પૂર્ણ વિશ્રામ એટલે વર્તમાન ક્ષણની સાથે વહ્યા કરવું…

થાકી ગયા છો? ના? તો હવે થાકી જાઓ! કારણ જો તમે થાકી નહીં જાઓ તો તમે ક્યારેય પોતાનાં ઘરે પહોંચી નહીં શકો. તમને ત્યારે જ પોતાનું ઘર યાદ આવશે, તમે ત્યારે જ વિશ્રામ કરશો જયારે તમે થાકી ગયા હશો.

જગતમાં સઘળું એવું છે જે તમને થકવી દેશે, સિવાય કે પ્રેમ! કારણ પ્રેમ એ તમારું ઘર છે, તમારાં અસ્તિત્વનો સ્ત્રોત છે. તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે “ઓહ, પ્રેમ થી મને થાક લાગે છે!” ના, કારણ પ્રેમથી થાકવું શક્ય જ નથી. તમે થાકો છો લોકોને પોતાની વાત સમજાવીને, તમે થાકો છો પોતાનો બચાવ કરીને, તમે થાકો છો લોકોને ખુશ કરીને! તમને સઘળું થકવી શકશે. આનંદ-પ્રમોદથી પણ તમે થાકી જશો. વાસ્તવમાં કંટાળો અને થાક એ આનંદ-પ્રમોદના પડછાયા સમાન છે. મોજ-મઝા માટે તમે પોતાનાં ઘરની બહાર નીકળો છો, પરંતુ થાકો છો ત્યારે ઘર તરફ પાછા ફરો છો.

ખુશી મેળવવા માટે તમે વસ્તુઓ બદલો છો, તમે જ્યાં ઉભા છો ત્યાંથી ખુશી તમને દૂર જ દેખાય છે. ત્યાં પહોંચવાના પ્રયાસ તમે શરુ કરો છો, અને જયારે ત્યાં પહોંચો છો ત્યારે ખુશી ફરીથી દૂર સરકી જાય છે. જયારે બાળકો પોતાનાં રમકડાંથી કંટાળી જાય છે, એટલે તેમને નવાં રમકડાં જોઈએ છે. તેનાથી પણ થાકે છે તો તેમને નવા મિત્રો અથવા નવી રમત જોઈએ છે. થોડાં મોટા થાય છે એટલે તેમની પસંદ બદલાય છે. પ્રત્યેક વ્યક્તિ આવો અનુભવ કરે જ છે. જાણે એક કંટાળાથી બીજા કંટાળા તરફ જવાની યાત્રા શરુ થાય છે. વિશ્રામ, શાંતિ, પ્રેમ આ યાત્રામાં ખોવાઈ જાય છે.

તો જ્યાં સુધી ઘરે નહીં પહોંચો, ત્યાં સુધી વિશ્રામ નહીં મળે. રસ્તામાં તમે થોડું રોકાઈ શકો, પરંતુ ત્યાં ને ત્યાં જ હંમેશ માટે રહી ન શકાય, ખરું ને? હાઈ-વે પર એક બાજુ વાહન રાખીને, બહાર નીકળીને તમે થોડું ફરી શકો, પરંતુ ત્યાં તમે સુઈ શકતા નથી. કાયમ માટે તમારે હાઈ-વે પર રહેવું શક્ય નથી. તાત્પર્ય એ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિથી ખુશી મળશે કે તરત જ મન કહેશે, આગળ ચાલો. અહીં રોકાવું નથી.

તમે જયારે ટીન એજર હતા ત્યારે તમે નવાં મૂવીની રાહ જોતા હતા. નવી પાર્ટીમાં જવાની તમને પ્રતીક્ષા રહેતી. પછી તમે જીવન સાથી મેળવવાની પ્રતીક્ષા શરુ કરી. ત્યાર પછી પોતાનું ઘર અને બાળકોની પ્રતીક્ષા! જેઓ અવિવાહિત છે તેમને લાગે છે કે વિવાહિત લોકો કેટલાં સુખી છે! અને જેમનાં લગ્ન થઇ ગયાં છે તેમને લાગે છે કે સુખ તો અવિવાહિત રહેવામાં જ છે. જેમને સંતાન નથી તેમને લાગે છે કે એ લોકો જેમને સંતાન છે તેઓ વાસ્તવમાં ખુબ સુખી છે. અને જેમને સંતાન છે તેમને લાગે છે કે બાળકો મોટાં થઈ જાય તો સારું, પછી ફ્રી થઇ શકાશે. પોતાના માટે સમય કાઢી શકાશે.

જીવન આ જ રીતે ચાલતું રહે છે પરંતુ આ જીવન કંટાળાજનક થઇ પડે છે. તમે એક અધ્યાત્મ પથ તરફ વળો છો, ફરી એને પણ બદલાવીને બીજા અધ્યાત્મ પથ તરફ આકર્ષાઓ છો. અને અંતે અધ્યાત્મથી, સાધનાથી પણ કંટાળો છો. તમે કહો છો, “ઓહ! મેં વીસ વર્ષ ધ્યાન કર્યું. મહેરબાની કરીને ફરી કોઈ નવું ધ્યાન કરવાનું મને કહેશો નહીં, બસ! બહુ થયું, પ્રાણાયામ? તેની તો વાત જ ન કરશો, બહુ જ બોરિંગ છે.” તો વાસ્તવમાં, ઈચ્છાઓને લીધે તમે થાકો છો. શરીર કરતાં તમારા મનની અંદર રહેલી ઈચ્છાનો તમને થાક લાગે છે. જો તમે તમારી મરજીથી 15 કલાક કામ કરશો તો તમને થાક નહીં લાગે, પરંતુ જો તમે કોઈ કામ પરાણે કરો છો તો 4 કલાકમાં જ થાકી જશો. તમે વારંવાર ટી-બ્રેક લેશો અને છતાં પણ થાકી જશો. ઘણી વખત કઈં પણ કામ કર્યા વગર જ માત્ર વિચારીને પણ તમે થાકી જાઓ છો, ખરું ને?

