યાદ આવે છે, આપણી ઓળખાણ પછીનો એ પહેલો ‘ચોકલેટ ડે’…

આલાપ,

આમ તો ફેબ્રુઆરી મહિનો હળવી ઠંડીનો મહિનો છે પરંતુ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ માસ મારા માટે અતિ દાહક રહ્યો છે કેમ કે આ મહિનો એટલે વેલેન્ટાઈન-ડે અને આ પ્રેમીઓનો મહિનો – એવું મનાય છે. જો કે પ્રેમ માટે કોઈ ચોક્કસ દિવસ કે મહિનાઓ ન હોય . આપણે મન તો આખું વર્ષ વેલેન્ટાઈન-ડે હતો અને એ વખતે ‘વેલેન્ટાઈન-ડે’ નું આજ જેટલું મહત્વ પણ ક્યાં હતું? છતાં, તેં મારા દરેક વેલેન્ટાઈન્સ-ડે ખૂબ યાદગાર બનાવ્યા છે. આજે ‘ચોકલેટ ડે’ છે ત્યારે મને આપણી ઓળખાણ પછીનો એ પહેલો ‘ચોકલેટ ડે’ યાદ આવે છે.

હજુ આપણી ઓળખાણને થોડા જ દિવસો થયા હતા અને તને મારી પસંદગી વિશે ખાસ કશો અંદાજ પણ નહોતો . એ સવારે તું કલાસમાં સૌથી વહેલો પહોંચી ગયેલો અને તેં મારી રોજિંદી જગ્યાએ ડેસ્ક નીચે એક મોટું ચોકલેટનું બોક્સ, ખૂબ જ સુંદર ઉઘડતી કળી જેવું લાલ ગુલાબ અને એક ટેડીવાળું કિચેઇન મૂકી દીધેલું. તું ધડકતા હૃદયે મારા આવવાની રાહ જોઈ રહેલો પણ.. હું ઉતાવળી ચાલે આવીને અલગ બેન્ચ પર બેસી ગયેલી, જોકે તારા તરફ નજર પડતાં જ મને લાગેલું કે તું કોઈ મૂંઝવણમાં છે. એ પછી તો એ બેન્ચ પર બેઠેલી મારી જ એક મિત્રને તારું સમજાવવું, ડેસ્ક નીચેથી એ ગિફ્ટનું સેરવવું અને સૌથી મુશ્કેલ એ કે આખા કલાસ વચ્ચે એ પેકેટને મારા ડેસ્ક પર મૂકવું..આહા !! શું મજા હતી એ દિવસની !! અને તને યાદ છે આલાપ? મેં તને ઇશારાથી આટલી ગિફ્ટ આપવાનું કારણ પૂછેલું ત્યારે તેં વાત ટાળી દીધેલી પણ મને તો બીજા જ દિવસે ખબર પડી ગયેલી કે આ ‘વેલેન્ટાઈન વીક’ ચાલી રહ્યું છે અને તું મને આગળના બન્ને દિવસની મળીને એકસાથે આ 3 ગિફ્ટ આપી રહ્યો છે. એ પછી તો મેં પણ બાકીના દિવસોની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને આમ જ ‘પ્રપોઝ ડે’ને આપણે સાચા અર્થમાં ઉજવેલો. હેં આલાપ, આજે પણ એ જાણે ગઇકાલની ઘટના હોય એવું નથી લાગતું?

સમયના વહેણમાં તણાઈ ગયા એ દિવસો, એ ખુશી અને એ નાદાની, પરંતુ જે રીતે નદીના વહેણમાં કશુંક નક્કર તણાયા પછી પણ એની નકકરતાની છાપ રહી જાય એમજ આપણી આ તણાયેલી ખુશી, નાદાની અને એ દિવસો મારા મનની નદીમાં પ્રેમની-યાદોની છાપ છોડી ગયેલ છે. ફરી આવો દિવસ આવે છે ત્યારે આ યાદો તાજી થાય છે. ફરીથી પાનખર જેવા જીવનબાગમાં વસંતનો પગરવ થતો લાગે છે, ફરી યાદોના ફૂલો ખીલે અને ખુશીની ખુશ્બુ લહેરાય અને આમ જ દિવસ વીતી જાય છે.

પણ ધારો કે એવું થયું હોત… કે આપણે આપણું ભવિષ્ય જેમ ઇચ્છયું એમ જ ઘડી શક્યા હોત… આજે આપણે એકમેકના જીવનસાથી હોત… તો શું આ દિવસ આજ કરતાં વધુ સારો ઉજવી શક્યા હોત? વિચારવા જેવું તો ખરું. મને લાગે છે કે જે રીતે મીઠામાં મીઠી ચોકલેટનો અતિરેક મોઢાનો સ્વાદ મારી નાખે છે એમ જ આપણાં સહજીવનમાં અનાયાસે ક્યારેક ઉભી થઇ જતી કડવાશ આ યાદોની મીઠાશની મજા મારી નાખત. તને એવું નથી લાગતું કે એકમેકથી દૂર રહીને આપણે બન્ને આ સંબંધની મીઠાશ વધુ સારી રીતે જાળવી શક્યા છીએ?

આલાપ, આજના ‘ચોકલેટ ડે’ માટે એટલું તો જરૂર કહીશ કે જ્યારે તમારી મનપસંદ ચોકલેટ તમે વધુ પ્રમાણમાં ખાધી હોય ત્યારે એનો સ્વાદ દાઢમાં રહી જતો હોય છે અને જ્યારે જ્યારે એ ચોકલેટની યાદ આવે ત્યારે ત્યારે મોંમાં એનો સ્વાદ અનુભવાય છે. આજના દિવસે મને પણ આપણાં સંબંધની દાઢમાં રહી ગયેલી મીઠાશનો સ્વાદ અનુભવાય છે.

શું તને પણ આવું થાય છે?

-સારંગી.

(નીતા સોજીત્રા)