય ગુણોનો વિકાસ થાય છે. તો સ્વાધ્યાય કરતાં રહેવાનો અભ્યાસ કેળવો.

પાંચમો સિદ્ધાંત છે: ઈશ્વરપ્રણિધાન

દિવ્ય શક્તિ પ્રત્યે પ્રેમ. દિવ્ય શક્તિ પ્રત્યે સમર્પણનો ભાવ એ ઈશ્વર પ્રણિધાનનો સિદ્ધાંત છે. જયારે તમે કોઈ પરિસ્થિતિમાં કઈં જ કરવા સક્ષમ નથી ત્યારે પ્રાર્થના કરો. કહો કે “મારી આ પરિસ્થિતિ છે, અને મારી આ લાગણીઓ છે, હું મારી જાતને સંભાળી નહીં શકું, તો ઈશ્વર, તું આ લઇ લે, અને મને સંભાળી લે!” આ ઈશ્વરપ્રણિધાન છે. અધ્યાત્મમાં આ સિદ્ધાંતનું ખૂબ મહત્વ છે. આ સિદ્ધાંતનું પાલન કરવાથી અતીવ સ્થિરતા અને સ્થિતપ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત થાય છે.

તો, પાંચ યમ અને પાંચ નિયમ એમ આ દસ સિદ્ધાંતો જીવનના મૂળભૂત સિદ્ધાંતો છે. જે વાસ્તવમાં સરળ છે. જીવન અત્યંત સરળ છે, જો તેને જીવવાનું રહસ્ય,કલા જાણી લઈએ તો! આ દસ સિદ્ધાંતોનું પાલન વ્યક્તિને પૂર્ણ બનાવે છે. આંતર-બાહ્ય શુદ્ધિના આ સિદ્ધાંતોના પાલનથી જીવન સરળ, સહજ અને સફળ બને છે. અસ્તિત્વ પ્રત્યે, સૃષ્ટિ પ્રત્યે, દિવ્યતા પ્રત્યે કૃતજ્ઞ બની જાઓ. જીવનની સુંદરતા અને સાર્થકતાને પિછાણો. આ જ જીવન-કલા છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)