વર્ષો પછી એ અધૂરી ડાયરીમાં…

આલાપ,

આમતો તું સાથે હતો ત્યારે તને ક્યારેય નહીં જણાવેલી એક વાત આજે તને કહેવી છે. કેમ કે આજનો દિવસ તળિયે દબાવી રાખેલી એ જૂની યાદને સપાટી પર લાવ્યો છે. વર્ષો પહેલાં મેં ‘જીવન એક રંગમંચ છે અને આપણે એના પાત્રો– શેક્સપિયરના આ વાક્ય સાથે મારા જીવનની પ્રથમ ડાયરી લખવાની શરૂઆત કરેલી. આ ડાયરીમાં મેં મારા જીવનને શબ્દો આપવા પ્રયાસ કરેલો. આજે એ ડાયરી હાથ લાગી ગઈ. ઘણું લખાયું હતું એમાં. હું વાંચતા વાંચતા સરી પડું છું ભૂતકાળમાં.

કોલેજનું એન્યુઅલ ફંક્શન અને આપણે શેક્સપિયરનું સુપ્રસિદ્ધ નાટક રોમિયો-જુલિયેટ ભજવી રહેલા. વાસ્તવિક પ્રેમને પરદા પર ભજવવામાં આપણને કોઈ અભિનય કરવાની જરૂર નહતી લાગી. બહુજ વખણાયેલો આપણો અભિનય પરંતુ એ વાત માત્ર આપણે જ જાણતા હતા કે એમાં અભિનય હતો જ નહીં. એ પછીથી આપણે કોલેજમાં રોમિયો-જુલિયેટથી જ ઓળખાવા લાગેલા. મને શેક્સપિયરને વાંચવાનો ચસ્કો લાગ્યો અને એમનું આ એક વાક્ય મને આરપાર ઉતરી ગયું. એ વાંચતાની સાથેજ મેં નવીનક્કોર ડાયરીના પહેલા પાનાં પર એને ટપકાવી લીધું અને એ પછી એ ડાયરીમાં મારુ પાત્ર આલેખતી રહી.


આજે પણ ડાયરીના પાનાંમાં યાદોના ફૂલો મહેકે છે. આપણો પ્રેમઆપણી મુલાકાતો અને આપણાં વચ્ચેની લાગણીને શબ્દોમાં ઢાળીને ડાયરી લગભગ અડધી ભરાઈ ચુકી હતી કે અચાનક બધાજ પાનાં વેરાઈ ગયા. ડાયરીનું બંધ જાણેકે છૂટી ગયું. સપનાંઓ તૂટ્યા અને લખાણ છૂટયું. આગળના કોરા પાનાં આજે મને જાણે કહી રહ્યા છે, “સારંગીજરૂરી નથી કે જે જીવાયું એને જ આલેખવું. માન્યું કે તારા સપનાંઓ તૂટ્યા છે પણ તું તારી લાગણીની કલમને કલ્પનાની શ્યાહીમાં ઝબોળીને મને સુંદર રંગ આપી એક મનોહર ભાવવિશ્વ ઉભું કરી શકે છે.” ને મેં નિર્ણય કર્યો કે હું ફરી લખીશ. વર્ષો પછી એ અધૂરી ડાયરીમાં મેં નવું જીવન આલખેવાની શરૂઆત કરી..

ધારો કે…આપણે સાથે હોત…
આ વાક્ય મારા વિચારોની દિશા બદલી નાખશે. અને માની લે કે આપણે ખરેખર સાથે હોત તોતો આ ડાયરીનું એકપણ પાનું ખાલી ન હોત. આજે શેષ જીવનની શેષ ક્ષણોમાં આપણે હીંચકે બેસીને આ ડાયરી વાંચતા-વાંચતા ફરી એકવાર જીવી ગયેલું આયખું જીવી રહ્યા હોત. આલાપહવે આ ડાયરી પર આપણાં સાથે હોવાની કલ્પનાઓ વહેતી મુકીશ ત્યારે હું સતત તારી સાથે જીવી રહ્યાનો અહેસાસ કરીશ. વાતો કરીશ તારી સાથેઝગડારિસામણાં- મનામણાં અને સહજીવનની એ દરેક અનુભૂતિથી ફરી જીવનમાં એક નવો રંગ ઉમેરાશે. મારી ડાયરીમાં જીવશે એ મૃત પાત્રો- રોમિયો અને જુલિયેટ.

આલાપજીવનપર્યંત આપણે આપણું પાત્ર ભજવવાનું છે અને દરેક પાત્ર હકીકતોથી જ નથી ભજવાતું કેટલાક પાત્રો કલ્પના થકી પણ ભજવી જવાના હોય છેહેં ને?

સારંગી.

(નીતા સોજીત્રા)