દૂર જવાથી સાથ છૂટે છે, સગપણ નહીં

આલાપ,

સમય પણ કેવા કેવા રંગ બતાવે છે..!! વધતી ઉંમરની એક નિશાની એ પણ છે કે સ્મૃતિભ્રંશ થવો. યાદશક્તિને ઝાંખપ આવવી એ વૃદ્ધાવસ્થાની નિશાની છે. વૃદ્ધાવસ્થા તનથી જોડાયેલી છે પરંતુ જ્યારે મનથી વૃદ્ધ થઈ જવાય ત્યારે યાદશક્તિ વધુ તેજ અને ધારદાર બને છે. સમય કે સંબંધે આપેલા અમુક ઘાવ માણસને અચાનક વૃદ્ધ બનાવી દે છે. આવી અવસ્થામાં ભૂતકાળ ભૂતાવળ બનીને ભરડો લે છે.

   “હર પ્રસંગે યાદ આવે છે હજી પણ એમની,
એ પરાયા થઈ ગયા ને તો ય સગપણ રહી ગયા.”

બસ, કઇક આવું જ અનુભવાય છે જ્યારે સાથે જીવવા મરવાના કોલ દીધા પછી કોઈ એક ઝાટકે હાથ છોડાવીને જતું રહે છે ત્યારે. સહજીવનના રંગીન સપનાંઓ અચાનક કાળું ધાબું બનીને આંખની આસપાસ વમળો રચ્યા કરે છે.

આજથી શરૂ થયેલી ઠંડી આવી જ લાગણી જન્માવે છે. તને યાદ આવે છે આપણા સંબંધનો એ પહેલો શિયાળો? તારા રૂમની બાલ્કનીમાં ઉભા રહીને દૂર ક્યાંક જોયા કરતા તને મેં અચાનક આવીને સહેજ ડરાવી દીધેલો. તું સહેજ નારાજગી સાથે મારી તરફ જોઈ રહેલો. મારા બન્ને હાથ મેં પાછળ રાખેલા જેમાં તારા માટે કોઈ ગિફ્ટ હતી. તું પણ મારી ગિફ્ટ કરવાની આદતને જાણતો હોવાથી ઉતાવળો થયેલો. મેં હળવેથી તારી સામે એક મસ્ત હુંફાળું સ્વેટર મૂકીને તને કહેલું, “આલાપ, આ સ્વેટર તારા માટે મેં જાતે ગુંથ્યુ છે તો એમાં જે હૂંફ મળશે એ ઉનની નહિ, મારા સ્પર્શની હશે.” અને તેં તરત જ એ સ્વેટર પહેરી લીધેલું. હું કેટલી નાદાન હતી. હું માનતી કે સ્વેટર જેટલી હૂંફ તને આપે છે એટલી જ હૂંફ આપણે આપણાં સંબંધોને આપીશું પણ હું એ ભૂલી ગયેલી કે સ્વેટરની હૂંફ એક જ મોસમ પૂરતી હોય છે. બસ, કોઈ નબળી ઘડીએ આપણાં સંબંધોને ગ્રહણ લાગ્યું અને આપણાં સંબંધની મોસમ પલટાઈ.

ફરી એ જ રૂમની બાલ્કની, તું અને હું. આ વખતે ગિફ્ટ એ જ હતી પરંતુ એ તારા હાથમાં હતી. મેં ગિફ્ટ કરેલી ત્યારે મારા ચહેરા પર ખુશી હતી અને તું કરતો હતો ત્યારે ઉદાસી. એ દિવસે આપણી આખરી મુલાકાત હતી. તું શહેર, દેશ અને સંબંધ- બધું જ છોડીને જઈ રહ્યો હતો. તેં મને પેલું સ્વેટર પરત કરતાં કહેલું, ” સારું, આ સ્વેટરે મનેતો બહુ જ હૂંફ આપી પરંતુ હું સંબંધોને ન આપી શક્યો. હું આ હુંફને લાયક નથી માટે આ તને પરત કરું છું.” મારી પાસે શબ્દો ન હતા. આંખો હાથમાં રહેલા સ્વેટરને ધોઈ રહી હતી.

આલાપ, એ પછી આટલા વર્ષો આ સ્વેટરે મને તારા સ્પર્શની, વાતોની, તારા હોવાપણાંની હૂંફ આપી છે. મને ઘણીવાર વિચાર આવે કે, ધારો કે તું આ સ્વેટર સાથે લઈ ગયો હોત તો એ તને હૂંફ આપી શક્યું હોત? હું જાણું છું કે જવાબ ‘ના’ જ છે. વિદેશની ઠંડીથી આ બિચારું સ્વેટર તને ન બચાવી શક્ત અને તો પછી એ ક્યાંય બેગના તળિયે એકલવાયું પડ્યું હોત પણ મારી પાસે છે તો એમ જ સમજ કે એ જ મારા જીવવાનો આધાર છે.

‘કોઈના દૂર જવાથી સાથ ચોક્કસ છૂટે છે પણ સગપણ નહિ.’ તને પણ આવું લાગે છે આલાપ?

-સારંગી.
(નીતા સોજીત્રા)