એક સમ્રાટ, જેની લાખો લોકો પર સત્તા ચાલતી હતી, અપરંપાર વૈભવ, વિદ્યા, સૈન્ય હોવા છતાં તે જીવનથી કંટાળી ગયો હતો. સાચી શાંતિ અને વિશ્રામની શોધમાં, રાજ-પાટ, મહેલ, વૈભવ, પરિવાર સઘળું ત્યજીને તેણે પરિભ્રમણ શરુ કર્યું, પરંતુ તેને ક્યાંય શાંતિ મળી નહીં. રાજા બનવામાં પણ શાંતિ ન હતી, સર્વસ્વ ત્યાગીને સાધુ બનવામાં પણ શાંતિ ન હતી.

અંતે થાકીને એક વૃક્ષ નીચે લંબાવ્યું. પાનખરની ઋતુ હતી અને તેણે જોયું કે એક સૂકું પાંદડું વૃક્ષ પરથી ખર્યું. સમ્રાટ પાંદડાંને નિહાળ્યા કરતો હતો, અને તેણે શું જોયું? પવન જો પૂર્વ તરફ વહેતો હતો તો પાંદડું પૂર્વ તરફ વહેતુ હતું, પવન જો ઉત્તર તરફ વહેતો હતો તો પાંદડું ઉત્તર તરફ વહેતું હતું! પવનની દિશામાં જ પર્ણ ડોલતું હતું. અને સમ્રાટની પ્રજ્ઞા જાગૃત થઇ ઉઠી. તેને ચમકારા સાથે સમજાઈ ગયું કે કર્તાભાવથી થાક લાગે છે, સતત ઈચ્છાઓ રાખવાથી થાક લાગે છે! ક્ષણાર્ધમાં બધી જ ઈચ્છાઓ, “હું કરું છું” તે ભાવ છૂટી ગયો અને પૂર્ણ વિશ્રામની પ્રાપ્તિ થઇ.

તો એક જ સ્થાન છે જ્યાં તમે વિશ્રામ પામો છો અને તે છે દિવ્ય પ્રેમ અને સમર્પણ! સમર્પણ પ્રક્રિયા નથી. તમે સમર્પણ કરી નથી શકતા, પરંતુ જયારે તમે જગતથી, ઈચ્છાઓથી સાચે જ થાકી જાઓ છો, ત્યારે સમર્પણ ઘટિત થાય છે. પુરાતન સમયમાં પ્રબુદ્ધ ઋષિઓ તેમના શિષ્યોને કહેતા કે સાધના કરો, અને જયારે ન થઇ શકે, થાકી જાઓ ત્યારે ઘરે આવો અર્થાત ગુરુ પાસે આવો અને વિશ્રામ કરો. એટલે જ જ્યાં ઋષિઓ નિવાસ કરતા તે સ્થાનને આશ્રમ કહેલ છે. “આ” એટલે ન હોવું અને “શ્રમ” એટલે મહેનત, જ્યાં શ્રમ નથી તે આશ્રમ છે. આશ્રમ એટલે શારીરિક અને માનસિક શ્રમની અનુપસ્થિતિ! પૂર્ણ વિશ્રામનું સ્થળ. જ્યાં જઈને કૈં જ કરવાનું રહેતું નથી, એક જ્યોત પ્રજ્વલી રહી છે, તે તમને પણ પ્રજ્વલિત કરશે, તમારે માત્ર ત્યાં જવાનું છે, અને એક દિવ્ય શક્તિની ઉપસ્થિતિની અનુભૂતિ કરવાની છે. એ દિવ્ય શક્તિનું એક અભિન્ન અંગ બની જવાનું છે. પછી તમે જોશો કે જગત તમને થકવી નહીં શકે. તમે પ્રેમનો સ્ત્રોત બની જાઓ છો. તમે શેનાયથી અકળાઈ ઉઠતા નથી.

આ છે જીવન જીવવાનો માર્ગ! ઈશ્વર તરફથી જે કઈં મળે છે તેનો સંપૂર્ણ સ્વીકાર, ભૂતકાળની ઘટનાઓ માટે પશ્ચાતાપની ભાવના નહીં અને ભવિષ્ય માટે કોઈ ચિંતા અને ભયની લાગણી નહીં! વર્તમાન ક્ષણની સાથે સૂકા પાંદડાંની જેમ વહ્યા કરવું એ પૂર્ણ વિશ્રામની સ્થિતિ છે. એ જ કર્મયોગ છે. કર્તાભાવ વગર, ફળની પ્રાપ્તિ માટે વિહ્વળ થયા વગર શત પ્રતિશતથી કાર્ય કરવું એ વિશ્રામ છે. પ્રથમ તો ઇચ્છાઓથી, કર્તાભાવના બોજથી થાકી જાઓ અને પછી સઘળું સમર્પણ કરીને આત્મસ્થિત થઇ જાઓ, અહીં ગહન વિશ્રામ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)